A love letter to my best અદૃશ્ય friend!

જો હું મરણ-પથારીએ હોઉં. બોલી શકવાની તાકાત હોય. આસપાસ મારા પરિવારના બધા જ વહાલાં માણસો હોય. મારી સાથે લોહીથી જોડાયેલાં બધાં જ મારા પલંગ ફરતે ઉભા હોય અને છેલ્લે પૂછવામાં આવે કે – “તારે એવું કોઈ માણસ ખરું કે જેને મળવાનું મન હોય?”

…તો એવાં સમયે પહેલું નામ એક જ આવે – “તેજસભાઈને જોવાં છે.”

યસ…એક એવો જીગરજાન યાર જેને મેં આઠ વર્ષની દોસ્તીમાં હજુ સુધી ક્યારેય જોયો નથી! અમે રૂબરૂ મળ્યાં જ નથી. માત્ર ફોન પર સેંકડો કલાકો સુધી વાતો કરી છે. મેં માત્ર એને ઈમેજીન કરેલો છે જે તેજસભાઈ, મારી જીગરી, મારો ભેરું કેવો દેખાતો હશે.

અમારી વાર્તા માંડીને કરું.

તેજસ દવે નામ છે એનું. વર્ષ 2014 હશે. મને વોટ્સએપમાં મારી નવલકથા ‘વિશ્વમાનવ’ વિષે એક રીવ્યું આવ્યો. એ રીવ્યુંના શબ્દો વાંચીને થયું કે કૃતિને આટલી ઊંડી સમજી શકનારું આ કોણ હશે? અમે વોટ્સએપ પર વાત ચાલુ કરી. મેં ફોન કર્યો. એક કલાક વાત ચાલી.

બે દિવસ ગયા. મેં ફરી ફોન કર્યો. ફરી અમે મારા પાત્રોના જીવન અને એમનાં મનોવિજ્ઞાન વિષે કલાકો વાતો કરી. હું જે શબ્દોમાં કહી નહોતો શક્યો એ બધું જ એ માણસ સમજી શકતો હતો. કોઈ અજીબ જાદુ હતો એમનાં અવાજમાં. એમની સમજણમાં ગજબ ઊંડાણ હતું. એમનાં વર્લ્ડવ્યુંમાં જાણે એટલું બધું ભર્યું હતું કે એ બીજીવાર કરેલો ફોન મુક્યો અને ખબર પડી ગઈ કે – આ માણસ જીંદગીભર ભેગો રહેશે.

ફરી ફોન કર્યો ત્યારે મેં પૂછ્યું – “દોસ્ત…તમે છો કોણ? તમારા નામ સિવાય કશુંક કહેશો?”

તો એ કહે – “તું મને શોધીશ ઇન્ટરનેટ પર શોધીશ તો નહીં મળું. એકવીસમી સદીમાં પણ મારો ફોટો ક્યાંય નહીં દેખાય. હું બસ તારો એક એવો દોસ્ત છું જે માત્ર અવાજોથી જોડાયેલો રહેશે. હું અને તું લગભગ ક્યારેય મળશું નહીં. હું તારી બાજુમાંથી ઘણીવાર નીકળ્યો છું, પણ હું તને ક્યારેય ઉભો રાખીને કહીશ નહીં કે હું તેજસ છું. તું કેટલીયે વાર મને અમદાવાદમાં દેખાયો છે. મેં તને જોયો છે. છતાં, તું મને ક્યારેય જોઇશ નહીં.”

એ સમયે તો એ વાત સાંભળીને હસવું આવેલું. એમનાં કામ વિશે પૂછ્યું તો ખબર પડી કે ‘ઈસરો’માં સાયન્ટીસ્ટ છે! એક વૈજ્ઞાનિક! અમેરિકાની MIT (મેસેચ્યુસેટ) જોડે કામ કરેલું છે! ઈસરોના મિશનોમાં અગ્રેસર કામ કરનારો માણસ. મારા કરતાં ઉંમરમાં સાત-આઠ વર્ષ મોટો. જ્ઞાન કે વાંચનમાં સીતેર-એંશી વર્ષ મોટો. જીંદગીને જીવવાની એની રીત એવી કે એના વિચારોમાં એ મારા કરતાં (અને જગત કરતાં) જાણે સાતસો-આઠસો વર્ષ મોટો!

અમારી વાતો ફોન પર ચાલ્યા કરી. આઠ-દસ દિવસ થાય અને અમે બંનેમાંથી કોઈ એક કોલ કરી જ દે. ફોનમાં ‘Reader Tejas Dave Isro’ લખેલું આવે અને ચહેરાં પર ગજબ ખુશી થાય. રાત્રે બાર વાગ્યે ફોન આવ્યો હોય તો અઢી-ત્રણ વાગ્યે ફોન મૂકીએ. એમનાં ચહેરાંને હું ઈમેજીન કરું. એમનું ઘર કે નોકરી કેવાં હશે એ હું ઈમેજીન કરું. અમારી વાતોનો સ્પેક્ટ્રમ એવો વિશાળ કે ક્યારેક મારી બા વિષે શરુ થયેલી વાતો યુનિવર્સની વિશાળતાને સમજતા-સમજતાં પૂરી થાય. અમારી વાતોમાં ધીમે-ધીમે આવ્યાં : સાયન્સ. સ્પેસ. યુનિવર્સ. પરિવાર. સાહિત્ય. સિનેમા. વિચારકો. વાચનયાત્રા. મારાં રખડવાના અનુભવો. અમારા જીંદગી જીવવા ઝનૂન. મારા સપનાઓ. મારી ફરિયાદો.  

ધીમે-ધીમે બે ત્રણ વર્ષની અમારી એ દોસ્તી પછી ખબર પડી કે – મારા આ જીગરી યારને ક્યારેય જીવનની કોઈ જ ફરિયાદ નથી! એણે ક્યારેય મારી પાસે કોઈ તકલીફ શેર નથી કરી! (આજે અમારી દોસ્તના સાત વર્ષને અંતે પણ હજુ સુધી મેં ક્યારેય તેજસભાઈ તરફથી કોઈ જીવન પ્રત્યે કોઈ ફરિયાદ સાંભળી નથી). એવું માણસ જેણે પરિવારને પૂર્ણપ્રેમ કર્યો છે. એણે લવમેરેજ કરેલાં. પતિ-પત્ની લગ્નના વર્ષો પછી પણ ઘણીવાર આખી રાતો જાગીને એકબીજા સાથે વાતો કરતાં હોય એવો સહજ પ્રેમ. એમને વાતોવાતોમાં સવાર પડી જાય ત્યારે ખબર પડે કે સવાર થઇ ગઈ! એ માણસે પરિવારને એટલો પ્રેમ કર્યો છે કે મેં ૨૦૨૧માં એમની દીકરી અને દીકરા સાથે વાતો કરેલી ત્યારે એ છોકરાઓના વિચારો જોઇને ખબર પડી કે આ માબાપ તો આખો પેરન્ટીન્ગનો માસ્ટરક્લાસ છે.

આ Invisible દોસ્ત સાથે દોસ્તીના ચાર-પાંચ વર્ષ થયા અને અમે એકબીજાને ઘણાં સમજી ગયા. ઘણીવાર રાત્રે ફોન આવે અને હું ફોન લઈને હસતો ઉભો થાઉં એટલે કલ્પિતાને ખબર પડી જાય કે તેજસભાઈનો ફોન આવ્યો હશે. કલ્પિતા કહે – “સવાર થાય ત્યાં સુધીમાં પાછો આવી જઈશ?”

…અને થાય પણ એવું! મોડે સુધી વાતો કરતાં કરતાં એટલું બધું શીખવા મળ્યું હોય કે રાત્રે સુવા જાઉં તો ચહેરાં પર જાણે અજીબ નિરાંત અને ખુશી હોય. મારો દોસ્ત. મારો ગુરુ. મારો પિતાતુલ્ય ભેરું. એ વ્યક્તિ જેણે મને ‘પ્રેમ શું છે’ એ વિષે એક શબ્દ પણ કહ્યો નથી છતાં, એનાં જીવન-કવનને જોઇને પ્રેમતત્વને મેં પામ્યું. એણે ‘મને બાળક કેમ ઉછેરવું’ એ વિષે ક્યારેય કશું કહ્યું નથી છતાં મને ખબર છે કે મારે સંતાન થશે ત્યારે એને કેમ ઉછેરીશ. એ માણસ મારા ડીપ્રેશનની દવા હતો.

‘ધ રામબાઈ’ નવલકથા પૂરી થયેલી અને લોન્ચ થઇ રહી હતી ત્યારે હું ડીપ્રેશનમાં હતો. મને ખબર ન હતી કે મારું એ પુસ્તક દુનિયાને ગમશે. દિમાગ પર ડીપ્રેશન હતું. એ રાત્રે મેં તેજસ દવેને ફોન કર્યો. મને કહે –

“તું અગાશી પર જા.” હું અગાશી પર ગયો. અંધારામાં ઉભો રહ્યો.

“હવે તું ઉપર જો” એમણે કહ્યું. મેં ઉપર જોયું. તારલાઓ ભરેલું આકાશ તગતગી રહ્યું હતું.

“એ આકાશ સામું થોડીવાર જોઇ લે” એમણે કહ્યું. મેં પાંચ મિનીટ સુધી એ આકાશ તરફ જોયું. પછી ધીમેથી તેજસભાઈ એટલું બોલ્યા કે –

“ભાઈ…તું એ અનંત આભ છે. તું બ્રમ્હાંડ છે. તારે ઉભું નથી રહેવાનું. તું સતત વિસ્તરતી જાત છે. તારે સરહદ સીમાડાં નથી મારા દોસ્ત. તું એક કહાની કહીને એનાં પરફોર્મન્સને જોવાં ઉભો રહીશ? તું ઉભો રહીશ? તારે તો ચમકવાનું છે. તારે ચાંદાની જેમ ઉધાર રોશની નહીં મળે પડે. તું તારી ભ્રમણકક્ષા બદલી નાખ. તારી ખુદનું ગુરુત્વ બળ વાપરીને જતો રહે નવી ભ્રમણકક્ષામાં. તારે આવનારી કહાની માટે વિસ્તારવાનું છે મારા આકાશ! તારે જૂનાને જોઇને બેસવાનું નથી.”

બસ…એ શબ્દો આવ્યાં અને અમારી અનુભૂતિઓ જોડાઈ ગઈ. તેજસ દવે મારી ભ્રમણકક્ષા બદલી શકનારો દોસ્ત.

*

તેજસભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે પૂર્ણ રીતે ક્ષણને જીવી શકનારો રેર માણસ છે. એને ભવિષ્યની કોઈ ઉપાધી નથી. ભૂતકાળનો કોઈ રંજ નથી. એ વર્તમાનમાં જીવતો એક અંત:જાગૃત માણસ છે. અમારી વાતો ક્યારેય એવી ઉંચાઈ પર જતી રહે જ્યાં અંતિમ શિખર “મૌન” હોય. અમે ચૂપ થઇ જઈએ. આ લખું છું ત્યારે એક મજાની વાત યાદ આવે છે. તે દિવસે તેજસભાઈ ફોન પર કહેતાં હતાં :

“હું ઘણીવાર ફૂટપાઠ પર ચાલતો હોઉં, અને તરત જ ઉભો રહી જાઉં. હું અનુભૂતિ કરી શકું કે ‘ક્ષણ’ મારી અંદરથી પસાર થઇ રહી છે. હું જાગૃત હોઉં. મારી અંદરથી એક બીજો માણસ બહાર નીકળે જે મારી જીંદગીને એ રીતે નિહાળી શકે છે કે ઘણીવાર હું ઉભો રહું. મારી સંવેદનાઓ એટલી જાગૃત હોય કે હું મારા શરીરના રોમરોમમાં જોઈ શકતો હોય અને બહારના આખા યુનિવર્સને જોઈ શકતો હોય. એ સમયે હું એક વર્તમાનની ક્ષણને બાજુમાંથી પસાર થવા દઉં. હું એ ક્ષણને જીવતો નથી. હું એની બાજુમાંથી નીકળું છું. એ મારી બાજુમાંથી નીકળે છે. હું એની સામે હસું છું. મારું અસ્તિત્વ અને એ ક્ષણ એક જ છે, છતાં ક્યારેય મારી અંદરનો બીજો માણસ બધું જ થંભાવીને આખા અસ્તિત્વથી અલગ થઈને એને સાક્ષીભાવે જુએ છે. હસે છે. ક્ષણને પંપાળે છે. એને પકડીને મારી અંદર જોડી દે છે. હું ફરી ચાલવા લાગુ છું. ફરી વર્તમાનને જીવતો થઇ જાઉં છું. ચાલતાં- ચાલતાં હસી પડું છું.”

અમારી બંનેની અસ્તિત્વને સમજવાની ખોજ અને અનુભૂતિઓ ઘણીવાર એવી હોય કે કોઈ નજીકના માણસનું મૃત્યુ થયું હોય તો અમારી અંદરથી પસાર થતી દુઃખની ક્ષણને પણ સાક્ષીભાવે જોઈ શકીએ. દુઃખના અસ્તિત્વને ભેંટી શકીએ.

મેં અને તેજસભાઈએ દોસ્તીના સાતેક વર્ષ પછી એવી કેટલીયે વિચારધારાઓ પર શોધખોળ કરી હશે કે જેમાં વિશ્વના કેટલાંયે મૂલ્યવાન કોન્સેપ્ટ અમારે માટે નકામાં છે! હા…અમે એવાં ભેરું છીએ જેને માટે સફળતાની વ્યાખ્યાઓ ખૂબ અલગ છે. અમે બંનેને પ્રસિદ્ધિઓ નથી જોઈતી. એટલું કમાઈએ છીએ કે વધું પૈસો નથી જોઈતો. એટલું અનુભવ્યું છે કે આનંદ માટે અમારે બહારની લાંબી જાત્રાઓની જરૂર નથી. એટલું મીઠું જીવતાં શીખ્યા છીએ કે ટાગોરની કવિતાની અંદર આવતી ‘સ્વતંત્રતા’ અમારી અંદર ક્ષણેક્ષણ જીવ્યા કરે છે. અને ક્યારેય જો પાટા પરથી ગાડી ઉતરી જાય ત્યારે મારી પાસે તેજસ દવે એક ફોનકોલ જેટલા જ દૂર છે. હું હેઠો પડું ત્યારે કાંડું પકડીને બચાવી લેનારો અદૃશ્ય દોસ્ત છે.  

*

‘વર્તમાન’માં જીવવાની અમારી વાતોવાતોમાં અમે એકદિવસ કોઈ અજીબ ડિસ્કશન પર પહોંચ્યા હતાં. હ્યુમન માઈન્ડ, ઇન્ટલએકચ્યુઅલ બીયિંગ, એલિયન્સ, ટાઈમ, કોસમોસની વાતો ચાલતી હતી. અમે એક કોન્સેપ્ટ પર આવ્યાં કે –

“આપણે ક્યાંથી આવ્યાં એ આપણને ખબર નથી. આપણે મૃત્યુ પછી ક્યાં જવાના એ ખબર નથી. આપણે માની કોખેથી બહાર નીકળીને પહેલીવાર શ્વાસ લીધો ત્યાંથી લઈને છેલ્લાં શ્વાસ સુધી જ ‘આપણે’ છીએ. એમાં પણ ભૂતકાળ જતો રહ્યો છે. ભવિષ્યની ખબર નથી. માત્ર વર્તમાન છે! આ ‘જીવની ક્ષણ’ જ માત્ર અત્યારે ચાલી રહી છે. આ ક્ષણ જ સત્ય છે. આ ક્ષણે આપણે જે કશું પણ છીએ એ ‘થોડી જ ક્ષણો પહેલાં’ આપણે કરેલી ‘માઈક્રો ચોઈસીસ’નો સરવાળો છે. આપણે જો Aware હોઈએ તો આપણને ખબર હોય છે કે આપણે અત્યારે આપણે જે કશું પણ કરી રહ્યા છીએ એ દરેક કર્મની ગતી શું હશે. આપણે સંપૂર્ણપણે ચૈતન્યથી અને ચેતાતંત્રથી જાગૃત હોઈએ તો આપણે અનુભવી શકીશું કે વર્તમાનની દરેક ચોઈસ, દરેક ક્રિયા, દરેક વિચારની પાછળ હજુ જસ્ટ અમુક સેકન્ડ પહેલાં શું ચોઈસ કરી, શું ક્રિયા કરી, કેવો વિચાર કર્યો એ બધું જ નક્કી કરે છે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. આખું કોસમોસ માત્ર એનાં વર્તમાનની પહેલાંની અમુક ક્ષણોની ચોઈસનો સરવાળો છે. આ વર્તમાનની ક્ષણ એટલે t = 0. વર્તમાનની દરેક ક્રિયાનું મૂળત: કર્મ એટલે t માં જીવાયેલું જીવન. ( ).

(આ પોસ્ટમાં જે ફોટો છે એમાં ઉપર કહ્યું એ દોર્યું છે. પ્લસ મેં તેજસભાઈને દોર્યા છે)

*

તેજસભાઈ સાથે આટલાં વર્ષ પછી હજુ મેં જોયાં નથી. મારે હવે જોવાં નથી. કારણ એ છે કે મારા ઈમેજીનેશનમાં તેજસ દવે છે, અને એ વ્યક્તિ એટલો રીયલ છે કે રીયલ માણસને જોવાનું હવે મન નથી. મારા ઈમેજીશનનો તેજસ દવે પાતળો છે. વાળમાં એક તરફ પાથી પાડે છે. શર્ટીંગ કરે છે. પરિવાર સાથે ધાબા ઉપર બેઠાબેઠા રોજે રાત્રે આકાશને જુએ છે. પોતાના બાળકોને સેંકડો વાર્તાઓ કહે છે. પોતાની પત્નીને ચિક્કાર પ્રેમ કરે છે. પોતાના માબાપને જીવથી વધું વ્હાલ કરે છે. એ લાખોપતિ માણસ છે. એનાં મકાનની આકાશી પર સ્વિમિંગ પુલ છે. છતાં એને એ ભૌતિક સુખનું તસુભાર પણ અભિમાન નથી. એ યુનિવર્સનું બાળ છે. એ આ દેશના મહત્વના મિશનોમાં ક્યાંકને ક્યાંક પાયામાં છે. એ જ્યાં પણ  છે એ વર્તમાનમાં જીવી રહ્યો છે. આનંદ એનો સ્વભાવ છે. એ પોતે ઉત્સવ છે.    

*

મારા લગ્નમાં ઘોડીએ ચડતો હતો ત્યારે મારા બધા જીગરી યારો મારી આસપાસ હતાં. તેજસ દવે ન હતો. મને ભારે યાદ આવેલો. એને જોવા મેં આકાશ તરફ જોયું. એ મારી સાથે જ હતો.