A small story of Pradeep…

પ્રદીપ નામ છે એનું.દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન.


પ્રદીપ.રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)


આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.


આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.


હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”


વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે.


ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.


વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.


…પણ એ ભાઈ…આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.


વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!
હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)


એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.
લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.


આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.


…પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ…મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”


આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.


જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.


હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”
***

આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?
વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

જાપાનનો રાજા- કરચલો- માણસ- અને કુદરત!

આ વાત છે આપણી ધરતીના સંગીતની!
કેવો વિચિત્ર શબ્દ છે – ‘ધરતીનું સંગીત!’

ઇ.સ. 1185.
જાપાન.
એ સદીમાં સાત વર્ષનો એક છોકરો જાપાનનો રાજા હતો. તેનું નામ “અન્તોકું”
તેના રાજ્યનું (ટાપુનું) નામ “હાઈકે”.
અન્તોકું હતો સાત વર્ષનો પરંતુ તેના યોદ્ધા જેવા ચહેરા અને ખભા સુધીના લાંબા વાળ હતા. પોતાની બાહોશ માતાની સલાહ લઈને એ આખું ‘હાઈકે’ ટાપુ સંભાળતો હતો. જેમ બાકીની ધરતી પર લડવૈયાઓ હોય છે એમ જાપાનની સંસ્કૃતિમાં લડવૈયાઓને ‘સમુરાઈ’ કહેવામાં આવે છે.

એકવાર ‘હાઈકે’ ટાપુ પર બીજા એક રાજ્ય ‘ગેંજી’ના સમુરાઈનું ટોળું ચડાઈ માટે આવ્યું. દરિયા વચ્ચે જ ‘હાઈકે’ અને ‘ગેંજી’ના સમુરાઈઓના વહાણો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. આ નાનકડો રાજા અન્તોકું અને તેના ટાપુ પર રહેતા દરેક સ્ત્રી-પુરુષ આ લડાઈમાં ચડ્યા. પરંતુ દુશ્મનોના સમુરાઈ ખુબ જ શક્તિશાળી હતા, અને થોડી જ વારમાં દરિયાની વચ્ચો-વચ્ચ હાઈકેના સમુરાઈઓ વધેરાવા લાગ્યા. એક પછી એક પુરુષ દુશ્મન તીર-ભાલાઓનો શિકાર બન્યો.

આ નાનકડો રાજા અન્તોકું ગભરાઈ ગયો. પોતાની માતાની સાથે એ પણ યુદ્ધમાં લડતો હતો, પરંતુ તેના ટાપુના બધાજ સમુરાઈને દુશ્મનોને દરિયામાં ફેંકી દીધા હતા, અને જેટલા વધ્યા હતા એ બધા જ દુશ્મનના હાથે મરવાને બદલે જાતે જ દરિયામાં ભૂસકો લગાવીને મરી રહ્યા હતા.

જ્યારે ‘હાઈકે’ના જહાજ પર માત્ર સ્ત્રીઓ અને નાનકડો રાજા જ વધ્યા હતા ત્યારે એક અભૂતપૂર્વ ઘટના બની. રાજાની બાહોશ માતા પોતાના દીકરાને જહાજના લંગર પાસે લઇ જઈ. જહાજના કાંઠે ઉભા રહીને તેણે પોતાના ભગવાનને યાદ કર્યા. ડરી ગયેલા દીકરાએ સામે દુશ્મન સમુરાઈઓને જહાજ અંદર આવતા જોઇને બાજુમાં ઉભેલી માને પૂછ્યું:
“મા…હવે શું કરીશું? આપણું રાજ્ય આપણે ખોઈ બેઠા છીએ.”
એની માતાએ પોતાની આંખો ખોલી. જહાજની ધાર પર દીકરાને લઇ જઈને નીચે દેખાતા અફાટ દરિયા સામે આંગળી ચીંધી.
“ના મારા દીકરા. આપણું રાજ્ય આપણે ગુમાવ્યું નથી. આપણું રાજ્ય ત્યાં છે. દરિયાના પેટાળમાં. આપણે ત્યાં જઈશું અને રાજ્યને સાંભળીશું.”

બસ…એટલું કહીને એ માતાએ પોતાના દીકરા સાથે દરિયામાં કૂદકો મારી દીધો. બંને દરિયામાં ડૂબી ગયા. પાછળ આખું હાઈકે રાજ્ય તારાજ કરવામાં આવ્યું. રાજ્યની પાછળ વધેલી સ્ત્રીઓને યુદ્ધની જગ્યાથી થોડે દૂર કિનારા પર ગુલામ તરીકે બેસાડીને માંછીમારોને ફળ-ફૂલ વેચવાના કામ દેવામાં આવ્યા.

આ ‘હાઈકે’ નું નામ ઈતિહાસમાંથી હંમેશ માટે નીકળી ગયું.

પરંતુ સાચી વાર્તા હવે શરુ થાય છે!

આ દરિયાકિનારે માછીમારો પોતાના ખોરાક માટે કરચલા પકડતા. અમુક વર્ષ પછી આ ગુલામ સ્ત્રીઓમાંથી કોઈએ જોયું કે અમુક કરચલાઓના શરીર પર જે લીટીઓ હોય છે એને ધ્યાનથી જુઓ તો એ ‘હાઈકે’ ના નાનકડા રાજા ‘અન્તોકું’ના ચહેરા જેવી જ દેખાતી હતી! આ સ્ત્રીઓએ વિચાર્યું કે કદાચ દરિયાના પેટાળમાં જ્યારે રાજા અને માતા પડ્યા એ અત્યારે કરચલા રૂપે દરિયાના પેટાળમાં રાજ કરે છે.
આ કરચલાઓના કવચ પર રાજાનો ચહેરો દેખાય છે એ વાત આખા દરિયાકિનારા પર ફેલાઈ. થોડા વર્ષ પછી ત્યાં દરિયાકિનારા પર એક ઉત્સવ થવા લાગ્યો, જેમાં નક્કી થયું કે ‘હાઈકે’ સાથેના યુદ્ધમાં જે રાજા હતા તેમનો ચહેરો જેટલા પણ કરચલાઓ પર દેખાય તેમને પવિત્ર માનવા અને તેમને ખાવા નહી!

હાઈકેનો રાજા દરિયાના પેટાળમાં ઘૂમે છે એવું માછીમારોએ સ્વીકાર્યું. રાજાના ચહેરા જેવી પેટર્ન, માર્કિંગ જે કરચલાના પેટ પર હોય એ જીવવા લાગ્યા, અને દરિયામાં પાછા ફેંકાવા લાગ્યા. વર્ષો જવા લાગ્યા એમ થયું એવું કે આ કરચલાઓ જેમને બીજા કરચલા કરતા અલગ જ ‘રાજાશાહી’ ભોગવવા મળતી હતી એ બધા જ વધુ પ્રોડક્શન કરી શક્યા. તેમની સંખ્યા વધતી ગઈ, અને જે કરચલાના ભાગ્યમાં પેટ પર પેલી કુદરતી પેટર્ન ન હતી એ બધી જ પ્રજાતિઓને આ માછીમારો ખાવા લાગ્યા.

આ કરચલાના શરીર પરની પેટર્ન તો કુદરતી હતી, અને કરોડો વર્ષની ઉત્ક્રાંતિના ભાગ સ્વરૂપે હતી. હકીકતમાં રાજાના ચહેરા દેખાવા એતો ત્યાંના માણસોના મગજની પેદાશ હતી. કરચલાને આ ખબર પણ ન હતી. એક સમય એવો આવ્યો કે એ દરિયાના વિસ્તારમાં બધા જ કરચલાઓના શરીર પર રાજાનો ચહેરો હતો! બાકીની બધી જ પ્રજાતિને માનવજાતે ખાઈને સાફ કરી દીધી હતી.

આ પ્રોસેસને કહે છે : “આર્ટીફીશીયલ સિલેકશન” 🙂

કુદરત આમાં ભાગ ભજવતી જ નથી. ‘હાઈકે’ના કેસમાં આ કરચલાઓની પ્રજાતિને માણસોએ કંટ્રોલ કરી. માણસની ચોઈસને લીધે કુદરતનું જે હજારો વર્ષનું સાઈકલ હતું તેમાં એક પ્રજાતિ જ રહી, અને બાકીની બધી જ લુપ્ત થતી રહી.
આપણે … “માણસ” નક્કી કરીએ છીએ કે કઈ પ્રજાતિ જીવશે, અને કઈ નહીં જીવે. આ અગિયારમી સદીની વાત હતી, પરંતુ વૈશ્વિક ફલક પર જેમ-જેમ માનવજાત વિકસતી ગઈ તેમ-તેમ માણસે નક્કી કર્યું કે તેમને માટે શું કામનું છે, અને શું નથી. કુદરત આમાં ક્યાંય ન હતી. તમને તમારી આજુબાજુમાં દેખાતી ભેંસ વર્ષો પહેલા જંગલમાં રહેતી હતી. મુક્ત પ્રાણી હતું. આપણે આપણી જાત માટે ગાય, કૂતરા, કે બળદના કુદરતી સાઈકલને ખોરવીને ‘આર્ટીફીશીયલ સિલેકશન’ કરેલું છે. આપણા ફ્રુટ્સ, વૃક્ષો કે શાકભાજીને આપણે નક્કી કર્યા છે કે તેમની કઈ પ્રજાતિ આપણને ભાવશે અને કઈ ફેંકી દેવામાં આવશે. ભેંસ-ગાય વગેરે જંગલોમાં ટોળામાં જ રખડતા હતા, અને તેમનો શિકાર માંસ માટે જ થતો હતો, પરંતુ એક દિવસ કોઈ માણસે તેના આંચળને (સ્તન)ને ખેંચ્યું અને દૂધ ફૂટ્યું. તેણે પીધું, અને પછી તાકાત અનુભવી એટલે નક્કી કરી લીધું કે આ પ્રજાતિ આપણી કેલેરી માટે આપણી ગુલામ રહેશે. ઘોડા-બળદ સાથે એવું થયું. માછલી અને મરઘા સાથે એવું જ થયું.

પરંતુ એક બીજી મહાકાય-અવિરત-અને અલૌકિકતાથી ભરેલી પ્રોસેસ માણસ ખુબ મોડી સમજ્યો, અને હજુ સમજ્યો નથી. એ છે: “નેચરલ સિલેકશન” 🙂
હજારો-લાખો-કરોડો વર્ષના આ ધરતીના પટ પર કુદરતે ઉત્ક્રાંતિ કરી. ખુબ ધીમી. કોઈને ખબર પણ ન પડે અને કરોડો પ્રજાતિઓ પેદા થઇ. વૃક્ષ આવ્યા, પશુ આવ્યા. વાનર આવ્યા, અને એમાંથી આવ્યા માણસ. આ માણસ તો છેલ્લા અમુક લાખ વર્ષની જ પેદાશ છે. માણસનું ‘ઈન્ટેલીજન્સ’ ઊંચું હોવાથી તે જંગલમાંથી બહાર ભાગ્યો.

નેચરલ સિલેકશન એવું કહેતું હતું કે “માણસ (આપણા વડવાઓ) ઓક્સિજન વાપરે, કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડ વાપરે અને ઓક્સીજન માણસને આપે. વધુમાં ફળ-છાયો-કપડા-અને ખોરાક તરીકે એ વૃક્ષને વાપરી શકે એટલે નેચરલ સિલેકશન મુજબ વૃક્ષોની સંખ્યા વધુ રહી.”

…પરંતુ વર્ષો ગયા અને ત્યાં આપણું ‘આર્ટીફીશીયલ સિલેકશન’ દાનવ બન્યું. વૃક્ષો કપાયા. પશુઓને ગુલામ બનાવાયા. જંગલના ‘કસબાઓ’ માંથી માણસ બહાર આવ્યો, અને ગામડાં-શહેર ઉભા કર્યા. ઇન્ટેલિજન્સ નક્કી કરવા લાગ્યું કે શું જીવશે- શું મરશે.

મારા વ્હાલા વાચકો…વિચારો કે આપણું માનવજાતે કરેલું આર્ટીફીશીયલ સિલેકશન આટલું તાકાતવાન હોય કે જેથી આજે તમે જે જુઓ છે એ બધું જ આપણી બુદ્ધિની પેદાશ છે, તો નેચરલ સિલેકશન કેટલી મહાન અને તાકાતવાન હશે? જેણે માણસને ઉત્ક્રાંતિ માટે રસ્તો આપ્યો, તે કેટલું અગાધ હશે. ‘હાઈકે’ ના કરચલાથી માંડીને તમારી શેરીમાં રખડતા પ્લાસ્ટિક ખાતા ગાય કે પાળેલા કૂતરા કૂદરતી નથી. તમારા લીધે છે! તો હવે જ્યારે તેમને જુઓ ત્યારે તમારા વડવાઓની અને કરોડો વર્ષની આપણી બુદ્ધિની સાક્ષીએ જોજો. કશુંક અલગ દેખાશે. એક વૃક્ષ કાપો ત્યારે ફરી વિચાર કરજો. ધરતીનું સંગીત (Music of Earth) આપણી ચોઈસને લીધે બદલતું રહે છે.

તો હવે આપણે શું કરવું?
હાહાહા… આપણે કશું નથી કરવાનું! કુદરત કરશે. 🙂 કદાચ આ વાચતી પેઢી તેની તાકાત અને ધીમી ગતિને પામી ન શકે, પરંતુ વર્ષો પછી જે થયું હશે તેને ત્યારે જીવતા માણસો કહેશે કે એ “નેચરલ સિલેકશન”નો ભોગ બન્યા. 🙂

(આ વાત મૌલિક લખાણ હોવા છતાં તેના અમુક વાક્યો / ફકરાઓ પુસ્તકોમાંથી શબ્દશઃ લીધા છે. પુસ્તકો છે: “કોસમોસ – કાર્લ સાગન” જેમાંથી મૂળ ઘટના અને ફિલોસોફી લઈને ભાષાંતર કરેલું છે. અને આલ્ફ્રેડ રશેલ વોલેસના નિબંધો, અને ડાર્વિનના પુસ્તક – The origin of species જેમાંથી છેલ્લા બે ફકરાની ફિલોસોફી તારવેલી છે.)

Copyrights belongs to origional works. The story here is a glimpse of origional stories and philosophy. 

Books I read in this Summer. Part- 3

“How ever, I’ve learned that the heart can’t be told when and who and how it should love. The heart does whatever the hell it wants to do. The only thing we can control is whether we give our lives and our minds the chance to catch up to our hearts.”― Colleen Hoover, Maybe Someday

દોસ્તો…બે દિવસ પહેલા મેં એક વાક્ય લખેલું: 24 is the Worst age!
માંડીને વાત કરું આ અહેસાસ પાછળની વાત. હું ફેસબુક કરતા વધુ ટાઈમ ગુડ-રીડ્સ પર ફાળવતો હોઉં છું. બે દિવસ પહેલા જ એક રેન્ડમ બુક ડાઉનલોડ કરી, અને અમસ્તા જ લેખકની ત્રેવડ જોવાના ઈરાદે વાંચવાની શરુ કરી. બસ…પછી ખબર નહી કેમ પેલી લેખક જાણે મને એના વિશ્વમાં એવી તે અપહરણ કરી ગઈ કે ભટકી જવાયું અને લખાઇ ગયું… 24 is the Worst age!
આ એક એવી રોમાન્સ નોવેલ છે જેના પાત્રો તમારા હૃદયમાં ‘પ્રેમ અને દોસ્તી’ નામના ‘પાનું અને પકડ’ લઈને એવા ઘુસી જાય છે કે એકવાર તમે તેને તમારા હૃદયમાં એન્ટ્રી આપો એટલે એ અંદર ઘૂસીને માત્ર શબ્દોની તાકાતથી તમારા હૃદયને તોડી-મરોડી-પીંખી-ચૂંથી-ચીરી-વધેરી-ચોળી નાખે છે! વાંચક રડતો થઇ જાય છે.
મારા જેવો મોડી રાત્રે ચાર વાગ્યે નોવેલને બાજુમાં મુકીને બાલ્કનીમાં જઈને અંદરનો રોમાંચ-એડ્રેલીનનું વાવાઝોડું બંધ કરવા અંધારામાં રાડો નાખી લે છે. બુકના પાત્રો સાથે એવો પ્રેમ થઇ જાય છે જાણે વાંચતા-વાંચતા જ હૃદય હાથમાં આવી ગયું હોય અને શબ્દે-શબ્દે ધીમું-ફાસ્ટ થતું દેખાતું હોય એવું લાગે!
અને સૌથી બેસ્ટ…નવલકથાનું વચ્ચે-વચ્ચે આવતું મ્યુઝીક! જી હા, બુકનો હીરો તેના બેન્ડના ગિટાર+લીરીક્સ લખતો હોયને જ્યાં પણ વચ્ચે ગીત આવે ત્યારે વાંચકે યુ-ટ્યુબ પર એ ગીતને સાંભળવાનું! અહાહા…જાણે થોડીવાર પહેલા રડાવતા પાત્રો જાતે જ તમારા હૃદયને મલમ-બ્લેન્ડેડ લઈને પાછું રીપેર કરી નાખે! ખેર…કોઈ ચીલાચાલુ-ગર્લી ટાઈપ નોવેલ ન હોયને ઓનલાઈન વાંચવી હોય તો ૭૦૦ પેજ માટે લેપટોપ સામે બેસવાની ત્રેવડ જોઈએ. પણ એના કરતા એમેઝોન પરથી ખરીદીને લેખકને ફેવર કરી શકાય!
છેલ્લા વખાણ: જો પ્રેમને ખુબ નજીકથી એક-એક તાંતણે અનુભવવો હોય તો બુકની લેખિકા કોલીન હુવરને વાંચવી જ રહી.

૨) The Ocean at the end of Lane: “I lived in books more than I lived anywhere else.” હજુ થોડા પેજ બાકી છે આ બુકના…તેમ છતાં કહી દઉં: લેખક બનવા માંગતા દરેક યુવાને એકવાર તો નેઈલ ગેઈનમેનને વાંચવો જ રહ્યો. મને તો આ લેખકડો જ એટલો ગમે છે જે મારી બુકમાં પણ સેન્ડમેન સીરીઝનો એક પેરેગ્રાફ મુકેલો. ઈમેજીનેશન ની અલગ જ દુનિયામાં ખેંચી જતી અને નેઈલના દરેક વર્કથી તદન અલગ એવી આ બુક હું તો કહું છું કે ઉપરનું વાક્ય પૂરું સાર્થક કરે છે. જાણે પાને-પાને તેના પાત્રોના જીવનને જીવીને તમને થાય: “I lived in this book more
than I lived anywhere else.”

3) The Atlas shrugged: આ બુક પર જ બીજી બુક લખી શકાય! હું બે આર્ટીકલ જરૂર લખીશ. વેઇટ. લાંબી ૧૦૦૦ પેજની બુક છે… પૂરી થવામાં થકવી નાખશે. વેઇટ!

Last Shot on reading: “You don’t have to burn books to destroy a culture. Just get people to stop reading them.”
― Ray Bradbury

Books I read in Summer. Part- 2

બીજું લીસ્ટ: છેલ્લા બાર-પંદર દિવસમાં મેં વાંચેલા પુસ્તકો અને રિવ્યુઝ… માણો:

૧) A thing beyond forever: ખુબ સારી બુક છે. વાપીના રેલ્વે સ્ટેશન પરથી લીધેલી. આમ તો હું આજકાલ લવ સ્ટોરીઝ ઓછી વાંચું છું છતાં આ બુકના બંગાળી લેખક પર ભરોસો રાખીને લીધી. (બંગાળી લેખકો-સર્જકો ખુબ વાંચે છે, પ્લસ બધા ડર્યા વિના સાચું લખે છે.) બુકમાં ક્યાંક ટિપિકલ લેખક પણું પણ દેખાય છે, પણ પહેલી બુક લખનારા લેખકને એ માટે માફ કરવો જ પડે. વાંચજો. My favorite sentence: He suffers from the Piles. And first time he realized it he thought he was menstruating from his ass! 

૨) સમુદ્રાન્તિકે: લેખક? ધ્રુવ ભટ્ટ! રોકસ્ટાર. હું તો માનું છું કે તમને જયારે ગુમાન ચડી જાય કે તમે ખુબ મોટા લેખક છો કે ખુબ સારું લખો છો ત્યારે આ કુદરતના ખોળે રખડીને પોતાની અનુભૂતિને થોડા શબ્દોમાં તમને જીવાડતાં, બધી સફળતા છતાં ડાઉન ટુ અર્થ અને વિસ્મય ભરેલી આંખો ધરાવતા બાળક જેવા આ મહાન જીવને વાંચી લેવો. મેં તો ધ્રુવ ભટ્ટ સાથે ક્યારેય વાત નથી કરી પરંતુ એના શબ્દોના સાક્ષાત્કાર પછી એમ કહી શકું કે આ દાદાનું પર્સનલ જીવન જાણશો તો તમારો જીવ બળશે! આજના યુવાન લેખકો અને ધ્રુવ દાદામાં ફરક એટલો છે કે જે સમયે એ મેઘાણીની જેમ રખડી જાણીને, દરેક પળને નિચોવીને જીવ્યા પછી લખે છે… તે સમયે બીજા બધા લેખક થોડી લાઈક્સ વધુ આવે એ માટે છેલ્લી પોસ્ટને બેઠા-બેઠા એડિટ કરતા હોય છે. અહોહો… સૌથી મોટી ખુશી તો ત્યારે થઇ જયારે આ નાદાન પરિંદાને એના જેવો જ પ્રમાણિક પબ્લીશર Chetan Sangani મળી ગયો. ચેતનભાઈને ફોન કરીને મેં ધ્રુવ ભટ્ટની આવનારી બુક ‘તિમિરપંથી’ મગાવી ત્યારે ખબર પડી કે હું તો ધ્રુવદાદા નામના દરિયાના કિનારે ઉભા રહીને એની વિશાળતાની વાહ-વાહ કરતો હતો…આનું પેટાળ તો જોયું જ નથી.
એક અપીલ: ખાસ યુવાનો ધ્રુવ-ભટ્ટના બધા જ પુસ્તકો વાંચે. આમેન…

૩) માણસાઈના દીવા: ઝવેરચંદ મેઘાણીની કૃતિ! “શું મેઘાણી કાઠીયાવાડ માટે જ લખે? બાકીના ગુજરાતની ભૂમિ કઈ વાંઝણી છે?” મેઘાણીએ આ સવાલનો જવાબ આપ્યો છે બીજી ધરતી ખૂંદીને! મહારાજ-ચોર-લુંટારા-ખૂનીઓ અને ખમીરવંતી માનવતાના ઉદાહરણો. સાચા પ્રસંગો. એવા દીવાઓ ની વાત જે ખાલી દીવા નથી…દીવાદાંડી છે.

૪) The Lady with the dog and other stories: Anton Chekhovની શોર્ટ-સ્ટોરીઝ. હજુ થોડી સ્ટોરીઝ બાકી છે વાંચવાની. ચેકોવ અને એના પુસ્તકો વિષે તો ગુગલ જ કરી લેજો. વન્ડરફુલ વર્ક.

૫) Atlas Shrugged: Ayn Randની આ બુક સૌ પુસ્તક-રસિયાને ખબર જ હશે, ખુબ ઓછાએ વાંચી હશે. ૧૦૭૦ પેજની આ મહાન- બ્રેધ-ટેકિંગ- અને ઓબ્જેક્ટીવિઝ્મની બેતાજ બાદશાહ એવી બુક. મારી ઓલ-ટાઈમ ફેવરીટમાં આવી જશે આ પુસ્તક! આ બુક પર આખો લેખ લખીશ. એક વિક પછી.

લેખક ક્યારેય મરતો નથી હોતો…સાલો એકાદ-બે મહાન સર્જન કરીને વર્ષો સુધી શબ્દોના વિશ્વ થકી હજારો વાંચકોની દિમાગની કોશિકાઓ અને નસ-નસમાં ઘૂસીને દ્રશ્યો-પાત્રો-અને વિચારો બનીને જીવી લેતો હોય છે.
મારો અને તમારો ઈશ્વર-અલ્લાહ આપણને બસ એક સામર્થ્ય આપે: ઈમેજીનેશન નું!

હા…ખુબ મોટી તાકાત છે એ!

Books I read in Summer: Part- 1

હું ઉનાળામાં નોવેલનું લખવાનું કામ ઓછું રાખું છું. પણ વાંચન ખુબ વધારી દઉં છું. લખવા માટે ચોમાસાનો ગરજતો વરસાદ અને શિયાળાની ઠંડી-એકાંત રાત બેસ્ટ સમય છે. હા..આ બંને મનગમતી સિઝનમાં શું લખવું એનું મટીરીયલ હું ઉનાળામાં નક્કી કરી લઉં છું. આ ચાર મહિના હું ગાંડાની જેમ વાંચતો હોઉં છું. આખો દિવસ બીજી જ સર્જેલી દુનિયામાં ટહેલતા રહીને એટલીસ્ટ આ ગરમીના ભયંકર દિવસો પસાર થઇ જાય છે. મોજમાં! વિચાર્યું આ સિઝનમાં વાંચકો સાથે મેં વાંચેલી બુક્સ શેર કરતો રહું. તો આ રહી છેલ્લા વીકમાં વાંચેલી બુક્સ:
૧) Animal Farm: માનવજાતને એક ભયંકર સત્ય સમજાવતી… All animals are equal, but some animals are more equal than others. માત્ર એકવાક્યમાં ભૂંડને માણસ અને માણસને ભૂંડ બનાવી દેતી જબરદસ્ત નવલકથા. Must Read.

૨) Eat,Pray, Love: One of my favorite female writer Elizabeth Gilbert ની માસ્ટર પીસ. ખાસતો આ મેમોઈરમાં લખાયેલા નાજુક સત્યો અને એક લેખિકાની પોતાની જ લાઈફને ખુબ જ ધીમીધારે બદલાવાની કલાને સલામ. આ નોવેલ વાંચીને જ તમને કોઈને મેં ગોવાનો અનુભવ શેર કર્યો નથી. હૃદયમાં માત્ર મૂકી રાખ્યો છે.

૩) Hind Swarajya: મારા દોસ્ત એવા Avval Amdavadi એ મને ‘વિશ્વમાનવ’ ના લોંચ સમયે આ બુક ગીફ્ટ કરી. માત્ર ત્રણ શબ્દો છે ગાંધીના આ સચોટ દસ્તાવેજ માટે: અદભુત…અદભુત…અદભુત… યુવાનોએ ખાસ વાંચવા જેવી.

4) 20 Short stories of Leo Tolstoy: ગોવામાં એક રશિયન દોસ્ત બનેલી. તેણે ગીફ્ટ આપી. મેં તેને મારી બુક ગીફ્ટ આપી. તે ગુજરાતી વાંચી નહોતી શકતી પણ કહેતી હતી કે રશિયામાં તેના એક ગુજ્જુ દોસ્તને આપશે! વેલ…તોલ્સતોયની માટે વખાણ શક્ય નથી. આ બુક વાંચીને પણ માણસ ચુપ થઇ જતો હોય છે. હા…ફિલ્મ બનાવવા માટે જબરદસ્ત મટીરીયલ.

૫) 1984: George Orwell ની આ બીજી બુક. અ ક્લાસિક. અત્યારે જો કે ઈમેજીન કરવું મુશ્કેલ પડે છે એ દુનિયા. ખબર નહી કેમ. પણ અદ્વિતીય સર્જન. કાશ…આપણો કોઈ નવયુવાન આવું સાયન્સ ફિક્શન લખી શકે. ગુજરાતીમાં. મને તો ખુબ મન છે અને મોડું થાય એ પહેલા એકવાર સાયન્સ-બુક લખીશ પણ ખરો.

ખેર…આમતો ગુજરાતીઓ વાંચવામાં વાંઝીયા છે. અફસોસ. હું પણ આવી ગયો તેમાં. (Nicholas Spark, Stephen King, Neil Gainman કે જેફરી આર્ચર વરસના ૩૬૫ દિવસમાં ૨૦૦ થી વધુ બુક વાંચે છે…સામે ગુજરાતી જીતેશ દોંગા માંડ 100 પર પહોંચે છે. કહે છે કે : મને જોબ માંથી ટાઈમ નથી મળતો! ) પણ જો કોઈ માઈનો લાલ હોય તો સારી બુક મને કોમેન્ટમાં કહી શકે. પોપ્યુલર બુક્સ નહી…અલગ.વિચિત્ર.ખલેલ પહોંચાડે તેવી.
એક કડવું સત્ય: ફ્રાંસ, જર્મની,સ્પેન અને રશિયા વસ્તીમાં ગુજરાત સમોવડા જ છે. છતાં તેમાંથી મહાન-ભવ્ય સર્જકો અને સર્જનો પેદા થયા છે અને વૈશ્વિક લેવલ પર મુકાયા છે. તેમના ઈમેજીનેશન આપણા સર્જકો કરતા ક્યાય ઊંચા છે…ગુજરાતીમાં આંગળીને વેઢે ગણાય એટલા જ છે. આવું કેમ? આપણી ભૂમિ માત્ર વેપારીઓ જ પેદા કરે છે? ના. આપણા લેખકો માત્ર ઢીલું-પોચું-સામાજિક ફિલોસોફી ભરેલું લખ્યા કરે છે એટલે? ના.
સંસ્કૃતિ નબળી છે? ના. ધાવણમાં તાકાત નથી? ના રે…
મને બે કારણ દેખાય છે: ૧) લેખકનું ખુબ ઓછું વાંચન…અને એથી ઓછું દિમાગનું એકસ્પ્લોરેશન.

૨) લખતા સમયે સામે કાગડા ઉડતા હોય તેવો કાચો વાંચક. એથી કાચો પબ્લીશર.
આનું સોલ્યુશન: રીડ…રીડ…રીડ…રીડ…રીડ…
અને પછી ઉલેચો. હૃદયના અને દિમાગના પેટાળ માંથી કાઢો નવા વિશ્વોને. બસ..