ઓ સર્જક…

(મારી ચોથી નવલકથા લખવાની શરૂઆત સમયે ખુદને એક સર્જક તરીકે તૈયાર કરવા આ એલાન લખેલું. કદાચ અન્ય સર્જકોને કામ આવશે એમ સમજી શેર કરું છું)

ઓ સર્જક…
કુદરતે જગતને દ્વંદ્વથી ભર્યું છે.
અહીં સુખ અને દુઃખ બેય ફાટફાટ દીધાં છે.
…અને સુખ-દુઃખની ફાટાઇને પામવાં,
આ ક્ષણજીવી જીવનીને ભેદવા,
દ્વંદ્વ માંહેથી સતની દૃષ્ટિ પામવાં
કુદરતે પાથરી છે ‘કળા’.

એ સર્જક…
તમ થકી આ કુદરત જગત સમક્ષ ‘ખુદ’ વ્યક્ત થવા માંગે છે!
એ ઉતરે છે તમ સર્જકોની અંદર,
અને એકોએક માનવીના કોઠે જાય છે
જીવન-સંવેદનાના દીવા કરવા.
એલા જીવતાં જાગતાં શીખવાડે છે ઈ તમ થકી!

એ રૂડાં સર્જક,
તને તો આ કાયનાતે ચાહેલો છે.
તારા થકી આ કયામતને કાંઈક બોલવું છે એ ભાઈ!
તો એ સર્જક…
જ્યારે માત-સરસ્વતી તારા પંડે ઉતરેને,
ત્યારે માત્ર સાધક બનજે.
ઓલી અકળ કળાને તારા થકી કાગળે ઉતરવા દેજે.

એ ભાઈ,
જ્યારે એ શારદા તને સાધન માનીને જગતને કશુંક કહેવાં માંગતી હોય,
ત્યારે બીબાં ગોતવા જાતો નહીં,
છીબાં ઢાંકવા બેસતો નહીં,
આર્ટને આર્કીટેક્ચર માનીને શબદની ગોઠવણી કરવા લાગતો નહીં,
કારણ કે…
કારણ કે…સાંભળ…
જો કુદરત તારા થકી કશુંક કહેવાં માંગતી હોય ત્યારે તારી કળાને સ્ટ્રકચરમાં ઢાળવા બેઠોને, તો ઓલી કુદરત તને મેલીને બીજા કોઈ બાળક જેવાં નિર્મળ કલાકારને શોધી લેશે અને એનાં થકી વ્યક્ત થશે.
પણ એ વ્યક્ત તો થશે જ…
એ એનાં થકી વ્યક્ત થશે જ્યાં એનો સાધક માત્ર સાધન બનીને શબ્દ આપી રહ્યો છે.
અને છીબાં અને બીબાં લઈને બેઠેલાંને’ય એ મા શારદા આપશે,
પણ એટલું જ આપશે કે જે છીબાં અને બીબાંમાં સમાવા લાયક હોય.

એટલે મારા વ્હાલાં સર્જક…
આવ… સરસ્વતીનો સાધક બન. આરાધક બન. યાચક બન.
તારે તો તારી કળા થકી…
રાત અને સવાર વચ્ચે જન્મેલાં ધુમ્મસ ભર્યા પરોઢિયાને શબદ દેવાનાં છે,
તારે માનવીના મૂંગામંતર પડછાયાને બોલ દેવાનાં છે,
તારે અબળાની છાતીએ સંતાયેલી ક્રાંતિઓના દરિયાઓને કિનારા દેવાનાં છે.
તારે તો શબદ સળગાવીને માનવ-મનમાં દીવા કરવાના છે.

(અને શું નથી કરવાનું?)
જેમ કોઈ સાચો સંત એનાં ઈશ્વરનું ગાન છોડીને,
પછી દાન-ધરમનો વિકાસ કરવા નીકળે,
ઈશ્વરના ઘરના જીર્ણોદ્ધાર આદરે,
ઈશ્વરને આગળ રાખીને પોતાની પ્રસિદ્ધિની જાળ પાથરે,
એમ જ એક સાચો સર્જક, પોતાની સરસ્વતીની સાધના છોડીને,
લક્ષ્મીનો પીછો કરવા નીકળે,
મંચ માંગે, એવોર્ડ ચાહે, પાંચ પૈસાની પ્રસિદ્ધિ પાછળ,
ઓન-ડિમાન્ડ શારદાને બોલાવે…
એલા એમ આ કુદરત આવતી નથી રોજરોજ.

એટલે મૂકી દે મેલા મન.
મૂકી દે આ મૃગજળ જેવી ઝંખનાઓ મોટા થવાની.
બેસ કુદરતની સાધનામાં અને…
મારી નાખ બધાં જ ભય.
મારી નાખ તારી જાગતી ચેતનાને.
મારી નાખ તારા વાચકો, ચાહકો, પ્રેમીઓ and what not!
કાપી નાખ બધાં જ મનના મેલ અને કપટ.
છોડ રાજકારણની રમતો તારા કહેવાતાં ખોબાં જેવડાં સાહિત્ય-જગતની,
અને આવ મેદાનમાં રાસ રમવા…
એવાં મેદાનમાં જ્યાં મીરાં કાન્હ માટે લખતી હશે.
જ્યાં તુલસી રામ માટે લખતો હશે.
જ્યાં ગંગાસતી અને પાનબાઈ ભજન રચતી હશે.
અરે ખોલ દરવાજા તારી છાતીના ઓ સાધક,
અને જો ઓલી કુદરત કેવી વહે છે કલ્પનાઓનો ધોધ બનીને…
એ કલ્પનાઓને, એ ચિત્રોને, એ અવાજોને…
શબદ આપ…
માત્ર શબદ આપ…
અને જો…
એ વ્હાલાં સર્જક,
તું જો કે તું કવિતા લખે છે કે ક્રાંતિ?

રામબાઈના ઓરીજીનલ ફોટોઝ || Original Photos of The Raambai

ધ રામબાઈ‘ નવલકથા એક સત્ય જીવનયાત્રાથી પ્રેરિત થઈને લખાયેલી નવલકથા હોવાથી એને વાંચીને ઘણાં ઈમેઈલ્સ અને મેસેજ આવતાં હોય છે કે વાંચકને રામબાઈના વાસ્તવિક ફોટોઝ જોવાં છે. અમુક ફોટોઝ નવલકથાના અંતમાં પ્રિન્ટ કરેલાં જ છે, પરંતુ આમેય વીસમી સદીના ફોટો હોય, ઝાંખા હોવાથી પ્રિન્ટમાં સરખાં સૂઝતાં નથી. એટલે મારી પાસે જેટલાં ફોટો હાલ ઉપલબ્ધ છે એ બધાં જ અહીં શેર કરું છું.

યાદ રહે કે આ વાર્તા અને રામબાઈ પોતે એ સમયમાં થઇ ગયેલાં જ્યારે ફોટોગ્રાફી ગામડાંના ગરીબ માણસને પરવડે નહીં. આખા જીવનમાં એક-બે ફોટો પાડેલા હોય અને એ ગજબ ઊંડું સંભારણું હોય. રામબાઈ અને વીરજીના પણ વધું ફોટો અવેલેબલ નથી. પાડેલા જ નથી. પરવડતાં નહીં હોય. એમનાં હાલ તદ્દન ખંડેર એવાં ઘર અંદરથી જેટલાં ફોટોઝ મળ્યાં છે એ બધાં જ મેં અહીં અપલોડ કર્યા છે.

આ છે આપણી ‘ધ રામબાઈ’. યુવાન વયે આ ફોટો પાડેલો હશે. કદાચ ચાલીસ વર્ષે. આ મારો સૌથી પ્રિય ફોટો છે. એનો ચહેરો, આંખો, એનાં અસ્તિત્વનું તેજ, અને મારી એમની સાથેની યાદો… જ્યારે-જ્યારે આ ફોટોને જોઉં ત્યારે રડી પડું. (જુઓ અત્યારે પણ લખતાં લખતાં…)
આ એમનાં ઘરની ડેલી. અગેઇન મારું પ્રિય દૃશ્ય. રામબાઈ જીવતી ત્યારે પણ આ ડેલીએ ઉભો રહું અને મારા અંતરમાં થતું કે આ ડેલીની અંદર કોઈ જાગૃત ચેતના પોતાનો અખંડ ધૂણો નાખીને બેઠી છે. બસ એવું વાઈબ્રેશન ફીલ થતું! અને રામબાઈના પરમની પરિક્રમ્માએ ગયા બાદ પણ હું જ્યારે એનાં ખંડેર ઘર પર જાઉં ત્યારે એમ લાગે કે અંદર કોઈ જાગૃત ચેતના જીવીને ગયેલી છે. કદાચ આ અનૂભૂતિ મારા એકલાંની હશે, અથવા આ સ્ત્રીને પામનારા દરેકને થતી હશે.
ઉપર જે ડેલી છે એને પકડીને ઉભેલી છે આ ભીંત. નવલકથા વાંચશો ત્યારે ખબર પડશે કે વીરજીએ આ ભીંત કેમ ચણેલી. હું અહીં કશું કહું તો એ વાર્તા-તત્વ ખોલી નાખશે. એટલું કહી શકું કે જેનાં જીવનને જોઇને વાર્તાઓ લખાતી હોય એવી સ્ત્રી અને મરદને પણ ક્યારેક થાક લાગતો હોય છે સમાજથી. આ દીવાલો એ થાકથી ચણાતી હશે.
આ છે જીર્ણોદ્ધાર થયેલું મંદિર. નવલકથાનું એક ખુબ મહત્વનું પાત્ર છે. આ જગ્યા વર્ષો પહેલાં અલગ હશે. મંદિર રામબાઈના સમયમાં કેવું હશે એ ખબર નથી, પરંતુ હાલ આ આવું છે. રામબાઈની ડેલીની એકદમ સામે રસ્તાની બીજીબાજુ હજુ અડીખમ ઉભું છે. નવલકથામાં અહીં એક ઘટના બને છે. એ ચેપ્ટરનું નામ છે “અવતાર”. મને યાદ છે કે બેંગ્લોરમાં મારા ઘરની બાલ્કનીમાં બપોરે જમીને એક વાગ્યે હું એ ચેપ્ટર લખવા બેઠેલો. હું જમીને ક્યારેય ન લખું, પણ આ ‘અવતાર’ વાળી ઘટના મારી અંદર મહિનાથી આવતી ન હતી અને હું ખુબ બેચેન હતો. પણ ઓ ભાઈ…જ્યારે લખવા બેઠો, અને એ અવતારની ઘટનાને ભાળવા લાગ્યો, પછી તો લખતાં-લખતાં એવું ધ્યાન લાધી ગયું કે સતત બે કલાક હું કોઈ અજીબ વિશ્વમાં હતો, ત્યાં સંપૂર્ણપણે અંધકાર હતો અને અવતાર થઇ રહ્યો હતો, અને માનશો નહીં, પણ મને સ્થળ-કાળનું કશું જ ભાન નહીં. બે કલાકને અંતે મારી પત્ની કલ્પિતાએ મને બાજુમાં આવીને ગરમ ચાનો કપ અડાડ્યો અને હું ભાનમાં આવ્યો. જોયું તો લેપટોપની બેટરીનો ક્યારની જતી રહેલી અને મારી આંગળીઓ અભાનપણે એમ જ ટાઈપ કરતી હતી. હું એવાં ટ્રાન્સમાં જતો રહેલો કે મને મારી સાથે શું થયું એ જ ભાન ન રહ્યું. જેટલું ચેપ્ટર ટાઈપ થયેલું એ આજે પણ વાંચકોને એવાં જ ટ્રાન્સમાં ટ્રાન્સફોર્મ કરે છે. કુદરત એવું કમાલ કરે છે કે તમે લેખક મટીને માત્ર એક સાધન તરીકે સરસ્વતીને વહેવા દો તો એ તમને જાદુઈ વિશ્વોની અનૂભૂતિ કરાવે છે.
હવે આપણે ડેલીમાં અંદર પ્રવેશીએ એટલે ડાબા હાથે આ (૨૦૨૩માં પાડેલ ફોટો) ટોઇલેટ અને બાથરૂમની જગ્યા છે. અહીં વર્ષો પહેલાં કશું જ ન હતું. માત્ર વિશાળ ફળિયું. દીવાલ પણ નહીં. જાજરૂ પણ નહીં. એક વૃક્ષ હતું અને એની નીચે ‘સિંહણ’ નામની ઘોડી અને ‘ગાવડી’ નામની ગાય રહેતાં. આ જે ટાંકી અને ટોઇલેટ દેખાય છે એ તો રામબાઈના પગ ચાલતાં બંધ થયેલાં એ સમયે બનેલાં હશે એવું અનુમાન છે.
ફળિયામાંથી સામે ઓસરી દેખાય. ઓસરીના પગથીયા ચડો એટલે તરત ડાબી બાજુ આ ફોટોમાં છે એ રસોડું અને પાણિયારું છે. આ ફોટો તો ૨૦૨૦માં પાડેલો છે. હાલ તો રસોડું ખોલું તો અંદર ખંડેર છે. ઉપરના નળિયા ખરી ગયા છે અને ઘણો કચરો અને અમુક વાસણ પડ્યા છે. આ રસોડામાં જે અડદની દાળની વઘારની સુગંધ, એ બાજરાના રોટલાં પર હથેળીની થપાટના અવાજ, એ ચાની વરાળ… બધું જ જાણે અકબંધ લાગે. એક બારણું ખુલે ને જાણે અંદરથી આખી જીંદગી જીવતી નીકળે.
ઓસરીમાં ચડો અને સીધી સામે આવે ઓરડી. એક જ ઓરડી. અંધારી. અંદર કબાટ, ખાટલો, વાસણોની કાંધી. હું જ્યારે ફોટો પાડવા ગયેલો ત્યારે અંદર ખુબ અંધારું હતું. લાઈટ ન ચાલી. એટલે અંદરના ફોટો નથી લીધા. અંદર ગયેલો ખાટલા પર ધૂળભર્યું ગોદડું પડ્યું હતું એ લઈને એને ભેંટીને હું ચૂપચાપ બેસી રહેલો. ૨૦૧૮માં જ્યારે રામબાઈ ન હતી ત્યારે હું આ રૂમમાં ગયેલો અને જાણે અચાનક રૂમ અંદર રામબાઈ જીવતી થઇ હશે અને મારા આતમમાં ઊંડી પોકાર થયેલી કે – ‘જા..તારી આ માની વાર્તા દુનિયાને કહેવી પડશે’
ઓસરીમાં રહેલી આ ઘડિયાળ હમણાં ૨૦૨૩માં હું ત્યાં ગયેલો ત્યારે જોઈ. નવલકથામાં નથી. મારી સ્મૃતિમાં જ ન હતી. આ જુના જોગી જેવી ઘડિયાળે સાચી ઘડીઓ ભાળી હશે. રામબાઈને જીવતી જોઈ શકે. આ ઘડિયાળના ડોલતાં લોલકે જોઈ હશે અલખના હિંચકે બેસીને ડોલતી રામબાઈને…
ઓસરીમાં જ રહેલો ટાંકો (કબાટ). ઉપર જર્જરિત થયેલું પુસ્તક ગીતા છે. અહીં રામબાઈ અને વીરજીના કપડા પડ્યા રહેતાં. એક રેડિયો પડ્યો રહેતો. એ રેડિયો પર મેં નારાયણ સ્વામીના ભજન સાંભળેલા છે એવું ઝાંખું-ઝાંખું યાદ છે. નવલકથામાં પણ લખેલું છે. કદાચ આ જ પોઈન્ટ હશે જેનાં લીધે મને સંતવાણી અને ભજનોનો જબરદસ્ત પ્રેમ લાગ્યો.
વીરજીબાપાનો યુવાન વયનો ફોટો. એમનાં ઘરે ફોટો છે એનો મેં ફોટો લીધેલો છે એટલે બ્લર દેખાય છે. કદાચ એમની ૪૫-૫૦ વર્ષની ઉંમરે લીધેલો હશે. નવલકથામાં મેં વીરજીને શોર્યવંત-ખુમારીથી છલોછલ મરદ બતાવેલ છે, જોકે વાસ્તવમાં એ ખુબ શાંત, સૌમ્ય, અને ફકીર જેવો જીવ હતાં. ખુબ પ્રેમાળ. કરુણાનો દરિયો એવો પુરુષ.
રામબાઈનો વૃદ્ધાવસ્થાનો ફોટો. કદાચ ૭૦ વર્ષે હશે. એમની આંખોનું અજવાળું તો જુઓ. એનાં ચહેરાંનું નૂર. એનાં Being માં ચળકતું જિંદગીરૂપ તો જુઓ…!
વીરજીદાદા એમની ગાવડી સાથે. કદાચ એ ૫૫-૬૦ વર્ષે હશે. નવલકથામાં એમની ઉંમરના પડાવ અલગ આપેલ છે. રામબાઈના પણ કાલખંડમાં પાંચ-સાત વર્ષના ફર્ક છે. ફિક્શનની જરૂરિયાતો હોય છે.
આ એક આલ્બમમાંથી ક્લિક કરેલો ફોટો છે. આ શું હતું એ ખબર નથી. આમાં તો રામબાઈનો અવતાર જ કૈક અલગ છે! એની આંખે આંજેલું આંજણ. એનાં હાથમાં બે બંગડી અને પોચો. એનાં આ વર્ષોમાં તો હું જન્મેલ પણ નહીં. મેં જોયેલી રામબાઈ હંમેશા વાદળી સાડીમાં હતી. એકલી હતી. બ્રમ્હાંડને પરણેલી.
વીરજીબાપાના ભાઈઓના દીકરાઓની વહું સાથે રામબાઈ. છેડે બેઠેલાં છે એ. મેં એમને હંમેશા આ સાડલામાં જ જોયેલ છે. નવલકથામાં બાકી જે બધું જ છે એ એમનાં મુખે સાંભળેલું છે, અથવા મારા માબાપે કહેલું છે, અથવા કલ્પિત કરીને ઉમેરેલું છે. નવલકથાને અંતે આ બાબતે ડીટેઇલમાં લખેલું છે.
આ છે રામબાઈના નાના બહેન ‘પાનબાઈ’. પાની બહેન. એમનું અવસાન હજુ આ લખું છું એનાં ૩ દિવસ પહેલાં જ અમરેલીમાં થયું. એમનાં અંતિમ દિવસોમાં હું ત્યાં હતો ત્યારે એમનાં ઘરેથી પડેલો ફોટો છે. તેઓ પણ એકલાં હતાં.

બસ ઉપર છે એટલાં જ ફોટો અવેલેબલ છે. પુસ્તક વાંચનાર માણસને કલરફૂલ ફોટો જોઈ શકે એટલે અહીં અપલોડ કર્યા છે. ઘણાં વાંચકમિત્રો નવલકથા વાંચીને રામબાઈનું ઘર જોવાં માટે હામાપુર ગામે જતાં હોય છે, પણ એનાં લીધે ત્યાં એક જ ઓસરીએ રહેતાં બીજા લોકોને અગવડ થાય એવું મને લાગે છે. ઘણાંને હું કહેતો હોઉં છું કે બહારથી મકાન જોઇ લેવું સારું રહે જેથી અન્ય લોકોની પ્રાઈવેસી જળવાઈ રહે. આ ફોટોઝ એટલે વધું મદદરૂપ થશે.

આ ઉપરાંત મારા એક વાંચક દોસ્ત પરાગ કાનપરિયાએ પોતાની ગજબ કારીગરી વાપરીને સતત ચાર મહિનાની મહેનત પછી રામબાઈના ઘરનું મોટું મોડેલ તૈયાર કર્યું અને મને ગીફ્ટ આપ્યું. એમાં તો પરાગે રામબાઈનું ઘર રૂબરૂ જઈને પ્રોપર વિડીયોગ્રાફી કરીને પછી અદ્દલ એવું જ મોડેલ સતત ચાર મહિના સુધી મહેનત કરીને બનાવ્યું છે એનાં ફોટોઝ મુક્યા છે. મકાનના નળિયા બનાવવા માટે પરાગે ૧૧૦૦ કોકડી (દરજીના દોરાંનું ખાલી કોકડું) વાપરેલ છે!

ફોટો સાથે મકાન કેમ બન્યું એનો વીડીયો ખાસ જોજો. વિડીયો જોવાં અહીં ક્લિક કરો.

અસ્તુ!

નવલકથા એમેઝોન પર ઉપલબ્ધ છે. લિંક

નવલકથાનું ટ્રેલર અહીં મુકેલ છે. લિંક

Extra:

મારા મિત્ર રજનીભાઈએ AI ની મદદથી રામબાઈનો ફોટો પ્રોપર ક્લીયર કરી દીધો છે, પ્લસ મોર્ડન લૂકમાં રામબાઈ કેવાં લાગત એની ઈમેજ મોકલી છે.

રામબાઈનું મોર્ડન વર્ઝન.

Life Updates 🍻

લાઈફની અપડેટ્સ:

૧. કોરોનામાં મારા અમુક આત્મીય મિત્રોના જતાં રહેવાથી, અને પછી સતત એકાંતમાં (પરિવાર સાથે હોઉં તો પણ એકાંત જ હોય છે) રહેવાથી છેલ્લાં બે વર્ષમાં કશું ખાસ લખ્યું જ નથી. સતત ફરતો રહ્યો. એકલાં, બેકલા, અને હવે રામ સાથે. જીવવામાં જોમ રેડાયું એમાં અંદરનો વાર્તા કહેનારો મૌન થઇ ગયો. પરંતુ હવે ફરી લખવાનું ચાલુ કર્યું છે. નેક્સ્ટ નવલકથા કદાચ 2025 માં આવશે. ફેન્ટસી અને સાયન્સફિક્શન જેવું કૈક છે.

૨. ત્રણ-ચાર મહિનાથી ‘ધ રામબાઈ’ પર નાટક લખી રહ્યો છું, અને આવતાં ત્રણ-ચાર મહિનામાં એ લોંચ થશે. જેવું લખાશે એવું ભજવાશે. જોઈએ. એનું પ્રમોશન કરવા લગભગ ઓનલાઈન નહીં થાઉં, પણ પછી એની ટીમ કહેશે તો કરીશું.

૩. ‘નોર્થપોલ’ નવલકથાનું હિન્દી ભાષાંતર થયું છે. એમાં જેમણે એ કામ લીધું એમણે તો જીવન નીચોવ્યું. એ પણ બહાર પડશે આ વર્ષમાં જ. જોઈએ.

૪. છેલ્લાં અમુક વર્ષમાં આંતરિક યાત્રા છે એની હું ડાયરી લખતો હોઉં છું. એમાં સતત વલોવાયેલા વિચારો, સત્યો, મૌન બધું જ લખ્યું હોય. આ અલખના આલમમાં કેમ જીવવું એ બાબતની ગોતાખોરી હોય. એટલે ‘ગોતાખોરી’ નામે એક ટેમ્પરરી ટાઈટલ સાથે હું જે પર્સનલ ડાયરી લખતો હોઉં છું એનું પબ્લિકેશન પણ કરીશું. જો કે આ તો અવિરતયાત્રાનો ટૂકડો બને, એટલે જ્યારે લાગશે કે વ્યક્ત કરી શકાય એવો છે ત્યારે પ્રકાશકને મોકલી દઈશું. આમાં પણ ત્રણ-ચાર વર્ષ તો જશે જ.

૫. હું ત્રણ-ચાર મહિના ગામડે હોઉં છું, અને પછી બે મહિના બેંગ્લોર. ગામડેથી વર્ક-ફ્રોમ-હોમ ચાલુ હોય છે. રામને કુદરતને ખોળે બાળપણ મળે એવી ઝંખનાને લીધે ગામડે જ છીએ. માબાપ સતત ભેગાં રહે એ પણ મોટું કારણ છે. અને મને મારા પ્રિય સાથી એવાં ગીર, માધવપુર, અને નર્મદા અહીં ગુજરાતમાં રહેવાથી મળ્યાં કરે છે. એમનાં ખોળે પડ્યો રહું છું.

****

ઘણાં મિત્રોના મેસેજ જોયાં કે સોશિયલ મીડિયા પર અમુક-અમુક સમયે લખતાં રહો. Issue is – હું ઓનલાઈન થઈને પોસ્ટ લખીને વ્યક્ત થાઉં છું એમાં મને ઘણી ખોટ પડે છે. (જો કે અત્યારે વ્યક્ત જ થઇ રહ્યો છું!) અંદર જે જનમ્યું હોય, અને હજુ તો ઘૂંટાતું હોય, એમેચ્યોર હોય, એવું બધું વ્યક્ત થઇ જવાથી બરાબર ચેતનાસભર બનતું નથી. અવ્યક્ત રીતે અંદર પડ્યું-પડ્યું એ એવાં અવનવાં આયામો ખોલે છે કે જેનાં થકી મારા સાચુકલાં લખાણ (I mean નવલકથાનું લખવાનું કામ) પર સારી પોઝીટીવ અસર પડે છે. ધ રામબાઈ લખતી સમયે હું બે વર્ષ ઓફલાઈન હતો તે એ બે વર્ષ જીંદગી તો આલાતરીન જીવ્યો જ, પણ સાથે વાર્તામાં ઊંડાણ કે ઉંચાઈ પણ મળી.
જો કે આ ઉપર કહ્યું એ બધું જ મારા માટે જ સત્ય છે. માણસે-માણસે જીવવાનાં ને વ્યક્ત થવાનાં તરીકા ફરે.

બીજું કે હું જ્યારે આ વર્ચ્યુઅલ સોસાયટીથી દૂર અવ્યક્ત-મૌન-જાગૃત હોઉં છું ત્યારે પૂરો અનાવૃત હોઉં છું. કોઈ ચહેરાં નથી હોતાં. હું લેખક નથી હોતો. સફળતા-નિષ્ફળતા તેલ લેવાં જતી રહી હોય છે. હું બાળક હોઉં છું આ પરમનું. જીવતરને પુરા જોમથી જીવવા અને સેલિબ્રેટ કરવાં માંગતું માણસ. પરંતુ એ બધું જ જીવાયું એ શેર થવા લાગે ત્યારે ખાસ મારા કેસમાં એવું થાય છે કે મારા પર એક એવું લેયર છવાયેલું રહે છે કે જેમાં મને ખબર હોય છે જે જગત મને કઈ રીતે જોઈ રહ્યું છે.

એટલે મારા આંતરિક ધૂણેથી ઉઠતાં કાચાં ધૂમાડા અહીં ફેલાવવા કરતાં પૂર્ણ તપીને પુસ્તકની અંદર લખાણમાં ઠરવું સારું પડશે.
અહીં ક્યારેક-ક્યારેક વ્યક્ત થવા આવીશ તો પણ શબ્દો ઓછાં રાખીશ. પ્રકાશક કે અન્ય કોઈ ટીમ સાથે થયેલાં પ્રમોશનના પ્રોમિસને પાળવા લખવું પડે એ લખીશું.

રામ

રામ મારા અસ્તિત્વમાં નવો પ્રાણ લઈને આવ્યો. એક નવું ચૈતન્ય ઓર્યું. મારી અને મારા પરિવારની દરેક આંતરિક સ્થિતિને અલગ જોમથી જીવતી કરી. અરે મને ખરો પ્રેમ કરતાં આવડ્યું. જે ક્ષણે રામને કલ્પિતાની છાતીએ પેટ ભરતો જોયેલો એ ક્ષણે મારી બાનું માતૃત્વ હું પામ્યો. જે ક્ષણે રામ મારી આંખોમાં જોઇને પહેલીવાર હસ્યો, બાપલા…મારું રોમ-રોમ જાણે પ્રેમરંગમાં રંગાઈ ગયું. જીવતરનું દરેક ભણતર હાલ હું રામ સાથે ફરીને ભણું છું. મારું આંતરિક આધ્યાત્મ મારા રામને લીધે બેઠું થયું. મારી આ ભવની ભ્રમણકક્ષામાં આ બાળક આવ્યું અને એનાં એક સ્પર્શે મારી કક્ષા બદલાવીને એ આયામ પર મૂકી દીધો કે જ્યાં ભ્રમણ પણ હું છું અને કેન્દ્ર પણ હું.
***
ઘણાં સમયે હું ઓનલાઈન થયો. સાચું કહું તો એવું કશું આકર્ષણ ન હતું કે ઓનલાઈન થઈને અહીં લખું. પરંતુ રામના જન્મ પછી કેટલાંયે મિત્રો જે આમ રોજે મળતાં નથી એમની સાથે મારા રામનો મારા જીવનમાં હોવાનો હરખ શેર કરવો હતો. કેવું હતું કે પોપટ ભૂખ્યો’ય નથી, તરસ્યો’ય નથી, અને રામના સામ્રાજ્યમાં બેસીને જીવતાં શીખે છે, અને ટોપના પેટનું જીવે છે. અને આ પોપટ સમજી ગયો છે કે પ્રેમ એ આ બ્રહ્મનું Fundamental Truth છે. જ્યાં-જ્યાં પૂર્ણ અવસ્થામાં પ્રેમ રેડાયો છે એ બધું જ જાગૃતિની અવસ્થામાં જતું રહ્યું છે. ત્યાં બધું જ જીવિત છે. [ હું તો કલ્પિતાને અને મારા માબાપને પ્રેમ કરતાંય હમણાં-હમણાં શીખ્યો! ]

હમણાં થોડાં દિવસ રામના ફોટોઝ અને લાઈફની અપડેટ્સ મૂકી દેશું, અને પછી પાછા અહીંથી થોડું અલ્પવિરામ.

Fundamentals of Life!

I finished living 11,323 days today! (I mean I turned 31 years today!) And on birthdays I often turn into Thinker Mode 😛 So here are the 10 most important Fundamental virtues of life I have understood in these 31 years:

  1. Love is the fundamental driving force of the universe! If there is love in each transaction we do with life, then eventually you would have lived a story worth telling. Put love into the work, and eventually, you become irreplaceable. Love unconditionally to another human being and see life blooming in each moment. Love yourself and you would enjoy each moment. 
  1. If you are really smart you should be ‘aware’ of life being lived. Be aware and witness your place here on the planet. A human truly aware of each fraction of the moment would know how to be happy. An aware human would seek truth. An aware human would have an inner force to change the course of life at any moment. All the philosophies of the world boil down to being aware at the micro and macro level.
  1. You are so unique life that there is nothing in this entire existence like you. No two leaves of any tree are the same. No two blood cells are the same. No two fish in the ocean are the same. Even a bond between two atoms is never the same in the entire universe. And hence, the way you live life should be unique to you. Innovate. Innovate your way of living this beautiful fragment. Find the truest form of your life before it shuts down. We live once.
  1. Simplify each transaction. Eat simple foods. Be friends with simple and truthful people. Understand that the simplest activities in daily life are the most beautiful. Cooking, Dancing, Listening to music, Walking without purpose, bathing, Washing, and cleaning and each simple act that all creatures on the planet do are most beautiful. If you love these acts, you would live each day with richness. Life is nothing but a string of days lived well. 
  1. Be long-term in every way possible. Witness the results of loving someone for decades. Witness results of investing for decades. Witness being better than yesterday for a decade. Witness results of eating healthy food for a decade. Witness reading books for a decade. Witness playing sports or just being super active for a decade. Be long-term because at the end of the day this one ideology would be a game-changer in the scale of life. 
  1. Try to be a really good human being. Truly good are rare. Truly empathetic are rare. Truly truthful, honest, and transparent humans are rare to find. I know the world might have given you a kick on the ass so many times, they would have broken your heart, but see – there is so much upside to being ‘rare’. A fantastic friend, lovable partner, good leader, or memorable stranger is ‘rare’. Look at the upside of being Good.
  1. Find a circle of 10. Read so much that you find those ten thinkers who are most important in shaping your life. Find those 10 besties who would make your journey remarkable and memorable. Find those 10 nice humans with whom you would want to build a team or company or career. Live so deep and with so much awareness that you find those 10 habits which shape you. Well, 10 is just a number here, but find your circle of competence in each phase of life. 
  1. This very moment is full of billions of possibilities. I have seen even the smartest people living miserable lives. They can’t dance, laugh loud, enjoy the rain, or sing a song badly. They keep thinking about what the world would think about them. They become slaves of bad habits, insane scrolling, intense anger, and unstoppable self-misery. Do you know why? They think they control their ‘choices’. Actually, they aren’t doing it well. See – Even though life is an ocean of grand randomness, you can actually mold your choices. You can have a choice of how to live this and the next fraction of seconds. You don’t have to control it, but you should be well aware that each passing moment could be lived differently among billions of permutations. 
  1. Forgive humans. Forgive life whenever it brought you bad surprises. Forgive those who broke your heart or did an injustice. Remove noise. Forgive them. Move on. The point is – even if you don’t, the amount of entropy being invested in anger, anxiety, and hatred is not worth it. Also, this noise works as a catalyst. You transact a noise with others and you affect the entropy of the world. In the long term, when you look back, you realize that it was not worth the energy. 
  1. If possible – Give. Give something to the world without much expected in return. Inspire. Innovate. Be an agent of truth. Be a catalyst of a positive sum game. Be a light among the darkness. Be a helping hand to someone in need. Give hugs and heart. Give a fraction of your wealth to someone in need. Give and what you will see is the world giving back without you noticing this grand design of Karma. 

અહીં લખેલી કાળી અંધારી વાત દરેક માનવીના માનસપટમાં નોખી હશે.

જે માણસ મારા દોસ્ત કૃણાલ અને એકતાને નજીકથી જાણતો નથી એમનાં માટે આ માત્ર ગોજારી અણધારી દુઃખદ ઘટના છે.

જે એમનાં દોસ્ત છે એ સૌ અત્યંત દુઃખી અને ચૂપ છે. કૃણાલ-એકતાનો આ એક દોસ્ત રડતી આંખે અને પીડાયેલા આત્માને નીચોવીને અહીં કશુંક લખી શકી રહ્યો છે.

પરંતુ જે પુરુષ ભરયુવાનીમાં અણધાર્યો ચાલ્યો ગયો એની પત્ની એકતા માટે આ ગોજારો આઘાત વર્ષો સુધી ન જનારું, દિવસ-રાત ચાલનારું કાળું ગોજારું સપનું છે. એ ચુપ છે. રડી નથી શકી રહી. આંસુ નીકળતાં નથી. ગળેથી અવાજ બંધ થઇ ગયો છે. એની નજર સામે સાહેબજીનો ફોટો છે જેને જોઇને એમનાં ન હોવાની કાળમીંઢ હકીકતનો હજુ સ્વીકાર નથી થઇ શક્યો. એનાં અસ્તિત્વમાં ભેંકાર સન્નાટો પ્રસરી ગયો છે જેને કોઈ ‘સમય’ સાજો નહીં કરી શકે.

દિવસે બેસણા પુરા થયા છે પછી એક રૂમ-રસોડા વાળા એ ઘરમાં એક એવી સ્ત્રી રોજે એકલી વધે છે જેનાં ખોળામાં અગિયાર મહિનાનો તસ્મૈ દીકરો છે જેને એ હાલરડું ગાય છે. એ સ્ત્રીના હાથમાં ચાર હજારના પગારની બાળમંદિરની નોકરી હતી જેમાંથી એણે દીકરાને સાચવવા વરસ પહેલાં જ રજા લઇ લીધેલી. આ ઘરમાં ચારેકોર એનાં ભરથાર, એનાં જીવ, એનાં સર્વસ્વ અસ્તિત્વ એવાં કૃણાલની યાદો સ્થિરતાથી બેઠી છે. જ્યાં-જ્યાં નજર કરે ત્યાં સાહેબજીના ચહેરાં આ છોકરીને આજીવન હળવું હસી પણ ન શકે એવો રોગ દઈ ચુક્યા છે.

એ જ ઘરમાં ખૂણે એકતાની બહેનપણી જેવી મા હોય છે. એકતા એને સાસુમા નથી કહેતી. માત્ર મા. એ માએ તો પતિ અને દીકરા બંનેને બાળ ઉંમરમાં ખોયા છે. એક મા માટે પોતાના સંતાનની નનામી જોયાથી મોટું મૃત્યુ ખુદનું પણ નથી હોતું. ત્યાં એ ઉંમરની ઓથે બેઠેલ સ્ત્રીમાં ખુદના અંતની રાહ નથી હોતી. ખુદનો અંત થઇ ગયો. જે વધ્યું એ માત્ર ખોખલું ખોળિયું છે.

*

કૃણાલ નાનકડાં પગારમાં હીરા ઘસતો, પરંતુ એ માણસ અનોખો હીરો હતો. કૃણાલ જ્યારે સાવ નાનો હતો ત્યારે પપ્પાનું અવસાન થઇ ગયેલું. માએ પેટે પાટા બાંધીને મોટો કરેલો. જે માણસે બાળપણમાં જ ઘરમાં અંધારા જોઈ લીધેલા એ માણસે નક્કી કરીને રાખેલું કે એ ખુદ રોશની બનશે. એ વધું ભણ્યો નહીં. મા પર ભાર ન બને એટલે હીરા ઘસવાનું ચાલુ કરી દીધેલું. જેમ-તેમ આર્થિક ગાડું ચાલતું. મોટી ઉંમર સુધી લગ્ન ન થયા કારણ કે જગત તો રૂપિયા-સંપતિ પહેલાં જુએને! હીરા ઘસતો માણસ પોતે કોહિનૂર હોય એ કોને દેખાય? એ મારો દોસ્ત બન્યા પછી એનાં ઘરે હું કેટલીયે વાર ગયો. પ્રેમતત્વના પાયે જે પરિવાર બન્યો હોય એમાં મોટા બંગલા ગાડીઓની જરૂર નથી હોતી સાહેબ. આ સાહેબજીનું ઘર સ્વર્ગથી ઉતરતું ન હતું. કેવો અનોખો સત્કાર! એવો માણસ જે તમને ગમે ત્યાં હો લેવા આવી જાય અને એને મળો એટલે એની આંખો જોઇને તરત જ ભેંટી પડવાનું મન થાય. જીંદગીને એણે ઉત્સવની જેમ ઉજવેલી. માને શ્રવણની જેમ સાચવી. એકતાને પોતાનું સર્વસ્વ આપી દીધેલું. પોતે કપડા ન લેતો. પોતે બહાર હોટલમાં ખાવા ન જતો. પોતે નોકરીમાં એકપણ દિવસની રજા ન રાખતો, પણ ખુદની જરૂરિયાતોથી પર થઈને જીવનારો આ પ્રેમ-જોગીડો જતો રહ્યો. સોશિયલ મીડિયા પર એ એકતાના રસોઈ પ્રયોગો કહે કે કોઈ હળવી રમૂજ…એ સૌના પાયામાં એક એવો મરદ હોય જે અંધારા ઓલાવનારો હોય. એ હાસ્યને અને આનંદને ચાહે કારણ કે અંધારાઓ ઓગાળવા એની જાતમાં હોય.

એકતા જ્યારે એનાં જીવનમાં આવેલી ત્યારે એ પણ મોટી ઉંમરની હતી. અલગ જ્ઞાતિ હતી. એનો સુરતનું પિયર પણ નાનકડાં લગ્ન કરાવી શકે એવું હતું. હું બંનેને અલગ-અલગ રીતે મારા દોસ્ત તરીકે જાણતો. એકવાર મેં બંનેને કહેલું કે મારી ઈચ્છા છે કે એ બંને મળે, અને એકબીજાને પસંદ આવે તો જ્ઞાતિ-સમાજ જોયાં વિના લગ્ન કરી લે. મેં એમનું મળવાનું વડોદરામાં ગોઠવ્યું. એ બંને મળ્યાં. મળીને બંને મને મળવા આવ્યાં. બસ…એ કપલને મેં ભેગું જોયું અને એમની આંખોમાં જે એકબીજાને પ્રેમ કરવાની જે જીજીવિષા જોઈ. એ ઉર્જાને કોઈ શબ્દો નથી. મેં તરત જ એકતાના પપ્પા અને ભાઈ સાથે વાતો કરી અમે અમુક મહિનામાં તો નાનકડાં ગાયત્રી લગ્ન પણ ગોઠવી લીધા.

લગ્નના બીજા દિવસે એકતાએ મને અમસ્તા જ કોલ કરેલો. હું એમનાં લગ્નમાં વચ્ચે હતો છતાં બેંગ્લોરથી અમદાવાદ ગયેલો નહીં એટલે ફરિયાદ કરતી હતી. ફોન મુકતા પહેલાં મેં છેલ્લે કહેલું કે – ‘એકતું…મને ખબર છે કે છોકરી સાસરે જાય અને અજાણ્યું ઘર હોય, પરંતુ કૃણાલને અને એનાં મમ્મીને પાંચ વર્ષ આપ. તું પ્રેમ આપીશ એટલે આપોઆપ તમને સૌને એકબીજાથી પ્રેમ થઇ જશે’

એકતા-કૃણાલે એકબીજાને ભરપૂર પ્રેમ આપ્યો. અનપેક્ષિત. એકધારો. અવિરતપણે. એમનું જીવન જોઇને હું શીખતો. કેટલાંયે લોકોને ઉદાહરણ આપતો. આવા પ્રેમીઓ આ ધરતી ઉપર રેર હોય છે. હજાર માણસે એક-બે હોય છે.

કૃણાલના ગયા પછી ગઈકાલે એકતાને હિંમત કરીને કોલ કર્યો. એ પ્રયત્ન કરીને મને એટલું પૂછી શકી કે  – ‘જીતું…મેં પાંચ વર્ષમાં પચાસ વર્ષનો પ્રેમ કર્યો, પણ હવે શું કરું?’

એકતા…વ્હાલી દોસ્ત. મારી પાસે આંસુ સિવાય જવાબમાં કશું જ નથી દોસ્ત. કશું જ નથી. તારો પ્રેમ અજરામર રહે. તારા બાળકમાં એ જીવતો રહે. તારી ઉર્જા બનીને કૃણાલ તારી સાથે જીવનભર રહે…બધુ જ મારી ઝંખનાઓમાં છે. મને સતત થાય છે કે સમય તને સાજી કરશે. થાય છે કે દીકરામાં જીવ પરોવીને તું જીવતર ચલાવી લઈશ. પણ…તું દોસ્ત મને એવો સવાલ આપી રહી છે જેનાં કોઈ જવાબ નથી.

*

બે પ્રેમાળ હંસલામાંથી એક હંસલો ઉડી ગયો અને પાછળનું આખું માનસરોવર સુકાઈ ગયું છે. આ લખાણ કોઈને પીડિત કરવા કે દયા જગાવવા નથી લખ્યું પણ મારા દુઃખની વાચા ફૂટી છે. શું કરું. જે વ્યક્તિ એ જીવતર રેડીને પ્રેમ કર્યો એ પાછળ વધેલી સ્ત્રી હવે મને કહે છે કે – મને મારા સાહેબજી સતત દેખાય છે, સંભળાય છે. એની સુગંધ-યાદ-અવાજ એટલા તીવ્ર છે કે મારા ઊંઘ-ભૂખ-અવાજ ક્યાંક જતાં રહ્યા છે અને જે વધ્યું છે એ માત્ર સાહેબજી. હું ક્યારેય ઉભી નહીં થઇ શકું. હવે કુદરતના કર્મના નિયમોમાં વિશ્વાસ રાખી નહીં શકું. હું સૌને કહીશ કે ‘પ્રેમ કરજો, પણ મેં કરેલો એટલો બધો નહીં કરતાં. કારણ કે જ્યારે એ માણસ જાય છે પછી કશું જ વધતું નથી. કશું જ નહી. જીવન નહીં. મોત પણ નહીં’

બસ…હવે આટલું લખતાં આ લેખકની આંખે પણ થાક્યા છે. બસ આ કુદરતને એટલું કહીશ કે બાપ…મારી દોસ્તને સાચવી લેજે.

*

કૃણાલના ગયા પછી ઘરની આર્થિક સ્થિતિ ખુબ કપરી હોવાની. એકતા જ્યારે થોડી સાજી થશે ત્યારે અમે દોસ્ત લોકો એને માટે સારી નોકરી શોધી આપીશું, પરંતુ હાલ અમુક વર્ષ માટે, દીકરા અને માના આર્થિક સપોર્ટ માટે હું કોઈ પણ ખચકાટ વિના અહીં પહેલ કરવા માગું છે કે જો તમે પહોંચી શકો તો મદદ કરજો. એની પરવાનગી મેં માગી છે. એનાં પરિવારની પરવાનગી માંગી છે. માણસની ખોટ તો ક્યારેય નહીં પુરાય, પણ આર્થિક ટેકો હશે તો કડવા સમયમાં કામ આવશે. કૃણાલ-એકતાના દીકરા તસ્મૈનું ભણતર હમણાં ત્રણ-ચાર વર્ષમાં ચાલુ થશે, અને તમારું યોગદાન એમાં જશે. મંદિરની તકતીઓ કે દીવાલો બનવામાં લાગે કે દાન હોય. અહીં જે મેં માંગ્યું છે એ દાન ન ગણવું. બસ મારી દોસ્તનું બાકીનું આર્થિક જીવન ટકી રહે એનો સહયોગ છે.

Phonepe & Paytm થકી આ નંબર છે: 99743 49570

એકતાનું બેંક અકાઉન્ટ:

Account: Mrs. Darji Ekta Krunal

Account number: 11302413000598

IFSC: PUNB0113010

Branch: Punjab National Bank, Naroda

A love letter to my best અદૃશ્ય friend!

જો હું મરણ-પથારીએ હોઉં. બોલી શકવાની તાકાત હોય. આસપાસ મારા પરિવારના બધા જ વહાલાં માણસો હોય. મારી સાથે લોહીથી જોડાયેલાં બધાં જ મારા પલંગ ફરતે ઉભા હોય અને છેલ્લે પૂછવામાં આવે કે – “તારે એવું કોઈ માણસ ખરું કે જેને મળવાનું મન હોય?”

…તો એવાં સમયે પહેલું નામ એક જ આવે – “તેજસભાઈને જોવાં છે.”

યસ…એક એવો જીગરજાન યાર જેને મેં આઠ વર્ષની દોસ્તીમાં હજુ સુધી ક્યારેય જોયો નથી! અમે રૂબરૂ મળ્યાં જ નથી. માત્ર ફોન પર સેંકડો કલાકો સુધી વાતો કરી છે. મેં માત્ર એને ઈમેજીન કરેલો છે જે તેજસભાઈ, મારી જીગરી, મારો ભેરું કેવો દેખાતો હશે.

અમારી વાર્તા માંડીને કરું.

તેજસ દવે નામ છે એનું. વર્ષ 2014 હશે. મને વોટ્સએપમાં મારી નવલકથા ‘વિશ્વમાનવ’ વિષે એક રીવ્યું આવ્યો. એ રીવ્યુંના શબ્દો વાંચીને થયું કે કૃતિને આટલી ઊંડી સમજી શકનારું આ કોણ હશે? અમે વોટ્સએપ પર વાત ચાલુ કરી. મેં ફોન કર્યો. એક કલાક વાત ચાલી.

બે દિવસ ગયા. મેં ફરી ફોન કર્યો. ફરી અમે મારા પાત્રોના જીવન અને એમનાં મનોવિજ્ઞાન વિષે કલાકો વાતો કરી. હું જે શબ્દોમાં કહી નહોતો શક્યો એ બધું જ એ માણસ સમજી શકતો હતો. કોઈ અજીબ જાદુ હતો એમનાં અવાજમાં. એમની સમજણમાં ગજબ ઊંડાણ હતું. એમનાં વર્લ્ડવ્યુંમાં જાણે એટલું બધું ભર્યું હતું કે એ બીજીવાર કરેલો ફોન મુક્યો અને ખબર પડી ગઈ કે – આ માણસ જીંદગીભર ભેગો રહેશે.

ફરી ફોન કર્યો ત્યારે મેં પૂછ્યું – “દોસ્ત…તમે છો કોણ? તમારા નામ સિવાય કશુંક કહેશો?”

તો એ કહે – “તું મને શોધીશ ઇન્ટરનેટ પર શોધીશ તો નહીં મળું. એકવીસમી સદીમાં પણ મારો ફોટો ક્યાંય નહીં દેખાય. હું બસ તારો એક એવો દોસ્ત છું જે માત્ર અવાજોથી જોડાયેલો રહેશે. હું અને તું લગભગ ક્યારેય મળશું નહીં. હું તારી બાજુમાંથી ઘણીવાર નીકળ્યો છું, પણ હું તને ક્યારેય ઉભો રાખીને કહીશ નહીં કે હું તેજસ છું. તું કેટલીયે વાર મને અમદાવાદમાં દેખાયો છે. મેં તને જોયો છે. છતાં, તું મને ક્યારેય જોઇશ નહીં.”

એ સમયે તો એ વાત સાંભળીને હસવું આવેલું. એમનાં કામ વિશે પૂછ્યું તો ખબર પડી કે ‘ઈસરો’માં સાયન્ટીસ્ટ છે! એક વૈજ્ઞાનિક! અમેરિકાની MIT (મેસેચ્યુસેટ) જોડે કામ કરેલું છે! ઈસરોના મિશનોમાં અગ્રેસર કામ કરનારો માણસ. મારા કરતાં ઉંમરમાં સાત-આઠ વર્ષ મોટો. જ્ઞાન કે વાંચનમાં સીતેર-એંશી વર્ષ મોટો. જીંદગીને જીવવાની એની રીત એવી કે એના વિચારોમાં એ મારા કરતાં (અને જગત કરતાં) જાણે સાતસો-આઠસો વર્ષ મોટો!

અમારી વાતો ફોન પર ચાલ્યા કરી. આઠ-દસ દિવસ થાય અને અમે બંનેમાંથી કોઈ એક કોલ કરી જ દે. ફોનમાં ‘Reader Tejas Dave Isro’ લખેલું આવે અને ચહેરાં પર ગજબ ખુશી થાય. રાત્રે બાર વાગ્યે ફોન આવ્યો હોય તો અઢી-ત્રણ વાગ્યે ફોન મૂકીએ. એમનાં ચહેરાંને હું ઈમેજીન કરું. એમનું ઘર કે નોકરી કેવાં હશે એ હું ઈમેજીન કરું. અમારી વાતોનો સ્પેક્ટ્રમ એવો વિશાળ કે ક્યારેક મારી બા વિષે શરુ થયેલી વાતો યુનિવર્સની વિશાળતાને સમજતા-સમજતાં પૂરી થાય. અમારી વાતોમાં ધીમે-ધીમે આવ્યાં : સાયન્સ. સ્પેસ. યુનિવર્સ. પરિવાર. સાહિત્ય. સિનેમા. વિચારકો. વાચનયાત્રા. મારાં રખડવાના અનુભવો. અમારા જીંદગી જીવવા ઝનૂન. મારા સપનાઓ. મારી ફરિયાદો.  

ધીમે-ધીમે બે ત્રણ વર્ષની અમારી એ દોસ્તી પછી ખબર પડી કે – મારા આ જીગરી યારને ક્યારેય જીવનની કોઈ જ ફરિયાદ નથી! એણે ક્યારેય મારી પાસે કોઈ તકલીફ શેર નથી કરી! (આજે અમારી દોસ્તના સાત વર્ષને અંતે પણ હજુ સુધી મેં ક્યારેય તેજસભાઈ તરફથી કોઈ જીવન પ્રત્યે કોઈ ફરિયાદ સાંભળી નથી). એવું માણસ જેણે પરિવારને પૂર્ણપ્રેમ કર્યો છે. એણે લવમેરેજ કરેલાં. પતિ-પત્ની લગ્નના વર્ષો પછી પણ ઘણીવાર આખી રાતો જાગીને એકબીજા સાથે વાતો કરતાં હોય એવો સહજ પ્રેમ. એમને વાતોવાતોમાં સવાર પડી જાય ત્યારે ખબર પડે કે સવાર થઇ ગઈ! એ માણસે પરિવારને એટલો પ્રેમ કર્યો છે કે મેં ૨૦૨૧માં એમની દીકરી અને દીકરા સાથે વાતો કરેલી ત્યારે એ છોકરાઓના વિચારો જોઇને ખબર પડી કે આ માબાપ તો આખો પેરન્ટીન્ગનો માસ્ટરક્લાસ છે.

આ Invisible દોસ્ત સાથે દોસ્તીના ચાર-પાંચ વર્ષ થયા અને અમે એકબીજાને ઘણાં સમજી ગયા. ઘણીવાર રાત્રે ફોન આવે અને હું ફોન લઈને હસતો ઉભો થાઉં એટલે કલ્પિતાને ખબર પડી જાય કે તેજસભાઈનો ફોન આવ્યો હશે. કલ્પિતા કહે – “સવાર થાય ત્યાં સુધીમાં પાછો આવી જઈશ?”

…અને થાય પણ એવું! મોડે સુધી વાતો કરતાં કરતાં એટલું બધું શીખવા મળ્યું હોય કે રાત્રે સુવા જાઉં તો ચહેરાં પર જાણે અજીબ નિરાંત અને ખુશી હોય. મારો દોસ્ત. મારો ગુરુ. મારો પિતાતુલ્ય ભેરું. એ વ્યક્તિ જેણે મને ‘પ્રેમ શું છે’ એ વિષે એક શબ્દ પણ કહ્યો નથી છતાં, એનાં જીવન-કવનને જોઇને પ્રેમતત્વને મેં પામ્યું. એણે ‘મને બાળક કેમ ઉછેરવું’ એ વિષે ક્યારેય કશું કહ્યું નથી છતાં મને ખબર છે કે મારે સંતાન થશે ત્યારે એને કેમ ઉછેરીશ. એ માણસ મારા ડીપ્રેશનની દવા હતો.

‘ધ રામબાઈ’ નવલકથા પૂરી થયેલી અને લોન્ચ થઇ રહી હતી ત્યારે હું ડીપ્રેશનમાં હતો. મને ખબર ન હતી કે મારું એ પુસ્તક દુનિયાને ગમશે. દિમાગ પર ડીપ્રેશન હતું. એ રાત્રે મેં તેજસ દવેને ફોન કર્યો. મને કહે –

“તું અગાશી પર જા.” હું અગાશી પર ગયો. અંધારામાં ઉભો રહ્યો.

“હવે તું ઉપર જો” એમણે કહ્યું. મેં ઉપર જોયું. તારલાઓ ભરેલું આકાશ તગતગી રહ્યું હતું.

“એ આકાશ સામું થોડીવાર જોઇ લે” એમણે કહ્યું. મેં પાંચ મિનીટ સુધી એ આકાશ તરફ જોયું. પછી ધીમેથી તેજસભાઈ એટલું બોલ્યા કે –

“ભાઈ…તું એ અનંત આભ છે. તું બ્રમ્હાંડ છે. તારે ઉભું નથી રહેવાનું. તું સતત વિસ્તરતી જાત છે. તારે સરહદ સીમાડાં નથી મારા દોસ્ત. તું એક કહાની કહીને એનાં પરફોર્મન્સને જોવાં ઉભો રહીશ? તું ઉભો રહીશ? તારે તો ચમકવાનું છે. તારે ચાંદાની જેમ ઉધાર રોશની નહીં મળે પડે. તું તારી ભ્રમણકક્ષા બદલી નાખ. તારી ખુદનું ગુરુત્વ બળ વાપરીને જતો રહે નવી ભ્રમણકક્ષામાં. તારે આવનારી કહાની માટે વિસ્તારવાનું છે મારા આકાશ! તારે જૂનાને જોઇને બેસવાનું નથી.”

બસ…એ શબ્દો આવ્યાં અને અમારી અનુભૂતિઓ જોડાઈ ગઈ. તેજસ દવે મારી ભ્રમણકક્ષા બદલી શકનારો દોસ્ત.

*

તેજસભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે પૂર્ણ રીતે ક્ષણને જીવી શકનારો રેર માણસ છે. એને ભવિષ્યની કોઈ ઉપાધી નથી. ભૂતકાળનો કોઈ રંજ નથી. એ વર્તમાનમાં જીવતો એક અંત:જાગૃત માણસ છે. અમારી વાતો ક્યારેય એવી ઉંચાઈ પર જતી રહે જ્યાં અંતિમ શિખર “મૌન” હોય. અમે ચૂપ થઇ જઈએ. આ લખું છું ત્યારે એક મજાની વાત યાદ આવે છે. તે દિવસે તેજસભાઈ ફોન પર કહેતાં હતાં :

“હું ઘણીવાર ફૂટપાઠ પર ચાલતો હોઉં, અને તરત જ ઉભો રહી જાઉં. હું અનુભૂતિ કરી શકું કે ‘ક્ષણ’ મારી અંદરથી પસાર થઇ રહી છે. હું જાગૃત હોઉં. મારી અંદરથી એક બીજો માણસ બહાર નીકળે જે મારી જીંદગીને એ રીતે નિહાળી શકે છે કે ઘણીવાર હું ઉભો રહું. મારી સંવેદનાઓ એટલી જાગૃત હોય કે હું મારા શરીરના રોમરોમમાં જોઈ શકતો હોય અને બહારના આખા યુનિવર્સને જોઈ શકતો હોય. એ સમયે હું એક વર્તમાનની ક્ષણને બાજુમાંથી પસાર થવા દઉં. હું એ ક્ષણને જીવતો નથી. હું એની બાજુમાંથી નીકળું છું. એ મારી બાજુમાંથી નીકળે છે. હું એની સામે હસું છું. મારું અસ્તિત્વ અને એ ક્ષણ એક જ છે, છતાં ક્યારેય મારી અંદરનો બીજો માણસ બધું જ થંભાવીને આખા અસ્તિત્વથી અલગ થઈને એને સાક્ષીભાવે જુએ છે. હસે છે. ક્ષણને પંપાળે છે. એને પકડીને મારી અંદર જોડી દે છે. હું ફરી ચાલવા લાગુ છું. ફરી વર્તમાનને જીવતો થઇ જાઉં છું. ચાલતાં- ચાલતાં હસી પડું છું.”

અમારી બંનેની અસ્તિત્વને સમજવાની ખોજ અને અનુભૂતિઓ ઘણીવાર એવી હોય કે કોઈ નજીકના માણસનું મૃત્યુ થયું હોય તો અમારી અંદરથી પસાર થતી દુઃખની ક્ષણને પણ સાક્ષીભાવે જોઈ શકીએ. દુઃખના અસ્તિત્વને ભેંટી શકીએ.

મેં અને તેજસભાઈએ દોસ્તીના સાતેક વર્ષ પછી એવી કેટલીયે વિચારધારાઓ પર શોધખોળ કરી હશે કે જેમાં વિશ્વના કેટલાંયે મૂલ્યવાન કોન્સેપ્ટ અમારે માટે નકામાં છે! હા…અમે એવાં ભેરું છીએ જેને માટે સફળતાની વ્યાખ્યાઓ ખૂબ અલગ છે. અમે બંનેને પ્રસિદ્ધિઓ નથી જોઈતી. એટલું કમાઈએ છીએ કે વધું પૈસો નથી જોઈતો. એટલું અનુભવ્યું છે કે આનંદ માટે અમારે બહારની લાંબી જાત્રાઓની જરૂર નથી. એટલું મીઠું જીવતાં શીખ્યા છીએ કે ટાગોરની કવિતાની અંદર આવતી ‘સ્વતંત્રતા’ અમારી અંદર ક્ષણેક્ષણ જીવ્યા કરે છે. અને ક્યારેય જો પાટા પરથી ગાડી ઉતરી જાય ત્યારે મારી પાસે તેજસ દવે એક ફોનકોલ જેટલા જ દૂર છે. હું હેઠો પડું ત્યારે કાંડું પકડીને બચાવી લેનારો અદૃશ્ય દોસ્ત છે.  

*

‘વર્તમાન’માં જીવવાની અમારી વાતોવાતોમાં અમે એકદિવસ કોઈ અજીબ ડિસ્કશન પર પહોંચ્યા હતાં. હ્યુમન માઈન્ડ, ઇન્ટલએકચ્યુઅલ બીયિંગ, એલિયન્સ, ટાઈમ, કોસમોસની વાતો ચાલતી હતી. અમે એક કોન્સેપ્ટ પર આવ્યાં કે –

“આપણે ક્યાંથી આવ્યાં એ આપણને ખબર નથી. આપણે મૃત્યુ પછી ક્યાં જવાના એ ખબર નથી. આપણે માની કોખેથી બહાર નીકળીને પહેલીવાર શ્વાસ લીધો ત્યાંથી લઈને છેલ્લાં શ્વાસ સુધી જ ‘આપણે’ છીએ. એમાં પણ ભૂતકાળ જતો રહ્યો છે. ભવિષ્યની ખબર નથી. માત્ર વર્તમાન છે! આ ‘જીવની ક્ષણ’ જ માત્ર અત્યારે ચાલી રહી છે. આ ક્ષણ જ સત્ય છે. આ ક્ષણે આપણે જે કશું પણ છીએ એ ‘થોડી જ ક્ષણો પહેલાં’ આપણે કરેલી ‘માઈક્રો ચોઈસીસ’નો સરવાળો છે. આપણે જો Aware હોઈએ તો આપણને ખબર હોય છે કે આપણે અત્યારે આપણે જે કશું પણ કરી રહ્યા છીએ એ દરેક કર્મની ગતી શું હશે. આપણે સંપૂર્ણપણે ચૈતન્યથી અને ચેતાતંત્રથી જાગૃત હોઈએ તો આપણે અનુભવી શકીશું કે વર્તમાનની દરેક ચોઈસ, દરેક ક્રિયા, દરેક વિચારની પાછળ હજુ જસ્ટ અમુક સેકન્ડ પહેલાં શું ચોઈસ કરી, શું ક્રિયા કરી, કેવો વિચાર કર્યો એ બધું જ નક્કી કરે છે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. આખું કોસમોસ માત્ર એનાં વર્તમાનની પહેલાંની અમુક ક્ષણોની ચોઈસનો સરવાળો છે. આ વર્તમાનની ક્ષણ એટલે t = 0. વર્તમાનની દરેક ક્રિયાનું મૂળત: કર્મ એટલે t માં જીવાયેલું જીવન. ( ).

(આ પોસ્ટમાં જે ફોટો છે એમાં ઉપર કહ્યું એ દોર્યું છે. પ્લસ મેં તેજસભાઈને દોર્યા છે)

*

તેજસભાઈ સાથે આટલાં વર્ષ પછી હજુ મેં જોયાં નથી. મારે હવે જોવાં નથી. કારણ એ છે કે મારા ઈમેજીનેશનમાં તેજસ દવે છે, અને એ વ્યક્તિ એટલો રીયલ છે કે રીયલ માણસને જોવાનું હવે મન નથી. મારા ઈમેજીશનનો તેજસ દવે પાતળો છે. વાળમાં એક તરફ પાથી પાડે છે. શર્ટીંગ કરે છે. પરિવાર સાથે ધાબા ઉપર બેઠાબેઠા રોજે રાત્રે આકાશને જુએ છે. પોતાના બાળકોને સેંકડો વાર્તાઓ કહે છે. પોતાની પત્નીને ચિક્કાર પ્રેમ કરે છે. પોતાના માબાપને જીવથી વધું વ્હાલ કરે છે. એ લાખોપતિ માણસ છે. એનાં મકાનની આકાશી પર સ્વિમિંગ પુલ છે. છતાં એને એ ભૌતિક સુખનું તસુભાર પણ અભિમાન નથી. એ યુનિવર્સનું બાળ છે. એ આ દેશના મહત્વના મિશનોમાં ક્યાંકને ક્યાંક પાયામાં છે. એ જ્યાં પણ  છે એ વર્તમાનમાં જીવી રહ્યો છે. આનંદ એનો સ્વભાવ છે. એ પોતે ઉત્સવ છે.    

*

મારા લગ્નમાં ઘોડીએ ચડતો હતો ત્યારે મારા બધા જીગરી યારો મારી આસપાસ હતાં. તેજસ દવે ન હતો. મને ભારે યાદ આવેલો. એને જોવા મેં આકાશ તરફ જોયું. એ મારી સાથે જ હતો.

Jimmy’s Cheese Pizza

આ ધરતી પર અત્યારે સાતસો કરોડ માણસ જીવે છે. સામાન્ય માણસ પોતાના જીવનકાળમાં અમુક હજાર માણસના સંપર્કમાં આવે છે. ખુબ ઓછાં માણસ એવાં મળતાં હોય છે જે ખરેખર જીવી જાણતાં હોય. હજાર માણસે એક એવું વિરલ જીવ ભટકાય જેને જીવતાં જોઇને લાગે કે – દોસ્ત, આ એકલું માણસ જ દિલ ફાડીને પ્રચંડ જીવે છે, અને બાકી બધાં તો આ ધરતી પર માત્ર ટાઈમપાસ કરે છે.

હમણાં થોડાં દિવસ પહેલાં અરબી સમુદ્રના કાંઠે-કાંઠે ચાલવાનું થયું. બે દિવસનો દરિયાઈ ટ્રેક. અમે ત્રીસ માણસો હતાં. સૌથી અજાણ અને પરમ શાંત એવાં એકાંતભર્યા એ દરિયાને કાંઠે નિજાનંદ માટે ચાલવાનું નક્કી થયેલું. અમે સૌ એ દરિયે વહેલી સવારે ચાલીએ. ધ્યાનમાં બેસીએ. દરિયાની રેતીમાં સુતા-સુતાં એનાં ઘુઘવાટા સાંભળીએ. સૌ એકલાં અલગ-અલગ ચાલે. આ અવિસ્મરણીય કોસ્ટલ ટ્રેક વિશે આટલું જ કહેવું છે કારણકે અમુક અનુભવો અને અમુક જગ્યાઓ વણખુલ્યાં રહે એજ યોગ્ય.

…પણ આ ત્રીસ માણસોમાંથી એક એવું માણસ હતું જેને જોઇને મને એમ થયું કે – દોસ્ત, આ બાળ છોકરી જ જીવે છે, અને હું તો માત્ર અહીં આ જમીન પર ટાઈમપાસ કરું છું.

મિશીકા નામ હતું એ સાત વર્ષની છોકરીનું. એની મમ્મી સાથે આવેલી. મા-દીકરી બંનેને જોઇને એમ થાય કે આ બંનેના જીવન જોઇને પણ જો સમાજમાં અન્ય માબાપ અમુક શીખ લે તો કેવી અદ્ભુત પેઢી તૈયાર થાય!

મિશીકાને દરિયાકાંઠે એકલાં-એકલાં રમતી જોઇને મને મનમાં ઊંડે-ઊંડે થયેલું કે હું કેટલાં બધાં આવરણો પહેરીને જીવું છું. જો તો ખરા આ નાનકડી છોકરી કેવું અજાણ્યું અનોખું જીવે છે! ફોર્સ ઓફ લાઈફ હતી એ. દરિયાકાંઠે ખાડા કરે. રેતીમાં આળોટે. પંખીડાઓને આકાશમાં જોઇને એમની સાથે વાતો કરે. દરિયાનું મોજું આવે એટલે દોડીને એની પાસે જાય અને હસતી-હસતી પાણીને ભેંટી લેવા મથ્યા કરે. શબ્દો વિનાનાં ગીતો ગાતી પોતાની અલ્લડ ફકીરીનું જોમ ભરી એ કાંઠે દોડ્યા કરે. શંખલા-છીપલાં વીણે. કાંઠે પડેલાં મરેલાં કરચલાને હાથમાં લઈને એને ધ્યાનથી જોતી હોય. એની અંદર એવું અતુલ્ય – ઊંડું – સંવેદના અને લાગણીઓથી છલકાતું જીવન ભર્યું હતું જે મારી અંદર પણ હતું. બસ ફર્ક એ હતો કે એ જીવતી હતી, અને મારી આસપાસ આવરણો હજાર હતાં અને જીવન અર્ધજીવિત.

અમારી દોસ્તી થઇ પિત્ઝાની વાતોને લઈને. હું એક ભાઈ સાથે બારડોલીમાં ખૂલેલાં એક પીઝા રેસ્ટોરન્ટની વાત કરતો હતો અને એ મારી બાજુમાં આવીને બોલી કે — મને પણ પિત્ઝા ખુબ ભાવે.

બસ…અમે બંને પિત્ઝાના ચાહકો ભેગાં થયાં અને અમારી કલાકો સુધી ચાલેલી વાતોને લીધે એણે મને ‘માય પિત્ઝા પાર્ટનર’ એવું નામ આપી દીધું. અમે બંનેએ અમારી કલ્પનાઓમાં એવાં-એવાં પિત્ઝા બનાવ્યાં કે યાર શું લખું! વાતો ચાલુ થયેલી ડોમિનોઝના ડબલ ચીઝ પિત્ઝા અને લા’પીનોઝના સેવન ચીઝથી, અમારે મોઢામાં પાણી વછૂટતા હતાં. અમે બંને એ નક્કી કર્યું કે મિશીકા પોતાના પિગીબેંક (ગલ્લાં) માંથી મને ચારસો રૂપિયાનું પોતાનું સેવિંગ્સ આપશે, અને હું મારી સેલેરી આપીશ અને અમે બંને “Jimmi’s cheese pizza” નામનું પીઝા પાર્લર ખોલશું. (‘જીમી’ નામમાં ‘જી’ ફોર જીતેશ, અને ‘મી’ ફોર મિશીકા!)

…અને પછી તો શું કહેવું…

મેં દરિયાની રેતીમાં પિત્ઝાની એક સ્લાઈઝ દોરી. એમાં ટોપીંગ્સ દોર્યા. મિશીકા દોડતી આવી અને શંખલાઓ નાખીને એ સ્લાઈસ ઉપર ચીઝ પાથર્યું. ગોળ છીપલાંના ટોપીંગ્સ નાખ્યાં. અમે બંને એ પિત્ઝા સામું જોઇને ઉભાં રહ્યાં. પછી ધીમેથી આ નાનકડી બાળકીએ પીઝાને ઊંચકવાની એક્ટિંગ કરીને એક ટૂકડો ખાધો. પોતાના હોઠ પરનું ઈમેજીન કરેલું ચીઝ જીભથી ચાંટી લીધું. મને પિત્ઝા આપ્યો.મેં એક બટકું ખાધું. પછી મેં એને સ્લાઈસ પાછી આપી. એ સ્લાઈસ એણે દરિયા ઉપર ફેંકી અને મને કહે –

“પિત્ઝા પાર્ટનર…હવે તું વિચાર કે આ આખો દરિયો એક પિત્ઝા છે”

મેં વિચાર્યું. અમે બંને દરિયા સામું જોઇને એને અમારાં પિત્ઝાની જેમ જોઈ રહ્યાં. ચીઝ બર્સ્ટ ફ્લફી પિત્ઝા. પછી મિશીકા મને કહે –

“પાછળ પવન ચક્કી છે, એની એક બ્લેડ લઇ આવ”

મેં પાછળ દરિયાથી દૂર મોટી પવનચક્કી જોઈ. મારો હાથ લંબાવીને એક બ્લેડ તોડવાની એક્ટિંગ કરી.

“પિત્ઝા પાર્ટનર…ચલ હવે આ દરિયાના પિત્ઝાની મોટી સ્લાઈસ કર”

મેં પવનચક્કીની બ્લેડને ચપ્પું બનાવીને પિત્ઝાની સ્લાસ કરી.

“ચલ…હવે તું પંખી બનીજા અને પિત્ઝા પર ઉડતાં-ઉડતાં તું ઓરેગાનો છાંટ..” એ બોલી. મેં મારા હાથ ફેલાવ્યા. મનથી ઉડ્યો. દરિયાની સાઈઝના પિત્ઝા ઉપર ઉડતાં-ઉડતાં મેં મારી પાંખોમાંથી ઓરેગાનો છાંટ્યો!

અમારી દોસ્તી જામતી ગઈ અને મારી અંદર કશુંક થીજેલું-ઠરેલું તૂટતું ગયું. એક સાત વર્ષની છોકરી પોતાના જીવતરના ઝમીરને દેખાડીને મારી અંદર રહેલાં અર્ધજાગૃત – ઉદાસ – નોકરીના બોજથી દબાયેલાં – ભટકેલા જીવનને તોડવા લાગી પિત્ઝાનાં ટૂકડાની જેમ. ઓવનમાં રાખેલાં પિત્ઝામાં જેમ ચીઝ ઓગળે એમ મારી અંદર કશુંક ઓગળ્યું જે મને ફરી જીવતું જાગતું કરી રહ્યું હતું.અમે તો કેટકેટલી વાતો કરી શું કહું? ત્રણ દિવસને અંતે બધાં છૂટા પડી રહ્યા હતા ત્યારે મારી પિત્ઝા પાર્ટનરને અલવિદા કહેવાનો સમય આવ્યો. મેં એની બાજુમાં જઈને કહ્યું-

“પિત્ઝા પાર્ટનર…આઈ વીલ મિસ યું”

એ હસી પડી. મને કહે – “તું તો જો…હજુ તો આપણે જીમી’સ ચીઝ પીઝા ખોલવાનું છે.”

“તારું સપનું શું છે?” મેં એને પૂછ્યું.

“તું પહેલા બોલ. તારું સપનું શું છે?” એણે મને પૂછ્યું.

“મારે પંખીડું બનવું છે, અને આખી દુનિયા ઉપર ઉડવું છે. હવે તું કહે – તારું સપનું?” મેં પૂછ્યું.

“અમ્મ્મ…મારે લાઈફને એન્જોય કરવી છે. બસ” એ બોલી. એ શબ્દો સાંભળીને શરીરમાં લખલખું પસાર થઇ ગયું. સાત વર્ષની છોકરીના એ સીધાસાદા શબ્દો હું જીવનભર નહીં ભૂલું. જીવ્યાં કરીશ.

અમે બંનેએ ટચલી આંગળી ભેગી કરીને ફ્રેન્ડશીપ કરી. થોડીવાર એક બેંચ પર અમે બંને નિરાંતે બેઠાં. મારે એની સાથે મારો ફોટો લેવો હતો પરંતુ ન લીધો કારણકે અમુક યાદો માત્ર દિલમાં સંઘરી રાખવાની હતી. કેમેરાની લાયકાત અમારી યાદો પાસે ટૂંકી હતી. છેલ્લે જતી વખતે મેં એને અલવિદા કર્યું. ઉપર આકાશ સામું જોઇને મેં કુદરતને કહ્યું –

“એ કૂદરત…જો આ જન્મે મને દીકરી આપે તો મિશીકા જેવી ભરપુર આપજે.”

***

મિશીકાની મમ્મીનું નામ છે મૃગા. મિશીકા સાથે મૃગા દરિયે રમતી હોય ત્યારે એ ચિત્ર જોઇને ધરતી સિવાય સ્વર્ગ બીજે ક્યાંય નહીં હોય એવું લાગે. મેં આ એવી મમ્મી જોઈ જેવી અન્ય કોઈ નથી જોઈ. મિશીકા જેવાં દરેક બાળક જન્મથી હોય છે. પરંતુ દરેક બાળકને મૃગા જેવી મા નથી હોતી. દરેક બાળક મિશીકા જેવું જ જીંદગીથી ભરપુર હોય છે, પણ ફર્ક એટલો કે માબાપ જે બાળકને સતત રોકે-ટોકે-ડરાવે-ધમકાવે અને એની ચારેતરફ જે સરહદો પેદા કરી દેતાં હોય છે એ બાળકો જીવવાનું ભૂલી જતાં હોય છે. આવું ‘માબાપ-પણું’ મૃગાએ નથી કર્યું. એ એની દીકરીનું દૂરથી બધું જ ધ્યાન રાખે છે પરંતુ ડગલે-પગલે રોકતી નથી. સ્વતંત્રતા મૃગા અને મૃગાની મિશીકામાં ભરપુર ભરી છે. કાશ…આજકાલના બાળક પ્રત્યે માબાપની ‘અતિરેક’ ભરી જાગૃતતા, કાળજીઓ, રોકટોક ઓછું થાય અને મૃગાબેન જેવાં વિચારો સૌને મળે.

(મા-દીકરીનો ફોટો)

અમે છુટા પડ્યા એના અમુક દિવસો બાદ મિશીકા એ દોરેલો ઉડતો પિત્ઝા! 

A small story of Pradeep – 2

સોક્રેટીસ ગ્રીક શહેરમાં રહેતાં. એકવાર એમનાં એક ચાહક દોસ્ત પરાણે શહેરના માર્કેટમાં લઇ ગયાં. ચારેબાજુ ઠેકઠેકાણે નજર કરો ત્યાં બધું જ મળતું હતું. દરેક લકઝરીયસ વસ્તું ત્યાં મળતી હતી. સોક્રેટીસ ત્યાં પોતાના દોસ્ત સાથે કલાકો સુધી ટહેલતાં રહ્યાં. એમનો દોસ્ત રાહ જોતો હતો કે કદાચ સોક્રેટીસ આ બધી જ ભવ્યતા જોઇને કોઈ એકાદ વસ્તું તરફ ખેંચાશે. આ દોસ્ત એમને ગમતી વસ્તું ગિફ્ટ આપવાં માંગતો હતો.

“તમારે કશું જોઈતું નથી અહીંથી?” પેલાં દોસ્તે છેલ્લે થાકીને પૂછ્યું.


“અહીં કેટલું બધું છે જે મારે ક્યારેય જોઈતું જ નથી.” સોક્રેટીસ બોલ્યાં!


સાવ સાદું-સીધું વિચિત્ર લાગતું આ વાક્ય ખુબ ઊંડું છે. આ વાક્ય છે મૂળભૂત સ્વતંત્રતા. સતત નવુંનવું, વૈભવી, મોટું અને હદ બહારનું બધું સામાન્ય માણસ ઝંખ્યા કરતો હોય છે. પરંતુ ઉંચો માણસ એ જેને પોતાની પાયાની જરૂરિયાતોને બાદ કરતાં આ જગત પાસેથી કશું જ જોઈતું નથી.

મારા દોસ્ત પ્રદીપની વાત મેં અમુક દિવસો પહેલાં કરેલી. મોટેભાગે એવું બનતું હોય છે કે જ્યારે કોઈ ઈમ્પેક્ટ કે રીઝલ્ટની આશા વિના કશુંક લખીએ, કરીએ, કે જીવીએ ત્યારે આપોઆપ સત્વપૂર્ણ હોય એને પ્રતિસાદ સારો મળતો હોય.


પ્રદીપભાઈની વાત ઘણી ફેલાઈ. ન્યુઝમાં આવી. મને શરૂઆતના ત્રણ-ચાર દિવસમાં સેંકડો મેસેજ અને ફોન આવ્યાં કે પ્રદીપભાઈનો સંપર્ક કરાવો.પ્રદીપની લોન ભરવા ઉત્સુક પચાસથી વધું લોકો. આઠ-દસ NGO એમને લાઈફટાઈમ ચાલે એટલું ફંડ આપી શકે તેમ હતાં. વિદેશમાં રહેલી ત્રણ સંસ્થાઓએ અમેરિકન ડોલરમાં ઘણી મોટી રકમ ભેગી પણ કરી લીધેલી. રાજકોટની એક પ્રખ્યાત સ્કૂલ પ્રદીપને લાઈબ્રેરીયન તરીકે ઉંચો પગાર અને મકાન પર આપવાં માંગતી હતી. જેટલાં પુસ્તકપ્રેમીઓએ વાત વાંચી એમાંથી ઘણાં પ્રદીપ પાસે રૂબરૂ જઈને પુસ્તકો આપવાં ગયા. સુરતના બે ઉદ્યોતપતિએ કહેલું કે તેઓ પ્રદીપને પોતાની દુકાનો નિ:શુલ્ક આપવાં માગે છે. મારા ગામનાં નજીકમાં રહેતાં એક કડીયાકામ કરતાં વ્યક્તિએ મને કહ્યું કે – હું પ્રદીપભાઈને મારા ખર્ચે એક સારી ઓરડી બનાવી દઉં!


આવી અઢળક મદદ જોઇને મને થયું કે હું પ્રદીપભાઈને કહું તો ખરો. મેં ફોન કર્યો અને બધી જ સહાય વિશે વિસ્તારથી કહ્યું. મેં બધું જ કહ્યું પછી પ્રદીપ એક જ વાક્ય બોલ્યો :


“યહા કીતના સારા મુજે મીલ રહા હૈ…જો મુજે કભી નહીં ચાહીએ.”


પ્રદીપભાઈ સંત નથી. એમનો આશ્રમ નથી. પોતાની ઘણી જરૂરિયાતો હોય છે. એમને ડેફીનેટલી કમાવું છે. છતાં એમને દાન/સહાય કે દયા-ભાવ ભરી નજરથી આનંદ નથી. મેં એમને કહ્યું કે – “દોસ્ત, આવું બધું ફરી ક્યારેય નહીં મળે. આ ફૂટપાથની દુકાનથી કશું નહીં વળે. એટલીસ્ટ રાજકોટની લાઈબ્રેરિયનની નોકરી તો લઇ લો.”


મારા અમુક સવાલો પછી એમણે એક જવાબ આપ્યો જે હું અહીં ગુજરાતીમાં લખી દઉં છું:


“જીતેશભાઈ, રોજે રાત્રે અગિયાર વાગ્યે આ ફૂટપાથની દુકાન છોડીને હું ઘરે નીકળું છું, પણ હું ઘરે પહોંચું છું રાત્રે એક વાગ્યે. એ બે કલાક હું ક્યાં જાઉં છું ખબર છે? મારા પર નિર્ભર અને મારા કરતાં વધું જરૂરિયાતવાળા બાર માણસો છે જેની સારસંભાળ હું રાખું છું. ક્યારેક એમની ભૂખ સંતોષવા માટે મારે અન્ન લઈને જવાનું હોય છે. હું રાત્રે ન જમું તો એનું કારણ એ હોય કે મારે બીજા મારા માણસોને જમાડવામાં દિવસની કમાણી જતી રહી હોય. જીતેશભાઈ, હું મહેનત કરું છું. પણ મારી નજર માત્ર મારી જાત પર નથી. હું અહીંથી રાજકોટ જતો રહું અને લાઈબ્રેરીયન પણ બની જાઉં. હું ખુશ થઈશ. મારો પગાર, મકાન બધું મળી જશે. પણ એ માણસોનું શું જેમને મળવા હું રાત્રે જાઉં તો એમનો દિવસ ઉગે છે? મારે એવી મદદ શી કામની જે મને મોટો કરી દે? એવો હું શા કામનો જે કોઈને મોટા કર્યા વિના આગળ જતો રહું?”


હું ચુપ રહ્યો. ઘણી ક્ષણો સુધી ચુપ. પછી મેં પૂછ્યું:


“ખબર નહીં આવી જીવવાની રીત તમે કેમ હાંસિલ કરી દોસ્ત, પણ મને જે ફોન-મેસેજ મળતાં હોય એ સૌને શું જવાબ આપું?”


પ્રદીપભાઈએ બહુ મજાની વાત કરી. – “હું સત્તર વર્ષથી વાંચું છું. રોજે રાત્રે એક વાગ્યે ઘરે પહોંચું પછી વહેલી સવાર સુધી વાંચું. તમે મને મદદ કરવાં માંગતા હો, તો જ્યાં તમે મારા વિશે લખતાં હો ત્યાં એક વાત મારી તરફથી કહી દેજો કે – કોઈએ મને મદદ કરવી હોય તો તેઓ જાતે ગમે ત્યાંથી સારા પુસ્તકો ખરીદીને વાંચે. તમે વાંચશો તો અંદરથી બદલાઈ જશો અને કદાચ મારી જેમ વર્ષો સુધી વાંચશો તો તમારી નજર પોતાની જરૂરિયાતો અને ફરિયાદો ઉપર ઓછી રહેશે.”


આ છે સૌથી ઉંચી આઝાદી. પોતાની જાતની જરૂરિયાતોમાંથી પાયાની જરૂરને કાઢતાં બાકી જ્યાં-જ્યાં નજર ફરે ત્યાં-ત્યાં બધું જોઇને અંદરથી એક જ જવાબ મળે કે : “અહીં કેટલું બધું છે જેની મારે જરૂર જ નથી!”


મારે પ્રદીપભાઈને મહાનતાના શિખર પર બેસાડવા નથી. કોઈ મોટીવેશનથી પ્રચુર વાતો કરીને સૌની અંદર કોઈ લાગણીઓ ઉભી નથી કરવી. મારે કહેવું છે કે આ વાતમાંથી જે સત્વ હોય તે લઇ લો. જે સમજાય તે તમારું. 📖

A small story of Pradeep…

પ્રદીપ નામ છે એનું.દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન.


પ્રદીપ.રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)


આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.


આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.


હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”


વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે.


ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.


વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.


…પણ એ ભાઈ…આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.


વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!
હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)


એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.
લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.


આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.


…પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ…મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”


આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.


જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.


હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”
***

આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?
વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

10,593 દિવસો જીવી ગયેલાં જીતુભાઈ!

મારે ધરતી પર આજે 10,593 દિવસો પુરા. 29 વર્ષ પુરા. છોકરો ત્રીસીમાં આવી ગયો! આજે થયું સ્વને નિજ આનંદ માટે અમુક વાતો કરું. એટલે આ રહ્યા અમુક જીવાયેલા જીવનમાંથી તારવેલા વિચારો. પોતાને કહેલી વાતો.

પોતાને સ્વ-આનંદ માટે કહેલી અમુક વાતો :

To Dear Jitubhai.😘


૧) યુનિવર્સની પ્રચંડતાને જો ઈમેજીન કરીને રોજે જીવ્યાં કરીશ તો તારું આત્મ સમજી જશે કે અહીં આ ગ્રાન્ડ ડીઝાઈનમાં કશું જ મેટર નથી કરતું! સૌ જીવ આ અકળ બ્રહ્મમાં જન્મે છે, થોડુંક જીવે છે, અને મરી જાય છે. આ બ્રહમિક સત્ય સ્વીકારીને તારે એટલું સમજી જવું જોઈએ કે તું માત્ર અહીં એકલો છે. તારો કાળ/અવધિ/એક્સપાયરી ડેટ તને ખબર નથી. એટલે તારા જીવતાં-જીવતાં રોજે રોજે દરેક પળે તને જે મળ્યું છે એ જ પરમ સત્ય છે. તને શ્વાસ મળ્યા છે. ચેતના મળી છે. ચેતાતંત્ર ચાલે છે. તારા મગજના ન્યુરોન્સ ઉછળે છે. ધેટ્સ ઓલ. આ ક્ષણમાં તું જીવે છે એ જ માત્ર અજર-અમર-પરમ સત્ય છે અને એલા એય…આ ક્ષણ જીવી લે. એક એક ક્ષણ મળી છે એનું આતમજ્ઞાન કાળજે ભરીને તારે જેમ જીવવું હોય એમ પળ-પળ જીવ. અહીં કોઈ નિયમો નથી કેમ જીવવું. કોઈ પૂછતું નથી. તારા મર્યા પછી કોઈ યાદ રાખતું નથી. તારાથી આ અબજો જીવોથી ભરેલી દુનિયાને કશો ફર્ક પડતો નથી. તારા સારા કર્મો નાનકડી છબી રાખીને જશે એ ખરું, પણ એનાં માટે ઝાઝું ઝંખવું નહીં. મર્યા પછી તને યાદ રાખવાની પણ જગતની એક મર્યાદા હોય છે. એટલે બહેતર એ છે કે જીવ. સરખો જીવ. મોમેન્ટમાં જીવ. યથા ઇચ્છસી તથા કુરું. Universe does not care who you are.


૨) તારું સક્સેસ, દુઃખ, પૈસો, માન-મોભો આ બધું તો છેલ્લાં બે લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામેલાં અને વાંદરા કરતાં માત્ર બે ટકા વધું વિકસેલું મગજ ધરાવતાં બે-પગાં જીવોના મગજની પેદાશ છે, અને એ પણ છેલ્લાં પચાસ હજાર વર્ષથી આવી છે. બાકી તો આ બે-પગો જીવ પણ આની આ જ ધરતી ઉપર ચાર પગે ચાલતો અને માથા ભરાવીને બીજા પ્રાણીઓ સાથે ઝઘડતો. એટલે ઝાઝું લાંબુ થયું નથી સકસેસ, આર્થિક વિકાસ, સ્ટેટસ આ બધી માનવમગજ પેદાશોને. હવે તું આ ગેમમાં છે તો તારે જેમ કરવું હોય એમ. પણ to be honest, ગમે તેટલાં સિધ્ધ થાઓ, પ્રસિદ્ધ થાઓ…અમુક બે-પગા જીવો સિવાય બાકીના આખા યુનિવર્સને ઘંટો પણ ફર્ક પડતો નથી. એટલે તારા ન્યુરોન્સ જેમ હાંકે એમ હાલ્ય એ વાનર. તારી ફકીરી. તારી અમીરી. તારી યશગાથા. It’s all your DNA.


૩) એક અકળ વાત એ છે કે તારું DNA જે સ્પર્મમાંથી બન્યું (તારા બાપુ), તારું શરીર જે બીજા શરીરમાં રહીને મોટું થયું છે (તારી મા), અને તારા જેવાં જ અન્ય બે-પગા જીવે તને ઉછેર્યો એ તારો પરિવાર છે. જો એ બધાં જીવ ન હોત તો તું ન હોત. એમની સાથે જેટલો આનંદથી, પ્રતિક્ષણ જીવી શકે એના જેવો ઊંડો અને ઉંચો જીવન-એક્સપીરીયન્સ બીજો એક પણ નહી હોય. શાંત, પ્રેમીલું, સુખી અને પડખે ઉભો રહેતો પરિવાર દુનિયાની મોસ્ટ અન્ડરરેટેડ એન્ટીટી છે. પરિવારને સાચવવામાં સમય-ઉર્જા-રૂપિયો બધું જ વહેતું કરવું. પ્રેમ આ યુનિવર્સનું પાંચમું ડાયમેન્શન છે. પરિવાર એનો વેક્ટર. તું મરે ત્યારે તારી નનામીને કંધો આપનારાંઓને જીવતેજીવ તે પુષ્કળ ચાહ્યા હોવા જોઈએ.


૪) વરસાદ આવે તો નાહી લે. ટાઢ પડે તો ઓઢી લે. તડકો પડે તો સ્વીકારી લે. સુખ, દુઃખ, અને એની વચ્ચેની સામાન્ય રીતે રોજે-રોજે પસાર થતી જીંદગીના આવા જ રંગ હોય છે. સામાન્ય રીતે આખી જિંદગીનો 1 – 10 ટકા ભાગ દુઃખ આવે જ. આખી જીંદગીનો 1 – 10 ટકા ભાગ સુખ આવે. બાકીનો 80 ટકા ભાગ સામાન્ય જીંદગી પર્પઝલેસ નીકળે. અખિલ બ્રહ્મમાં આ બધું અલગ-અલગ રીતે દરેકના ખિસ્સામાં વહેંચાયેલું છે. આ ગ્રાન્ડ ડીઝાઈન તો કદાચ ક્યારેય ન સમજાય, પરંતુ એટલું સમજી શકે કે સુખ દુઃખ અને વચ્ચેની નોર્મલ જીંદગી આવ્યા કરે તો ઘણીવાર વધું ત્રાંસુ-બાંગું થયા વિના જીવી શકાય.


૫) “Up to you” આ વાક્ય પણ ભારે અન્ડર રેટેડ છે! જંગલમાં એક વૃક્ષની ડાળ પર એક કીડી ચાલતી હોય અને બીજી સામે મળે. પહેલી કીડી બીજીને પૂછે કે કઈ બાજુ ચાલવાનું છે? બીજી કીડી કહે – Its up to you. મતલબ એ તારા પર છે. આ વાહીયાત ઉદાહરણ છે પણ તારે જ્યારે-જ્યારે કન્ફયુઝન થાય આ વાત યાદ રાખવા જેવી છે કે “બધું તમારા ઉપર છે ભાઈ”. કેમ જીવવું, કેવું જીવવું, ક્યાં જીવવું, આમ કરું કે તેમ કરું? અલ્યાં ભાઈ…રસ્તો તારો. સફર તારી. શું પૂછ્યા કરવાનું? Its up to you. બાકી કોઈ પણ ફીલોસીફી શીખ્યા ન કરવાની હોય. જાત રસ્તે, સ્વ-અનુભવે જિંદાબાદ.


૬) તારો સ્વભાવ છે કે તું દિલધડક જીવે. પ્રચંડ. તને અજાણ્યાં સ્થળોમાં રખડવું, બાથરૂમમાં નાચવું, સંડાસમાં ગાવું, મેળે જાવું, ખડખડાટ હસવું અને ભારેખમ રડવું બહુ જ ગમે. તો એ રીતે જ કરવું. આ જગતમાં બે વૃક્ષના પાંદડા સરખાં નથી હોતા. બે માછલાં કે બે કરોળિયા સરખાં નથી હોતા. કોઈ પણ જીવ એવો નથી કે એના DNA થી માંડીને એના શરીર સાવ સરખાં હોય. એક-એક કણમાં વિવિધતા ભરી છે! એક એક જીવ કેટલો યુનિક છે. રેતીના બે કણ પણ આખી ધરતીમાં સરખાં નથી! તો પછી તારા જીવવાના રસ્તા, નિયમો (જો નિયમ જેવું હોય તો) કે તારી ફિલોસોફી કેમ બીજા જેવી હોય? You are so much unique! તારા જેવું અન્ય કોઈ હતું નહીં, હશે નહીં! યું આર ન ભૂતો ન ભવિષ્યતિ. તો હે જીતુંભાઈ…વર્તમાનમાં જે પળ છે એ પળે તારા અંદરના અણુઓના ડ્રાઈવિંગ પર વિશ્વાસ રાખીને અનંતકાળ સુધી તારે તારા સ્વભાવને ચાહીને જીવવું.


૭) છતાં, તું ક્યારેય કોઈના રસ્તાનો કાંકરો ન બને એ ધ્યાન રાખજે. આમ જીવવામાં સ્વાર્થી બનીને પોતાના માટે જ જીવી ન નાખતો. ઘસાજે. કોઈના આંસુ લુંછજે. કોઈને બેઠો કરજે. કોઈની આંગળી પકડીને પાર ઉતારજે. તારી આંખમાં કણું પડ્યું હોય પણ કોઈ આંખ વિનાનો બાજુમાંથી નીકળે તો પહેલા એને મદદ કર પછી તારી આંખ સાફ કર. તું બન ઓલિયાનો અવતાર, ઉતાર જીંદગીઓ પાર.

૮) પ્રેમ…ઈશ્ક…જ્યારે પૂરી શિદ્દત થી કરીશ તો એ ખુબ ઉંચી ઈબાદત થઇ જશે. એટલે જો કરવો હોય તો ગાંડોઘેલો થઈને કરી લેવો આ ઈશ્ક. જો પામી ગયો તો તને દરેક જીવિત-મૃત તત્વના એક-એક અણુ વચ્ચે કયું બળ છે એની અનુભૂતિ થશે. જે ચાખી ગયો તો ખબર પડી જશે કે અહીં જીવવાનો અરથ શું છે. જો ઈશ્કની ધૂન સમજી ગયો તો તું જ મહાન ગાયક, તું જ મહાન વાદ્ય, તું જ અખિલ વિશ્વનું સંગીત. તું જ યુનિવર્સ.
Yours faithfully – Jitubhai. 😘

ધ રામબાઈની સફરે નીકળતાં પહેલાં…

વ્હાલાં વાચકોને…
તમને ‘ધ રામબાઈ’ આવતા શુક્રવારે કુરિયર થશે. આજે થયું કે તમે વાર્તા વાંચો એ પહેલાં અમુક ભલામણ કરી દઈએ:
1) નવલકથામાં 337 પેજ છે! પણ ગભરાશો નહીં. વાર્તા ખુબ લાંબી નથી, માત્ર પેજ વધું છે. વિસ્તારે સમજાવું : ધ રામબાઈની અંદર ટોટલ 70 ચિત્રો છે. આ ચિત્રો ઘણી જગ્યા રોકે. બીજું કે વાર્તા ટોટલ 88 નાનકડાં ચેપ્ટરમાં વહેંચાયેલી છે. દરેક ચેપ્ટર પૂરું થાય પછી પાછળ કોરી જગ્યા પડી રહે. નવું ચેપ્ટર નવા પેજ પર હોય. આવા બધાં ફેક્ટરને લીધે આખી નવલકથા જે માત્ર 80000 શબ્દોની છે એ જાડી લાગે. (આની સાપેક્ષે વિશ્વમાનવ 1,08,000 શબ્દો, અને નોર્થપોલ 96000 શબ્દોની છે)
2) સામાન્ય રીતે માનવ-સહજ સ્વભાવ મુજબ આપણે સાયકોલોજીકલી ઘડાયેલાં છીએ કે ‘જ્યારે આપણે કશુંક સમાપ્ત કરીએ’ ત્યારે તમારી એ યાત્રા કે અનુભવ વિષે બીજાને શેર કરવાનું મન થાય. શેરિંગ એક સાહજિક જરૂરિયાત છે.
‘ધ રામબાઈ’ વાંચો પછી તમને કેવી લાગી એ સૌને જરૂરથી કહેજો, પરંતુ કોઈ સ્પોઈલર વિના. 🙂 આ નવલકથાની વાર્તાવસ્તુ બે વાક્યમાં કહી શકાય એટલી નાજુક છે. એટલે જો તમે વાર્તાનો અર્ક સીધો શેર કરી નાખો તો એનાથી બીજા વાંચનારાની મજા બગડી જાય. વાર્તા ખુલે નહીં એ રીતે કહેવી હોય તો બેસ્ટ ઉપાય એ કે ‘વાર્તા શું છે’ એ કહ્યા વિના કહેવું કે આ વાંચજો, અથવા આ ન વાંચતા.
3) ‘ધ રામબાઈ’ એક સત્ય-વાર્તા છે. યાત્રા છે. ધટના છે. તમે જે વાંચવા જઈ રહ્યા છો એ બધું જ આ વિશ્વમાં એકવાર બનેલું છે. જીવાયેલું છે. નવલકથાના અંતમાં “Epilogue : વાર્તા પાછળની વાર્તા” નામના વિભાગમાં વાસ્તવિક ઘટના- પાત્રો- સ્થળો વિષે બધું જ લખ્યું છે. અમુક વાસ્તવિક ફોટો મૂક્યાં છે. છતાં, આપને આગ્રહ કરીશ કે પહેલાં આખી નવલકથા વાંચી લેવી. નવલકથાને અંતે ‘સમાપ્ત’ શબ્દ પછી જે કશું પણ લખેલું છે એ બધું જ Spoilers ગણવું. અગાઉથી ન વાંચવું.
4) જો શક્ય હોય તો તમે જ્યાં કુદરતને ભાળતા હોય એવી જગ્યાએ બેસીને એકાંતમાં વાંચજો. મેં પણ વાદળાં, વૃક્ષો, અને સુરજના સાનિધ્યમાં મારા ઘરની બાલ્કનીમાં બેસીને સંપૂર્ણ એકાંતમાં આ વાર્તા ઓલ્મોસ્ટ ત્રણ વર્ષ સુધી લખેલી છે. આ ઊંડાણથી વાંચવાની અને ધીમે-ધીમે જીવવાની વાર્તા છે. શક્ય હોય તો વાંચતી સમયે ઇન્ટરનેટ કે મોબાઈલને દૂર રાખજો.
5) મારી અગાઉની નવલકથાના વાંચકો માટે : ‘ધ રામબાઈ’માં ‘વિશ્વમાનવ’ની જનુની બળવાખોરી નથી કે ‘નોર્થપોલ’ જેવી અથાક આત્મખોજ નથી. અહીં આપણી સૌની સફર, ઉડાન, અને મંજિલ અલગ છે. અહીં આપણું સૌનું આકાશ અલગ છે. ‘ધ રામબાઈ’ ના અણુ-પરમાણું નોખાં છે. આ પોતે જ આખું યુનિવર્સ છે.
6) નવલકથા લખતી વખતે હું હંમેશા Instrumental music સાંભળું. વાંસળી, પિયાનો, ગીટાર વગેરે. આ મ્યુઝીકના મહાસાગરમાંથી મને અમુક એવાં મોતી મળ્યા છે જેને આ નવલકથા વાંચતી વખતે તમે સાંભળશો તો પાત્રોની જીંદગીને એક અલગ ઊંડાણ અને ઉંચાઈથી અનુભવી શકશો. જો વાંચવાનું અને મ્યુઝીક સાંભળવાનું (છતાં ઈન્ટરનેટથી દૂર રહેવાનું) તમને કોઠે પડે તો નવલકથાના દરેક ભાગની આગળ એક QR Code આપેલો છે. એને સ્કેન કરીને સાંભળી શકાશે. આર્ટિસ્ટ મુજબ Ludovico Einaudi, Estas Tonne, અને Hans Zimmer આ ત્રણના મ્યુઝીક જ અહીં લેવાયા છે.
બસ…તો પછી ચાલો ઉપડીએ ‘ધ રામબાઈ’ની સફરે… 🙂
નોંધ : નવલકથા ઈ-બુકમાં હમણાં નહીં આવે. આ પુસ્તકને હાથમાં લઈને વાંચવાની જ મજા આવશે. તમારે ખરીદી કરવા માટે વોટ્સએપ નંબર: 9409057509 પર તમારું નામ, સરનામું વગેરે આપવાનાં રહેશે. કિંમત 199/- છે. કોઈ બીજા ચાર્જ નથી.

ધ રામબાઈ – પ્રિ ઓર્ડર

આજે મારી માતા – જન્મદાતાનો જન્મ દિવસ છે. મારા જેવાં માવડિયા છોકરાં માટે તો આજે મારા ઈશ્વરનો પ્રાગટ્ય દિવસ છે.
મારી બાને સાઈઠમું વર્ષ બેઠું. એનું વ્યક્તિત્વ એવું છે કે જેમ-જેમ મારી ઉંમર વધતી જાય છે એમ-એમ હું એનાં વિશે કશું લાંબુ બોલી કે લખી નથી શકતો. એને મોકો મળે ત્યારે ભેંટી પડું. એનાં ખોળામાં માથું મુકીને સૂતો રહું. એના પગને મારું માથું સ્પર્શ કરીને આશિષ માંગ્યા કરું.
આજે સવારે વહેલી ઊંઘ ઉડી ગઈ અને થતું હતું કે બાના જન્મદિવસે કશુંક જીવનભર યાદ રહે એવું કરું.
એટલે આજે ફોન પર એમનાં આશીર્વાદ લઈને ત્રીજી નવલકથાનો પણ જન્મદિવસ ઉજવીએ. આજથી તમે ‘ધ રામબાઈ’ નવલકથાને પ્રિ-ઓર્ડર કરી શકશો. નવલકથા કાલે પ્રિન્ટમાં જાય છે એટલે અગાઉથી ઓર્ડર કરનાર દોસ્તોને ૬-૮ દિવસમાં ઘરે પહોંચી જશે.
આશા છે કે રામબાઈને વાંચવાની સફર તમારાં મનમાં અમર બની રહેશે. તમારા આ ભેરું પર ભરોસો હશે તો રામબાઈ પછી પણ ઘણી નવલકથા રૂપી સફરો કરશું. (સાત-આઠ વર્ષ પહેલાં હું પણ માના આશીર્વાદ લઈને આ લાંબી વાર્તાઓ લખવાની સફરે નીકળેલો અને જોતજોતામાં ત્રીજી નવલકથા લખાઈ ગઈ.)
નોંધ: મારે પ્રિ-ઓર્ડરમાં દરેક કોપીને સાઈન કરીને પછી તમને કુરિયર કરવાનું મન હતું, પણ લોકડાઉનને લીધે મારી પાસે પણ મારું ત્રીજું બાળક કુરિયરમાં આવવાનું છે! એટલે મારાં લખાણ પર ભરોસો રાખીને (કોઈ રીવ્યું વિના પણ) નવલકથા ખરીદનાર દરેક દોસ્ત માટે મેં બીજો વિકલ્પ એ વિચાર્યો : નવલકથાના છેલ્લે પાને મારો સંપર્ક કરવા માટેનો નંબર પેન્સિલથી લખ્યો હશે. (તમને કુરિયર કરનાર પ્રકાશક વ્યક્તિએ લખ્યો હશે.) તમે આખી વાર્તા વાંચી નાખો પછી મને ફોન કરજો. ફોન પર સુખ-દુઃખની વાતો કરીશું. વાત કરવાને બહાને હું તમારો આભાર વ્યક્ત કરી શકીશ. 🙂
પ્રિ-ઓર્ડર માટે તમારું નામ, આખું સરનામું, ફોન નંબર ત્રણેય નીચેના નંબર પર વોટ્સએપ કરી દેજો. પછી ૬ થી ૮ દિવસમાં તમને નવલકથા મળી જશે.
વોટ્સએપ નંબર: 9409057509
કિંમત: 199 Rs. અન્ય કોઈ ચાર્જ નથી. (ઉપરાંત દેશભરમાં ગમે ત્યાં ડિલીવરી નિ:શુલ્ક છે) પેમેન્ટ કેમ કરવું એ તમને તમારા મેસેજના રીપ્લાયમાં કહેશે.
(પ્રિ-ઓર્ડર સમયની જ આ કિંમત છે. પ્રિન્ટ પછી વિતરકની કિંમત કદાચ વધું હશે)
Rambai front coverRambai back cover

‘ધ રામબાઈ’ ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. મોટેભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં…

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

…પણ એ વાંચક…આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ…તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.

***

જીતેશ દોંગાની નવલકથાઓ શરૂઆતમાં ધીમે-ધીમે બધું મજબુત બાંધે છે. ધીમે-ધીમે મને પટાવે ફોસલાવે છે. મને આમ-તેમ રમાડે છે. થોડો-થોડો મીઠો તડકો આપે છે, અને પછી અચાનક મને ધડામ દઈને એવા તે બ્લેક-હોલમાં ફેંકી દે છે જ્યાં મને મારું ભાન નથી. સમયનું ભાન નથી. જીવ-જીવનનું ભાન નથી. હું હું નથી. હું બીજું દ્રવ્ય બનીને પીગળી ગયો હોઉં છું અને વાર્તાનું ગુરુત્વાકર્ષણ મને પળભરમાં માણસ તરીકે બદલી નાખે છે.

લી. તેજસ દવે. ઈસરો સાયન્ટીસ્ટ

Brilliance of Ali Sethi

Video

વર્ષોથી એક ઓબ્સેશન રહ્યું છે : માણસના સંપૂર્ણ કામને સમજવાનું ઓબ્સેશન.

એસ્ટ્રોનોમીમાં મને ખુબ જ રસ પડે. મેં કાર્લ સાગન (મારો સૌથી પ્રિય માણસ)ને લગભગ આંખો વાંચ્યો.

એજ રીતે ગુજરાતી ભજનોમાં ખુબ રસ પડે. બધાં ભજનીકોમાં મને નારાયણ સ્વામીને પીવાની જે મોજ પડી એવી, એ ઉંચાઈ, એ ઊંડાઈની મોજ ક્યાંય ન આવી.

નવલકથાઓમાં મેં હારુકી મુરાકામી, નેઈલ ગેઈમેન, ફ્રેડરિક બેક્મેન અને બ્રાંડન સેન્ડરસનના આ બધાનાં એકોએક સર્જન વાંચવામાં રસ લૂટ્યો એવો કોઈ અન્યમાં નહીં.

દરેક ક્ષેત્રમાં અમુક માણસો એવાં મળ્યાં જેને જ્યાં સુધી આંખા અંતરમાં ન ઉતારું ત્યાં સુધી મેળ ન પડે!

મ્યુઝીકના ક્ષેત્રમાં પાકિસ્તાનમાં જન્મેલાં સિંગર્સ સાથેનું મારું ઓબ્સેશન કશુંક એવું જ છે. એ ચાલુ થયેલું ધ ગ્રેટ નુસરત ફતેહ અલી ખાનથી. એમને પુરા સાંભળ્યા પછી એમનાં આખાં વારસાને સાંભળ્યો. (જેમની પાછળ ‘અલી’ એ બધાને!)

પરંતુ એક દિવસ અચાનક આબિદા પરવીનનો અવાજ સાંભળ્યો! અહાહા…કેવી સૂફી ગાયક. કેવો અદ્ભુત અવાજ. આબીદાજી પછી પણ મહાન ગાયકોની ખોજ થતી રહી. મને એમ હતું કે પાકિસ્તાનના સિંગર્સમાં આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન, ગુલામ અલી, ફરીદા ખાનુંમ, બેગમ અખ્તર, રેશમા, શબરી બ્રધર્સ અને છેલ્લે પહાડી અવાજની બાદશાહ એવી કુર્તુલૈન બલૌચ (Qurat-ul-Ain Balouch) આટલાં લોકોથી ઊંચું કોઈ મને ક્યારેય નહીં મળે.

પણ…

થોડા મહિનાઓ પહેલા હું સારેઈકી ભાષા (Saraiki language) વિશે વાંચતો હતો. એ ભાષાના સાહિત્યને શોધતો હતો. એમાં એક ગીત નજરે પડ્યું. એ ગીતને યુટ્યુબમાં શોધ્યું અને મળ્યો એક અનોખો અવાજ – અલી સેઠી.

એ ગીત હતું : चन कित्थाँ गुज़री आही रात वे

આ ગીત ઘણાં લોકોએ ગાયું છે, પણ અલી સેઠી જેવો મીઠો મધ જેવો અવાજ ક્યાંય સાંભળ્યો નથી. કેવો અદ્ભુત અવાજ છે!  એનાં અવાજમાં જે મધ જેવી મીઠાશ છે, જે ઝીણી રફનેસ છે, જે સુકૂન છે શું વાત કરવી.

એટલે થયું કે કદાચ ઘણાં લોકોને અલી સેઠીના બ્રિલીયંસ વિષે ખબર ન હોય તો કશુંક લખી નાખીએ.

તો નીચે એક પછી એક ગીતો મુકું છું. ખાસ: હેડફોન/ઈયરફોનમાં સાંભળજો.

બીજું કે જો શક્ય હોય તો દરેક ગીતનો અર્થ સમજવા પ્રયત્ન કરજો. ખુબ જ ગમશે.

  1. Chan Kithan

આ ગીતનો અર્થ ખુબ જ મસ્ત છે. અહીં આ લીંક પર આખા ગીતનો અર્થ છે:

  1. Mere Hamnafaz

મેરે હમનફઝ ગીતમાં એક જગ્યાએ એક પ્રિય કપલેટ છે :

मेरा अज़्म इतना बुलंद है कि पराए शोलों का डर नहीं

मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

મતલબ –

કે મારો અઝ્મ (ઈરાદો – સંકલ્પ) એટલો બુલંદ (ઉંચો) છે કે મને બહારની જ્વાળાઓનો ડર નથી.

મને ખૌફ (બીક) મારા અંદરના ફૂલોની જ્વાળાનો છે કે એ મારા આખા બગીચાને બાળી ન નાખે!

  1. Chandani raat

  1. Ishq

4.a  I love this lyrical

  1. Kithay nain ja jori

  1. Ranjish Hi Sahi

  1. Aaqa

  1. Mahobbat karne wale

  1. Ye mera diwana pan

  1. Khabar-e-Tahayyur-e-Ishq

  1. Aah ko Chahiye

 

આમ તો બીજા ઘણાં ગીતો છે જે ખુબ સારા છે. નવરાં પડો તો સાંભળજો. 🙂 અલી સેઠીનું બેકગ્રાઉન્ડ, પરિવાર, ભણતર, અને અન્ય કેટલાયે કામ છે જે અલગ લેવલ પર છે. એનો અવાજ ગમે તો રીસર્ચ કરજો 🙂

Tour de Pondy

Image

ગયા ઉનાળે પોંડીચેરી ગયેલાં. હું અને કલ્પિતા. કોઈ પ્લાન નહીં. શનિવારે સવારે સાત વાગ્યે ઉઠીને થયું કે ચાલો ક્યાંક જવું છે અને તરત જ બ્રશ કરીને, ચા પીઈને, મારી ઓફીસ બેગમાં એક-એક જોડી નાઈટડ્રેસ નાખીને ઉપડી ગયા. અમારું દરેક ટ્રાવેલિંગ કોઈ પણ પ્લાન વિના હોય.

એટલું અન-પ્લાન્ડ કે અમે પહેલાં બસસ્ટેશન કે રેલ્વે સ્ટેશન જઈએ અને પછી નક્કી કરીએ કે હવે કોઈ બસ કે ટ્રેન ઉભી છે જેનું બોર્ડ જોઇને ત્યાં જવાનું મન થાય!

અમે પોંડીચેરી, તમિલનાડુ, કર્નાટકના નાનાં-નાનાં ગામડાં બધું આમ જ રખડેલાં છીએ.

બેંગ્લોરના અમારા ઘરથી બહાર નીકળીને પછી તરત જ મેઈન રોડ પર આવ્યાં અને એક બસ પોંડીચેરી જઈ રહી હતી. કશું વિચાર્યા વિના બસમાં ચડી ગયા!

સાત કલાક પછી અમે પોંડીચેરીમાં હતાં. રસ્તામાં બસ જ્યાં ઉભી રહે ત્યાં ઢોસા કે ભાત-સાંભાર ખાઈ લીધેલા.

પોંડીચેરી જઈને શું કરવું એ બસમાં હું ગૂગલ કરતો હતો અને થયું કે સીધા દરિયાકાંઠે જતાં રહેશું અને બે દિવસ ત્યાં જ પડ્યા રહેશું!

બપોરે ત્રણ વાગ્યે દરિયે પહોંચ્યા.

દરિયે જઈને એક દુકાન પર ચા પીધી અને અમે બીચ પર બેઠાં

આ કાળા ચીકણા અને ગરમ પથ્થરો પર પડ્યા-પડ્યા આકાશ સામું અને દરિયા સામું જોતાંજોતાં જીવન વિષે વિચાર્યા કરવાનું ખુબ જ ગમે 🙂

કલ્પિતાના પગ મને ભારે ગમે!

સાંજ પડી. અમે બંનેએ એકબીજા વિષે ખુબ વાતો કરી.

મને યાદ છે. આ ફોટો પાડતી વખતે હું કલ્પિતાને મારા સપનાં કહેતો હતો.

અને આ ફોટો વખતે એ મને કહેતી હતી કે – હું વધારે પડતો જ સપનાઓમાં જીવનારો માણસ છું. એને ક્યારેક બીક લાગે કે આ નાલાયક ક્યાંક એકલો જતો ન રહે રખડવા અને પછી પાછો નહીં આવે તો!

રાત્રે ચાલતાં-ચાલતાં અમે એક બ્રીજ પર પહોંચ્યા જ્યાં પાણીમાં ઉભા-ઉભા અમે ફરી એક ફેરીયાં પાસેથી ચા પીધી.
તે દિવસે સાંજ સુધી ત્યાં રખડીને પછી ભૂખ લાગી એટલે શહેરમાં ગયા. એક મસ્ત જગ્યાએ વુડ-ફાયર્ડ પીઝા ખાધા.એક હોટેલમેં ઓયો પર બુક કરાવી. રાત્રે ત્યાં રૂમમાં મસ્ત એવી બીયર લગાવીને મેં એક નવલકથા ભેગી લીધી હતી – હારુકી મુરાકામીની.કદાચ Windup bird chronicle હતી. એ વાંચી.

આ વાર્તાનો આ ફકરો એ સમયે ભારે સ્પર્શી ગયેલો. અત્યારે આ લખું છું ત્યારે કશું સમજાતું નથી 😉

બીજે દિવસે સવારે અમે ઉઠીને, બ્રશ કરીને, ચેકઆઉટ કર્યું અને પછી ઉપડ્યા અમારી પ્રિય ઈડલી ખાવા.

નાસ્તો કરીને એક સ્કૂટી ભાડે લીધી. ૫૦૦ રૂપિયામાં. પેટ્રોલ આપડું.

ઉપડ્યા શ્રી અરવિંદના આશ્રમમાં.

IMG_20190324_105827
અહીં કઈ જામેલી નહીં. પણ બધુંય જામે થોડું 😉
IMG_20190324_104917
અહીં જામ્યું.
IMG_20190324_102931
અહીં મેં એમ કહેલું કે – કુદરતમાં ઉધઈ જેવું માઈક્રો આર્કીટેક્ચર માણસ ક્યારેય નહીં કરી શકે.
IMG_20190324_101309_BURST6
જ્યારે આ આશ્રમની સ્થાપના થઇ ત્યારે વિશ્વ આખાના પ્રતિનિધિઓ આવેલાં અને આ એ સમયનો ફોટો છે. કેવી અલૌકિક ક્ષણ હશે. એ માનવીઓ કેવાં મહાન વિચારો ધરાવનારા હશે!
IMG_20190324_101302_BURST1
ફુલડું છે.

પછી અમે ફરી દરિયે ઉપડ્યા. આ વખતે અલગ જગ્યા એ ગયેલાં કદાચ. પણ યાદ નથી. ફોટા મસ્ત પડેલાં મારા સાવ સાદા મોટોરોલા ફોનમાં.

અહીં પથ્થરો વચ્ચે રમતાં કરચલા જોવાની મોજ પડેલી.
IMG_20190324_060747

રાણી અને દરિયો 😉
એકદમ અંધારું થયું ત્યારે આ દૃશ્ય ખુબ ગમેલું.

બીજે દિવસે સવારે પછી એક તળાવ કાંઠે રખડવા ગયા અને પછી થાક્યા. તો બપોર નજીક ફરી બસ પકડવા શહેરમાં ગયા.

એ દિવસના રેન્ડમ ફોટો.
ગાયે એક્ચ્યુલી ફૂટબોલને કિક મારેલી!
આ ફોટો એકલો રહી ગયો હતો. એને ખોટું ન લાગી જાય એટલે પુંછડે લાગવું છું. 😉

તો આમ જાત્રા પૂરી થયેલી.

કોઈ કારણ વિના, કોઈ ટાઈમટેબલ વિના, કોઈ પ્લાન વિના એમ જ ફરવાની મજા જ અનોખી છે. ટ્રાય કરજો એકવાર.

સમાનુભૂતિ: Importance of Empathy in Current time.

empathy

Empathy.

સમાનુભૂતિ.

કોઈ માણસ પાસે પોતાના બાળકને ખોરાક આપવાની સગવડ નથી, અને એને કારણે એ માણસને જે દુઃખ, રંજ, પીડા થતી હોય, અને એ માણસની પીડાની અનુભૂતિ જો આપણે પણ કરી શકીએ તો એને સમાનુભૂતિ કહેવાય.

વિશ્વ આખું વર્ષો સુધી નહીં ભૂલાય એવી અઘરી પરીક્ષામાંથી પસાર થઇ રહ્યું છે. કદાચ કોરોના ૨૦૨૦ પૂરું થશે ત્યાં સુધી મંદ-મંદ જીવ્યાં જ કરશે. કદાચ આપણને સૌને આ અદૃશ્ય જીવ કોઠે પડી જશે. ભવિષ્ય ધૂંધળું છે. આ પેન્ડેમિકને લીધે વિશ્વ આખામાં જે આર્થિક અને સામાજિક બદલાવો આવી રહ્યા છે એ બીજા ત્રણ-ચાર વર્ષ સુધી ચાલ્યાં કરશે.

આ બધાં કેઓસની વચ્ચે કેટલાયે માનવીઓ મૂંગી પીડામાંથી પસાર થઇ રહ્યા છે. ખુબ ઓછાં બોલી શકે છે. ખુબ ઓછાં રડી શકે છે. ખુબ ઓછાં રાડો નાખી શકે છે. આ સમયને અને આવતાં સમયને સૌથી વધું જરૂર છે – સમાનુભૂતિની.

અત્યારે જો પોતાના પરિવાર, દોસ્તો કે સમાજ માત્ર નહીં, પરંતુ ધર્મ-નાત-જાત ભૂલીને અન્યની પીડાને માત્ર ‘સમજી’ શકો તો પણ આપણે આખા વિશ્વની ‘પ્રેમની એન્ટ્રોપી’ વધારી શકીશું.

૧. આજે શેરીમાં સીતેરેક વર્ષના વૃદ્ધ એક ખાલી રેકડી લઈને ધીમું-ધીમું મરતું-મારતું ચાલ્યાં જતાં હતા. રેકડીમાં એક ખૂણામાં સુકાઈ ગયેલાં મોગરાના ફૂલોની વેણીઓ હતી. સામાન્ય દિવસોમાં બેંગ્લોરના રસ્તાઓમાં વેણી વેચનાર માણસના ફૂલો કરમાયાં ન હોય ત્યાં સુધીમાં વેચાઈ ગયા હોય, પરંતુ અત્યારે ફૂલો મુર્ઝાઈ ગયા હતા. એનાં સૂકા ફૂલ ખરીદવા કોણ બહાર નીકળે? એ વૃદ્ધનું સુકું શરીર, તડકે દાજેલો ચહેરો, ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું જોવા અને એની પીડાની અનુભૂતિ કરવા માણસે પોતાના ડીવાઈસના સ્ક્રીનમાંથી ઊંચું જોઇને આ ઘરડાં માણસને બટકું રોટલો કે પાણીનો ગ્લાસ આપવો કે પછી એને માટે પોતાના ઈશ્વર-અલ્લાહને એક પ્રાર્થના કરવી પણ સમાનુભૂતિ છે.

આ વૃદ્ધ જેવા તો કરોડો ગરીબ આ એકસો ચાલીસ કરોડના દેશમાં છે. આપણે મદદ તો બસ દસ-બારને કરવાની છે. બસ પૂછવાનું છે કે : “દાદા, ભૂખ લાગી છે?”

વિચારો : અત્યારે કેટલીયે માના દીકરાઓ દૂર-દૂર ફસાયાં હશે. કેટલાયે ઘરડાં માબાપ એકલાં હશે. વિકલાંગ, અંધ, કે કોઈપણ બીમારી ધરાવતો માણસ તમારી સાંજની પ્રાર્થનામાં આવે તો પણ ઘણું.

૨. અર્થતંત્ર તૂટે ત્યારે ખુબ ધીમું-મૂંગું તૂટે. રોજનું કમાઈને રોજનું ખાતો દરેક માણસ બેરોજગાર થઇ પડે. શરીરનો ઉપયોગ કરીને જે માણસ રોજીરોટી કમાતો હોય એ બધાં ભાંગી પડે. કન્સ્ટ્રકશનના મજૂરો, સામાન ઊંચકતા કૂલી, ટીફીનવાળા, ટેક્સી ચલાવતાં ડ્રાઈવરો, નાનકડી નાસ્તાની લારીઓ, ચા-કોફી-આઈસ્ક્રીમ વેચનારા, વેઈટરો, ફેરિયાઓ, સેલ્સમેન, નાનકડી નાસ્તા, વાસણ, કપડાં, જૂતાં વગેરેની ભાડાની દુકાનો ચલાવનારા માણસો, સીઝન મુજબ લગ્ન, ઉત્સવો કે પ્રસંગ મુજબ કામ મેળવતાં દરેક રસોઈયા, દરજી, સુથાર, માછીમારો બધાં જ શું કરે?

આપણા દેશમાં આ સંખ્યા નાની નથી. ચાલીસ કરોડથી વધું લોકો છે! માત્ર ખેતી ઉપર જીવન નિભાવતું માણસ કે જેને માટે માર્કેટયાર્ડમાં કશુંક વેચાય તો દિવાળી આવે એજ કેટલાં.

બેશક સરકારે એક તરફ આર્થિક મહામારી અને બીજી તરફ આ અવિરતપણે ભાગતી બીમારી બંનેને બેલેન્સ કરવાના છે. આપણે કશું ન કરી શકીએ તો કઈ નહીં પરંતુ કોઈ માણસને કામ આપી શકીએ તો Supply-Demand નું ચક્ર ચાલતું થાય. જે માણસો પાસે ૩૦-૪૦ હજાર રૂપિયાની સગવડ છે એમને દિવાળી આવી જાય, પરંતુ જેમનાં ખિસ્સા અત્યારે જ ખાલી છે એની પીડાની ભાળ હોવી એ પણ ઘણું.

૩. અર્થતંત્ર તૂટે ત્યારે ઊંહકાર ગરીબ અને મધ્યમ વર્ગને જ નીકળે. દેશનું અર્થતંત્ર ચાલે પણ MSME (નાના-મધ્યમ ધંધાઓ) દ્વારા. અત્યારે દરેક હીરાના કારખાનાં, કોલસેન્ટર, નાના ઉદ્યોગો, ઘરેલું ઉદ્યોગો, સર્વિસ સેક્ટરની દરેક નોકરી, ટ્રાવેલ ઉદ્યોગ, હોટેલ અને ગેસ્ટહાઉસનો ઉદ્યોગ, કુરિયર જેવી ટ્રાન્સપોર્ટમાં જોડાયેલી દરેક નાની-નાની જોબ, નાનકડાં કારખાનાં-હોટેલો બધું જ બંધ છે. કારીગરો અને માલિક બધાં ગામડે સ્થળાંતર કરી ગયા છે. એ બધાં જ મહિનાઓ સુધી કદાચ ન આવે અને આ બધું ચાલુ થાય ત્યાં સુધી સૌકોઈ નાની નોકરીવાળા માણસને ‘મને પાછો નોકરી પર રાખશે કે નહીં’ એ સતત ભય નીચે જીવવાનું છે.

ખાસ યાદ રહે: આપણે આમને મદદ ન કરી શકીએ કદાચ, પણ આ ડીજીટલ યુગમાં જ્યારે દરેક માણસ એકબીજાની જીંદગી જોઈ શકે છે ત્યારે ભૂલથી પણ કોઈને મજાક ન બનાવીએ. આપણું સુખ-સાહ્યબી કદાચ આ સમયમાં સૌને શો-ઓફ ન કરીએ તો ચાલે. અત્યારે પોતાનાં મકાનો-કાર-ઘરેણાં કે અમુક અંશે ભપકાદાર રસોઈના ફોટા પણ ન મુકીએ તો ચાલે. (ખરેખર કોઈને ખબર નથી હોતી કે બીજો માણસ કેવી અગ્નિપરીક્ષા આપી રહ્યો છે)

જો તમે રોજગાર આપનારાં માણસ હો તો ખાસ આજીજીપૂર્વક કહીશ કે – આઠ-દસ હજારના પગારદાર માણસને છોડી ન મુકવો. સમય કપરો છે જ, પરંતુ તમે થોડા ઘસાવ અને કોઈનું ખોરડું ઉજળું થતું હોય તો થવા દેજો. આ હાથ ઝાલવાનો સમય છે, હાથ છોડવાનો નહીં.

૪. મોટાભાગની કંપનીઓએ લાખોની સંખ્યામાં માણસોને લે-ઓફ કર્યા છે. પગાર બંધ કર્યા છે. પગાર ઘટાડી દીધાં છે. પગારમાં વધારો રોકી દીધો છે. પણ જ્યાં સુધી નોકરી છે ત્યાં સુધી ચિંતા ન જ કરવાની હોય. ઉલટું જેમને નોકરી નથી એમની તરફ સમાનુભૂતી રાખીને એમને નોકરી શોધવામાં મદદ કરવાની છે. તમારો પગાર વધ્યો હોય તો પણ એનો કોઈને દેખાડો કરવો ન જોઈએ. આ વર્ગ કે જેની સેલેરી ત્રીસ-ચાલીસ હજારથી વધુ છે એમણે જ શક્ય એટલી સમાનુભૂતિ – એમ્પથી બતાવીને સંયમ સાથે અન્યને મદદ કરવાની છે. નોકરી ન આપી શકો તો વિશ્વાસુ માણસને બનતી મદદ પણ ઘણું મોટું પુણ્ય જ છે. લાખોના દાન ન આપીને કોઈના બાળકોને ભણાવી દેશો તો કોઈનો આત્મો ઠરશે.

૫. ખુબ જ અગત્યનું છે : અત્યારે કરોડો લોકો માનસિક રીતે પીડાઈ રહ્યા છે. કહી નથી શકતાં પરંતુ એમનાં મન-મગજ થાક્યા છે. કેટલીયે સ્ત્રીઓને પોતાના પુરુષની  ઘરેલું હિંસા વધી છે. બાળકો-વૃદ્ધો સૌ ચાર દીવાલો વચ્ચે ચુપચાપ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ સમય પૂરો થાય. ૨૦૨૦ને માત્ર છ મહિના ગયા છે પણ જાણે વર્ષોનો કારાવાસ લાગે છે. દરેક માણસને સહાનુભૂતિ અને સમાનુભૂતિ બંનેની જરૂર છે. શક્ય હોય તો જેમની પીડા સાંભળી શકાય એ સાંભળજો. સાંત્વના દેજો. સાયકોલોજીસ્ટની જેમ એમને માત્ર તમારી આગળ ખાલા થવા દેજો. અગેઇન : પોતાની મોજ અને જાહોજલાલી ન દેખાડો તો પુણ્યનું કામ કર્યું સમજવું. કોઈને બે મીઠાં શબ્દો કહીને, ભેંટીને, માથે હાથ ફેરવીને કહી શકો કે ‘આ બધું જ વીતી જશે’ અથવા ‘હું તમને સમજી શકું છું’ બસ તો પણ ત્યાં આપણી સૌની ‘સમાનુભૂતિ’ જન્મી જશે. ત્યાં વિશ્વ આખાની ‘પ્રેમની એન્ટ્રોપી’માં વધારો થશે.

લગ્ન નામનો લાડવો…!

 

હેલ્લો…
મને ઓળખી? હું ખુશી.
ના ઓળખી? અરે !
પેલી ખુશી. ‘આનંદ’ ની બહેન. ‘જીવન’ભાઈની દિકરી. ‘દુઃખ’ અંકલની દુશ્મન અને ‘મોજ’ની દોસ્ત.
હું હતીને તમારી પાસે! તમારા જન્મથી માંડીને કેટલા વર્ષ તમારી સાથે રહી. કેમ ભૂલી ગયા? તમે નાના હતા ત્યારે હું-મોજ-આનંદ અમે બધા તમારી પાસે અમે આવતા. તમારી સાથે જ તો રહેતા ! નથી યાદ? આપણે તમારા બાળપણમાં, સ્કુલમાં, અરે કોલેજમાં પણ સાથે હતા દોસ્ત…! કેમ ભૂલી જાઓ છો. તમારી તો કોલેજ પૂરી થઇ અને અમારાથી દૂર જ ભાગવા લાગ્યાને ! કોલેજ પછી નોકરી કરતા હતા ત્યારે પણ આપણે ક્યારેક તો મળતા જ! તો આ લગ્ન પછી કેમ તમે અને હું મળ્યા જ નથી એવું લાગે છે? દુઃખ અંકલ તમને વળગી ગયા હોય એવું લાગે છે. હા…એ કાકો તો ખીજડાના મામા જેવો છે. એની નજીક જાઓ એટલે વળગી જ જાય. પણ હું તમને બાંધતી નથી હો. તમે મારી નજીક આવતા, પરંતુ તમે જાતે જ દૂર ગયા છો. હું આજે એટલે આવી છું, તમને શીખવવા માટે.

તો તમે, આ વાંચનારા, હા તમને બધાને કહું છું કે કેમ તમે બાળપણ છોડીને જેમ-જેમ મોટા થઇ રહ્યા છો એમ હું દૂર થતી જાઉં છું. સાંભળો.

એક બાવીસ વર્ષની ખુબ ડાહી છોકરી હોતી રમીલા. રાજકોટ નજીક એક ગામમાં રહેતી. એક દિવસ સાંજે ઘરે એના પપ્પાએ કહ્યું: તારા લગ્ન માટે છોકરાવાળા જોવા આવવાના છે. રમીલા તો શું બોલે? જાણે એના પગ નીચેથી જમીન ફાટી પડી. શું થશે જિંદગીનું? બીજા દિવસે તો ઘરે કાકો આવ્યો, મામો આવ્યો, પાડોશી આવ્યો, અને અંબોડાવાળી મંથરા જેવી ડોશીઓ આવી. અચાનક જે માણસો તેને પરિવાર લાગતા એ બધા એની સામે ઉભા રહી ગયા! કેવો છોકરો ગમશે? કેટલું ભણેલો? નોકરી કે ધંધો? તારો બાયોડેટા ક્યાં? તારે લગ્ન પછી નોકરી કરવી છે? જો સાસરાવાળા પૂછે તો ના જ પાડજે. હાથ પર વેક્સ કરાવ. આ આઇબ્રો તો જો. સરખો પાવડર લગાડજે. છોકરો આમ પૂછે તો પેલો જવાબ દેજે. પેલું પૂછે તો આ જવાબ દેજે. એની સામે ખુબ હસતી નહી.
રમીલાએ બે છોકરાને ના પાડી ત્યાંતો બધા સગાઓના ફોન આવ્યા ! બેટા…તારા બાપુ માથેથી લગ્નનો ભાર દૂર કર. છોકરાને હા પાડી દેજે હો. આ જવાબદારી સરખી નિભાવ. આ સોગિયું ડાચું સરખું કર. ઉંચાઈ આટલી કેજે. વજન આટલું કેજે. ફાંદ ઓછી કર. ડાયેટિંગ ચાલુ કર.
ત્રીજો છોકરો જોવા આવ્યો. ધ્રુજતા હાથે ચા દેવા ગઈ. સાડી પહેરવી પડી. છોકરા સાથે રૂમમાં ગઈ. તમારું નામ? કેટલા ભાઈ-બહેન? શોખ? ઘરકામ આવડે છે? નોકરી કરશો?
ઓહ માય ગોડ…એક બાવીસ વર્ષની સીધીસાદી છોકરી અને એની ‘ખુશી’ ત્યાં જ હોમાઈ ગઈ.
કોઈએ પૂછ્યું નહી કે રમીલા તારા મનમાં શું ચાલે છે. એ સાંભળો…એના મનમાં ખુશીનું ખૂન થઇ રહ્યું છે. છોકરાએ એક ફોન લઇ દીધો. રોજે છોકરાના ફોન આવ્યા. પ્રેમ ઉત્પન્ન કરવામાં આવ્યો. એટલો ઉત્પન્ન કર્યો કે લગ્ન સુધી તો ચાલે જ. એક દિવસ અચાનક સગાઇ, કંકુપગલા, લગ્ન આવ્યા. બાપુજીએ આખા ગામનું ખાધું છે તો હવે બધાને ખવડાવવું પડે એ નાતે લાખો ખર્ચ્યા. બાએ આખા ગામની છાબમાં ઘરેણાં જોયા છે તો આપણે પણ કરવા પડે એમ સમજીને બીજા લાખો ખર્ચ્યા. રમીલા બા-બાપુજીને કશુંક કહેવા માગતી હતી પણ ત્યાંતો ઢોલ વાગ્યા. ઘોડા ઉપર આવ્યો એ. ખાટલે ઘોડા ખેલાવ્યા. ફટાકડાના અવાજ અને કચરો કર્યા. માથું ફરી જાય એવા ડીજે વગાડ્યા. કન્યા પધરાવો સાવધાન! (ના…જીંદગી પધરાવો સાવધાન…!) મંડપમાં ચારેબાજુ બંદૂક લઈને ઉભા હોય કેમેરા વાળા પોઝ માંગવા લાગ્યા. ફોટા સારા આવે એટલે ગોરબાપાએ પણ વિધી ટૂંકાવી. દોડધામ. ફેરા. બધા રોયા. દુઃખ ઓછા અને દેખાડા વધુ થયા. અને એક બાવીસ વર્ષની રમીલા એક પચીસ વર્ષના રમેશને અર્પણ થઇ. હવે શું? હવે રમીલાને સુહાગરાત હતી. સુહાગને ખુશ કર. પછી સાસુને, પછી આખા ઘરને ખુશ કર. એ ઘરને શું કામ? ત્યાં પણ કાકી, મામો, ડોશીયું છે. એ દરેકને ખુશ કર…ઓહ માય ગોડ. આમાં ખુશી ક્યાંથી રહે આ રમીલા પાસે?

અને એવું જ થયું આ પચીસ વર્ષના રમેશને. કોલેજ છોડીને હજુ માંડ દસ હજારની નોકરીએ લાગ્યો અને દુનિયા આવી પોતાની દુનિયાદારી લઈને. ક્યારે લાડવા ખવડાવવા છે બેટા? (એ તમે મરો ત્યારે ખવડાવવા છે સડેલાઓ. ખાવા છે?) જીંદગી અચાનક અરેન્જ મેરેજની ખોટી ઉભી કરેલી સીસ્ટમમાં ફસાઈ.
રમેશ રમીલાને જોવા ગયો, રૂમમાં ઇન્ટરવ્યું થયો. રમેશને લાંબો સમય બેસીને છોકરીને દોસ્તની જેમ નિખાલસતાથી બધું કહેવું હતું. પણ બારણે ટકોરા પડ્યા ! દસ મિનીટમાં નક્કી કરવું પડ્યું કે છોકરી કેવી છે ! રમેશને અરેન્જ મેરેજથી વાંધો ન હતો. વાંધો હતો જે રીતે દસ મિનીટના ઇન્ટરવ્યું પછી લાઈફ-પાર્ટનર પસંદ કરી લેવાના બોગસ રીવાજ પર. વાંધો હતો કે કોઈ તેને સાંભળતું જ ન હતું. એના સપના, અપેક્ષા, આશા બધું લગ્નના લાડવાની વાતો અને આવનારી જવાબદારીઓ વચ્ચે દટાઈ ગયું હતું. એ થાક્યો. જે થયું એ થવા દીધું. ખાધું-પીધું- અને રાજ કર્યું. લગ્ન થઇ ગયા. રમેશ અને રમીલા કોઈ શહેરમાં એકલા રૂમ રાખીને રહેવા લાગ્યા. દુનિયાએ મોઢું ફેરવી લીધું. હવે કોઈ પૂછતું ન હતું કે શું ચાલે છે, બધું બરાબર છે કે નહી. બે માણસની જીંદગીને મારી મચડીને ભેગી કરી દીધી અને દુનિયાના લોકો પોતે આ ખેલમાં ફસાયેલા હતા એટલે રમેશ-રમીલા પણ ફસાઈ ગયા એમ સમજીને ખુશ થયા. બે વર્ષ પછી એ બધા ફરી પાછા આવશે. ‘છોકરા ક્યારે અને કેટલા કરવા છે?’ એ સવાલ લઈને…

ડીયર વડીલો…આમ તો તમે કશું જ વાંચતા હોતા નથી, પરંતુ જો આ વાંચી રહ્યા હોય તો આજે સાંભળી લો. આ ઉપર કહી એ રમીલા-રમેશ તમે પણ હતા. સમાજના મોટાભાગના માણસો હતા. બધાએ આવું જ કર્યું અને હવે તમારી પાસે બધું જ છે. હું નથી. હા…ખુશી નથી. જે છે એ ફેઇક છે. તકલાદી છે. સાચી નથી. એટલે આજે હું ડંકાની ચોટ પર, કડવા શબ્દોમાં અમુક ટૂંકી વિનંતી કરું છું. પ્લીઝ સમજજો. પ્લીઝ. પગે લાગુ. પ્લીઝ. સાંભળો:

આદરણીય સંસ્કારી વડીલ… (કાકા-મામા-ફૂવા, દાદા, પપ્પા, બા, માસી, પડોશી, સમાજ અને ગામ આખું…)
માનવજાત જ્યારે આદિમાનવ હતી ત્યારથી સ્ત્રી-પુરુષ ભેગા રહે છે. જરૂરી છે. આ લગ્ન તો તમારી છેલ્લા હજાર વર્ષની પેદાશ છે. વર્ષો પહેલા લગ્ન ખુબ સહજ હતા. વર્ષો જતા તેને જવાબદારી બનાવી દીધી, અને હવે જરૂરિયાત ! ચાલો ઠીક છે, વાંધો નહી, ભવિષ્યની પેઢીઓ આમેય તમારું તબલો પણ માનવાની નથી, અને મનમાની કરીને પોતાની લાઈફ-પાર્ટનર શોધવાની છે. તમને પૂછશે પણ નહી. સારું છે.
…પણ હાલમાં સમાજમાં વડીલોની એક આખી જમાત ઉભી થઇ છે જે માતેલા સાંઢની જેમ ઘૂરાયા મારે છે પોતાના દીકરા કે દિકરીના લગ્ન માટે. એમને ખબર છે કે તેઓ સરેઆમ બે યુવાન હૈયાઓના અવાજની કતલ કરી રહ્યા છે. બધું જ ખબર છે. આ રમીલા અને રમેશના મનમાં જે ચાલે છે એ બધું જ એના વડીલોને ખબર જ છે. બસ કોઈને સાંભળવું નથી. શું જાય છે? વડીલ…શું જાય છે તમારું? મહિનામાં એકવાર તમારી દિકરીને બાજુમાં બેસાડીને પુછજો કે બેટા શું ચાલે છે? ( આમેય સમાજ ખુબ ફરિયાદ કરતો હોય છે ને કે દીકરા-દીકરી ભાગી જાય છે. એનું કારણ એ જ હોય છે કે એમને ક્યારેય તમે સાંભળ્યા જ નથી હોતા. એમની લાગણી વ્યક્ત થાય ત્યાં જ દબાવી દીધી હોય છે.) એકવાર એને પૂછો કે કઈ ઉંમરે લગ્ન કરવા છે. કેવો છોકરો જોઈએ છે. સમજાવો. વાત કરો. એને સાંભળો. સમજો. દિકરીના બાપ તરીકે જે લાગણીઓના ઈમોશનલ ગાણા ગાઓ છો તેની જગ્યાએ લોજીક લગાડીને વિચારો કે દિકરીના લગ્ન ઓછામાં ઓછા ચોવીસ વર્ષ પછી જ કરાય. ગામની બીજી છોકરીઓ ક્યારે પરણે છે એ ના જોવાય. એ તમારી દીકરી છે, ગામની નહીં.
લગ્ન માટે છોકરો જોવા આવે તો કહેવાય કે છોકરા-છોકરીને એકાદ કલાક ભેગા બેસીને વાત કરવા દો. એ સમયમાં તમે વેવાઈ સાથે રાજકારણ ખોલોને. દીકરો-દીકરી નિર્ણય ના લઇ શકે તો સમય આપો. નંબર એકચેન્જ કરીને પાછળથી પણ થોડો સમય વાતો કરવા દો. શક્ય હોય તો રૂબરૂ મળવા દો. ( છોકરાઓની લાઈન લગાડી દઈશ એવા ફાંકા મારવા કરતા શાંતિથી અમુક ચૂંટેલા છોકરાઓ સાથે સરખી વાત કરવા દો.) સમય તો આપો. જીંદગી આખીનો સવાલ છે. એમને સાંભળો. છોકરો બાપનો ધંધો સંભાળે છે કે હજુ ભણે છે તોયે સંબંધ કરી દેવા છે ! કેમ? દિકરીને હોમવાની આટલી ઉતાવળ? આ યુવાન પેઢીને તો સમજો. કાલે ઉઠીને ખરાબ પાત્ર ભટકાઈ ગયું તો જીંદગીભર કોસશે. સાસરેથી પાછી કદાચ નહીં આવે પણ તમને મનમાં કોસશે. બસ…સહજતાથી, શાંતિથી, ભલે બે-ત્રણ વર્ષ નીકળી જાય, પરંતુ સમજી-વિચારીને દિકરીને જાતે એક પુરુષ પસંદ કરવા દો. કદાચ બે-ત્રણ વર્ષ સતત ના પાડે તો દીકરીને છાતીએ વળગાડીને સાંભળો. તમારા મનનો ભાર કહો. સમજી જશે.
વેક્સ-આઇબ્રો-સાડી-અને ચા સરખા રાખવામાં એકવીસ વર્ષની છોકરી બધું ન કરી શકે વડીલ. તમારા જમાના અલગ હતા. હવે અલગ છે. છોકરો કે છોકરી પરણાવવાનો વિચાર પણ એમના ચોવીસ વર્ષ પછી જ કરવો.

સાહેબ…
આજકાલ ખુબ સંભળાય છે કે સગાઇઓ ખુબ તૂટે છે. છોકરીઓ ખુબ પાછી આવે છે. મોર્ડન પેઢીને સમજાતું નથી કે સાથે કેમ રહેવું !
ના…ભૂલ કરો છો. આ ભણકારા છે આવનારા બદલાવના. હજુ તો વધુ સંબંધો તૂટશે, છૂટાછેડા થશે, અને વડીલો બધા દંગ રહી જશે. ખબર છે કેમ? એક બદલાવ આવી રહ્યો છે. દરેકને ‘ખુશી’ જોઈએ છે, મારી જરૂર છે દરેકને. હું છું તો જીંદગી-મોજ-આનંદ છે. જે પાર્ટનરમાં તેને ખુશી નથી દેખાતી તેને છોડી દે છે. આને તમે વડીલ રોકી નહી શકો. નહીં જ રોકી શકો. રડવું હોય તો રડો. થશે જ. એમની ખુશીઓ તમે જ દબાવવાની ચાલુ કરી હતી એના લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારથી. ક્યારે એને સાંભળ્યા? એક સ્પ્રિંગ ઉપર પથ્થર મૂકી રાખો, અને અચાનક પથ્થર હટાવી દો તો એ સ્પ્રિંગ ઉછળવાની જ છે. લગ્ન, રીતરીવાજ, સમાજની અપેક્ષાઓ એક પથ્થર બનીને આવે છે. પછી કહો છો કે અમને બુઢાપામાં સાચવનાર કોઈ નથી. ક્યાંથી હોય? (લગ્ન પછી અલગ થવું જરાયે સારું નથી. માણસ ભાંગી-તૂટી જતું હોય છે, પણ એ કપલને તમે તો ફરમાનો જ સંભળાવ્યા છે. ( છોકરી જો, ફેરાં ફર, છોકરા કર, નોકરી સરખી કર. – આ બધાને ફરમાન કહેવાય.) તેમને ક્યારેય પ્રેમની ખાટીમીઠી સમજાવી છે? ના. તમે પોતે જ નથી જાણ્યા કદાચ.
વડીલો એક સહજ-સરળ સંવાદ તમે નથી સાધતા દીકરા-દિકરી સાથે. એને છાતીએ વળગાડ્યા છે ક્યારેય? એને ખભે હાથ મુકીને બેસ્ટ-ફ્રેન્ડની જેમ રહીને સમજાવ્યા છે કે કઈ રીતે લગ્ન એક ઉત્સવ છે. કહો એને. કહો કે સમાજ ગયો તેલ લેવા…તને કોઈ ગમતું હોય તો કહે. જો એ કહે તો કહો એને કે તમે શું વિચારો છો એ બાબતે. છોકરાને મળો. કશું જ જાણ્યા વગર ‘મારી દીકરી કેમ કોઈને પ્રેમ કરે? આ સંબંધ નહીં જ થાય’ એવો વિચાર થોપી ન દેશો. એને ગળે ઉતરે એમ સમજાવો. વાત કરો. જે સત્ય હોય એ સ્વીકારો.
રહી વાત અરેન્જ મેરેજની…તો દુનિયા આખી જાણે છે કે નવી પેઢી તકલાદી બની છે, સંબંધોનું ઊંડાણ સમજતી નથી. પરંતુ તમે એ પેઢીને આદર્શ બનીને દેખાડ્યું? વડીલ…તમને કહું છું. તમે તમારી પત્ની કે કુટુંબને પૂર્ણ હૃદયથી ચાહીને લગ્ન નામના સંબંધને તમારા સંતાનની નજરમાં ચમકાવ્યો ? જો તમે જ ઘરમાં પત્ની સાથે દિવસમાં બે વાર ઝઘડો છો, કે પછી તમારી પત્ની આખા ગામ આખાની નિંદા-કૂથલી કર્યા કરે છે, જો તમે બંનેએ જ મા-બાપ તરીકે સંતાન સામે સરખું જીવ્યું નથી તો શા માટે અભરખા જુઓ છો કે નવી પેઢી લગ્નને અને જીવનને સમજે? હે? કેમ? તમારી જીંદગીની ચડતી-પડતીમાં ક્યાંય પ્રેમ દેખાતો ન હોય તો તમારા કે પાડોશીના સંતાનને કોની સાથે પ્રેમ થયો કે એ સંતાન લગ્ન પછી કેવું જીવે છે એના બણગા ન ફુંકવા. બદલાવ લાવવો હોય તો બદલાવ બનો. ફરી બોલી જાઉં: ‘બદલાવ લાવવો હોય તો બદલાવ બનો.’
હવે વાત લગ્નની. જે માણસો કહેતા હોય કે ‘તમે ગમે મોટા લગ્ન કરો પરંતુ ગામ તો કહેશે જ દાળ મોળી હતી’ એનો એજ માણસ પોતાના સંતાનના લગ્નમાં એજ ભપકો કરશે! જે બાપ બીડી પીતો હોય એ સંતાનને શીખવે છે કે રૂપિયા કમાઈને ક્યાં નાખવા. ગટરમાં નાખો ગટરમાં.
મૂળ વાત એ છે કે લગ્ન તો ભવ્ય સંસ્થા છે. બે અજાણ્યા માણસો ભેગા થાય છે. સાથે રહેવાનાં છે. બધું સહજતાથી થતું હશે તો પ્રેમ-તત્વ જન્મશે અને એ કપલ ખુબ ખુશ હશે. તમને ખુશ કરશે. ક્યાંક આ લગ્ન નામની ભવ્ય સંસ્થામાં ફેરફાર કરીએ. માત્ર વાતો નહી, તમારી છાતીમાં બદલાવ લાવો. મારી રમીલા કે રમેશ વાંઢા રહી જશે એમ ડરવા કરતા એમની થોડી મેચ્યોર ઉંમર થાય ત્યારે બાજુમાં બેસાડીને જીંદગી કેવી ચાલે છે એ પૂછો. સાંભળો. બાયોડેટા તો ઠીક, પણ મળ્યા પછી એકબીજા સાથે ફોન કે મેસેજમાં થોડો સમય વાત કરે એવું સમજાવો. દીકરા-દીકરીની ખુશી જ્યાં હોય ત્યાં નક્કી કરો. જો બંને પક્ષમાંથી એક પક્ષ પણ સામાન્ય હોય તો સાદાઈથી લગ્ન કરો, અને દીકરાના ઘર તરફથી જ કરિયાવર લેવાના જુના રીવાજ બંધ કરો.
વડીલ…ક્યારેય નવા પરણેલા કપલ સામે બેસીને પોતાની જિંદગીની ભૂલો અને સારપ કહેજો. સત્ય કહેજો. પોતાની મહાનતાના બણગા નહીં ફૂંકવા. કબુલ કરજો કે તમે વડીલ નથી, દોસ્ત છો, અને પોતાની જીંદગીમાં કેવી-કેવી ભૂલો કરી છે, શું શીખ્યા છો, કઈ રીતે ભાંગી ગયેલા, અને ક્યારે તમે એકબીજાને ખભો આપેલો. કેવી મહાન છે આ પ્રેમભરી જીંદગી. લગ્ન તો આનું પહેલું પગથીયું છે. આ ભાર તો કહેવા પુરતો છે. આ ઉત્સવ છે. એને સહજતાથી કેમ જીવાય, સરળતાથી પ્રસંગ કેમ પાર પડાય, દેખાડા વિના સમાજ સામે કેમ એક ઉત્તમ ઉદાહરણ બની શકાય, ક્યાં રીવાજો સારા, ક્યાં રીવાજો ખરાબ, ક્યાં-કેટલા રૂપિયા નાખવા…આ બધું જ સહજતાથી થઇ શકે. દીકરા-દિકરીને સાંભળીને સમજીને થઇ શકે. સમાજ કે ગામને તડકે મુકીને બંને વેવાઈને શું કરવું છે એ મુજબ થઇ શકે.
વડીલ…એટલું કહો કે તમારા લગ્ન કેવા થયા હતા એ કોઈને યાદ છે હાલ? સમાજમાં એકપણ માણસને યાદ છે? નથી ને? બસ…આ જ રીતે તમારા સંતાનના લગ્ન કદાચ આ મોંઘવારીમાં સાદાઈથી કે કશુંક નવીન રીતે થશે તો પણ એક સમય પછી કોઈને યાદ હોતું નથી. દિકરીએ દસને બદલે વીસ છોકરા જોયા એ પણ એના લગ્ન પછી યાદ નહી રહે. મૂળ સત્ય એ છે કે સમાજ કે ગામ તમે ઉપજાવી કાઢેલ ભ્રમણાઓ છે. સમાજની યાદશક્તિ હોતી જ નથી. જો હોત તો રાજકારણીઓના કરિયર જ ના બનત.

શું જરૂર છે દેખાડા કરવાની? રૂપિયા છે તો લગ્ન પછી દીકરા કે દિકરીને સરખો ધંધો-કામ સેટ કરવામાં આપોને. શા માટે લાખો રૂપિયા તકલાદી દુનિયા સામે દેખાડો કરવા ફટાકડા-ઘરેણાં-કંકુપગલા જેવા ખોટા પ્રસંગો, મોંઘાદાટ જમણવાર- લગ્ન પછીના રિવાજોમાં નાખો છો? બધું કરાય. કંઈ વાંધો નહી, પણ આવી તીવ્રતાથી? આટલી ખોટી રીતે? બેન્ડવાજા સામે હજારો રૂપિયા ઉડાડતા માણસોને કહેવાનું મન થાય કે ભાઈ આ નીચે ધૂળમાં રમતી નોટો અને એને વીણતાં બાળકો સામે તો જો. તારા અભિમાન-ગુમાન સામેતો જો.
લગ્ન પ્રસંગ છે, અને પ્રસંગ ક્ષણિક હોય છે. એમાં શું કર્યું એ તમારા પરિવાર સિવાય કોઈને કશું જ યાદ નથી રહેવાનું. જરૂરી ખર્ચ જરૂર કરો. ખોટો ખર્ચ કેમ? સંતાનને લગ્ન પછી મદદ કરાય. તમારા સંતાન સુખી હશે તો ત્યાં હું હોઈશ.
હા…હું. ખુશી. જીંદગીની દિકરી. તમારી સૌની છું, પણ તમે જ દૂર કરો તો દુઃખ કાકો વળગશે જ. હું પ્રેમને પરણેલી છું. મારો પ્રેમ જ્યાં-જ્યાં છે ત્યાં સંકુચિત વિચાર નહી હોય. જનરેશન ગેપ નહી હોય. ત્યાં સંતાનને માબાપ સાંભળતા હશે, અને માબાપને સંતાન. જનરેશન ગેપ શબ્દ જ ખોટો છે, ગેપ એટલે જગ્યા. સંતાનના વડીલ બનીને જગ્યા મોટી કરતા જશો તો એક ખાઈ બની જશે, અને તમે અને સંતાન બંને એમાં ડૂબશો. સારો સંવાદ, હૂંફ, પ્રેમ, અને સમજણથી એકમેકને સમજશો તો જગ્યા (જનરેશન ગેપ) જેવું કશું જ નથી.
બસ…ત્યાં હું છું. આટલું બધું કહ્યું છે કશુંક તો મનમાં ઉતારજો. પ્લીઝ. આટલું સમજવામાં વડીલાઈ ના દેખાડો.
-ખુશી. ( રમેશ અને રમીલાની જૂની દોસ્ત. )

કેન્સરથી મૃત્યુના એક દિવસ પહેલા…

કેન્સરથી મૃત્યુના એક દિવસ પહેલા 27 વર્ષની એક છોકરીએ આપણને સૌને એક પત્ર લખ્યો છે. શાંતિથી સમજીને વાંચશો. કદાચ કોઈ આંખ ઉઘડે !


હેલ્લો,

છવ્વીસ વર્ષની ઉંમરે તમે એવું વિચારવું ખુબ વિચિત્ર લાગે કે તમે એક દિવસ મરવાના છો. મરવાનો વિચાર જ ઇગ્નોર થઇ જાય. રોજે નવો દિવસ ઉગે, અને તમે આશા રાખી હોય કે આ નવો દિવસ રોજ આવ્યા જ કરશે અને બંધ નહીં જ થાય, ત્યાં સુધી જ્યારે કશુંક અણધાર્યું બને. મેં મારી જાતને હંમેશા મોટી થતી, કમાતી, બાળકો અને કુટુંબને પ્રેમ કરતી હશે એવી વિચારી હતી. આ બધું જ મારે જોઈતું હતું.

જિંદગીની આ જાદુગરી છે ! એ ખુબ નાજૂક છે, કિંમતી છે, અને અણધારી છે. દરેક નવો દિવસ એક ગિફ્ટ છે. જરૂરી નથી કે એ નવો દિવસ આવશે જ.

હું હાલ ૨૭ વર્ષની છું,અને મારે મરવું નથી. મને મારી જીંદગી ખુબ ગમે છે. ખુશ છું. મને પ્રેમ કરનારા માણસો છે. પરંતુ મારા હાથમાં કશો કંટ્રોલ નથી. હું મરવાની છું.

હું આ ‘મરતા પહેલાની નોટ’ એટલે નથી લખી રહી કે મને મોતનો ડર છે, મને તો ગમે છે કે આપણે મૃત્યુને અવગણીએ છીએ. જોકે મને એ નથી ગમતું કે જ્યારે હું મોતની વાત કરું ત્યારે એને ખરાબ કે ‘અયોગ્ય’ ટોપિક ગણીને આપણે ‘એવું કેમ વિચારવાનું?’ કહીને ઇગ્ન્નોર કરીએ. હું આ લખી રહી છું કારણકે મારી વિશ છે કે માણસો નાનકડી કારણ વિનાની ઉપાધિઓ બંધ કરે, અને યાદ રાખે કે અંતે તો આપણે બધાને એકસરખું જ નસીબ છે – અંત. એટલે એવી રીતે સમયનો વપરાશ કરો કે જેમાં તમને ગમે, આનંદ મળે, અને Bullshit દૂર રહે.

છેલ્લા મહિનામાં મારી પાસે તમને કહેવા માટે ઘણુંબધું હતું જે મેં અહીં લખ્યું છે. અત્યારે આ લખું છું ત્યારે અડધી રાત થઇ છે અને આ બધું જ મારા અંદરથી આવી રહ્યું છે. લખાઈ રહ્યું છે.

એ સમય કે ક્યારે તમે નાનકડી વાતો અને ઉપાધિઓ ઉપર રડ્યા કરો છો ત્યારે કોઈ એવા માણસ વિષે તો વિચારો કે જેને તમારા કરતા પણ મોટા દુઃખ છે. તમારા નાનકડા દુઃખો છે એતો સારું છે, સ્વીકારી લો અને એનાથી ઉપર ઉઠો. તમને કશુંક નથી ગમતું, સતાવે છે, દુઃખી કરે છે એ બધું બરાબર જ છે, પણ કેમ એના પર રડ્યા કરીને, બીજા લોકોને કહ્યા કરીને, ચારે બાજુ ઠાલવ્યા કરીને બીજા લોકોના મગજમાં નેગેટીવીટી ઠાલવવી? જસ્ટ બહાર જાઓ અને ઊંડો શ્વાસ લો. તમારા ફેફસાંને નવી હવા આપો અને જુઓ કે આસપાસ નીલું આકાશ, ઝુમતા વૃક્ષો, કૂદરત છે. બધું જ કેટલું સુંદર છે. તમે કેટલા નસીબદાર છો કે તમે શ્વાસ લઇ રહ્યા છો ! જીવી રહ્યા છો.

તમે કદાચ આજે ખરાબ ટ્રાફિકમાં ફસાઈ ગયા હશો, કે રાત્રે ઊંઘ નહીં આવી હોય, કે બાળકોએ સુવા નહીં દીધા હોય, કે તમે વાળ કપાવવા ગયા અને પેલાએ તમારા વાળ ખુબ ટૂંકા કરી નાખ્યા હશે, કે તમારા નખ સરખા રંગાયા નહીં હોય, કે તમારી બ્રેસ્ટ તમને નાનકડી લાગતી હશે, કે તમારી ફાંદ વધી ગઈ છે તેની ચીડ હશે.

આ બધો જ કચરો જવા દો. હું સમ ખાઈને કહીશ કે જ્યારે તમારો જવાનો સમય થશે ત્યારે આ કશું જ યાદ નહીં આવે. આ બધું ખુબ જ નાનું છે દોસ્ત. જીંદગી નાની છે. અને આખી જિંદગીના ફલક પર તમારા અત્યારના સવાલોને સરખાવશો તો ખબર પડશે કે કેમ કોઈ ક્ષણિક લાગણીઓ પર આટલું રડી રહ્યા છો તમે? હું મારા શરીરને મારી આંખો સામે ધોવાતું જોઈ રહી છું, અને હું કશું જ કરી શકું એમ નથી. મારી વિશ હતી કે હું મારો આગલો જન્મદિવસ કે ક્રિસમસ મારા પરિવાર સાથે જોઈ શકું, કે એ વધુ દિવસ મારા પાર્ટનર અને મારા કૂતરા સાથે વિતાવી શકું. બસ એક વધુ દિવસ.

માણસો એકબીજાને ફરિયાદ કરતા હોય છે કે તેમની નોકરી કે કામ કેટલું બોગસ છે, અને તેમનું જીમ કે કસરત કેટલું હાર્ડવર્ક માગી લે છે. કામ કે કસરત તમને ખુબ જ અગત્યના લાગતા જ હશે, જ્યાં સુધી એક દીવસ તમારું શરીર એ બંનેમાંથી એકપણ કરવા નહીં દે.

મેં તંદુરસ્ત જીવન જીવવાની કોશિશ કરી છે. આરોગ્ય મારું જનૂન રહ્યું છે. તમારું શરીર સારું તંદુરસ્ત અને કાર્યરત છે તો ખુશ થાઓ. કદાચ તમારું ફિગર આદર્શ ન હોય, કે લૂકસ સારા ન હોય, છતાં પણ જૂઓ તો ખરા કે એ કેટલું સરસ રીતે કામ કરી રહ્યું છે. તેને સાચવો. સારો ખોરાક ખાઓ. ધ્યાન રાખો, પરંતુ તેને વધુ રૂપાળું, જાડું-પાતળું, કે કોઈના જેવું કરવા પાછળ ગાંડાઘેલા ન થાઓ.

યાદ રાખો કે સારું આરોગ્ય એટલે માત્ર ફિઝીકલ બોડી જ નહીં, પણ તમારું મેન્ટલ, ઈમોશનલ, અને આધ્યાત્મિક આરોગ્ય અને આનંદ પણ એટલા જ મહત્વના છે. સોશીયલ મીડિયા કે વાસ્તવિક જગત જ્યાં પણ તમારી સામે એવી પોસ્ટ કે માણસ આવે કે જે તમને તમારી જાત પ્રત્યે નબળી સેન્સ આપે એમને દૂર કરી દો.

અરે આભાર માનો એ દિવસનો જ્યારે તમને શરીર દુઃખતું નથી, તાવ નથી, કે માનસિક તાણ નથી, કમર કે ગોઠણ દુખતા નથી. એ પીડા હોય ત્યારનો સમય ખરાબ જ હોય છે, પરંતુ સમય જતો રહે છે.

અને તમને ખુશ જીવન મળ્યું હોય તો સતત પોતાની ખુશી પાછળ જ ભાગતા ન રહો. ખુશી આપો. કોઈ બીજાને ખુશ કરો. તમે પોતાના માટે જેટલું કરશો અને ખુશ થશો તેના કરતા બીજા માટે કશુંક કરશો તો એ ખુશી અલગ જ હશે. મને ઈચ્છા હતી કે મેં બીજા માટે વધુ જીવ્યું હોત. હું જ્યારથી બિમાર થઇ છું ત્યારથી હું ખુબ જ અદ્ભુત અને દયાળુ માણસોને મળી છું, મારા પરિવાર અને અજાણ્યા માણસો તરફથી પણ મને પ્રેમ મળ્યો છે. નિસ્વાર્થભાવે. હું આ પ્રેમ અને લાગણીઓ ક્યારેય નહીં ભૂલું.

આ અંત તરફ પૈસા ખર્ચવા પણ વિચિત્ર લાગે છે. તમે જ્યારે મરતા હો ત્યારે બહાર જઈને કોઈ કરિયાણું કે કપડાં ખરીદવા વિચિત્ર લાગે. વિચાર આવે કે કેટલો મુર્ખ વિચાર છે કે નવા કપડાઓ કે વસ્તુઓ ખરીદ્યા કરવા માટે આપણે સતત રૂપિયા પાછળ ભાગ્યાં કરીએ. કોઈ ફ્રેન્ડને તેના લગ્ન પર નવો ડ્રેસ કે સોનું આપવા કરતા કશુંક લાગણીઓ ભર્યું ગિફ્ટ ન આપી શકો? કોઈને પડી નથી હોતી તમે એકનો એક ડ્રેસ બીજીવાર પહેરો તો. સતત પોતાના કપડાંની ચિંતા કે મોંઘી ગિફ્ટનો દેખાવ કરવા કરતા એ માણસને જાતે બનાવેલું કશુંક આપી શકો? તેને બહાર ફરવા કે જમવા લઇ જઈ શકો? તેને એક છોડ કે વૃક્ષ આપી શકો? તેને પત્ર લખી કે હગ કરીને કહીં શકો કે તેને તમે કેટલો પ્રેમ કરો છો? કશુંક એવું આપી શકો જે રૂપિયાની ટેગથી દૂર હોય. સમય આપી શકો?

સમય. બીજાના સમયની કદર કરજો. તમે ક્યાંક સમય પર હાજર નથી રહી શકતા એ તમારો પ્રશ્ન છે, બીજાને વેઇટિંગ ન કરાવશો. તમને સમયસર બનતા નથી આવડતું તો એ તમારી કૂટેવ છે. બીજા પાસે પણ ચોવીસ કલાક જ છે. એતો જુઓ. ખુશ થાઓ કે તમને એવા માણસો અને દોસ્તો મળ્યા છે કે જેઓ તમારી સાથે ફરવા, જમવા, બેસવા આવે છે, અને તમારે માટે આવે છે. તેમને શા માટે મોડા જઈને રાહ જોવડાવવી? એમના સમયનું ધ્યાન રાખશો તો રીસ્પેક્ટ મળશે.

તમારા રૂપિયા મટીરીયલ્સ ખરીદવા પાછળ વાપરવા કરતા અનુભવો અને જગતને એક્સ્પ્લોર કરવા પાછળ વાપરો. તેના માટે વધુ રૂપિયા કમાશો અને ખર્ચશો તો વધુ આનંદ થશે. કોઈ દરિયા કિનારે એક દિવસ પસાર કરવા માટે, ઊંડા પાણીમાં ડૂબકી લગાડીને તમારા ગોઠણ તળિયાની માટીને સ્પર્શવા માટે કે તમારા ચહેરા પણ દરિયાનું ખારું પાણી લગાડીને કુદરતને સ્પર્શવા માટે તમારો સમય અને રૂપિયા ખર્ચ કરો. કુદરત સાવ ફ્રી છે. તેના બની જાઓ.

એક પછી એક ક્ષણ…બસ એજ રીતે ઊંડાણથી જીવો. પોતાનો આટલો સારો સમય પોતાના ફોનના સ્ક્રીનમાં ઘુસાડીને એક પરફેક્ટ ફોટો લેવા માટે જે થશે એ જીવન નથી. એન્જોય ધ બ્લડી મોમેન્ટ. જુઓ પેલી ક્ષણ ભાગી રહી છે. બધી જ ઘટનાઓને કેમેરામાં કેદ કરવાનું બંધ કરીને તેને આંખોથી માણો, મનમાં ઉતારો.

અને દરેક સ્ત્રીને મારે પૂછવું છે: કોઈ નાઈટ બહાર જવા માટે કે કોઈ ઇવેન્ટમાં જવા માટે શું અમુક કલાકો સતત પોતાના વાળ કે મેકઅપને સારા કરવામાં પસાર કરવા જરૂરી છે? શું એ સમય વર્થ છે? એક સ્ત્રી થઈને પણ મને બીજી સ્ત્રીઓની આ કૂટેવ સમજાતી નથી! ક્યારેક પોતાના સુંદરતાના ફેઇક વિશ્વને છોડીને કોઈ પંખીના અવાજને સંભાળ્યો છે? ખુલ્લા વાળ રાખીને આકાશના રંગોને જોતજોતા ઉગતા સુરજને માણ્યો છે? ક્યારેક સવારમાં પોતાના લૂકને છોડીને કૂદરતને તમારા પાર્ટનરને સમય આપ્યો છે?

મ્યુઝીક સાંભળો. સાચે જ સાંભળો. મ્યુઝીક થેરાપી છે. ઓલ્ડ ઈઝ ગોલ્ડ. જેમાં થોડો અર્થ હોય એ મ્યુઝીક જીવવાનો રસ્તો પણ આપશે.
તમારા કૂતરાને ભેંટી પડો. હું મરી જઈશ પછી એ ખુબ મિસ કરીશ.
તમારા દોસ્તો સાથે વાતો કરો. ફોન ખિસ્સામાં નાખીને વાત કરો. પૂછો તો ખરા કે તેઓ મજામાં છે?
તમારું મન હોય તો ટ્રાવેલ કરો. જો મન ના હોય તો ન કરો.
જીવવા માટે કામ કરો, કામ માટે જીવ્યા ન કરો.
સાચે…તમારું મન જેમાં ખુશ હોય એજ કરો.
કેક ખાઓ, અને કોઈ ગિલ્ટ મનમાં ન રાખો.
તમારે જે નથી જોઈતું, એ માણસ કે વસ્તુ, તેને ના પાડી દો.

બીજા લોકો જેવી જોવા માગે છે એવી જીંદગી જીવવા કરતા તમારે જીવવું છે એમ જીવો. તમારી ચોઈસની જીંદગી વિચિત્ર લાગે તો પણ ઇટ્સ ઓકે.
જ્યારે ચાન્સ મળે ત્યારે તમારા પોતાના માણસોને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. તમારા સર્વ અસ્તિત્વથી તેમને પ્રેમ કરો.

અને યાદ રાખો કે તમને કશુંક દુઃખી કરી રહ્યું છે તો તમારી પાસે તેને બદલાવવાનો પાવર છે. તમારું કામ કે પ્રેમ કે જે કંઈ પણ હોય. તમારી અંદર એ તાકાત હોય જ છે કે તમે તેને બદલી શકો. તમને આ ધરતી પર કેટલો સમય છે એ ખબર જ નથી એટલે કોઈ ન ગમતા કામ કે માણસ કે લાગણીને ચિપકી રહીને તમારો એકવાર મળેલો જન્મારો દુઃખી ન કરશો. મને ખબર છે કે આ બધું ખુબ બધી વાર કહેવાયું છે પણ સાચું છે.
એની વે…આતો બસ એક યુવાન છોકરીની લાઈફ-એડવાઈઝ છે. લઈલો અથવા આગળ વધો.

અને હા…છેલ્લી વાત: જો તમે કરી શકો તો આ માનવજાત માટે કશુંક સારું કરો. લોહી ડોનેટ કરો, કે મરો ત્યારે શરીર. કોઈનું જીવન બચાવશો તો ખુબ સારું લાગશે. તમારું બ્લડ ડોનેશન કે અંગદાન ત્રણ માણસોની જીંદગી બચાવી શકે છે. છતાં આ એક વિચાર સૌથી ઓવરલૂક થયેલો વિચાર છે. તમે સાવ સરળ પદ્ધતિથી આ જગતને કેટલી મોટી અસર કરી શકો છો !

મારી પોતાની મરતી જિંદગીને બીજા લોકોના બ્લડ ડોનેશને અત્યાર સુધી જીવાડી છે. એક વર્ષ મારા જીવનમાં એડ થયું છે કોઈના લોહીના દાન મળવાથી. હું એમનો ઉપકાર કેમ માનું? મેં કોઈના લોહીને લીધે આ ધરતી પર મારા પરિવાર, દોસ્તો સાથે એકવર્ષ જીવ્યું અને મારા જીવવાનો સૌથી બહેતર સમય બનાવી શકી એ માટે હું કઈ રીતે બધાનો આભાર માનું.

ક્યારેક ફરી મળીશું. 

Holly Butcher.

આ પોસ્ટ લખ્યાના અમુક કલાકો બાદ Holly Butcher આ ધરતી છોડીને જતી રહી. તેની આ અંગ્રેજી પોસ્ટનો અનુવાદ મેં કરેલો છે. 

Origional Post: Post

ગામડું, શહેર, અને વચ્ચે અટવાયેલું વૃદ્ધત્વ.

“બાપુજી…મારા લગ્ન પછી તો તમે અને મારા બા બેંગ્લોર આવી જશોને?” મેં ફોન પર પૂછ્યું.
“નાના. અમને ત્યાં ના ફાવે. અમે આંટો મારવા ક્યારેક આવીશું, પરંતુ હાથ-પગ ચાલે છે ત્યાં સુધી આ ગામડું છોડીને ક્યાંય જવું નથી.” બાપુજીએ જવાબ આપ્યો. પરંતુ એમની બાજુમાં બેઠેલી મારી મા બોલી: “મારે તો મારા દીકરા ભેગું જ જવું છે. તમે અહીં એકલા રહેજો.”

બાને તો શહેરમા આવવામાં કશો વાંધો નથી, પરંતુ બાપુજીને ગામમાં દોસ્તો છે, ખેતર સિવાય ક્યાંય ગમતું નથી. અંતે બંનેને મનાવ્યા કે તમે આખો ઉનાળો બેંગ્લોર આવી જાઓ. એમણે હા તો પાડી. પરંતુ મને ખબર છે. એકાદ અઠવાડિયું માંડ આવશે.

આ વાત ઘણા સમયથી કહેવી હતી પરંતુ મનમાં તાકાત ન હતી. આજે લખી રહ્યો છું;
“આપણા પચાસ વર્ષ વટાવી ચૂકેલા માબાપનું શું થતું હશે? ગામડાઓમાં-શહેરોમાં મકાનોની અંદર માત્ર જાણે વૃધ્ધો જ વધ્યાં છે! આજથી બાર વર્ષ પહેલા મારા ઘરમા અમે આઠ સભ્યો હતા. પાંચ ભાઈ-બહેન, દાદા, અને માબાપ. ઘર ધમધમતું હતું. એ ત્રીસ વીઘા જમીન. રોટલી રળનાર એક જ માણસ- બાપુજી. છતાં બધાનું પૂરું પડી જતું. ઘરમા ખાટલાઓ ઓછા પડતા.

દસ વર્ષ પહેલા દાદાજી ગુજરી ગયા. પછીના નવ વર્ષમાં બધી બહેનો સાસરે જતી રહી. છેલ્લા દસ વર્ષથી આ એકનો એક દીકરો બહાર ભણે છે, હવે નોકરી કરે છે. ગામડાનાં એ ઘરમા માત્ર માબાપ છે જે દસ વર્ષથી એકલા રહે છે. માત્ર મારું ઘર જ નહીં, આખી શેરી વૃધ્ધોથી ભરી છે. ગામનાં પાદરમા કે ખેતરોમા મજૂરોને બાદ કરતા જેટલું માણસ જોવા મળે એ બધું જ પચાસ વટાવી ચુક્યું હોય એવું લાગે. નોટબંધીના દિવસોમા બેંકની લાઈનોમા ઉભું રહેવું પડે, કે આધારકાર્ડના ધક્કાઓમા એમની ઘસાયેલી આંગળીઓની રેખાઓની સ્કેન ન નીકળે. રોજે સાંજ પડે અને એકલતા કોરી ખાતી હશે. કેમ ખબર? સાંજની ઠંડીનો સન્નાટો કે વરસાદની વીજળીઓનો ગડગડાટ એ એકલા જ હિંચકે બેસીને જોયા કરે. રસોડામાં શાંતિથી ખાઈ લે. સાંજ નજીક ટીવી ચાલુ કરી દે જેથી થોડો અવાજ થાય. મારા ગામનાં કેટલાયે વૃદ્ધોને મોતિયો આવી ગયો છે. સરખું જોઈ શકાતું નથી. બધું ધૂંધળું દેખાય છે. ઘરડી સ્ત્રીઓને કમર અને પગના દુઃખાવા સતત થયા કરે છે. એક સમયે આખા ઘરનું કામ કરતી સ્ત્રી અને આખા પરિવારને એકલે હાથે પોષતો પુરુષ અચાનક દવાખાના તરફ ધક્કાઓ ખાવા લાગે છે. રોજે ટિકડીઓ પીવે છે. ઓપરેશન કરાવે છે. કદાચ આપણો સમાજ હવે ઘરડાઘરનો વિરોધ કરવા લાગ્યો છે, પરંતુ ‘ઘરડાઘર’ એ કોઈ બિલ્ડીંગ નથી, એ લાગણી છે. માબાપ પોતાના ઘરમાં પણ એકલા ઘરડા થતા હોય તો તેને ‘ઘરડાઘર’ જ કહેવાય.

શું થાય? દીકરા-દીકરીઓ ભણવા કે કમાવા માટે મોટા શહેરોમાં મોકલ્યા હોય છે. એ તહેવારોના દિવસોમાં આવે, અથવા જે દિવસે માણસ આંખ ખોલતું નથી કહેનારો ફોન આવે ત્યારે દોડતા આવે. રૂપિયા કમાવાની દોટ અને કેપીટાલીસ્ટ સમાજ આ ઘોંઘાટીયા ગંધાતા શહેરોમાં પડ્યો છે. આ મોટા શહેરોમાં કોઈ યુવાનને રહેવું નથી, પરંતુ રહેવું પડે છે! મારા કેટલાયે દોસ્તો કહે છે કે એમને ગામડે જ રહેવું છે, પરંતુ અહીં શહેરમાં મજબૂર છે. એમને નોકરીઓ નથી કરવી, પરંતુ સમાજનું સ્વરૂપ એવું છે કે એમને ડર લાગે છે.

એકના એક દીકરા તરીકે હું બેંગ્લોરથી મોટી-મોટી ટીકીટો ખર્ચીને પણ દર બે મહીને ગામડે જતો હોઉં છું જેથી માબાપને જોઈ શકું, એમની તબિયત ખરાબ હોય તો દવાખાને લઇ જઈ શકું, દવાઓ ચકાસી શકું. રૂપિયાની મદદ કરી શકું. મારા જેવા હજારો યુવાનો આ બધું જ કરે છે. જ્યારે-જ્યારે ગામડે જઈએ ત્યારે દેખાય કે માબાપ બે મહિના પહેલા હતા એનાથી વધુ વૃદ્ધ દેખાય છે. વિચાર આવે કે આ દવાઓનો પાવર વધુ હશે એટલે વાળ ધોળા થઇ ગયા હશે? ના. મારું મન કહે છે કે કદાચ અહીંની એકલતા અને અમુક સમયે આવતા દીકરાની રાહ એમને વધુ ઝડપથી વૃદ્ધ કરી દેતી હશે. કદાચ.

છેલ્લા પાંચ વર્ષથી માબાપ મને સતત કહેતા કે તું છોકરીઓ જોવાનું ચાલુ કર. લગ્ન કરી લે. લગ્ન કરીશ તો તારી સાથે રહેવા બહાર આવશું. હવે આવતા જાન્યુઆરીમાં મારા લગ્ન છે. પરંતુ હવે સમજાય છે કે તેઓ શા માટે લગ્નની ઉતાવળ કરતા હતા. જવાબદારીમાંથી મુક્ત થવું એતો એક બહાનું હતું. કોઈ જીવતું માણસ જવાબદારીથી મુક્ત નથી. તેમને દીકરો વાંઢો રહેશે કે લોકો શું કહેશે એવો સમાજનો ડર પણ ઓછો હતો. મૂળ હતી એ એકલતા. જીવનમાં કશું જ નવું ન થવાથી પેદા થતી પીડા. એક આકાંક્ષા કે જો દીકરા પરણી જાય તો પરિવારમાં નવુંનવું થયા કરે, ઘર ખાલી ન રહે, અને આવતા વર્ષોમાં બાળકો આવે જેની સાથે એમની એકલતા ભાગી જાય રમવા માટે!

મારા વૃદ્ધ થઇ ગયેલા ગામમાં એક પરિવારમાં દાદા-દાદી છે જેમને પૌત્ર પણ છે. પરંતુ જ્યારે-જ્યારે શહેરમાંથી એમનો દીકરો અને એના બાળકો આવે ત્યારે બધા જ ગામડાનાં સન્નાટા અને શાંતિમાં સ્થિર નથી થઇ શકતા. શહેરની જીવન જીવવાની રીતે તેમના પર મોટો ટેક્સ નાખ્યો છે- ‘સતત વ્યસ્ત રહેવાનો’. એ દાદાજી મને કહેતા હતા કે – હું વર્ષોથી રાહ જોતો હતો કે ક્યારે મારા દીકરાને સંતાનો આવે કે જેથી હું એમની સાથે રમી શકું, પરંતુ એ સંતાનો હવે આવે છે અને મોબાઈલમાં રમ્યા જ કરે છે. એમને માટી કે ધૂળથી રમતા કોઈએ શીખવ્યું જ નથી. અમારી મોતિયો ભરેલી આંખો મોબાઈલમાં કશું જોઈ શકતી નથી નહીંતર એમની સાથે એ રમત.

Global Age Watch Index નામના એક સર્વેમા વૃધ્ધો માટે અનુકૂળ દેશોમાં ભારત 96 માંથી 71 મા ક્રમ પર છે. આપણા શહેરોમાં રસ્તાઓ, મોલ, ટ્રાન્સપોર્ટ, મકાનો, દવાખાનાઓ કશું પણ વૃધ્ધો માટે અનુકુળ નથી. ટ્રાફિકમાં રસ્તાઓ ક્રોસ કરવા ભાગતા માણસો વચ્ચે વૃદ્ધનો હાથ પકડનાર ખુબ ઓછા હોય છે. જે માણસે ગામડામાં પોતાની મોટાભાગની જીંદગી પસાર કરી હોય એમને શહેર માફક ન જ આવે. દેશમાં હાલ દસ કરોડથી વધુ વૃધ્ધો છે, અને વર્ષ 2050 સુધીમાં સાઈઠ કરોડ સુધી સંખ્યા થશે એવું ન્યુયોર્ક ટાઈમ્સમા વાંચેલું.

એક ઉંમર પછી માણસ પરાધીન-એકલો-અને લાચાર બને છે. જો તેની એ અવસ્થા માટે જરૂરી માણસો કે સગવડ તેની બાજુમાં ન હોય, અને આ આપણે જ ઉભા કરેલા સામાજિક માળખાંનું આ સત્ય હોય તો આપણી જીવવાની રીતો ખોટી છે. એવું નથી કે મોર્ડન યુવાનો ને માબાપ સાથે રહેવું નથી કે ફાવતું નથી. જનરેશન-ગેપ પણ કદાચ માણસના મન સમજી શકે અને એક જ ઘરમાં ત્રણ-ચાર પેઢી ખુશીથી રહી શકે. પરંતુ વૃદ્ધત્વ અને મોટા શહેરોમા એમનું સેટ થવું એક એવો સવાલ છે જેનો જવાબ આ લખનારને ખબર નથી, અને આ વાંચનાર જવાબ જાણતું હોય તો જરૂરથી લખી શકે છે. એક તંદુરસ્ત ચર્ચા થાય તે રીતે.

જે જવાબ મને દેખાય છે એ એજ છે કે માબાપ જ્યારે મન પડે ત્યારે શહેરમા દીકરાના ઘરે આવે. દીકરો સતત માબાપ પાસે ગામડે ગયા કરે. એમની ખુશીઓ અને સ્વાસ્થ્ય માટે બનતું કરી છૂટે. ક્યાંક બંનેના જીવન બેલેન્સ પૂર્વક જીવાઈ રહે તેનું ધ્યાન રાખે.
જ્યાં સુધી હાથપગ ચાલે છે ત્યાં સુધી ગામ કે શહેર એમનું મન થાય ત્યાં સુખેથી અને ઓછી તકલીફે રહી શકે તેવું થાય. જે દિવસે હાથ-પગમાં તાકાત ન હોય ત્યારે જેનામાં તાકાત છે એણે જ એમની વારે આવવાનું હોય…

એ સામાન્ય હાલતમા ‘પીધેલી’ લાગે !

એ સામાન્ય હાલતમા ‘પીધેલી’ લાગે, અને હું પીધેલો હોઉં તો પણ ‘સામાન્ય’.
એ મોટા અવાજની માણસ, અને હું બોલું ધીમેધીમે.
એના પડઘા પડે, અને મારા ભણકારા વાગે.

એને સાઉથની ફિલ્મો ખુબ ગમે. હું ગ્લોબલ સિનેમા-ભક્ત. 
હું Soulful મ્યુઝિકમાં મસ્ત રહું, એ Popsongs માં વ્યસ્ત રહે.
પુસ્તકો મારો જીવ, અને હું આ છોકરીનો જીવ. હું એકલો-એકલો વાંચ્યા કરું, અને એ મને એકલાને વાંચ્યા કરે.
હું અથાક રખડ્યા કરું, અને એ ક્યારેક બેઠીબેઠી પણ થાકી જાય !

મને કુદરત સાથે ગાંડો પ્રેમ, અને ‘ગાંડો પ્રેમ’ કરવો એ જ એની કુદરત.
હું લાગણીઓ દેખાડ્યા કરું, બોલ્યા કરું, લખ્યા કરું. એ લાગણીઓ છુપાવ્યા કરે. કશું જ કહે નહીં.
હું મોટા સપનાઓ જોયા કરું, એ સપનાઓની દુશ્મન.

કેટલો વિરોધાભાસ છે અમારે! વસંત અને વરસાદ જેવો. સુરજ અને ચાંદ જેવો.
હું ગુસ્સાવાળો, એ ઠરેલી. હું ધૂની બાવો, એ જિંદગીના રંગોની રંગોળી.
હું ફકીરીમાં જીવ્યા કરું. મારી જડતા-જીદ-ઈગો સામે લડ્યા કરું.
અને એ? એ જાણે વર્ષો જૂનો જ્વાળામુખી. અંદર હજાર યુદ્ધ કરે, બહાર શાંત લીલીછમ ધરતી.

તો આટલા વિરોધાભાસ વચ્ચે માણસ એકબીજાને પ્રેમ કઈ રીતે કરી શકે? એ પણ એરેન્જડ મેરેજ! એ પણ અજાણ્યા માણસને! એ પણ અચાનક?
લોકો તો કહેતા હોય છે ને કે Choices, Interests, Likes મેચ થવા જોઈએ, અને મન મળવા જોઈએ, અને ગ્રહ મળવા જોઈએ, અને વોટ નોટ!
લોકો તો કહેતા હોય છે ને કે સમજણ, લાગણીઓ, રસના વિષયો, અને સ્વભાવ મળવા જોઈએ, અને સમજણ કેળવવી પડે, અને મન મનાવવા પડે, અને વોટ નોટ !

ના.ના.ના.ના.
તમારે માટે એ સાચું હશે, અમારે માટે તો પ્રેમ એટલે જગતના દરેક નિયમને તડકે મુકીને જે અંદરથી ઉભું થાય એ. 🙂
એ બે માણસ વચ્ચે લાગણીઓ, સમજણ, સ્વભાવની લેવડ-દેવડ નથી વ્હાલા! એ ગ્રહોની ગોઠવણી નથી પ્રભુ!
પ્રેમ આંખ બંધ કરીને આંધળા થઈને આપવાનો હોય. એમાં ‘હોવું’ પડે, સ્વયં બનવું પડે.
ધરતીમાંથી જાતે ફૂટતાં ઝરણાની જેમ, જાતે તપતા સુરજની જેમ, સતત નાચતા દરિયાની જેમ…
એ બધે જ સરખો છે! મા એના દીકરાને કરે એવો, પંખીડું એના બચ્ચાને કરે એવો, બ્લેકહોલ તારાઓને કરે એવો!
પ્રેમ એ માગવાની લાગણી છે જ નહીં! એ આપવાનો હોય. શરતો-સમજણ-વિચારો વિના.

એમાં ફના થવાનું હોય, ડૂબવાનું હોય, બળવાનું હોય, મરવાનું હોય…
અને બદલામાં કદાચ ઘણુંબધું મળે. કદાચ પ્રેમ મળે, જીવ મળે, જીંદગી મળે, અને દગાખોરી પણ! જે મળે એ મંજૂર રાખીને કર્યા કરવાનો હોય.
ફરિયાદો, આશાઓ, અને ઝંખનાઓ વિના બસ પ્રેમી ‘બનવાનું’ હોય. Unconditionally. 🙂

-For my Wife…

25352174_1614281585298075_683017618051440407_o

બાની રોટલી…

સોડાની એ નાનકડી બારીમાંથી શિયાળાની ઠંડી હવા આવતી. બા રોટલી બનાવતા હોય. હું એની સામે જોઇને બેઠો હોય.
“જીતું…જાને બટા…જર્સી પે’રી લેને.” એ મારી સામે જોઇને કહેશે. હું એના રોટલી વણતાં નાજુક હાથને જોયા કરતો. ઉભો ન થાઉં.

વર્ષોથી એ જ થતું. એ રોટલી બનાવ્યા કરે, અને હું એને જોયા કરું. બંને ચુપચાપ. ઠંડી હવા આવ્યા કરે. રોટલી વણાતી જાય. ચુલાની તાવડી પર મુકાતી જાય. ચીપિયા વગર પણ બા પોતાની જરા દાજેલી આંગળીઓથી એ ફૂલેલી રોટલીને ફેરવતી જાય. રોટલીમાં ક્યાંક કાણું પડી જાય અને ગરમ વરાળની સેર નીકળે. રસોડાના ઝાંખા અંધકારમાં એ વરાળ હવામાં ઉપર ઉઠતી દેખાય. એ વરાળની સુગંધ હતી. શેકાયેલા ઘઉંનું સુગંધ. માની મમતાની સુગંધ. એ મારી હુંફ હતી. બાની બાજુમાં બેસીને મારે જર્સી પહેરવી ન પડે.

બાળપણથી એ જોતો આવ્યો છું. હજુ એ દૃશ્યો યાદ છે. નાનકડો હતો. થોડી ગરીબી હતી. ગેસ ન હતો, ચૂલો હતો. બા ભૂંગળી લઈને ફૂંક માર્યા કરતી. પરસેવો લુંછ્યા કરતી. હું થોડે દૂર ઘોડિયામાં બેઠો હોઉં. એ એક પગ લાંબો કરીને પગની આંગળી સાથે ઘોડિયાની દોરી બાંધીને મને હીંચકાવે અને સાથે રોટલી પણ બનાવે. એ પગ આગળ-પાછળ કર્યા જ કરે. હું ઘોડિયા માંથી ઉભો થઇ ગયો હોઉં તો પણ એ અજાણતા હીંચકાવ્યા જ કરે. હું એના પગને, એના ચહેરાને, દડાની જેમ ફૂલતી રોટલીને, ચુલાના લાલ કોલસાને જોયા જ કરું.

થોડો મોટો થયો અને સ્કુલમાં જતો ત્યારે પણ તેની બાજુમાં બેસીને લેસન કર્યા કરું. બાની હુંફ, રોટલીની ગરમ વરાળ, અને રસોડાની બારીમાંથી આવતો પેલો ઠંડો પવન. હજુયે આ બધું જ જીવે છે. સમય બદલાતો ગયો.

એક વર્ષ રસોડામાં જ્યાં ચૂલો હતો ત્યાં ઉપર છત માંથી પાણી પડવા લાગ્યું. એ ચૂલાની જગ્યાએ મોબાઈલ ચૂલો આવ્યો. પછી ગોબરગેસ આવ્યો. ગોબરગેસમાં ઓછો ગેસ આવે એટલે બીજે દિવસે બા ઉપાધી કર્યા કરે. કુંડીમાં સરખુંથી છાણ ડોવે.

મોટો થયો. બાએ પાંચ સંતાનોને મોટા કર્યા. એકલે હાથે બધાની કૂણી-કૂણી રોટલીઓ એ ગેસ પર બનાવતી ગઈ. બધું બદલાયું. બાને કમર દુઃખવા લાગી. વર્ષો સુધી દુખી. પછી પગ દુખવાનું ચાલુ થયું. મને એમ જ લાગતું કે અમને પાંચ ભાઈ-બહેનને વર્ષો સુધી ઘોડિયામાં હિચકાવીને જ તેને પગનો દુખાવો થઇ ગયો હશે.

હાલ તે નીચે નથી બેસી શકતા. ઉભું રસોડું થઇ ગયું. બધી બહેનો સાસરે જતી રહી. દાદા ધામમાં જતા રહ્યા. ઘરમાં માત્ર હું, બા, અને બાપુજી. હજુ કમર અને પગ દુખ્યા કરે. હવે તે ખુરશી પર બેસીને રોટલી વણે છે. બેઠા-બેઠા સહેજ ત્રાંસા થઈને બાટલાં-ગેસ પર રોટલી ચોડવે છે. પરંતુ રોટલી ફૂલવાનો સમય થાય એટલે તરત જ ઉભા થઇ જાય, અને ખુબ કાળજીથી રોટલીને આંગળીઓથી ફેરવે. પેલી વરાળ ઉપર ઉઠે. બારીમાંથી શિયાળાની ઠંડી આવે. હું હજુયે બાજુમાં બેઠોબેઠો બાને, વરાળને, અને આ વર્ષોના એના અવિરત તપને જોયા કરું.

વળી એટલું જ નહીં. રોટલીને ભરપુર ઘી નાખીને ચોપડે. બધું તૈયાર થઇ જાય એટલે મને કહે: “જીતું…તારા બાપુજીને બોલવને. ખાવા બેસીએ.”

હું અને મારા બાપુજી છેલ્લા તેર-ચૌદ વર્ષથી એક જ થાળીમાં ખાઈએ છીએ. બા થાળી તૈયાર કરીને અમારી સામું જોઇને બેસે.

હા…જેમ હું એને રોટલી બનાવતી જોયા કરું, એમ એ મને ખાતો જોયા કરે. પરાણે ખવડાવે. થાળીમાં કશું જ પૂરું ન થવા દે. પાંચ જાતના અથાણાં મૂકી દે. આજકાલ હવે તે ખુરશી પર ખાય છે. એની થાળીમાં ઓછું શાક લે. કેમ? કારણકે પેલા હું અને બાપુજી ધરાઈને ખાઈ લઈએ પછી વધેલું શાક એ લે.

વર્ષો પહેલાનું કાચું રસોડું, છત માંથી પડતું પાણી, ચૂલો, પેલી બારીની ઠંડી હવા, અને રોટલીની વરાળ…બધું જ હજુ જીવે છે. ગામડે જઈને બાની બાજુમાં પડ્યો રહું એટલે ઘણા કહે કે જીતું માવડીયો છે. મને એ શબ્દ ખુબ ગમે છે. 🙂

બા ઉપર કશું પણ લખવા બેસું અને આંગળી ધ્રુજી ઉઠે. આખા શરીરનું લોહી જાણે છાતીમાં જ ભેગું થઇ જાય. જાણે લોહી રાહ જોઇને બેઠું હોય કે ક્યારે હૃદયમાંથી બાની યાદ જન્મે. બા યાદ આવે અને બધું જ સ્થિર થઈને એ યાદને જોયા કરે, આખું અસ્તિત્વ જાણે દૂર બેસીને પણ બાને રોટલી બનાવતું જોઈ રહ્યું હોય. કેમ ખબર…છેવટે આ શરીરમાં એનું જ લોહી છે ને ! જેમ હું બાની બનાવેલી રોટલી ખાતો હોઉં અને એ મને એક જ નજરે એ રોટલી ખાતો જોયા કરતી હોય, એમ મારું બધું જ એની યાદ આવે અને એ યાદને એક બનીને જોયા કરે.
ઘરથી દૂર હજુ બાને સાંજે સાત વાગ્યે ભૂલ્યા વિના ફોન કરું. એ રોટલી બનાવતી હોય. બાપુજી એની સામે બેઠા હોય. ફરી-ફરી એ રોટલીની વરાળ અઢારસો કિલોમીટર દૂર સુધી આવી જાય.

રામેશ્વરમ અને ધનુષ્યકોડીની જાત્રા !

હમણાં જ થોડા દિવસ પહેલા હું મદુરાઈ, રામેશ્વરમ, અને ધનુષ્યકોડી જઈ આવ્યો. અજીબ જગ્યાઓ. 

અહીં મેં ફોટોસ્ટોરી લખી છે. ફોટો વધું છે એટલે વાર્તા લાંબી કરતો નથી. 

IMG_20171001_080515

બેંગ્લોરથી રાત્રે બેઠો. સવારે આવ્યું મદુરાઈ મંદિર. મંદિરમાં જઈને બે કલાક એમ જ બેઠા રહેવાની મજા આવી.

IMG_20171001_083130

મંદિર બહાર આવીને ઈડલી-સંભારનો નાસ્તો કર્યો, અને મંદિરમાં પડેલા ભભૂત, ચંદન, અને કંકુનો ચાંદલો કરીને બસ-સ્ટેશન પાછા. મદુરાઈ બસસ્ટેન્ડથી રામેશ્વર જવાની બસ મળી ગઈ. ગરમી ખુબ હતી. બસમાં હારુકી મુરાકામીની બુક વાંચ્યે રાખી. ચાર કલાક પછી રામેશ્વર આવવાનું ચાલુ થયું . મોબાઈલમાં ગૂગલ મેપ ખોલ્યો. 

Screenshot_2017-10-02-12-16-58-452_com.google.android.apps.maps

અહાહા ! હું ભારતના અંતિમ બિંદુ પર જઈ રહ્યો હતો ! એકદમ છેડો. જ્યાંથી શ્રીલંકા માત્ર 26 કિલોમીટર દુર છે એવી જગ્યા પર. એ જગ્યાનું નામ છે ધનુષકોડી. રામેશ્વરમ તો નાનકડું સિટી જેવું છે, હોટેલો – મંદિર – માણસો. પરંતુ રામેશ્વરમથી ત્રીસેક કિલોમીટર દુર બંને બાજુ દરિયો છે એવી જગ્યા, જ્યાં જમીન પૂરી થાય છે એ ધનુષકોડી.

IMG_20171001_131151

રામેશ્વરમ જતી સમયે બસમાંથી આ ટ્રેનનો રસ્તો જોયો. દરિયા વચ્ચે! આ પુલ વર્લ્ડના સૌથી ખતરનાક પુલો માંથી એક ગણાય છે. યુ-ટ્યુબ પર આનો વિડીયો પણ છે. 

IMG_20171001_131435

IMG_20171001_132142

અહાહા ! દરિયાકિનારે…હમ અકેલે…ઘર બનાયેંગે…ઔર ઉસ ઘર કે બહાર લીખ દેંગે “સબ માયા હે…સબ માયા હે !”

IMG_20171001_135440

IMG_20171001_173319

મંદિર 

IMG_20171001_175101

રામેશ્વરમનો દરિયો જેના કિનારે મંદિર આવેલું છે. આ શિવલિંગ બાર જ્યોતિર્લીંગ માંથી એક ગણાય છે.  

IMG_20171001_175321

હાહા…

IMG_20171001_183728

દરિયા કિનારે એક મોટી આગ પેટાવીને ભસ્મ બનાવવામાં આવી રહી હતી. પ્રસાદીની ભસ્મ 

IMG_20171001_184005

મોડી રાત સુધી દરિયાકિનારે બેસીને પછી ઉપડ્યો હોટેલ તરફ. 

રામેશ્વરમમાં જ રાત રોકાઈને બીજે દિવસે વહેલી સવારે હું ઉપડ્યો ધનુષકોટી તરફ. એક એવી જગ્યા જે જીવનભર ભૂલી ન શકાય.

ધનુષકોડીને લોકો Abandoned Town કહે છે. ભૂતિયું શહેર પણ કહે છે. આ શહેર વર્ષ 1964 માં રામેશ્વર પર જે સુનામી આવ્યો એમાં તારાજ તજી ગયું. કશું જ બચ્યું નહી. 

1964 પછી છેલ્લા ત્રીસ વર્ષ સુધી કોઈ માણસ દરિયા નજીક જવાનું ખાસ સાહસ પણ કરતુ નહી. થોડા વર્ષોથી જ સરકારે રામેશ્વરમથી ધનુષકોડી જવાનો રસ્તો બનાવ્યો. 

IMG_20171002_103527

બંને બાજુ દરિયાની રેતી વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પણ દરિયો છે. અજીબ હતું !

IMG_20171002_104515

ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની જમણી બાજુ આવે એ છે : હિન્દ મહાસાગર (જેમાં 1964 માં સુનામી આવેલો અને ૧૦૦૦ માણસો ભરેલું ગામ આખું તારાજ થયેલું. ડૂબી ગયેલું )

IMG_20171002_104522

IMG_20171002_105004

ધનુષ્યકોડીના દરિયાના છેવાડે જતા પહેલા રસ્તામાં આવતા 1964માં તારાજ થયેલા ગામના વધેલા મકાન, જેને કોઈએ સ્પર્શ પણ નથી કર્યો. 

IMG_20171002_105006

અરે રે…

IMG_20171002_105011IMG_20171002_105012IMG_20171002_105020

IMG_20171002_105022

આ ભૂતિયા મકાનોમાં આજકાલ અમુક માછીમારો રહે છે જેમની પોસે શહેરમાં મકાનો ન હોય એવા…પણ હા…દિવસે જ. રાત્રે અહિયાં કોઈ હોતું નથી. કહે છે કે જુના માણસો જે મરી ગયેલા એ ભૂત થાય છે. વેલ…એક હજારથી વધુ માણસો જો ભૂત થઈને આવ્યા હોય તો શું થાય એ કલ્પના કરો 😉 

IMG_20171002_105026

IMG_20171002_105348

ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની ડાબી બાજુ આવે છે: બંગાળનો ઉપસાગર. એકદમ શાંત. ચોખ્ખો. રસ્તાની એક બાજુ ભયાનક દરિયો અને બીજી બાજુ સરોવર જેવો શાંત દરિયો. જ્યાં રસ્તો પૂરો થાય ત્યાં બંને દરિયા ભેગા થઇ જાય છે. જમીન પૂરી થઇ જાય છે. 

IMG_20171002_105442

ડાબે: બંગાળનો ઉપસાગર 

IMG_20171002_105519

જમણે : હિન્દ મહાસાગર 

IMG_20171002_105529

IMG_20171002_110124

આ સ્પેશિયલ ઓટો કરીને ગયેલો. ડ્રાઈવર અહીં જ જન્મીને મોટો થયેલો, એટલે એણે ઘણી અજીબ-અજીબ વાતો કરેલી આ સ્થળ વિષે 

IMG_20171002_111252

IMG_20171002_115455

…અને આ જગ્યા…જ્યાં ભારતની ધરતીનો છેડો આવ્યો. 

IMG_20171002_115512

આ બે વર્ષ ચાલેલી મારી પ્રિય ચપ્પલને આ ધરતીના છેડે મુકીને ખુલ્લા પગે રામેશ્વરમ પાછું જવાનું નક્કી કર્યું.

IMG_20171002_115516

જોત-જોતામાં ચપ્પલ મુકીને થોડો દૂર ચાલુ ત્યાંતો દરીયાલાલે ખેંચી લીધી. ! દરિયાના પ્રદુષણમાં હું ભાગીદાર ન બનું એટલે ચપ્પલને ગરીબને આપી દેવાનું વિચારીને દરિયામાં ગયો, પણ દરિયાલાલ કશું સાચવે નહી.

IMG_20171002_115518

દૂર અંદર જઈને ચપ્પલ પાછી કિનારે આવી ! દરિયો કહે આવો કચરો અમને ના પોસાય. તમે રાખો 😉 

IMG_20171002_115538IMG_20171002_115543

IMG_20171002_115735

છેવટે કોઈ ગરીબને મળી જાય એ રીતે દરિયાથી દૂર ચપ્પલ સાફ કરીને મૂકી દીધી.

…પછી દરિયામાં બે કલાક નાહ્યો ! ભરપુર. એકદમ ચોખ્ખા જેવા પાણીમાં. કિનારે બેગનું ધ્યાન રાખતા-રાખતા. 

IMG_20171002_120054

બંગાળના ઉપસાગરમાં ચાલતા-ચાલતા 

IMG_20171002_120105IMG_20171002_120147IMG_20171002_120201IMG_20171002_120422

રીક્ષા લઈને પાછા જ્યારે રામેશ્વરમ બાજુ જવાનું હતું ત્યારે રસ્તામાં આ ભૂતિયા શહેરમાં રીક્ષા ઉભી રહી. બધા જ મકાનો, ચર્ચ, ગામડું ખુલ્લા પગે, બળતી રેતીમાં ધ્યાનથી જોયા. ખુબ અજીબ હતું બધું. અહિયાં પહેલા કોઈ જીવતું માણસ રહેતું હતું, અને એક સવારે આખો દરિયો તેમને માથે ફરી વળેલો. 

IMG_20171002_123326IMG_20171002_123332

IMG_20171002_123337

ચર્ચ !

IMG_20171002_123344

દરિયાઈ જીવોનું મકાન ! હવે ધરતી પર છે. 

IMG_20171002_123413IMG_20171002_123818IMG_20171002_123823IMG_20171002_123830IMG_20171002_124208IMG_20171002_124212IMG_20171002_124220IMG_20171002_124229IMG_20171002_124620

IMG_20171002_131134

પેલું દેખાય તે રામેશ્વરમ !

IMG_20171002_132015

She wanted to have a click ! 

IMG_20171002_162830

મદુરાઈ તરફ રીટર્ન ટ્રેનમાં ! કારણકે મારે પેલા ભયાનક પુલ પરથી પસાર થવું હતું અને ટ્રેનનો રોમાંચ માણવો હતો. 

IMG_20171002_163147

ટ્રેન માંથી !

IMG_20171002_163202

એ આવી ગયા પુલ ઉપર !

IMG_20171002_163222IMG_20171002_163249IMG_20171002_163423IMG_20171002_163555

બસ…પછી તો મોબાઈલમાં પણ બેટરી ન હતી. એટલે રાત્રે મદુરાઇ પહોંચ્યા. ટ્રેનમાં પુસ્તક વાચવાની ખુબ મોજ પડી. એક નેવીનો માણસ મળી ગયેલો. એને સાંભળ્યા કર્યું. અને મદુરાઈમાં જમીને રાત્રે બેંગ્લોરની બસ લઇ લીધી. સવારે સીધા બેડમાં 😉 

એક છેલ્લી વાત: અલ્યા ભાઈ…ધરતીના છેડે આ રામેશ્વરમમાં પણ આપણા ગુજરાતી ભાઈઓ એ એક એકદમ સારી એવી ભોજનાલય અને રહેવાની સગવડ વાળી ટ્રસ્ટ બનાવી છે. પ્રાઉડ થયું. ત્યાં બે ટાઈમ થેપલા પણ ખાધા. કોઈ રામેશ્વરમ જાઓ તો ત્યાં રોકાજો. મજા આવશે. 

IMG_20171001_203512

જાપાનનો રાજા- કરચલો- માણસ- અને કુદરત!

આ વાત છે આપણી ધરતીના સંગીતની!
કેવો વિચિત્ર શબ્દ છે – ‘ધરતીનું સંગીત!’

ઇ.સ. 1185.
જાપાન.
એ સદીમાં સાત વર્ષનો એક છોકરો જાપાનનો રાજા હતો. તેનું નામ “અન્તોકું”
તેના રાજ્યનું (ટાપુનું) નામ “હાઈકે”.
અન્તોકું હતો સાત વર્ષનો પરંતુ તેના યોદ્ધા જેવા ચહેરા અને ખભા સુધીના લાંબા વાળ હતા. પોતાની બાહોશ માતાની સલાહ લઈને એ આખું ‘હાઈકે’ ટાપુ સંભાળતો હતો. જેમ બાકીની ધરતી પર લડવૈયાઓ હોય છે એમ જાપાનની સંસ્કૃતિમાં લડવૈયાઓને ‘સમુરાઈ’ કહેવામાં આવે છે.

એકવાર ‘હાઈકે’ ટાપુ પર બીજા એક રાજ્ય ‘ગેંજી’ના સમુરાઈનું ટોળું ચડાઈ માટે આવ્યું. દરિયા વચ્ચે જ ‘હાઈકે’ અને ‘ગેંજી’ના સમુરાઈઓના વહાણો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. આ નાનકડો રાજા અન્તોકું અને તેના ટાપુ પર રહેતા દરેક સ્ત્રી-પુરુષ આ લડાઈમાં ચડ્યા. પરંતુ દુશ્મનોના સમુરાઈ ખુબ જ શક્તિશાળી હતા, અને થોડી જ વારમાં દરિયાની વચ્ચો-વચ્ચ હાઈકેના સમુરાઈઓ વધેરાવા લાગ્યા. એક પછી એક પુરુષ દુશ્મન તીર-ભાલાઓનો શિકાર બન્યો.

આ નાનકડો રાજા અન્તોકું ગભરાઈ ગયો. પોતાની માતાની સાથે એ પણ યુદ્ધમાં લડતો હતો, પરંતુ તેના ટાપુના બધાજ સમુરાઈને દુશ્મનોને દરિયામાં ફેંકી દીધા હતા, અને જેટલા વધ્યા હતા એ બધા જ દુશ્મનના હાથે મરવાને બદલે જાતે જ દરિયામાં ભૂસકો લગાવીને મરી રહ્યા હતા.

જ્યારે ‘હાઈકે’ના જહાજ પર માત્ર સ્ત્રીઓ અને નાનકડો રાજા જ વધ્યા હતા ત્યારે એક અભૂતપૂર્વ ઘટના બની. રાજાની બાહોશ માતા પોતાના દીકરાને જહાજના લંગર પાસે લઇ જઈ. જહાજના કાંઠે ઉભા રહીને તેણે પોતાના ભગવાનને યાદ કર્યા. ડરી ગયેલા દીકરાએ સામે દુશ્મન સમુરાઈઓને જહાજ અંદર આવતા જોઇને બાજુમાં ઉભેલી માને પૂછ્યું:
“મા…હવે શું કરીશું? આપણું રાજ્ય આપણે ખોઈ બેઠા છીએ.”
એની માતાએ પોતાની આંખો ખોલી. જહાજની ધાર પર દીકરાને લઇ જઈને નીચે દેખાતા અફાટ દરિયા સામે આંગળી ચીંધી.
“ના મારા દીકરા. આપણું રાજ્ય આપણે ગુમાવ્યું નથી. આપણું રાજ્ય ત્યાં છે. દરિયાના પેટાળમાં. આપણે ત્યાં જઈશું અને રાજ્યને સાંભળીશું.”

બસ…એટલું કહીને એ માતાએ પોતાના દીકરા સાથે દરિયામાં કૂદકો મારી દીધો. બંને દરિયામાં ડૂબી ગયા. પાછળ આખું હાઈકે રાજ્ય તારાજ કરવામાં આવ્યું. રાજ્યની પાછળ વધેલી સ્ત્રીઓને યુદ્ધની જગ્યાથી થોડે દૂર કિનારા પર ગુલામ તરીકે બેસાડીને માંછીમારોને ફળ-ફૂલ વેચવાના કામ દેવામાં આવ્યા.

આ ‘હાઈકે’ નું નામ ઈતિહાસમાંથી હંમેશ માટે નીકળી ગયું.

પરંતુ સાચી વાર્તા હવે શરુ થાય છે!

આ દરિયાકિનારે માછીમારો પોતાના ખોરાક માટે કરચલા પકડતા. અમુક વર્ષ પછી આ ગુલામ સ્ત્રીઓમાંથી કોઈએ જોયું કે અમુક કરચલાઓના શરીર પર જે લીટીઓ હોય છે એને ધ્યાનથી જુઓ તો એ ‘હાઈકે’ ના નાનકડા રાજા ‘અન્તોકું’ના ચહેરા જેવી જ દેખાતી હતી! આ સ્ત્રીઓએ વિચાર્યું કે કદાચ દરિયાના પેટાળમાં જ્યારે રાજા અને માતા પડ્યા એ અત્યારે કરચલા રૂપે દરિયાના પેટાળમાં રાજ કરે છે.
આ કરચલાઓના કવચ પર રાજાનો ચહેરો દેખાય છે એ વાત આખા દરિયાકિનારા પર ફેલાઈ. થોડા વર્ષ પછી ત્યાં દરિયાકિનારા પર એક ઉત્સવ થવા લાગ્યો, જેમાં નક્કી થયું કે ‘હાઈકે’ સાથેના યુદ્ધમાં જે રાજા હતા તેમનો ચહેરો જેટલા પણ કરચલાઓ પર દેખાય તેમને પવિત્ર માનવા અને તેમને ખાવા નહી!

હાઈકેનો રાજા દરિયાના પેટાળમાં ઘૂમે છે એવું માછીમારોએ સ્વીકાર્યું. રાજાના ચહેરા જેવી પેટર્ન, માર્કિંગ જે કરચલાના પેટ પર હોય એ જીવવા લાગ્યા, અને દરિયામાં પાછા ફેંકાવા લાગ્યા. વર્ષો જવા લાગ્યા એમ થયું એવું કે આ કરચલાઓ જેમને બીજા કરચલા કરતા અલગ જ ‘રાજાશાહી’ ભોગવવા મળતી હતી એ બધા જ વધુ પ્રોડક્શન કરી શક્યા. તેમની સંખ્યા વધતી ગઈ, અને જે કરચલાના ભાગ્યમાં પેટ પર પેલી કુદરતી પેટર્ન ન હતી એ બધી જ પ્રજાતિઓને આ માછીમારો ખાવા લાગ્યા.

આ કરચલાના શરીર પરની પેટર્ન તો કુદરતી હતી, અને કરોડો વર્ષની ઉત્ક્રાંતિના ભાગ સ્વરૂપે હતી. હકીકતમાં રાજાના ચહેરા દેખાવા એતો ત્યાંના માણસોના મગજની પેદાશ હતી. કરચલાને આ ખબર પણ ન હતી. એક સમય એવો આવ્યો કે એ દરિયાના વિસ્તારમાં બધા જ કરચલાઓના શરીર પર રાજાનો ચહેરો હતો! બાકીની બધી જ પ્રજાતિને માનવજાતે ખાઈને સાફ કરી દીધી હતી.

આ પ્રોસેસને કહે છે : “આર્ટીફીશીયલ સિલેકશન” 🙂

કુદરત આમાં ભાગ ભજવતી જ નથી. ‘હાઈકે’ના કેસમાં આ કરચલાઓની પ્રજાતિને માણસોએ કંટ્રોલ કરી. માણસની ચોઈસને લીધે કુદરતનું જે હજારો વર્ષનું સાઈકલ હતું તેમાં એક પ્રજાતિ જ રહી, અને બાકીની બધી જ લુપ્ત થતી રહી.
આપણે … “માણસ” નક્કી કરીએ છીએ કે કઈ પ્રજાતિ જીવશે, અને કઈ નહીં જીવે. આ અગિયારમી સદીની વાત હતી, પરંતુ વૈશ્વિક ફલક પર જેમ-જેમ માનવજાત વિકસતી ગઈ તેમ-તેમ માણસે નક્કી કર્યું કે તેમને માટે શું કામનું છે, અને શું નથી. કુદરત આમાં ક્યાંય ન હતી. તમને તમારી આજુબાજુમાં દેખાતી ભેંસ વર્ષો પહેલા જંગલમાં રહેતી હતી. મુક્ત પ્રાણી હતું. આપણે આપણી જાત માટે ગાય, કૂતરા, કે બળદના કુદરતી સાઈકલને ખોરવીને ‘આર્ટીફીશીયલ સિલેકશન’ કરેલું છે. આપણા ફ્રુટ્સ, વૃક્ષો કે શાકભાજીને આપણે નક્કી કર્યા છે કે તેમની કઈ પ્રજાતિ આપણને ભાવશે અને કઈ ફેંકી દેવામાં આવશે. ભેંસ-ગાય વગેરે જંગલોમાં ટોળામાં જ રખડતા હતા, અને તેમનો શિકાર માંસ માટે જ થતો હતો, પરંતુ એક દિવસ કોઈ માણસે તેના આંચળને (સ્તન)ને ખેંચ્યું અને દૂધ ફૂટ્યું. તેણે પીધું, અને પછી તાકાત અનુભવી એટલે નક્કી કરી લીધું કે આ પ્રજાતિ આપણી કેલેરી માટે આપણી ગુલામ રહેશે. ઘોડા-બળદ સાથે એવું થયું. માછલી અને મરઘા સાથે એવું જ થયું.

પરંતુ એક બીજી મહાકાય-અવિરત-અને અલૌકિકતાથી ભરેલી પ્રોસેસ માણસ ખુબ મોડી સમજ્યો, અને હજુ સમજ્યો નથી. એ છે: “નેચરલ સિલેકશન” 🙂
હજારો-લાખો-કરોડો વર્ષના આ ધરતીના પટ પર કુદરતે ઉત્ક્રાંતિ કરી. ખુબ ધીમી. કોઈને ખબર પણ ન પડે અને કરોડો પ્રજાતિઓ પેદા થઇ. વૃક્ષ આવ્યા, પશુ આવ્યા. વાનર આવ્યા, અને એમાંથી આવ્યા માણસ. આ માણસ તો છેલ્લા અમુક લાખ વર્ષની જ પેદાશ છે. માણસનું ‘ઈન્ટેલીજન્સ’ ઊંચું હોવાથી તે જંગલમાંથી બહાર ભાગ્યો.

નેચરલ સિલેકશન એવું કહેતું હતું કે “માણસ (આપણા વડવાઓ) ઓક્સિજન વાપરે, કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડ વાપરે અને ઓક્સીજન માણસને આપે. વધુમાં ફળ-છાયો-કપડા-અને ખોરાક તરીકે એ વૃક્ષને વાપરી શકે એટલે નેચરલ સિલેકશન મુજબ વૃક્ષોની સંખ્યા વધુ રહી.”

…પરંતુ વર્ષો ગયા અને ત્યાં આપણું ‘આર્ટીફીશીયલ સિલેકશન’ દાનવ બન્યું. વૃક્ષો કપાયા. પશુઓને ગુલામ બનાવાયા. જંગલના ‘કસબાઓ’ માંથી માણસ બહાર આવ્યો, અને ગામડાં-શહેર ઉભા કર્યા. ઇન્ટેલિજન્સ નક્કી કરવા લાગ્યું કે શું જીવશે- શું મરશે.

મારા વ્હાલા વાચકો…વિચારો કે આપણું માનવજાતે કરેલું આર્ટીફીશીયલ સિલેકશન આટલું તાકાતવાન હોય કે જેથી આજે તમે જે જુઓ છે એ બધું જ આપણી બુદ્ધિની પેદાશ છે, તો નેચરલ સિલેકશન કેટલી મહાન અને તાકાતવાન હશે? જેણે માણસને ઉત્ક્રાંતિ માટે રસ્તો આપ્યો, તે કેટલું અગાધ હશે. ‘હાઈકે’ ના કરચલાથી માંડીને તમારી શેરીમાં રખડતા પ્લાસ્ટિક ખાતા ગાય કે પાળેલા કૂતરા કૂદરતી નથી. તમારા લીધે છે! તો હવે જ્યારે તેમને જુઓ ત્યારે તમારા વડવાઓની અને કરોડો વર્ષની આપણી બુદ્ધિની સાક્ષીએ જોજો. કશુંક અલગ દેખાશે. એક વૃક્ષ કાપો ત્યારે ફરી વિચાર કરજો. ધરતીનું સંગીત (Music of Earth) આપણી ચોઈસને લીધે બદલતું રહે છે.

તો હવે આપણે શું કરવું?
હાહાહા… આપણે કશું નથી કરવાનું! કુદરત કરશે. 🙂 કદાચ આ વાચતી પેઢી તેની તાકાત અને ધીમી ગતિને પામી ન શકે, પરંતુ વર્ષો પછી જે થયું હશે તેને ત્યારે જીવતા માણસો કહેશે કે એ “નેચરલ સિલેકશન”નો ભોગ બન્યા. 🙂

(આ વાત મૌલિક લખાણ હોવા છતાં તેના અમુક વાક્યો / ફકરાઓ પુસ્તકોમાંથી શબ્દશઃ લીધા છે. પુસ્તકો છે: “કોસમોસ – કાર્લ સાગન” જેમાંથી મૂળ ઘટના અને ફિલોસોફી લઈને ભાષાંતર કરેલું છે. અને આલ્ફ્રેડ રશેલ વોલેસના નિબંધો, અને ડાર્વિનના પુસ્તક – The origin of species જેમાંથી છેલ્લા બે ફકરાની ફિલોસોફી તારવેલી છે.)

Copyrights belongs to origional works. The story here is a glimpse of origional stories and philosophy. 

Tour – de – Humpi | Travel expiriences

IMG_20170430_110023

ખુબ બધા ફોટો છે એટલે લાંબી વાતો નથી લખવી. બે દિવસથી રજા હતી એટલે હું ગોકાર્ણા ગયેલો. ત્યાં હતો ત્યારે ઓફીસથી ફોન આવ્યો કે હજુ સોમવારે રજા છે. એટલે આ રખડું જીવને મજા આવી ગઈ. ગોકાર્ણાથી નામ યાદ નથી એવા બે-ત્રણ ગામડાની બસ બદલીને હું પૂછતો-પૂછતો હમ્પી ની બસમાં ચડી ગયો. સવારમાં સાથે લીધેલી આ બૂક વાંચી. હજૂ પૂરી નથી થઇ. થશે મહિનાઓ પછી… 

IMG_20170430_185616

હમ્પી પહોંચ્યો ત્યારે સાંજના આઠ વાગી ગયા હતા. એક લોકલ દૂકાન પર મારું પ્રિય ભોજન દબાવી લીધું. 

IMG_20170430_202553

આમ તો મારી કોઈ પણ ટ્રીપ પ્લાન કરેલી હોતી નથી. ઈશ્વર દોડાવે એમ દોડવાનું. આખો દિવસ બસની સફર કરેલી હતી અને થાક લાગેલો. એટલે થયું કે કોઈ સારી જગ્યાએ જઈને નાહી લઉં. એક લોકલ માણસને પૂછ્યું તો મને કહે બે કલાક માટે રૂમ ભાડા પર લઈલો. એ મને ગલીઓમાં લેતો ગયો. ૨૦૦ રૂપિયામાં બે કલાક આરામ કર્યો! આ રહી રૂમ…

IMG_20170430_202924

હમ્પી અદભૂત શહેર છે. વર્ષો જૂના મંદિર ઉભા છે. રાત્રે દસ વાગ્યે હું સમાન લઈને બહાર નીકળ્યો. ઈચ્છા હતી કે કોઈ પથ્થરો વચ્ચે સુમસાન જગ્યાએ મારી શાલ ઓઢીને સુઈ જઈશ. તારાઓ ભર્યું આકાશ જોયા કરીશ. પરંતુ હજુ બહાર ફરતો હતો ત્યાં આ મસ્ત મંદિર નજરે પડ્યું. ગૂગલ કર્યું તો ખબર પડ્યું કે હમ્પીનું સૌથી જાણીતું મંદિર છે. – વિરુપક્ષ મંદિર 

IMG_20170430_203725

મંદિરની અંદર છેલ્લી એક આરતી બાકી હતી. ખૂબ ઓછા માણસો હતા. આરતીમાં રોજે આ હાથીને ભગવાનને પગે લગાવવા લાવવામાં આવે છે. વર્ષોથી. 

IMG_20170430_204026

માનવીની જાત! મહાકાયને પણ એક પથ્થર સામે ઝૂકાવે નહી તો શું જોઈએ! આ પ્રાણી એ સમયે શું વિચારતું હશે એતો પથ્થર જાણે. અથવા પથ્થર અંદરના મારા નાથ… 

IMG_20170430_204714

…મંદિર બહાર ઘણા પરિવાર ચાદરો નાખીને જમતા હતા, અમુક સુતા હતા. મેં કોઈને પૂછ્યું તો કહે મંદિરમાં રાત્રે સુવા દે છે. બહારના મુસાફરોને અહિયાં સુવાથી દુઃખો દૂર રહે છે! એટલે મેં પણ બેગ મૂકીને ત્યાં જ સુઈ જવાનું નક્કી કર્યું. દૂખ દૂર થયા.

IMG_20170501_080904

બીજે દિવસે સવારમાં વહેલા ઉઠીને નાસ્તો કર્યો. લોકલ માણસોને પૂછ્યું તો કહે કે આખું હમ્પી સરખી રીતે જોવું હોય તો બાઈક કે ઓટો ભાડે મળશે. અથવા સાઈકલ લઈને જાતે જોઈ શકો. 

IMG_20170501_081944

સાયકલ તો મનગમતું વાહન. ૮૦ રૂપિયામાં મેં આખા દિવસ માટે આ સાયકલ ભાડે લીધી.  બસ…પછી ગૂગલના સહારે આ અનોખા-અદભૂત શહેરની સફર ચાલુ કરી. 

IMG_20170501_083400

રાજા કૃષ્ણદેવરાયનું આ શહેર હતું, નામ હતું- વિજય નગર. શહેર એ સમયનું સૌથી સુંદર શહેરો માનું એક હતું. પાટનગર હતું.  તુંગભદ્રા નદીને બંને કિનારે આ શહેર ઉભું છે. હજારો વર્ષ જુનો ઈતિહાસ લઈને…

IMG_20170501_084617

આ શહેરમાં એટલા મંદિર છે કે તમારે આખું હમ્પી સરખી રીતે પામવું હોય તો આઠ દિવસ પણ ઓછા પડે. એક દિવસમાં તો માત્ર ઉપરથી પરિચય થાય. હું સાઈકલ લઈને અલગ-અલગ જગ્યાઓ જોતો ગયો. કોઈ ઉતાવળ ન હતી. 

IMG_20170501_090419

વિજયનગરમાં આ મંદિરો તપ માટે બનાવવામાં આવેલા. હું અંદર જઈને ઘણા સમય સુધી બેઠો. 

IMG_20170501_090616

આ બધા ચામાચિડિયાની કેટલીયે પેઢીઓ અહીં જીવી ચુકી હશે! 

IMG_20170501_090631

આ જગ્યાઓ પર ભૂતકાળમાં કેટલાયે માણસો આવ્યા હશે.

IMG_20170501_094024

આ પથ્થરોને એ હજારો માણસોએ સ્પર્શ કર્યો હશે. વિચારો કર્યા હશે. આ સ્થળોના નામ એટલે નથી લખતો કારણકે એમના નામ કરતા અસ્તિત્વ મહત્વના છે. એમને જોઇને હજારો વર્ષની એમની જીવની અનુભવી શકાય છે. 

IMG_20170501_094415

IMG_20170501_094536

આ છે હાથી-શાળા. આ સામે દેખાતા દરેક ખાના અંદર હાથીઓને બાંધવામાં આવતા હતા. આ હાથીઓ વિજયનગર રાજ્યના ખજાના જેવા હતા. યુધ્ધો અને મોટા પથ્થરોને ઊંચકવામાં વાપરવામાં આવતા.  

IMG_20170501_095020

હથીશાળાની પાછળ એક બીમાર પોપટભાઈ બેઠા હતા. 

IMG_20170501_095714

એમને ત્યાંના સિક્યોરીટી વાળા ભાઈની મદદથી એક જગ્યાએ બેસાડીને પાણી પાયું. તો તાકાત આવી અને ઉડી ગયા. 🙂

આ પોપટને પાણી દઈ રહ્યા હતા એ સમયે એક દસેક વર્ષનો છોકરો મારી પાસે આવ્યો. મને કહે મારી પાસે પણ સાઈકલ છે. તમને રૂટ ગાઈડ કરાવીશ. ૨૦૦ રૂપિયામાં.

આમેય હમ્પીમાં ઇન્ટરનેટના ઈશ્યુને લીધે ગૂગલદેવ બંધ થઇ જતા હતા. એ નાનકડો બાળક મારા ગાઈડ તરીકે મને કેટ-કેટલીયે જગ્યાએ લઇ ગયો.

તેનું નામ હતું: નવાઝ.  એના મમ્મી-પપ્પા પથ્થરો તોડવાનું કામ કરતા હતા. નવાઝને સ્કૂલમાં વેકેશન હતું એટલે એકલા એકલા ઘૂમતા ફોરેઇન ટુરિસ્ટને રૂટ બતાવતો. તેને પણ હમ્પીનું બીજું જ્ઞાન ન હતું. પણ….માણસ એટલે જીવનભર યાદ રહેશે એવો. પ્યોર હૃદયનું બાળક. ખુલ્લા ચપ્પલ વગરના પગ અને શર્ટ-ચડ્ડી.  અમે સાથે સાયકલ ચલાવીને ખૂબ ફર્યા. બપોરે સાથે જમ્યા. અહીં અમુક ફોટો છે.

Screenshot 2017-05-12 19.11.21

નિઝામ અને એની દોસ્તની સાઈકલ જે લઈને મને એ ગાઈડ કરી રહ્યો હતો!

IMG_20170501_094959

નિઝામ કહેતો હતો કે આ પથ્થરોને કુષ્ણદેવ રાયે જાદૂગરો બોલાવીને ઉપર ચડાવ્યા હતા. આંખુ હમ્પી જાદૂગરોને લીધે જ બન્યું હતું! – નિઝામની આવી વાર્તાઓ સાંભળવાની મજા જ અલગ હતી. 

IMG_20170501_095008

૧૫૬૫ની આસપાસ આ શહેર પર ચડાઈ થયેલી, અને દરેક મૂર્તિ-મંદિરને ખુબ નુકસાન થયેલું.

IMG_20170501_100737IMG_20170501_100751IMG_20170501_101212

IMG_20170501_105442

નિઝામની તાકાત ખુબ હતી. પરંતુ હું સાઈકલ ચલાવવામાં થાકી જતો હતો. ઉંમર 😉 

અહીં નીચે અલગ-અલગ સાઈટ્સના ફોટો મુકેલ છે. નજીકથી જોઈએ ત્યારે ભવ્ય ભૂતકાળ લઈને બેઠેલા આ મહાન શિલ્પો ખુબ બધી વાર્તાઓ લઈને બેઠેલા દેખાય. એમણે જોયેલા ટાઢ-તડકા કે વરસાદ કેવા-કેવા હશે. 

કરોડો વર્ષો પહેલા જ્વાળામુખીના લાવા માંથી હમ્પીના પથ્થરો જન્મેલા એવું ઇન્ટરનેટ કહે છે. એ પથ્થરો કરોડો વર્ષ સુધી ઠર્યા. જ્યારે માણસોને હાથ લાગ્યા ત્યારે એમને કોતરીને આકાર આપ્યા. મંદિરો બન્યા. મહેલો બન્યા. છતાયે હજુ હજારો-લાખો પથ્થરો જન્મથી લઈને વર્તમાન સુધી સ્થિર પડ્યા છે. અમુક એટલા મહાકાય છે કે માનવજાત તેની નજીક પણ નથી ગઈ. 

IMG_20170501_112012IMG_20170501_112015IMG_20170501_112221IMG_20170501_112613IMG_20170501_112839IMG_20170501_114651IMG_20170501_114655

IMG_20170501_115346

આ કારીગરોના ઝનૂન-એકાગ્રતા કેવા હશે!

IMG_20170501_115400IMG_20170501_120629IMG_20170501_120656

IMG_20170501_121028

આ વૃક્ષ ૧૦૫૦ વર્ષ જુનું છે. હજુ એ ફૂલો ખીલે છે. 

IMG_20170501_130404

આ રાણીનો સ્વિમિંગ-પૂલ હતો. 

IMG_20170501_131751

રાજ-દરબાર અહીં ભરાતો. 

IMG_20170501_131852

આ સૈનિકોની છાવણીઓ હતી. 

IMG_20170501_131859IMG_20170501_132202

IMG_20170501_172712

હું અને નિઝામ મેંગો-ટ્રી નામની એક હોટેલમાં જમવા ગયા. ત્યાં આ મસ્ત-મજાનું ક્વોટ હતું.

IMG_20170501_174556

જમીને સાંજ નજીક અમે એક ઉંચી પહાડી પર સુર્યાસ્ત જોવા જવાના હતા. આ રસ્તો ત્યાં લઇ જતો હતો. પેલો દૂર દેખાતો નંદી એક જ પથ્થર માંથી કોતરવામાં આવેલ છે. 

IMG_20170501_174600

IMG_20170501_174652

નંદી…

IMG_20170501_175757

મને એ પહાડીનું નામ ભુલાઈ ગયું છે. નિઝામ કહેતો હતો કે એ બાળપણથી જ ઘણીવાર એ પહાડી પર ગયો છે. ત્યાં સુરજ દાદા સાંજ નજીક હમ્પીમાં સમાઈ જાય છે!

IMG_20170501_180615

પહાડીના માર્ગમાં આવતા ખુદ પહાડ જેવા પથ્થરો…

IMG_20170501_180619

IMG_20170501_180831

ખુબ જ ભયાનક અને ડર લાગે એવી આ ટોચ છે. અહીં પેલા દેખાતા પગથીયાઓ પાર થઇ જઈએ એટલે પહાડી પર પહોંચી જાઓ. ગભરાહટ અને રોમાંચનો અદભૂત સંગમ થાય એવી ચેલેન્જ હતી! અહિયાં ખૂબ ઓછા ટુરિસ્ટ આવતા હતા. 

IMG_20170501_181136IMG_20170501_181140

IMG_20170501_181202

સુકાઈ ગયેલી તુંગભદ્રા નદી…

IMG_20170501_181424

પહાડીની ટોચ પર…

IMG_20170501_181828

IMG_20170501_182018

આ ટોચ પર અમે નવ લોકો હતા! હું અને નિઝામ. અને બાકી બધા વિદેશથી આવેલા સાહસિક યુવાનો. અમે બધા જ સુર્યાસ્તની રાહ જોઈ રહ્યા હતા. એકબીજાના દેશની વાતો કરી રહ્યા હતા. બધા જ એકલા કે કપલમાં ફરવા નીકળેલા હતા અને રસ્તામાં મળતા-મળતા લોકો સાથે દોસ્તી કરતા અહીં રખડી રહ્યા હતા.  એમના વિચારો-સપનાઓ માણવા જેવા હતા. ત્રણ જાપાનથી, ત્રણ ફ્રાંસથી, બે રશિયાથી આવેલા…

IMG_20170501_182300

ક્ષણ આવી રહી હતી!

IMG_20170501_182315

IMG_20170501_182456

સુરજને રોકનારા વાદળ બનવું છે… મારે… 🙂 

IMG_20170501_182637

ના… વાદળ પણ ન રોકી શકે એ સુરજ બનવું છે મારે…

IMG_20170501_182955

ના. બનવું છે મારે રોશની. 🙂 જે સુરજની હોય…અને વાદળની પણ…

IMG_20170501_183524

સૂરજ ઢળી રહ્યો હતો ત્યારે આ રશિયન કપલ એક વાજિંત્ર વગાડી રહ્યું હતું. સંગીત અને સંધ્યા …શબ્દોની મોહતાજ ન હતા.

 

IMG_20170501_184952

અંધારામાં નીચે ઉતારવામાં ડર લાગે એવું હોવાથી અમે સુરજ ડૂબ્યો એવા જ નીચે ઉતારવા લાગ્યા. પરંતુ પેલું રશિયન કપલ હજુ પણ ત્યાં બેઠું-બેઠું સંગીત વગાડી રહ્યું હતું. સાંજને આંખોમાં ભરી રહ્યું હતું.  મોડી રાત્રે મેં બાજુના હોસ્પેટ શહેર માંથી બેંગ્લોરની બસ પકડી લીધી. સવારે ઘરે પહોંચી ગયો. નિઝામને ચપ્પલ ખરીદી આપી. હું જતો હતો ત્યારે નિઝામ મારી પાસે આવીને કહે કે : “મેં રોઝ બીના ચપ્પલ કે ઘર સે નીકલતા હું. ગાઈડ કા કામ કરતા હું. કીસીને મેરે ચપ્પલકી ટેન્શન નહી લી થી. આપને ક્યો મેરે ખુલ્લે પેર કે બારે મેં સોચા?”    હું હસી પડ્યો. મને પણ જવાબ ખબર ન હતી. 🙂 

 

 

 

A small trip of Gokarna beach…

It was office holiday for Saturday-Sunday. I left office at 8PM. Went home. I was feeling something missing in life. (I have been working a lot that week)

At 8:30 @Home I searched few places to visit around Bangalore. From the lists, ‘Gokarna’ 500 km away from Bangalore felt good.

I took old college bag and booked KSRTC bus of 10 PM. In 1 hour I was at Bus-stand. Rain started. I took the window seat. The overnight journey from Bangalore to Gokarna begun. That night was just beautiful. Cold breeze, lonely villages, small hotels on the route took way all the missing element of life. In morning 5 am, the beauty of Karnataka villages is beyond words.

I reached Gokarna at 10 AM morning. I was washing my face at bus-station. One 60 years around old man came to me. Asked me if I want Home-stay room! I said yes.

IMG_20170429_093047

He gave me a small room in his house. Cost – 400 Rs. 

After taking bath, I went out for food. I had no food since last 18 hours. Went to one Beach-side Dhosa shop. Ate like an animal. Then went to the main beach.

IMG_20170429_102926

Very few people. 

IMG_20170429_102940

I wanted to go on that Hill. So I went.

IMG_20170429_104017

On the way to hill…

IMG_20170429_103537

I love these crab-holes. Watching them existing like this is beautiful. 

IMG_20170429_103808

This is what human does to Ocean. Yes its Us.

IMG_20170429_103812

It’s everywhere. This is what becomes of our garbage thrown in ocean over the time. 

IMG_20170429_104824

See! He is throwing his own garbage too…

IMG_20170429_104221

Somebody write novel on what this fish feels… 🙂

IMG_20170429_110106

From top of the hill…

IMG_20170429_110135

This locked tample had snake inside!

IMG_20170429_110616IMG_20170429_110618IMG_20170429_110621

On the hill-top, I was reading one novel for an hour. Haruki Murakami’s Kafka on the shore. I looked back, and at far distance saw on house on the hill!

IMG_20170429_115303

IMG_20170429_111847

Yes!! It was a house and a library. Here!

IMG_20170429_112929

Here, the 95-year-old man and his son are handling this library. Foreigner tourists visit it most. I went there and sat with them for an hour. Their life story was a great tale. This old man was a friend of great figures of India before independence. He created this library. The books are rare. Our Mallika Sarabhai also gifted many books here. He said he has read many of books. That’s what he does for the living. 

IMG_20170429_113502IMG_20170429_113249

What I heard from that old man was the wisdom of older times, how reading cultivates your life, and how our politicians were back in the 19th century.

IMG_20170429_114959

I gifted my Haruki Murakami Book to them! I just wanted to…

Then, they offered me a little food. (As I told them I am Gujarati author, they were extremely happy!) They guided me to another beach of Gokarna. Its name is: Kudle

IMG_20170429_120819

IMG_20170429_120823

That hotel was a really good place to just seat. 

IMG_20170429_121600

…and a small drink. 😉

IMG_20170429_130555

I looked like giant ગોકળગાય 😉 It’s a boat. 

IMG_20170429_151141IMG_20170429_155200

At around 4 PM I started walking towards another beach named: Om Beach.

IMG_20170429_155204

IMG_20170429_155154

I walked till that far distant beach. It’s Om beach. 

I googled and found that sunset on Kudle beach is mesmorising. I started walking back to where I was at noon time. On my way back, I met this great guy.

IMG_20170429_175855

His name is Nicolai. He is German who is living in Madras city and working in NGO. He is just 20, but what a great person.

IMG_20170429_182926

We talked about our lives, India, Germany, Reading books, and his GF. We waited for Sunset at Kudle beach

IMG_20170429_182947

And here it goes!

IMG_20170429_184332

IMG_20170429_191324

The ocean ate the Sun.

It was a moment to remember. Me,

Me, Nicolai, and third friend Mateen (from Bangalore) we three sat at the ocean till late night. We had food together near my room. They were also solo travelers. We became very good friends in few hours.

We are meeting again in Bangalore next month. In a rock band concert!

So….My trip to Gokarna was over in a day, but next day morning when I woke up, my office colleague called me and said Monday is the holiday. It’s national labor day. So I had to plan another two day trip. Nicolai suggested me Humpi.

So I went on an adventurous trip of Humpi. The Greatest solo-trip for me. Will share it someday… 🙂

છ દોસ્ત – ચાર વર્ષ – એક સફર…

આ વાત છે ૨૦૧૩ની. ૨૩ વર્ષની ઉંમરની. એન્જીનિયરિંગ પૂરું કરીને જગ જીતવા નીકળેલા. એક જનૂન હતું. શ્વાસોમાં એક ગજબની હિંમત હતી, અને ખુમારી હતી. દુનિયા બદલવાની ખેવના હતી. જુવાનીનો જોશ તો જુઓ: ૧) કોલેજમાં કોઈ કેમ્પસ આવ્યું ન હતું. ૨) મંદી હતી. ૩) ઈલેક્ટ્રીકલમાં રસ ન હતો, અને કોઈ નોકરી આપે તેમ ન હતું.

છતાં…હું આખા ગામને કહેતો હતો કે – હું કોઈની નોકરીનો મોહતાજ નથી. ધંધો કરવો છે.

આ વાત છે એ ધંધાની. છ એન્જીનિયરના એક પરાક્રમની. કોલેજ પૂરી કરીને તરત જ કોઈ નોકરી શોધ્યા વિના હું નીકળ્યો અમદાવાદ. ત્યાં અમે છ એન્જીનિયરે એક IT કંપની ચાલુ કરેલી. નામ: carodoc.com (carodoc – એ care of doctor નું ટૂંકું ફોર્મ) પાંચ નિરમા યુની.ના એન્જીનિયર, અને છઠ્ઠો હું – ચાંગા યુનીવર્સીટીનો ઈલેક્ટ્રીકલ એન્જીનિયર. અમે બધા જ ૧૯૯૧માં જન્મેલા નમૂનાઓ.

૧) કુશાગ્ર રાદડિયા (ગોંડલનું પાણી. રાજકોટમાં અમે બંને સાયન્સમાં સાથે હતા. ગુજરાતમાં એ દસમો હતો. નિરમા યુનીવર્સીટીમાં ITએન્જીનિયર)

૨) મન જાની (ભાવનગરનો ભામણ. હું એને અમદાવાદમાં જઈને પહેલીવાર મળ્યો. (નિરમાની અંદર કોમ્યુટર એન્જીનિયર)

૩) કપિલ જિંદાલ (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. નિરમાની અંદર કોમ્પ્યુટર)

૪) દેવિન્દર મહેશ્વરી (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. કપિલને નિરમા કોલેજમાં એડમીશન લેવા આવતી સમયે ટ્રેનમાં મળેલો. નિરમાની અંદર કોમ્પ્યુટર)

૫) વિરલ ઠક્કર (પાક્કો અમદાવાદી ખોપરી. નિરમામાં કોમ્યુટર એન્જીનિયર.)

હું ગામડેથી અમદાવાદ ગયો ત્યારે કુશાગ્રને એકલાને ઓળખતો હતો. એ મારો બારમાં ધોરણથી જીગરી દોસ્ત હતો. બાકીના બધા જ કુશાગ્રના દોસ્ત. વિરલ ઠક્કર સિવાય બધા જ થલતેજ સર્કલ પાસે એક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહે.

આ હતું ૨૦૧૩. એ પણ ઉનાળો. અમદાવાદની કાતિલ ગરમી. હું અમદાવાદ તો ગયો પરંતુ આ બધા સાથે સેટ ના થયો. એ બધા ખુબ જ હોંશિયાર. Geek. Nerd. જે કહો તે. આખો દિવસ લેપટોપની સામે બેઠા રહે. મેગી ખાઈને દિવસ કાઢી નાખે. સતત કશુંક કરતા રહે. એમની એ રૂમ એજ ઓફીસ.

આ બધા વચ્ચે મારો એક સ્વાર્થ હતો. મેં કુશાગ્રને કહેલું કે હું માર્કેટિંગ સારું કરી શકું છું એટલે Carodoc.com માં હું સેલ્સ ડીપાર્ટમેન્ટ સંભાળી લઈશ. કુશાગ્ર મારો જીગરી હોવાથી ના તો ન પાડી શક્યો પરંતુ હું અલગ માણસ હતો. મારું સપનું લેખક બનવાનું હતું અને રોજે રાત્રે હું વિશ્વમાનવ લખતો હતો. મારો સ્વાર્થ એ હતો કે આવી રીતે કંપનીમાં સેટલ થઇ જાઉં તો આખી જીંદગી રૂપિયાની ઉપાધી નીકળી જાય અને હું આરામથી લખ્યા કરું!

મારા અમદાવાદ ગયા પહેલા જ Carodoc.com ના પાયા નંખાય ગયા હતા. આ પાંચ નિરમાના એન્જીનિયરો એ મળીને એ રૂમમાં બેસીને દિવસ-રાત એક કરીને એક સોફ્ટવેર ડેવલપ કરેલું હતું જે અમારે ડોક્ટર્સને વેંચવાનું હતું. સોફ્ટવેરમાં ડોક્ટર બધું જ કરી શકે. ઓનલાઈન અપોઈન્ટમેન્ટ થાય. દર્દીના બધા જ રિપોર્ટ સચવાય. દવાઓનું લીસ્ટ બનાવીને ડાયરેકટ મેડીકલને ટ્રાન્સફર થાય. એવું બધું. ૬૦૦૦ રૂપિયામાં આ સોફ્ટવેર ડોક્ટર્સને વેંચવાનું હતું.

દોસ્તો…જરૂરી નથી કે માણસો સ્માર્ટ હોય એટલે કંપની ચાલે. ઘણીવાર ટેલેન્ટ હોવા છતાં સમય યોગ્ય ન હોય અને કંપની ભાંગી પડે. આઈડિયા ક્યારેય મરતો હોતો નથી. આપણા પ્રયત્નો ખૂટી પડતા હોય છે. વિચાર તો અજર-અમર છે.

અમદાવાદના ૫૦૦૦ ડોક્ટર્સને રુબરુ મળીને અમે સોફ્ટવેર વેંચવાની શરૂઆત કરેલી. થોડા ડોક્ટર્સને મળ્યા ત્યાં ખબર પડતી ગઈ કે ખુબ ઓછા ડોક્ટર્સ એમના ડેસ્ક પર લેપટોપ કે કમ્પ્યુટર વાપરે છે! જેટલા વાપરે છે એ બહાર હોલમાં કેટલા પેશન્ટ બેઠા છે જે જોવા લગાવેલા CCTV કેમેરાના આઉટપુટ તરીકે જ વાપરે છે. હવે? શું કરવું? થોડા સોફ્ટવેર વેચાયા. પરતું સમયની પહેલા આ પ્રોડક્ટ આવી ગઈ હશે એવું લાગ્યું.

નજર સામે નિષ્ફળતા દેખાવા લાગી. કુશાગ્રએ મને કહ્યું કે હું કોઈ નોકરી શોધી લઉં કારણકે કંપની ચાલે કે નહી એનો ભરોસો નહી. બધાએ એમના હજારો કલાક આ વેબસાઈટ અને સોફ્ટવેર બનાવવા પાછળ નાખ્યા હતા. સમય યોગ્ય ન હતો. IT કંપની ઉભી કરવા શહેર યોગ્ય ન હતું. ઘણીવાર માણસો હારે એવા નથીં હોતા ત્યારે કુદરત હરાવતી હોય છે. જે છ યુવાનોએ ખુમારી ભરેલી દોડ ચાલુ કરેલી એમાં કુદરતે નાનકડી ઠેસ મારી. કેમ? કારણકે અમને બધાને સાચા રસ્તાઓ શોધવાના બાકી હતા.

થલતેજ ચોકડીની નજીકનો એ રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું. અમે હિમાલયા મોલની સામે જતી એક કોલોનીમાં PG માં રહેવા ગયા. અરેરે…એ અંધારી કોટડી. લાઈટ ન આવે. સવારના એક કલાક સિવાય પાણી ન આવે. મને નોકરી ન મળે. બધાએ પોત-પોતાના બધા રૂપિયા કંપનીમાં ખર્ચી નાખેલા. બધા જ બેરોજગાર.

…અને અચાનક કુશાગ્રના પપ્પાનું એક અકસ્માતમાં દેહાંત થયું. કુશાગ્રને ખુબ આઘાત લાગ્યો. અમે કુશાગ્રને તેનો બધો જ સામાન લઈને ગોંડલ મોકલી દીધો. તેના પરિવારને તેની જરૂર હતી.

Carodoc.comને એક નાનકડી કંપનીને વેચી દેવામાં આવી.

સમય સૌથી મોટો કાતિલ હોય છે. સમય આવે એટલે ઘણા ભરમ તૂટી જતા હોય છે. તમારા ખુમારી-ગર્વ ચુપ થઇ જતા હોય છે. હવા નીકળી જતી હોય છે. સમય એવો આવ્યો કે રોજે મેક-ડી નું 25 રૂપિયાનું બર્ગર ખાઈને દિવસ કાઢવા લાગ્યા. ખરી કસોટી ચાલુ થઇ હતી.

આ ઉપર કહી એ વાત  મહિનાના ગાળામાં બની હતી. કુશાગ્ર ગોંડલ જતો રહેલો. એ વધુ ડીસ્ટર્બ હતો એટલે કોઈના ફોન ઉઠાવતો નહીં. અહીં અમદાવાદમાં હું બાકીના બધા સાથે દોસ્ત બની ગયેલો.

આ બધામાં મારી પરિસ્થિતિ વધુ ખરાબ હતી. મેં કોલસેન્ટરમાં પાર્ટ-ટાઈમ નોકરી ચાલુ કરેલી. (ફુલ-ટાઈમ એટલે ન કરી કારણકે હજુ મને એ જ ભ્રમ હતો કે બાકીનો દિવસ વિશ્વમાનવ લખીશ. પબ્લીશ કરીશ. ફેમસ થઇશ. રૂપિયા કમાઈશ. મંઝીલ દૂર નથી!) ધીમે-ધીમે ખબર પાડવા લાગી કે પુસ્તક લખતા તો વર્ષ જતું રહેશે. ખિસ્સા ખાલી હોય ત્યારે ક્રિએટીવીટી મરી જતી હોય છે. ચારે બાજુ નોકરીના વલખાં મારવાનું શરુ કર્યું. વધુ એક્પિરીયન્સ દેખાડવા ફેઇક રિઝ્યુમ બનાવીને બે-ત્રણ કોલસેન્ટર બદલ્યા. પરંતુ એ નોકરી માથાનો દુખાવો હતી.

“તને છ હજાર આપીને તારી કંપની તારી રોજની જીંદગીના 12 કલાક ખરીદી રહી છે.” આવું મન જાની કહેતો.

આ મન જાની ખુબ જ અદ્ભુત વ્યક્તિત્વ હતું. એ આખો દિવસ રૂમ પર જ હોય. કુદરતી રીતે તેની પાસે એટલું શક્તિશાળી મગજ હતું કે એની જીંદગીને જોનારા દંગ રહી જાય! હા… નવોદયમાં ભણેલો આ માણસ સ્કુલથી જ આખી લાઈબ્રેરી વાંચી નાખતો. આ આગળનું વાક્ય લખ્યું એમાં જરાપણ અતિશયોક્તિ નથી. મનનું સપનું હતું કે એને લાઈબ્રેરિયન બનવું છે. અમે એને કહેતા કે તું માણસ નથી. કારણકે એની પુસ્તકો વાંચવાની સ્પીડ એટલી હતી કે એ ૧૦૦૦ પેજનું પુસ્તક ૩ કલાકમાં વાંચી નાખતો હતો! એણે એટલા પુસ્તક વાંચેલા કે તેની સાથે લાઈફના કોઈ પણ ક્ષેત્રમાં આર્ગ્યુમેન્ટ કરવી એટલે હારી જવાની ખાતરી સાથે કરવી. એ ખુબ ઓછું બોલે. કોઈને બોલાવે નહીં. અંધારી રૂમમાં એકલો પડ્યો રહે. લેપટોપ 24 કલાક ચાલુ. એને દુનિયાની કશી જ પડી ન હતી. તે મારી સાથે એટલે વાતો કરતો કારણકે હું એની સામે બેસીને જ બુક લખતો. હું ૧૦ મિનીટ બાથરૂમ ગયો હોય એમાં એ બુકના ૮૦ પેજ વાંચી લે!

મન ભણવામાં પણ એમ હતો. એક્ઝામના એક કલાક પહેલા કોલેજ પર જઈને કોઈ વાંચતું હોય ત્યાં બાજુમાં બેસીને વાંચી લે. પૂરું! 8 CGPA. નિરમા યુનીવર્સીટીમાં ઘણી કંપની આવેલી, પરંતુ Carodoc.com ના સ્થાપકોને Samsung જેવી કંપનીમાં નોકરી મળતી હતી છતાં કોઈએ ન લીધેલી. મનનો ઇન્ટરવ્યુ પણ જોરદાર હતો. એ નાઈટડ્રેસ પહેરીને Wipro ના ઇન્ટરવ્યુંમાં ગયેલો! ઇન્ટરવ્યુંઅર હજુ ગણિતનો કોઈ સવાલ પૂરો કરે એ પહેલા એ જવાબ આપી દેતો હતો. Wipro ના એ લોકો એટલા મૂંઝાયેલા હતા કે એમણે મનને જોબ-ઓફર તો કરી પણ છેલ્લે પૂછી લીધું કે અમારી પેનલ માંથી કોઈએ તને અગાઉથી જવાબ કહ્યા તો નથી ને!

મન પાસેથી એ દિવસોમાં ખુબ શીખ્યો. અમે બંનેને ‘અતિશય’ ફિલ્મો જોઈ. પુસ્તકો વાંચ્યા. ટોરેન્ટ હેંગ થઇ જાય એટલા ફિલ્મો જોયા. બેરોજગારીમાં હું હતો. મન પાસે Wiproની ઓફર હતી જ્યાં જવાને હજુ છ મહિના બાકી હતા. તેને લાઈબ્રેરિયન બનવું હતું!

“તમે જેવા માણસો સાથે દિવસના અમુક કલાક પસાર કરો છો તેવા જ બની જતા હોઉં છો.” એવું ક્યાંક વાંચેલું. મનમાં સમજાઈ ગયું કે ચિક્કાર વાંચનારને જેટલો ભવિષ્યમાં ફાયદો છે એટલો કોઈને નથીં. બીજા બે દોસ્તો કપિલ અને દેવિન્દર પણ એવા જ! રાજસ્થાનના આ બંને દોસ્તોએ કોલેજમાં એક ટેક-બ્લોગ ચાલુ કરેલો: Beebom.com

એ બ્લોગમાં એ બંને નવા-નવા ટેકનોલોજીના રીવ્યુ લખતા. ઈન્ટરનેટના ટ્રેન્ડ મુજબ 10 things to know… એ થીમ પર ટેક્નીકલ બ્લોગિંગ કરતા હતા. કપિલ-દેવિન્દર પાક્કા દોસ્તો હતા. હંમેશા સાથે. Carodoc નિષ્ફળ ગઈ એટલે Beebom બ્લોગને એમણે ફરી ચાલુ કર્યો જેથી એમાં એડ આપીને રૂપિયા મળે. એમનું આ પેશન જ ન હતું. સપનું હતું કે Beebom એક એવું પ્લેટફોર્મ બને જેને ઇન્ટરનેટ પર ટેક્નીકલ નોલેજ માટેનો સૌથી ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે. એ બંને રાત-દિવસ એ અંધારી રૂમમાં બેસીને બ્લોગિંગ કર્યા કરે.

કપિલ ખુબ ઓછું બોલે. તેના સપનાઓ ખુબ ઊંચા હતા. દેશની સૌથી બેસ્ટ ટેક-કંપની બનાવવાના! હા. એ મને ગાઈડ કરતો કે મારે કઈ રીતે વિશ્વમાનવનું માર્કેટિંગ કરવું જોઈએ. હું એને મારા સપના કહેતો. પેલી અંધારી PG માં અમારું મન ન લાગે ત્યારે વસ્ત્રાપુર લેઈક પર જઈને હું, મન, કપિલ અને દેવિન્દર જગ આખાની વાતો કરતા. એ વાતોમાં જેટલું નોલેજ શેરીંગ થતું એટલું મેં મારા જીવનમાં પછી ક્યારેય નથી મેળવ્યું. Quora, Reddit, Dark web, stumbleUpon એ બધું શું છે એ એમ વાતો માંથી જાણ્યું અને પછી રાતો જાગીને આ બધી સાઈટ્સ પર ખુબ વાંચ્યું.

હજુ સુધી કોઈ મને સફળતા-નિષ્ફળતાનું કશું પણ પૂછે તો એ જ કહું કે ‘તમારાથી વધુ સ્માર્ટ-સારા-અને સપનાઓ જોનારા માણસોને દોસ્ત બનાવો. એમનાથી ઘેરાયેલા રહો. પછી જુઓ.’

અમારા બધામાં અમુક ફીચર્સ કોમન હતા: ૧) બધા ખુબ ઓછું બોલીએ. ૨) ઇન્ટરનેટને જ્ઞાનના સોર્સ તરીકે વાપરવાના અમે ચાહકો, પરંતુ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના વિરોધી. (હજુ પણ મારા સિવાય કોઈ વધુ પડતું ફેસબુક/વોટ્સએપ વાપરતું નથી.) ૩) દરેકના અલગ-અલગ સપનો. માપ વિનાના સપનાઓ. ૪) બેરોજગાર.

એ નવરાશના સમયમાં અમે એ છ મહિનામાં એટલું શીખ્યા કે એ એવરેજથી હજુ પણ લર્નિંગ નથી થતું.

ખેર…સમય સમયનું કામ કરે.

કપિલ અને દેવિન્દરે થોડાંક રૂપિયા ભેગા કરીને સંદેશ પ્રેસની બાજુમાં નાનકડી ઓફીસ લીધી. એમનો બ્લોગ ધીમી-ધારે ખુબ સારું કામ કરી રહ્યો હતો. એ બંને આખો દિવસ ઓફીસ જતા રહેતા હતા. અંધારી રૂમ પર હું અને મન બંને આખો દિવસ લેપટોપમાં નવલકથાઓ વાંચ્યા કરતા. બપોરે બર્ગર ખાઈ લેતા. સાંજે મેગી. હું રાત્રે કોલસેન્ટરમાં જતો. સવારે આવતો.  બપોર સુધી સુતો. ફરી મનની બાજુમાં બેસીને વાંચવાનું ચાલુ!

મન જાનીને Wipro માંથી કોલ આવ્યો. જલદી જવાનું થયું. એ બેંગ્લોર જતો રહ્યો.

હવે દિવસે અંધારી રૂમમાં હું એકલો રહ્યો. બેરોજગાર તો ખરો જ. સૌથી ખરાબ દિવસો. કપિલ-દેવિન્દર મોડી રાત સુધી ઓફીસથી ન આવે. આખો દિવસ કોરી ખાતી એકલતામાં પુસ્તકોનો સાથ રહ્યો. હું મેમનગર ગુરુકુળમાં બપોરે જમવા જવા લાગ્યો.

બે મહિના પછી પ્લાઝ્મા નામની ઈલેક્ટ્રીકલ ફર્નેસ બનાવતી કંપનીમાં છ હજારના પગાર પર સર્વિસ એન્જીનિયરનું કામ મળ્યું. ગાંડો ગામ રખડીને ફરી ઈલેક્ટ્રીકલની નોકરીમાં આવ્યો!

એ જ અરસામાં કપિલ-દેવિન્દરે નક્કી કર્યું કે એ બંને દિલ્હીમાં Beebom.com ને ચાલુ કરશે, કારણકે અમદાવાદમાં IT કંપનીનો ગ્રોથ ખુબ ધીમો થાય છે. થેલા પેક કરીને એ બંને પણ જતા રહ્યા. કપિલ રોજે દિલ્હીથી ફોન કરતો. અમદાવાદ છોડી દેવા કહેતો. હવે તો PG ના ભાડાં ભરવામાં પગાર જવા લાગ્યો.

છેવટે મને પણ વડોદરામાં Absolute insurance surveyors નામની કંપનીમાં સર્વેયરનું કામ મળ્યું. હું વડોદરા જતો રહ્યો. પગાર સારો હતો. ૨૦૦૦૦.

અમદાવાદથી એટલે હજુ પણ બીક લાગે છે. છ એન્જીનિયરે સાથે મળીને જોયેલ સપનું ત્યાં તૂટ્યું. બેરોજગારી જોઈ. એક-પછી-એક બધા અલગ થતા ગયા. પોતપોતાના રસ્તે આગળ નીકળવા લાગ્યા. એકલા-એકલા દરેકની સફર શરુ થઇ.

મરીઝનું એક વાક્ય છે: ‘કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે!’ એવું જ થયું. અમારી ઓટ હતી, પણ અમે મહેનત ઓછી નહોતી કરી.

૧) કુશાગ્ર રાદડિયા ગોંડલ ગયો પછી તેને સાપરમાં એક ફોર્જિંગ કંપનીમાં ૧૦૦૦૦ના પગાર પર બે વર્ષ નોકરી ચાલુ કરી. (કોલેજમાં કુશાગ્રએ નિરમાની ૮ લાખના પેકેજની સેમસંગની ઓફર ફગાવેલી.) બે વર્ષ સુધી એ એટલે અમારા ફોન ન ઊંચકતો કારણકે ફેમેલીને સપોર્ટ કરવા લીધેલી એ નોકરીમાં એ IT ને કે તેના ડીઝાઇનને લગતા પેશનનું કશું જ કામ ન કરતો હતો. એક વર્ષ પછી તેણે જાતે Induction forging ની કંપની ચાલુ કરી! યસ…એની શીખવાની ધગશ એવી હતી કે એ કોઈ પણ ક્ષેત્રમાં કિંગ બની શકે. કંપનીનું નામ પણ પોતાના પપ્પાના નામ પરથી રાખ્યું: માધવ ફોર્જિંગ.

આજે ૨૦૧૭માં, માત્ર દોઢ વર્ષમાં એની કંપની ધોમધોકાર ચાલે છે. એનું ડીઝાઇનર તરીકેનું પેશન એ એમાં વાપરે છે. હું હમણાં જ તેની કંપની પર ગયો, અને ભૂતકાળ યાદ કરીને અમે બંને ચુપચાપ બેઠા રહ્યા.

૨) મન જાની ! : એ હજુ એટલા જ પુસ્તકો વાંચે છે. બેંગ્લોર Wipro માં હતો. હાલ Synopsys માં રીસર્ચ કરે છે. હું પણ હાલ બેંગ્લોર જ છું. પણ અમે બંને હજુ મળ્યા નથી. એ હવે એટલો ફકીર થઇ ગયો છે કે કોઈના ફોન-મેસેજ જવાબ ન આપે. Coding માં એ એશિયા લેવલ પર ઘણા ઇનામો લઇ આવ્યો છે. વાંચવા અને ફિલ્મોમાં હવે એ વૈશ્વિક સાહિત્યના એ આયામ પર છે જ્યાં ખુબ ઓછા માણસો હોય છે. (ફ્રેંચ સાહિત્ય વાંચવા માટે તેણે Openculture.com પરથી ફ્રેંચ શીખી લીધેલી!) હજુ એ લાઈબ્રેરિયન નથી બન્યો.

૩) કપિલ જિંદાલ અને દેવિન્દર મહેશ્વરી: Beebom.com હાલ વર્ષના ૫ કરોડનું ટર્ન-ઓવર કરનારી ત્રીસ એમ્પ્લોયી ધરાવતી કંપની છે. એમને કેટલાયે ફંડીંગ મળતા હોવા છતાં ક્યારેય નથી લીધા. એમના સપનાઓ અલગ છે. ઇન્ટરનેશનલ માર્કેટ પર એમનું ધ્યાન છે. સફળતા ચિકાર છે, પરંતુ હજુ બંને એવાને એવા જ છે. હમણાં હું દિલ્હી ગયેલો ત્યારે એમના વૈભવી ફ્લેટ પર રોકાયેલો.

૪) વિરલ ઠક્કર : આખા લેખમાં વિરલની વાત એટલે ના કરી કારણકે તેનું ઘર જ અમદાવાદમાં હતું એટલે એની લાઈફ વિષે વધુ જાણવા ન મળ્યું. હાલ એ Houston Univerity માં માસ્ટર ડીગ્રી કરે છે. એનું પ્રિય વાક્ય Stay hungry, stay foolish હજુ એની ફેસબુક પર છે.

૫) હું.. : આપની નજર સામે જ! બાર-તેર નોકરીઓ કરી. વિશ્વમાનવ પબ્લીશ થઇ. બીજી બુક નોર્થપોલ પણ આવી. મેં જે સપનાઓ જોયેલા એ થોડા-ઘણા સાકાર થયા છે. વાંચકોનો પ્રેમ મળ્યો છે. હજુ તો કેટલાયે કામ કરવાના છે.

આ છ એન્જીનિયર હાલ અલગ-અલગ ખુણાઓમાં ખુશ છે. Carodoc નું ફેસબુક પેજ હજુ એમ જ છે. વેબસાઈટ બંધ છે. હવે અમારા બધાની પોતપોતાની વેબસાઈટ છે.

અને હા…મહેનત જારી હે. એમ જ. અવિરત. જોઈએ.

હા…આને સંઘર્ષ નહી કહું. સંઘર્ષ થોડું નેગેટીવ લાગે છે. ‘મહેનત‘ યોગ્ય શબ્દ છે. 🙂