ગયા ઉનાળે પોંડીચેરી ગયેલાં. હું અને કલ્પિતા. કોઈ પ્લાન નહીં. શનિવારે સવારે સાત વાગ્યે ઉઠીને થયું કે ચાલો ક્યાંક જવું છે અને તરત જ બ્રશ કરીને, ચા પીઈને, મારી ઓફીસ બેગમાં એક-એક જોડી નાઈટડ્રેસ નાખીને ઉપડી ગયા. અમારું દરેક ટ્રાવેલિંગ કોઈ પણ પ્લાન વિના હોય.
એટલું અન-પ્લાન્ડ કે અમે પહેલાં બસસ્ટેશન કે રેલ્વે સ્ટેશન જઈએ અને પછી નક્કી કરીએ કે હવે કોઈ બસ કે ટ્રેન ઉભી છે જેનું બોર્ડ જોઇને ત્યાં જવાનું મન થાય!
અમે પોંડીચેરી, તમિલનાડુ, કર્નાટકના નાનાં-નાનાં ગામડાં બધું આમ જ રખડેલાં છીએ.
બેંગ્લોરના અમારા ઘરથી બહાર નીકળીને પછી તરત જ મેઈન રોડ પર આવ્યાં અને એક બસ પોંડીચેરી જઈ રહી હતી. કશું વિચાર્યા વિના બસમાં ચડી ગયા!
સાત કલાક પછી અમે પોંડીચેરીમાં હતાં. રસ્તામાં બસ જ્યાં ઉભી રહે ત્યાં ઢોસા કે ભાત-સાંભાર ખાઈ લીધેલા.
પોંડીચેરી જઈને શું કરવું એ બસમાં હું ગૂગલ કરતો હતો અને થયું કે સીધા દરિયાકાંઠે જતાં રહેશું અને બે દિવસ ત્યાં જ પડ્યા રહેશું!
બપોરે ત્રણ વાગ્યે દરિયે પહોંચ્યા.
દરિયે જઈને એક દુકાન પર ચા પીધી અને અમે બીચ પર બેઠાંઆ કાળા ચીકણા અને ગરમ પથ્થરો પર પડ્યા-પડ્યા આકાશ સામું અને દરિયા સામું જોતાંજોતાં જીવન વિષે વિચાર્યા કરવાનું ખુબ જ ગમે 🙂કલ્પિતાના પગ મને ભારે ગમે!સાંજ પડી. અમે બંનેએ એકબીજા વિષે ખુબ વાતો કરી.મને યાદ છે. આ ફોટો પાડતી વખતે હું કલ્પિતાને મારા સપનાં કહેતો હતો.અને આ ફોટો વખતે એ મને કહેતી હતી કે – હું વધારે પડતો જ સપનાઓમાં જીવનારો માણસ છું. એને ક્યારેક બીક લાગે કે આ નાલાયક ક્યાંક એકલો જતો ન રહે રખડવા અને પછી પાછો નહીં આવે તો!રાત્રે ચાલતાં-ચાલતાં અમે એક બ્રીજ પર પહોંચ્યા જ્યાં પાણીમાં ઉભા-ઉભા અમે ફરી એક ફેરીયાં પાસેથી ચા પીધી.તે દિવસે સાંજ સુધી ત્યાં રખડીને પછી ભૂખ લાગી એટલે શહેરમાં ગયા. એક મસ્ત જગ્યાએ વુડ-ફાયર્ડ પીઝા ખાધા.એક હોટેલમેં ઓયો પર બુક કરાવી. રાત્રે ત્યાં રૂમમાં મસ્ત એવી બીયર લગાવીને મેં એક નવલકથા ભેગી લીધી હતી – હારુકી મુરાકામીની.કદાચ Windup bird chronicle હતી. એ વાંચી.
આ વાર્તાનો આ ફકરો એ સમયે ભારે સ્પર્શી ગયેલો. અત્યારે આ લખું છું ત્યારે કશું સમજાતું નથી 😉
બીજે દિવસે સવારે અમે ઉઠીને, બ્રશ કરીને, ચેકઆઉટ કર્યું અને પછી ઉપડ્યા અમારી પ્રિય ઈડલી ખાવા.
નાસ્તો કરીને એક સ્કૂટી ભાડે લીધી. ૫૦૦ રૂપિયામાં. પેટ્રોલ આપડું.
ઉપડ્યા શ્રી અરવિંદના આશ્રમમાં.
અહીં કઈ જામેલી નહીં. પણ બધુંય જામે થોડું 😉અહીં જામ્યું.અહીં મેં એમ કહેલું કે – કુદરતમાં ઉધઈ જેવું માઈક્રો આર્કીટેક્ચર માણસ ક્યારેય નહીં કરી શકે.જ્યારે આ આશ્રમની સ્થાપના થઇ ત્યારે વિશ્વ આખાના પ્રતિનિધિઓ આવેલાં અને આ એ સમયનો ફોટો છે. કેવી અલૌકિક ક્ષણ હશે. એ માનવીઓ કેવાં મહાન વિચારો ધરાવનારા હશે!ફુલડું છે.
પછી અમે ફરી દરિયે ઉપડ્યા. આ વખતે અલગ જગ્યા એ ગયેલાં કદાચ. પણ યાદ નથી. ફોટા મસ્ત પડેલાં મારા સાવ સાદા મોટોરોલા ફોનમાં.
અહીં પથ્થરો વચ્ચે રમતાં કરચલા જોવાની મોજ પડેલી.રાણી અને દરિયો 😉એકદમ અંધારું થયું ત્યારે આ દૃશ્ય ખુબ ગમેલું.
બીજે દિવસે સવારે પછી એક તળાવ કાંઠે રખડવા ગયા અને પછી થાક્યા. તો બપોર નજીક ફરી બસ પકડવા શહેરમાં ગયા.
એ દિવસના રેન્ડમ ફોટો.ગાયે એક્ચ્યુલી ફૂટબોલને કિક મારેલી!આ ફોટો એકલો રહી ગયો હતો. એને ખોટું ન લાગી જાય એટલે પુંછડે લાગવું છું. 😉
તો આમ જાત્રા પૂરી થયેલી.
કોઈ કારણ વિના, કોઈ ટાઈમટેબલ વિના, કોઈ પ્લાન વિના એમ જ ફરવાની મજા જ અનોખી છે. ટ્રાય કરજો એકવાર.
ગોપાલ પટેલ નામનો એક કોલેજીયન. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર ! ગરીબ કાઠીયાવાડી ખેડૂતનો એકનો એક દીકરો. મધ્યમ વર્ગનો ભોળો છોકરો. જેને એન્જીનીયર નથી બનવું. પણ શું બનવું એ પણ ખબર નથી.
ભણવું ગમતું નથી,
નોકરી ગમતી નથી,
જીંદગી ગમતી નથી.
…અને ગોપાલ દુનિયાથી કંટાળીને જો નાગોબાવો બનવા જતો રહે તો?
પોતાની આત્મખોજ માટે નીકળેલા એક યુવાનની જીવનગાથા એટલે…’નોર્થપોલ’
“તું જ તારો ભાગ્ય વિધાતા છે. હું અને તારા બાપુજી માત્ર તારી યાત્રા ના પુરક છીએ, કારણ કે છેવટે તો તારી અમૂલ્ય જીંદગી નો ઘડવૈયો તું ખુદજ છે. તું જેવા મનુષ્યનું સર્જન કરવા માંગે છે તે માટે મંડી પડ, કારણ કે એજ આપણા સૌના જીવન નું અંતિમ ધ્યેય છે. અને હા દીકરા, એક વસ્તુ યાદ રાખજે; તું જે વિચારે છે એજ તું છે, એજ તું બનીશ, અને એજ અમારા સૌના જીવનની સાર્થકતા છે. અમે તો માત્ર માં-બાપ તરીકે તારા માટે પ્રેમ ના પુરક છીએ, માટે તારે અમારા સપનાઓ મુજબ નહિ પણ તારા સપનાઓ મુજબ જીવતર નું ઘડતર કરવાનું છે. બેટા…મારું મન તો કહે છે કે- તું જે બનીશ તેના થી જ અમે ખુશ થાશું.”
ગઈ કાલે મારા બા એ જયારે ફોન પર આ વાત કરી ત્યારે તેમના આ દીકરા ની આંખમાં માબાપ પ્રત્યેના અખૂટ પ્રેમ, ગર્વ ને જુસ્સા ભર્યું આંસુ સરી પડ્યું. તેમની લાગણીઓ ને મેં મારા શબ્દો માં મૂકી છે .મારા માબાપ એકેય ચોપડી નથી ભણ્યા, પરંતુ એમની ભલમનસાઈ, મોટાઈ, અને તેમના સંતાનોના જીવન પ્રત્યે નું અમુલ્ય ભણતર અમને આખા પરિવાર ને ઘણું શીખવે છે. તેઓએ ક્યારેય મારા પર પોતાના સ્વપ્ના ઓનો ભાર નાખ્યો કે નથી મને પોતાની ઈચ્છાઓ ની કોટડી માં ગોંધી રાખ્યો.
મારા બાપુજી ને વાંચતા- લખતા આવડે છે પણ પર બા ને તો હમણાં જ મેં સહી કરતા શીખવ્યું. પરંતુ ઈશ્વરે તેમને બંને ને પોતાનો આત્માનો અવાજ આપ્યો છે. મારી ચાર મોટી બહેન અને હું સૌ સાયન્સ ભણેલા ડોક્ટર- એન્જીનીયર છીએ. એમની મૂંગી મહાનતા ને અહી પોકારવા બેસું તો જીવન આખું ટુકું પડે. તેઓએ હર હંમેશ પાછળ થી હોંકારો આપ્યો છે અને અમને સૌને ત્રાડ પડતા શીખવ્યું છે. તેઓ અમારા જીવન રૂપી બગીચાના માળી પણ છે અને સંસ્કાર રૂપી ફૂલો ને સુગંધ આપનાર સર્જનહાર પણ..
આવું બધું લખવા માટે મન દોડી આવ્યું કારણ કે આજે જ બા કેહતા હતા; “તારું પસ્મિત (તેમને પ્લેસમેન્ટ બોલતા નથી આવડતું) થઇ જાય એટલે કેજે; મારું જીવંતિકા માનું વ્રત છે ને તારા બાપુજી ને બે ચાર માનતા પણ છે. તારા બાપુજીને તો આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે.”…હું તો કશું જ બોલી ના શક્યો. મારી બા આમેય મારા માટે લાખો પથ્થર પૂજ્યા છે. હું તો એજ ઇચ્છું છું કે તેમને જીવનભર પરમ પરમાત્મા ની જેમ પુજતો રહું. તેમણે મારી ભીની ગોદડી થી માંડી ને ભીની આંખ પણ લુંછી છે.
આમ તો કોઈ મુર્ખ જ તેના માબાપ વિશે લખવા બેસે, કારણ કે કેટલું લખવું? પણ હું તે મુર્ખામી કરવામાં ગર્વ અનુભવું છું. હું તો કહું છું કે જયારે એ દીવો ઓલવાય જાય ત્યારે તેમના ફોટા સામે બેસીને આંસુ પાડવા કરતા અત્યારે હૃદય થી ભેટી લેજો, તેમના પ્રેમ રૂપી દરિયામાં તમારા જીવન ની ખળ ખળ વેહતી નદી ને સમાવી દેજો. તેમની જીવન ભર ની માનતાઓ નો ભગવાન જવાબ આપે કે ના આપે, પણ દીકરા તરીકે આપણે તો તેમની ઈચ્છાઓ ને સાકાર કરવી જ રહી. મને તો તેમાં જીંદગી ની સાર્થકતા દેખાય છે…તમારું શું કેહવું છે?