
ખુબ બધા ફોટો છે એટલે લાંબી વાતો નથી લખવી. બે દિવસથી રજા હતી એટલે હું ગોકાર્ણા ગયેલો. ત્યાં હતો ત્યારે ઓફીસથી ફોન આવ્યો કે હજુ સોમવારે રજા છે. એટલે આ રખડું જીવને મજા આવી ગઈ. ગોકાર્ણાથી નામ યાદ નથી એવા બે-ત્રણ ગામડાની બસ બદલીને હું પૂછતો-પૂછતો હમ્પી ની બસમાં ચડી ગયો. સવારમાં સાથે લીધેલી આ બૂક વાંચી. હજૂ પૂરી નથી થઇ. થશે મહિનાઓ પછી…

હમ્પી પહોંચ્યો ત્યારે સાંજના આઠ વાગી ગયા હતા. એક લોકલ દૂકાન પર મારું પ્રિય ભોજન દબાવી લીધું.

આમ તો મારી કોઈ પણ ટ્રીપ પ્લાન કરેલી હોતી નથી. ઈશ્વર દોડાવે એમ દોડવાનું. આખો દિવસ બસની સફર કરેલી હતી અને થાક લાગેલો. એટલે થયું કે કોઈ સારી જગ્યાએ જઈને નાહી લઉં. એક લોકલ માણસને પૂછ્યું તો મને કહે બે કલાક માટે રૂમ ભાડા પર લઈલો. એ મને ગલીઓમાં લેતો ગયો. ૨૦૦ રૂપિયામાં બે કલાક આરામ કર્યો! આ રહી રૂમ…

હમ્પી અદભૂત શહેર છે. વર્ષો જૂના મંદિર ઉભા છે. રાત્રે દસ વાગ્યે હું સમાન લઈને બહાર નીકળ્યો. ઈચ્છા હતી કે કોઈ પથ્થરો વચ્ચે સુમસાન જગ્યાએ મારી શાલ ઓઢીને સુઈ જઈશ. તારાઓ ભર્યું આકાશ જોયા કરીશ. પરંતુ હજુ બહાર ફરતો હતો ત્યાં આ મસ્ત મંદિર નજરે પડ્યું. ગૂગલ કર્યું તો ખબર પડ્યું કે હમ્પીનું સૌથી જાણીતું મંદિર છે. – વિરુપક્ષ મંદિર

મંદિરની અંદર છેલ્લી એક આરતી બાકી હતી. ખૂબ ઓછા માણસો હતા. આરતીમાં રોજે આ હાથીને ભગવાનને પગે લગાવવા લાવવામાં આવે છે. વર્ષોથી.

માનવીની જાત! મહાકાયને પણ એક પથ્થર સામે ઝૂકાવે નહી તો શું જોઈએ! આ પ્રાણી એ સમયે શું વિચારતું હશે એતો પથ્થર જાણે. અથવા પથ્થર અંદરના મારા નાથ…

…મંદિર બહાર ઘણા પરિવાર ચાદરો નાખીને જમતા હતા, અમુક સુતા હતા. મેં કોઈને પૂછ્યું તો કહે મંદિરમાં રાત્રે સુવા દે છે. બહારના મુસાફરોને અહિયાં સુવાથી દુઃખો દૂર રહે છે! એટલે મેં પણ બેગ મૂકીને ત્યાં જ સુઈ જવાનું નક્કી કર્યું. દૂખ દૂર થયા.

બીજે દિવસે સવારમાં વહેલા ઉઠીને નાસ્તો કર્યો. લોકલ માણસોને પૂછ્યું તો કહે કે આખું હમ્પી સરખી રીતે જોવું હોય તો બાઈક કે ઓટો ભાડે મળશે. અથવા સાઈકલ લઈને જાતે જોઈ શકો.

સાયકલ તો મનગમતું વાહન. ૮૦ રૂપિયામાં મેં આખા દિવસ માટે આ સાયકલ ભાડે લીધી. બસ…પછી ગૂગલના સહારે આ અનોખા-અદભૂત શહેરની સફર ચાલુ કરી.

રાજા કૃષ્ણદેવરાયનું આ શહેર હતું, નામ હતું- વિજય નગર. શહેર એ સમયનું સૌથી સુંદર શહેરો માનું એક હતું. પાટનગર હતું. તુંગભદ્રા નદીને બંને કિનારે આ શહેર ઉભું છે. હજારો વર્ષ જુનો ઈતિહાસ લઈને…

આ શહેરમાં એટલા મંદિર છે કે તમારે આખું હમ્પી સરખી રીતે પામવું હોય તો આઠ દિવસ પણ ઓછા પડે. એક દિવસમાં તો માત્ર ઉપરથી પરિચય થાય. હું સાઈકલ લઈને અલગ-અલગ જગ્યાઓ જોતો ગયો. કોઈ ઉતાવળ ન હતી.

વિજયનગરમાં આ મંદિરો તપ માટે બનાવવામાં આવેલા. હું અંદર જઈને ઘણા સમય સુધી બેઠો.

આ બધા ચામાચિડિયાની કેટલીયે પેઢીઓ અહીં જીવી ચુકી હશે!

આ જગ્યાઓ પર ભૂતકાળમાં કેટલાયે માણસો આવ્યા હશે.

આ પથ્થરોને એ હજારો માણસોએ સ્પર્શ કર્યો હશે. વિચારો કર્યા હશે. આ સ્થળોના નામ એટલે નથી લખતો કારણકે એમના નામ કરતા અસ્તિત્વ મહત્વના છે. એમને જોઇને હજારો વર્ષની એમની જીવની અનુભવી શકાય છે.

આ છે હાથી-શાળા. આ સામે દેખાતા દરેક ખાના અંદર હાથીઓને બાંધવામાં આવતા હતા. આ હાથીઓ વિજયનગર રાજ્યના ખજાના જેવા હતા. યુધ્ધો અને મોટા પથ્થરોને ઊંચકવામાં વાપરવામાં આવતા.

હથીશાળાની પાછળ એક બીમાર પોપટભાઈ બેઠા હતા.

એમને ત્યાંના સિક્યોરીટી વાળા ભાઈની મદદથી એક જગ્યાએ બેસાડીને પાણી પાયું. તો તાકાત આવી અને ઉડી ગયા. 🙂
આ પોપટને પાણી દઈ રહ્યા હતા એ સમયે એક દસેક વર્ષનો છોકરો મારી પાસે આવ્યો. મને કહે મારી પાસે પણ સાઈકલ છે. તમને રૂટ ગાઈડ કરાવીશ. ૨૦૦ રૂપિયામાં.
આમેય હમ્પીમાં ઇન્ટરનેટના ઈશ્યુને લીધે ગૂગલદેવ બંધ થઇ જતા હતા. એ નાનકડો બાળક મારા ગાઈડ તરીકે મને કેટ-કેટલીયે જગ્યાએ લઇ ગયો.
તેનું નામ હતું: નવાઝ. એના મમ્મી-પપ્પા પથ્થરો તોડવાનું કામ કરતા હતા. નવાઝને સ્કૂલમાં વેકેશન હતું એટલે એકલા એકલા ઘૂમતા ફોરેઇન ટુરિસ્ટને રૂટ બતાવતો. તેને પણ હમ્પીનું બીજું જ્ઞાન ન હતું. પણ….માણસ એટલે જીવનભર યાદ રહેશે એવો. પ્યોર હૃદયનું બાળક. ખુલ્લા ચપ્પલ વગરના પગ અને શર્ટ-ચડ્ડી. અમે સાથે સાયકલ ચલાવીને ખૂબ ફર્યા. બપોરે સાથે જમ્યા. અહીં અમુક ફોટો છે.

નિઝામ અને એની દોસ્તની સાઈકલ જે લઈને મને એ ગાઈડ કરી રહ્યો હતો!

નિઝામ કહેતો હતો કે આ પથ્થરોને કુષ્ણદેવ રાયે જાદૂગરો બોલાવીને ઉપર ચડાવ્યા હતા. આંખુ હમ્પી જાદૂગરોને લીધે જ બન્યું હતું! – નિઝામની આવી વાર્તાઓ સાંભળવાની મજા જ અલગ હતી.

૧૫૬૫ની આસપાસ આ શહેર પર ચડાઈ થયેલી, અને દરેક મૂર્તિ-મંદિરને ખુબ નુકસાન થયેલું.

નિઝામની તાકાત ખુબ હતી. પરંતુ હું સાઈકલ ચલાવવામાં થાકી જતો હતો. ઉંમર 😉
અહીં નીચે અલગ-અલગ સાઈટ્સના ફોટો મુકેલ છે. નજીકથી જોઈએ ત્યારે ભવ્ય ભૂતકાળ લઈને બેઠેલા આ મહાન શિલ્પો ખુબ બધી વાર્તાઓ લઈને બેઠેલા દેખાય. એમણે જોયેલા ટાઢ-તડકા કે વરસાદ કેવા-કેવા હશે.
કરોડો વર્ષો પહેલા જ્વાળામુખીના લાવા માંથી હમ્પીના પથ્થરો જન્મેલા એવું ઇન્ટરનેટ કહે છે. એ પથ્થરો કરોડો વર્ષ સુધી ઠર્યા. જ્યારે માણસોને હાથ લાગ્યા ત્યારે એમને કોતરીને આકાર આપ્યા. મંદિરો બન્યા. મહેલો બન્યા. છતાયે હજુ હજારો-લાખો પથ્થરો જન્મથી લઈને વર્તમાન સુધી સ્થિર પડ્યા છે. અમુક એટલા મહાકાય છે કે માનવજાત તેની નજીક પણ નથી ગઈ.

આ કારીગરોના ઝનૂન-એકાગ્રતા કેવા હશે!

આ વૃક્ષ ૧૦૫૦ વર્ષ જુનું છે. હજુ એ ફૂલો ખીલે છે.

આ રાણીનો સ્વિમિંગ-પૂલ હતો.

રાજ-દરબાર અહીં ભરાતો.

આ સૈનિકોની છાવણીઓ હતી.

હું અને નિઝામ મેંગો-ટ્રી નામની એક હોટેલમાં જમવા ગયા. ત્યાં આ મસ્ત-મજાનું ક્વોટ હતું.

જમીને સાંજ નજીક અમે એક ઉંચી પહાડી પર સુર્યાસ્ત જોવા જવાના હતા. આ રસ્તો ત્યાં લઇ જતો હતો. પેલો દૂર દેખાતો નંદી એક જ પથ્થર માંથી કોતરવામાં આવેલ છે.

નંદી…

મને એ પહાડીનું નામ ભુલાઈ ગયું છે. નિઝામ કહેતો હતો કે એ બાળપણથી જ ઘણીવાર એ પહાડી પર ગયો છે. ત્યાં સુરજ દાદા સાંજ નજીક હમ્પીમાં સમાઈ જાય છે!

પહાડીના માર્ગમાં આવતા ખુદ પહાડ જેવા પથ્થરો…

ખુબ જ ભયાનક અને ડર લાગે એવી આ ટોચ છે. અહીં પેલા દેખાતા પગથીયાઓ પાર થઇ જઈએ એટલે પહાડી પર પહોંચી જાઓ. ગભરાહટ અને રોમાંચનો અદભૂત સંગમ થાય એવી ચેલેન્જ હતી! અહિયાં ખૂબ ઓછા ટુરિસ્ટ આવતા હતા.

સુકાઈ ગયેલી તુંગભદ્રા નદી…

પહાડીની ટોચ પર…

આ ટોચ પર અમે નવ લોકો હતા! હું અને નિઝામ. અને બાકી બધા વિદેશથી આવેલા સાહસિક યુવાનો. અમે બધા જ સુર્યાસ્તની રાહ જોઈ રહ્યા હતા. એકબીજાના દેશની વાતો કરી રહ્યા હતા. બધા જ એકલા કે કપલમાં ફરવા નીકળેલા હતા અને રસ્તામાં મળતા-મળતા લોકો સાથે દોસ્તી કરતા અહીં રખડી રહ્યા હતા. એમના વિચારો-સપનાઓ માણવા જેવા હતા. ત્રણ જાપાનથી, ત્રણ ફ્રાંસથી, બે રશિયાથી આવેલા…

ક્ષણ આવી રહી હતી!

સુરજને રોકનારા વાદળ બનવું છે… મારે… 🙂

ના… વાદળ પણ ન રોકી શકે એ સુરજ બનવું છે મારે…

ના. બનવું છે મારે રોશની. 🙂 જે સુરજની હોય…અને વાદળની પણ…

સૂરજ ઢળી રહ્યો હતો ત્યારે આ રશિયન કપલ એક વાજિંત્ર વગાડી રહ્યું હતું. સંગીત અને સંધ્યા …શબ્દોની મોહતાજ ન હતા.

અંધારામાં નીચે ઉતારવામાં ડર લાગે એવું હોવાથી અમે સુરજ ડૂબ્યો એવા જ નીચે ઉતારવા લાગ્યા. પરંતુ પેલું રશિયન કપલ હજુ પણ ત્યાં બેઠું-બેઠું સંગીત વગાડી રહ્યું હતું. સાંજને આંખોમાં ભરી રહ્યું હતું. મોડી રાત્રે મેં બાજુના હોસ્પેટ શહેર માંથી બેંગ્લોરની બસ પકડી લીધી. સવારે ઘરે પહોંચી ગયો. નિઝામને ચપ્પલ ખરીદી આપી. હું જતો હતો ત્યારે નિઝામ મારી પાસે આવીને કહે કે : “મેં રોઝ બીના ચપ્પલ કે ઘર સે નીકલતા હું. ગાઈડ કા કામ કરતા હું. કીસીને મેરે ચપ્પલકી ટેન્શન નહી લી થી. આપને ક્યો મેરે ખુલ્લે પેર કે બારે મેં સોચા?” હું હસી પડ્યો. મને પણ જવાબ ખબર ન હતી. 🙂