ગામડું, શહેર, અને વચ્ચે અટવાયેલું વૃદ્ધત્વ.

“બાપુજી…મારા લગ્ન પછી તો તમે અને મારા બા બેંગ્લોર આવી જશોને?” મેં ફોન પર પૂછ્યું.
“નાના. અમને ત્યાં ના ફાવે. અમે આંટો મારવા ક્યારેક આવીશું, પરંતુ હાથ-પગ ચાલે છે ત્યાં સુધી આ ગામડું છોડીને ક્યાંય જવું નથી.” બાપુજીએ જવાબ આપ્યો. પરંતુ એમની બાજુમાં બેઠેલી મારી મા બોલી: “મારે તો મારા દીકરા ભેગું જ જવું છે. તમે અહીં એકલા રહેજો.”

બાને તો શહેરમા આવવામાં કશો વાંધો નથી, પરંતુ બાપુજીને ગામમાં દોસ્તો છે, ખેતર સિવાય ક્યાંય ગમતું નથી. અંતે બંનેને મનાવ્યા કે તમે આખો ઉનાળો બેંગ્લોર આવી જાઓ. એમણે હા તો પાડી. પરંતુ મને ખબર છે. એકાદ અઠવાડિયું માંડ આવશે.

આ વાત ઘણા સમયથી કહેવી હતી પરંતુ મનમાં તાકાત ન હતી. આજે લખી રહ્યો છું;
“આપણા પચાસ વર્ષ વટાવી ચૂકેલા માબાપનું શું થતું હશે? ગામડાઓમાં-શહેરોમાં મકાનોની અંદર માત્ર જાણે વૃધ્ધો જ વધ્યાં છે! આજથી બાર વર્ષ પહેલા મારા ઘરમા અમે આઠ સભ્યો હતા. પાંચ ભાઈ-બહેન, દાદા, અને માબાપ. ઘર ધમધમતું હતું. એ ત્રીસ વીઘા જમીન. રોટલી રળનાર એક જ માણસ- બાપુજી. છતાં બધાનું પૂરું પડી જતું. ઘરમા ખાટલાઓ ઓછા પડતા.

દસ વર્ષ પહેલા દાદાજી ગુજરી ગયા. પછીના નવ વર્ષમાં બધી બહેનો સાસરે જતી રહી. છેલ્લા દસ વર્ષથી આ એકનો એક દીકરો બહાર ભણે છે, હવે નોકરી કરે છે. ગામડાનાં એ ઘરમા માત્ર માબાપ છે જે દસ વર્ષથી એકલા રહે છે. માત્ર મારું ઘર જ નહીં, આખી શેરી વૃધ્ધોથી ભરી છે. ગામનાં પાદરમા કે ખેતરોમા મજૂરોને બાદ કરતા જેટલું માણસ જોવા મળે એ બધું જ પચાસ વટાવી ચુક્યું હોય એવું લાગે. નોટબંધીના દિવસોમા બેંકની લાઈનોમા ઉભું રહેવું પડે, કે આધારકાર્ડના ધક્કાઓમા એમની ઘસાયેલી આંગળીઓની રેખાઓની સ્કેન ન નીકળે. રોજે સાંજ પડે અને એકલતા કોરી ખાતી હશે. કેમ ખબર? સાંજની ઠંડીનો સન્નાટો કે વરસાદની વીજળીઓનો ગડગડાટ એ એકલા જ હિંચકે બેસીને જોયા કરે. રસોડામાં શાંતિથી ખાઈ લે. સાંજ નજીક ટીવી ચાલુ કરી દે જેથી થોડો અવાજ થાય. મારા ગામનાં કેટલાયે વૃદ્ધોને મોતિયો આવી ગયો છે. સરખું જોઈ શકાતું નથી. બધું ધૂંધળું દેખાય છે. ઘરડી સ્ત્રીઓને કમર અને પગના દુઃખાવા સતત થયા કરે છે. એક સમયે આખા ઘરનું કામ કરતી સ્ત્રી અને આખા પરિવારને એકલે હાથે પોષતો પુરુષ અચાનક દવાખાના તરફ ધક્કાઓ ખાવા લાગે છે. રોજે ટિકડીઓ પીવે છે. ઓપરેશન કરાવે છે. કદાચ આપણો સમાજ હવે ઘરડાઘરનો વિરોધ કરવા લાગ્યો છે, પરંતુ ‘ઘરડાઘર’ એ કોઈ બિલ્ડીંગ નથી, એ લાગણી છે. માબાપ પોતાના ઘરમાં પણ એકલા ઘરડા થતા હોય તો તેને ‘ઘરડાઘર’ જ કહેવાય.

શું થાય? દીકરા-દીકરીઓ ભણવા કે કમાવા માટે મોટા શહેરોમાં મોકલ્યા હોય છે. એ તહેવારોના દિવસોમાં આવે, અથવા જે દિવસે માણસ આંખ ખોલતું નથી કહેનારો ફોન આવે ત્યારે દોડતા આવે. રૂપિયા કમાવાની દોટ અને કેપીટાલીસ્ટ સમાજ આ ઘોંઘાટીયા ગંધાતા શહેરોમાં પડ્યો છે. આ મોટા શહેરોમાં કોઈ યુવાનને રહેવું નથી, પરંતુ રહેવું પડે છે! મારા કેટલાયે દોસ્તો કહે છે કે એમને ગામડે જ રહેવું છે, પરંતુ અહીં શહેરમાં મજબૂર છે. એમને નોકરીઓ નથી કરવી, પરંતુ સમાજનું સ્વરૂપ એવું છે કે એમને ડર લાગે છે.

એકના એક દીકરા તરીકે હું બેંગ્લોરથી મોટી-મોટી ટીકીટો ખર્ચીને પણ દર બે મહીને ગામડે જતો હોઉં છું જેથી માબાપને જોઈ શકું, એમની તબિયત ખરાબ હોય તો દવાખાને લઇ જઈ શકું, દવાઓ ચકાસી શકું. રૂપિયાની મદદ કરી શકું. મારા જેવા હજારો યુવાનો આ બધું જ કરે છે. જ્યારે-જ્યારે ગામડે જઈએ ત્યારે દેખાય કે માબાપ બે મહિના પહેલા હતા એનાથી વધુ વૃદ્ધ દેખાય છે. વિચાર આવે કે આ દવાઓનો પાવર વધુ હશે એટલે વાળ ધોળા થઇ ગયા હશે? ના. મારું મન કહે છે કે કદાચ અહીંની એકલતા અને અમુક સમયે આવતા દીકરાની રાહ એમને વધુ ઝડપથી વૃદ્ધ કરી દેતી હશે. કદાચ.

છેલ્લા પાંચ વર્ષથી માબાપ મને સતત કહેતા કે તું છોકરીઓ જોવાનું ચાલુ કર. લગ્ન કરી લે. લગ્ન કરીશ તો તારી સાથે રહેવા બહાર આવશું. હવે આવતા જાન્યુઆરીમાં મારા લગ્ન છે. પરંતુ હવે સમજાય છે કે તેઓ શા માટે લગ્નની ઉતાવળ કરતા હતા. જવાબદારીમાંથી મુક્ત થવું એતો એક બહાનું હતું. કોઈ જીવતું માણસ જવાબદારીથી મુક્ત નથી. તેમને દીકરો વાંઢો રહેશે કે લોકો શું કહેશે એવો સમાજનો ડર પણ ઓછો હતો. મૂળ હતી એ એકલતા. જીવનમાં કશું જ નવું ન થવાથી પેદા થતી પીડા. એક આકાંક્ષા કે જો દીકરા પરણી જાય તો પરિવારમાં નવુંનવું થયા કરે, ઘર ખાલી ન રહે, અને આવતા વર્ષોમાં બાળકો આવે જેની સાથે એમની એકલતા ભાગી જાય રમવા માટે!

મારા વૃદ્ધ થઇ ગયેલા ગામમાં એક પરિવારમાં દાદા-દાદી છે જેમને પૌત્ર પણ છે. પરંતુ જ્યારે-જ્યારે શહેરમાંથી એમનો દીકરો અને એના બાળકો આવે ત્યારે બધા જ ગામડાનાં સન્નાટા અને શાંતિમાં સ્થિર નથી થઇ શકતા. શહેરની જીવન જીવવાની રીતે તેમના પર મોટો ટેક્સ નાખ્યો છે- ‘સતત વ્યસ્ત રહેવાનો’. એ દાદાજી મને કહેતા હતા કે – હું વર્ષોથી રાહ જોતો હતો કે ક્યારે મારા દીકરાને સંતાનો આવે કે જેથી હું એમની સાથે રમી શકું, પરંતુ એ સંતાનો હવે આવે છે અને મોબાઈલમાં રમ્યા જ કરે છે. એમને માટી કે ધૂળથી રમતા કોઈએ શીખવ્યું જ નથી. અમારી મોતિયો ભરેલી આંખો મોબાઈલમાં કશું જોઈ શકતી નથી નહીંતર એમની સાથે એ રમત.

Global Age Watch Index નામના એક સર્વેમા વૃધ્ધો માટે અનુકૂળ દેશોમાં ભારત 96 માંથી 71 મા ક્રમ પર છે. આપણા શહેરોમાં રસ્તાઓ, મોલ, ટ્રાન્સપોર્ટ, મકાનો, દવાખાનાઓ કશું પણ વૃધ્ધો માટે અનુકુળ નથી. ટ્રાફિકમાં રસ્તાઓ ક્રોસ કરવા ભાગતા માણસો વચ્ચે વૃદ્ધનો હાથ પકડનાર ખુબ ઓછા હોય છે. જે માણસે ગામડામાં પોતાની મોટાભાગની જીંદગી પસાર કરી હોય એમને શહેર માફક ન જ આવે. દેશમાં હાલ દસ કરોડથી વધુ વૃધ્ધો છે, અને વર્ષ 2050 સુધીમાં સાઈઠ કરોડ સુધી સંખ્યા થશે એવું ન્યુયોર્ક ટાઈમ્સમા વાંચેલું.

એક ઉંમર પછી માણસ પરાધીન-એકલો-અને લાચાર બને છે. જો તેની એ અવસ્થા માટે જરૂરી માણસો કે સગવડ તેની બાજુમાં ન હોય, અને આ આપણે જ ઉભા કરેલા સામાજિક માળખાંનું આ સત્ય હોય તો આપણી જીવવાની રીતો ખોટી છે. એવું નથી કે મોર્ડન યુવાનો ને માબાપ સાથે રહેવું નથી કે ફાવતું નથી. જનરેશન-ગેપ પણ કદાચ માણસના મન સમજી શકે અને એક જ ઘરમાં ત્રણ-ચાર પેઢી ખુશીથી રહી શકે. પરંતુ વૃદ્ધત્વ અને મોટા શહેરોમા એમનું સેટ થવું એક એવો સવાલ છે જેનો જવાબ આ લખનારને ખબર નથી, અને આ વાંચનાર જવાબ જાણતું હોય તો જરૂરથી લખી શકે છે. એક તંદુરસ્ત ચર્ચા થાય તે રીતે.

જે જવાબ મને દેખાય છે એ એજ છે કે માબાપ જ્યારે મન પડે ત્યારે શહેરમા દીકરાના ઘરે આવે. દીકરો સતત માબાપ પાસે ગામડે ગયા કરે. એમની ખુશીઓ અને સ્વાસ્થ્ય માટે બનતું કરી છૂટે. ક્યાંક બંનેના જીવન બેલેન્સ પૂર્વક જીવાઈ રહે તેનું ધ્યાન રાખે.
જ્યાં સુધી હાથપગ ચાલે છે ત્યાં સુધી ગામ કે શહેર એમનું મન થાય ત્યાં સુખેથી અને ઓછી તકલીફે રહી શકે તેવું થાય. જે દિવસે હાથ-પગમાં તાકાત ન હોય ત્યારે જેનામાં તાકાત છે એણે જ એમની વારે આવવાનું હોય…

તમને કેમ કહું બા? કે તમારા સિવાય મેં ભગવાન જોયા જ નથી.

મારા બા

ઓહ…હા. મને ખબર છે તમને શું વિચાર આવ્યો. મારી પાસે તેમના એકલા ના ખુબ જ ઓછા ફોટો છે, અને તે બધા ફોટોમાં સૌથી બેસ્ટ આ ઉપરનો ફોટો જ છે. તેઓને એક અન-ક્યુરેબલ બીમારી છે: જ્યારે કોઈ ફોટો ક્લિક કરવાનું કહે ત્યારે તેઓ હસી શકતા જ નથી. હું તેમનો ફોટો પાડતી વખતે ગમે તેમ હસાવું તોયે…જ્યારે મારી આંગળી બટન પર મુકાય અને લાઈટ થાય એટલી વારમાં તેઓની સ્માઈલ જતી રહે છે. તેમણે મને એકવાર પર્સનલી કહેલું આનું રહસ્ય: જીતું…હું ખુબ જાડી છું એટલે દાત કાઢી શકતી નથી. મને ફોટો પડાવતા જ શરમ થાય છે!

બા.

શી ઈઝ માય મધર.

હા.

હું તેમને મમ્મી નહિ પરંતુ ‘બા’ કહું છું. નાનો હતો ત્યારે તો ‘બડી’ કહીને ગળે વળગી જતો, અને ‘બડી’ ની ફાંદમાં ફૂંક મારીની ભોપું વગાડતો. હવે બધા મને કહે છે કે તું મોટો થઇ ગયો છે. વેલ…ભોપું તો હજુ વગાડું છું! અને પાછો ક્યારેય તેમને ‘તું’ કહી જ શકતો નથી. બાળપણથી તેમણે હાથે નાખેલું મીઠું મને એમને ‘તમે’ કહેડાવવા મજબુર કરી દે છે.

આજે તો મધર્સ ડે છે…મેં તરત જ મારા એક જ ચોપડી ભણેલા બા ને ફોન કર્યો: “બા…જય શ્રી ક્રષ્ણ”

બા: જય શ્રી ક્રષ્ણ. કેમ આજે સવાર- સવારમાં? (એમને હું રોજે સાંજે ફોન કરું છું.  જો સાંજ સિવાય મારો ફોન જાય તો તેમને ઉચકતા પહેલા મારી ઉપાધી ચાલુ થઇ જાય છે!)

હું: બસ એમ જ . આજે મધર્સ ડે છે એટલે કીધું લે બા પાસેથી આશીર્વાદ લઇ લઉં. (વાંચનારની જાણ ખાતર- હું ત્રીજા ધોરણથી શરુ કરીને અત્યાર સુધી જ્યારે પણ સ્કુલ જાઉં કે ઘર બહાર જાઉં એટલે મારા બા-બાપુજીને અંગુઠો સ્પર્શીને જ જતો! અને હમણાં સુધી જ્યારે બાનો જમણો પગ દુઃખતો ત્યારે હું ડાબા પગનો અંગુઠો જ સ્પર્શતો. મને થતું કે જમણા પગને સ્પર્શીશ તો બા ના તે પગ માંથી જે આશીર્વાદ મળશે એને લીધે તેમની પગ ની શક્તિ ઓછી થઇ જશે અને વધુ દુખશે!! )

બા: ઠેક…જે હોય એ…સારું સારું…સુખી થાઓ…ખુબ જ ભણો…અને સો વરસ જીવો.

બસ…આ શબ્દો મેં મારી લાઈફના કેટલાયે વર્ષોથી તેમને રોજે પગે લાગીને સાંભળ્યા છે. દરેક વખતે મને કોઈ અજાણી શક્તિ માથે હાથ ફેરવતી હોય તેવો અનુભવ થયો છે. બા ના આશીર્વાદ લઈને મારો માઈન્ડ સેટ જ બદલાઈ જાય! સ્કુલમાં ક્યારેય બીજો નંબર ન આવ્યો એનું એક કારણ બા ના આશીર્વાદ જ હતા! 

પછી તો ફોન પર અમારી રૂટીન સરખા પ્રશ્નો વાળી વાતો ચાલુ થઇ જાય: બા શું કરો છો? બા પગ દુખે છે? બા શેરીમાં બધા શું કરે છે? મારા બાપુજી ગામમાં ગયા છે? બા..બેનુંના શું સમાચાર છે? તમે ખાવામાં ધ્યાન રાખજો હો. તમે પાતળા થાવામાં ક્યાંક પાછા લોહીના ટકા ઘટાડી ડદેતા નહિ. ફ્રુટ ખાજો. વગેરે…વગેરે.

બસ…આવી રોજે સરખી વાતો. આજકાલ જો કે બા મને “જોણ” ચાલુ કરવાનું ખુબ જ કહે છે. કહે છે કે: હવે તારું બાવીસમું વરસ પણ પૂરું થયું. તું ખાલી ક્યાંક સગાઇ કરી લે લગન નહી કરતો બસ? હવે મને અને તારા બાપુજીને એમ થાય છે કે ક્યાંક વેવાઈ બનાવીને એમને ઘરે પણ જઈએ ને. અમને પણ હવે તો બધા પૂછે છે કે જીતું ની ઉમર નીકળી જાશે તો ગામમાં બીજા છોકરાઓની જેમ એકલો રખડશે.

અને હું ‘જોણ’ ની વાત આવે એટલે ગાંડો થાવ છું. બા…હજુ વાર છે. મારી બુક પૂરી થાવા દો. છોકરીઓની લાઈન લાગશે. બા…મારે કોઈ ભણેલ છોકરી જોઈએ છે. હજુ અત્યાર માં નહિ. (તેમને કેમ કહું કે…બા…તમારા છોકરાને આ એરેન્જ મેરેજની સિસ્ટમમાં જ પ્રોબ્લેમ છે. એનાથી મોટો પ્રોબ્લેમ એ છે કે મને લવ પણ ક્યાય થતો નથી! મને બા…કોઈ છોકરી ગમતી જ નથી.  અને આ લેખકનું ભુત ભરાયા પછી તો ખાસ રીતે એમ થાય છે કે- બીજા બધાને લવ ની શિખામણ દેવા વાળા આ રાઈટર એરેન્જ મેરેજ કરશે? એટલે બા…હું તમને નાં પાડું છું.)

જો કે મને ખબર છે આ મારું નાટક લાંબુ ચાલવાનું નથી. લગ્ન તો કરવા જ પડશે. મને લવ નહિ જ થવાનો! થશે તો અને એમાં પણ જો બીજી કાસ્ટ ની છોકરી સાથે થશે તો ચેતન ભગત ની જેમ અમારા બે ફેમેલી વચ્ચે લવ ક્રિયેટ કરતા જ અમે બંને બુઢા થઇ જવાના!!

એની વે…ઓવર ટુ મધર્સ ડે.

હું આમ તો ભગવાન વિષે કન્ફયુઝ આદમી છું, અને એમને મારા બા ના કમરના અને પગના દુખાવા સિવાય વધુ યાદ પણ કરતો નથી. એમની સાથે મારે મારા માં-બાપ વિષે એક ફિક્સ કોન્ટ્રાક્ટ છે. માનતા. એ હું નહિ કહું. પણ ખુબ જ મોટી અને વિચિત્ર માનતા માની છે મારા બા-બાપુજી માટે! હજુ ગયા વરસે જ સાળંગપુર વાળા હનુમાનજી સાથે મારા બા ની કમર દુખતી મટી જાય એ માટે ડીલ કરેલી. બોસ…મટી ગઈ! હું ૧૪૮ કિલોમીટર ચાલીને ગયેલો. (હવે વિચારો જો માત્ર મારા બા વિષે દોઢસો કિલોમીટર ચાલવાની ડીલ હોય…તો બા-બાપુજી ભેગા થાય ત્યારે કેવડી હશે ?)

મારા બા ને સાજા કરી દેનારું કોઈ તત્વ છે. જેને હું કુદરત કહું છું. જેના વિષે મારે કહેવું નથી. જે કોઈ સાજુ થઇ રહ્યું છે એને હું મારા ભગવાન કહું છુ. વધુ બીજું કઈ કહેવું નથી!!

જે હોય તે…અત્યારે હું જે લખવા બેઠો હતો એ લખી શક્યો જ નહિ:

“બા…મને ખબર છે તમે એક ચોપડી ભણ્યા છો એટલે મારો બ્લોગ તો નહિ જ ખોલી શકો. આ શબ્દો તો મારી લાગણીઓ બનીને આ ઈન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જવાના છે. હું આમેય મધર્સ ડે પર સારો દીકરો છું એવું જાહેર પણ કરવા માંગતો નથી, કે લેખક છું એટલે જુના લેખકોની જેમ ‘બા’ જેવો  ખાસ શબ્દ વાપરીને લોકોને ઈમોશનલ કરવા પણ માગતો નથી. પણ મારે થોડી વસ્તુઓ તમે સાંભળો નહિ તેમ કહેવી છે. મને પડી નથી કે આ બધું વાંચીને લોકો શું વિચારે…છતાં હું તમને આ બધું કહી દઉં છું: બા…હેપી મધર્સ ડે. આવા દિવસો દિવાળીની જેમ ઉજવવા જોઈએ. દીકરાઓએ બેન્ડ વાજા વગાડીને માં ના ઋણ ઉતારવા નાચવું જોઈએ. પબ્લિક ખોટું કહે છે કે મા નું  ઋણ ચૂકવાય જ નહિ. કેમ ના ચૂકવાય? માં ને જીવતા જ એવું ક્યારેય અનુભવ ન થાય કે મારા દીકરાએ મારા માટે કઈ કર્યું જ નથી એટલે માં બીજી જ ક્ષણે બધું ઋણ માફ કરી દેતી હોય છે. અને મને તો તમારા ઋણનો ભાર જ ખુબ ગમે છે બા… કેમ ઉતારું?”

૧) કમર નો દુખાવો…કારણ કે સમાજની નજરમાં ચાર દીકરી આવી છતાં દીકરો ન હતો. પહેલો દીકરો જન્મતા સાથે જ ગુજરી ગયેલો. હવે જ્યાં સુધી હું ન આવ્યો ત્યાં સુધી બા ને ગામના મોઢા બંધ કરવા માટે મોટી બહેનોને જન્મ આપવો જ રહ્યો! (આ કડવું સત્ય છે. આપણી બુદ્ધિ વગરની સોસાયટી કેટલીયે સ્ત્રીઓને જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી પ્રોડક્શન બંધ કરવાની આણ આપી દે છે. એ ગુસ્સામાં જ મેં નક્કી કરેલું છે કે- દીકરી હોય કે દીકરા…માત્ર બે. જય ગોપાલ)

૨) પગ નો દુખાવો…સાત આઠ કિલોમીટર દુર ખેતરે રોજે ભાત દેવા જવાનું. પાંચ બાળકો સાચવવાના. ઉપરથી એક વીઘામાં પથરાયેલું ઘર સંભાળવાનું. હવે કઈ? વુમન એમ્પાવરમેન્ટ? રાહુલ ગાંધીને જ ખબર હશે. મારા બા ને નહી.

૩) હિમોગ્લોબીન કમી: શું કરો…આખા ચાર- ચાર મહિનાના એક ટાણા કરવાના!! ઉપરથી ચાર સાસરે ગયેલી છોકરીઓ ની ઉપાધી. વળી એમાં એક વરસમાં છ-સાત નોકરી ફેરવી ચુકેલા અને હવે તો છોકરી જોવાની નાં પાડતા છોકરાની ઉપાધી. એમાયે હજુ બીપી ઓછું રાખવા ખાવામાં કઈ જ નહિ! મને તો આજકલ બા રોજે પૂછે છે કે નોકરી ફેરવી નથી નાખીને? ફટાફટ બુક છાપી નાખ એટલે છોકરી જોતા થઈએ. અને હું બુક કમ્પ્લીટ થઇ ગયેલી બુક હજુ પબ્લીશ કરવાની છે એમ કહીને છટકી જાવ છું (જો કે બુક સાચેજ પૂરી થઇ ગઈ છે. હવે એકવાર એક મહિનો તો વેઇટ કરો. પ્લીઝ )

૪) સો કિલો આસપાસ વજન: જીવન ભર દવાઓ પીઈ-પીઈને થયું છે. બસ. અને આજકાલ મને કહે છે કે હું વજન ઓછું કરવા પાછા એકટાણા કરવાની છું. મેં પૂછ્યું કેમ હવે? તો કહે છે કે નવી વહુને પોખવામાં ફોટામાં સારા આવે એટલે!! (વહુ શબ્દ સાંભળીને મારું બીપી વધે છે!

૫) હા તો? : તો એ જ કે આટલું બધું કરનાર વ્યક્તિના દિવસો ઉજવવા તો ઠીક…તેમની રોજે પૂજા થવી જોઈએ. એ જ તો ભગવાન છે. ક્યાં શોધીશું બીજા ભગવાનને? ચલો…ચાલો…આવું બધું વાંચીને હસતા પહેલા તમારા ‘બા’ ને ફોન લગાવો અને આશીર્વાદ માગીલો. બોસ…સાચું કહું છું…આવતા જન્મમાં શું બનવું છે એમ માગવાનું ભગવાન કહે તો હું તો તેમનો કાઠલો ઝાલીને કહી દઉં: એ ગોડ…આ ઉપર ફોટામાં દેખાય છે એના પેટમાંથી જ જન્મ થાય એવી સો વરસની ક્લોઝ લુપનું પ્રોગ્રામિંગ સેટ કરી દે. નહિ તો મારે માટે ભગવાનનું બીજું સ્વરૂપ એક ફોન-કોલ જ દુર બેઠું હશે.   હેપી મધર્સ ડે…

એક જ ફોટામાં તેમને હસવું આવેલું. તમને અજાણતા પાડેલો ફોટો!!!