આ ધરતી પર અત્યારે સાતસો કરોડ માણસ જીવે છે. સામાન્ય માણસ પોતાના જીવનકાળમાં અમુક હજાર માણસના સંપર્કમાં આવે છે. ખુબ ઓછાં માણસ એવાં મળતાં હોય છે જે ખરેખર જીવી જાણતાં હોય. હજાર માણસે એક એવું વિરલ જીવ ભટકાય જેને જીવતાં જોઇને લાગે કે – દોસ્ત, આ એકલું માણસ જ દિલ ફાડીને પ્રચંડ જીવે છે, અને બાકી બધાં તો આ ધરતી પર માત્ર ટાઈમપાસ કરે છે.
હમણાં થોડાં દિવસ પહેલાં અરબી સમુદ્રના કાંઠે-કાંઠે ચાલવાનું થયું. બે દિવસનો દરિયાઈ ટ્રેક. અમે ત્રીસ માણસો હતાં. સૌથી અજાણ અને પરમ શાંત એવાં એકાંતભર્યા એ દરિયાને કાંઠે નિજાનંદ માટે ચાલવાનું નક્કી થયેલું. અમે સૌ એ દરિયે વહેલી સવારે ચાલીએ. ધ્યાનમાં બેસીએ. દરિયાની રેતીમાં સુતા-સુતાં એનાં ઘુઘવાટા સાંભળીએ. સૌ એકલાં અલગ-અલગ ચાલે. આ અવિસ્મરણીય કોસ્ટલ ટ્રેક વિશે આટલું જ કહેવું છે કારણકે અમુક અનુભવો અને અમુક જગ્યાઓ વણખુલ્યાં રહે એજ યોગ્ય.
…પણ આ ત્રીસ માણસોમાંથી એક એવું માણસ હતું જેને જોઇને મને એમ થયું કે – દોસ્ત, આ બાળ છોકરી જ જીવે છે, અને હું તો માત્ર અહીં આ જમીન પર ટાઈમપાસ કરું છું.
મિશીકા નામ હતું એ સાત વર્ષની છોકરીનું. એની મમ્મી સાથે આવેલી. મા-દીકરી બંનેને જોઇને એમ થાય કે આ બંનેના જીવન જોઇને પણ જો સમાજમાં અન્ય માબાપ અમુક શીખ લે તો કેવી અદ્ભુત પેઢી તૈયાર થાય!
મિશીકાને દરિયાકાંઠે એકલાં-એકલાં રમતી જોઇને મને મનમાં ઊંડે-ઊંડે થયેલું કે હું કેટલાં બધાં આવરણો પહેરીને જીવું છું. જો તો ખરા આ નાનકડી છોકરી કેવું અજાણ્યું અનોખું જીવે છે! ફોર્સ ઓફ લાઈફ હતી એ. દરિયાકાંઠે ખાડા કરે. રેતીમાં આળોટે. પંખીડાઓને આકાશમાં જોઇને એમની સાથે વાતો કરે. દરિયાનું મોજું આવે એટલે દોડીને એની પાસે જાય અને હસતી-હસતી પાણીને ભેંટી લેવા મથ્યા કરે. શબ્દો વિનાનાં ગીતો ગાતી પોતાની અલ્લડ ફકીરીનું જોમ ભરી એ કાંઠે દોડ્યા કરે. શંખલા-છીપલાં વીણે. કાંઠે પડેલાં મરેલાં કરચલાને હાથમાં લઈને એને ધ્યાનથી જોતી હોય. એની અંદર એવું અતુલ્ય – ઊંડું – સંવેદના અને લાગણીઓથી છલકાતું જીવન ભર્યું હતું જે મારી અંદર પણ હતું. બસ ફર્ક એ હતો કે એ જીવતી હતી, અને મારી આસપાસ આવરણો હજાર હતાં અને જીવન અર્ધજીવિત.
અમારી દોસ્તી થઇ પિત્ઝાની વાતોને લઈને. હું એક ભાઈ સાથે બારડોલીમાં ખૂલેલાં એક પીઝા રેસ્ટોરન્ટની વાત કરતો હતો અને એ મારી બાજુમાં આવીને બોલી કે — મને પણ પિત્ઝા ખુબ ભાવે.
બસ…અમે બંને પિત્ઝાના ચાહકો ભેગાં થયાં અને અમારી કલાકો સુધી ચાલેલી વાતોને લીધે એણે મને ‘માય પિત્ઝા પાર્ટનર’ એવું નામ આપી દીધું. અમે બંનેએ અમારી કલ્પનાઓમાં એવાં-એવાં પિત્ઝા બનાવ્યાં કે યાર શું લખું! વાતો ચાલુ થયેલી ડોમિનોઝના ડબલ ચીઝ પિત્ઝા અને લા’પીનોઝના સેવન ચીઝથી, અમારે મોઢામાં પાણી વછૂટતા હતાં. અમે બંને એ નક્કી કર્યું કે મિશીકા પોતાના પિગીબેંક (ગલ્લાં) માંથી મને ચારસો રૂપિયાનું પોતાનું સેવિંગ્સ આપશે, અને હું મારી સેલેરી આપીશ અને અમે બંને “Jimmi’s cheese pizza” નામનું પીઝા પાર્લર ખોલશું. (‘જીમી’ નામમાં ‘જી’ ફોર જીતેશ, અને ‘મી’ ફોર મિશીકા!)
…અને પછી તો શું કહેવું…
મેં દરિયાની રેતીમાં પિત્ઝાની એક સ્લાઈઝ દોરી. એમાં ટોપીંગ્સ દોર્યા. મિશીકા દોડતી આવી અને શંખલાઓ નાખીને એ સ્લાઈસ ઉપર ચીઝ પાથર્યું. ગોળ છીપલાંના ટોપીંગ્સ નાખ્યાં. અમે બંને એ પિત્ઝા સામું જોઇને ઉભાં રહ્યાં. પછી ધીમેથી આ નાનકડી બાળકીએ પીઝાને ઊંચકવાની એક્ટિંગ કરીને એક ટૂકડો ખાધો. પોતાના હોઠ પરનું ઈમેજીન કરેલું ચીઝ જીભથી ચાંટી લીધું. મને પિત્ઝા આપ્યો.મેં એક બટકું ખાધું. પછી મેં એને સ્લાઈસ પાછી આપી. એ સ્લાઈસ એણે દરિયા ઉપર ફેંકી અને મને કહે –
“પિત્ઝા પાર્ટનર…હવે તું વિચાર કે આ આખો દરિયો એક પિત્ઝા છે”
મેં વિચાર્યું. અમે બંને દરિયા સામું જોઇને એને અમારાં પિત્ઝાની જેમ જોઈ રહ્યાં. ચીઝ બર્સ્ટ ફ્લફી પિત્ઝા. પછી મિશીકા મને કહે –
“પાછળ પવન ચક્કી છે, એની એક બ્લેડ લઇ આવ”
મેં પાછળ દરિયાથી દૂર મોટી પવનચક્કી જોઈ. મારો હાથ લંબાવીને એક બ્લેડ તોડવાની એક્ટિંગ કરી.
“પિત્ઝા પાર્ટનર…ચલ હવે આ દરિયાના પિત્ઝાની મોટી સ્લાઈસ કર”
મેં પવનચક્કીની બ્લેડને ચપ્પું બનાવીને પિત્ઝાની સ્લાસ કરી.
“ચલ…હવે તું પંખી બનીજા અને પિત્ઝા પર ઉડતાં-ઉડતાં તું ઓરેગાનો છાંટ..” એ બોલી. મેં મારા હાથ ફેલાવ્યા. મનથી ઉડ્યો. દરિયાની સાઈઝના પિત્ઝા ઉપર ઉડતાં-ઉડતાં મેં મારી પાંખોમાંથી ઓરેગાનો છાંટ્યો!
અમારી દોસ્તી જામતી ગઈ અને મારી અંદર કશુંક થીજેલું-ઠરેલું તૂટતું ગયું. એક સાત વર્ષની છોકરી પોતાના જીવતરના ઝમીરને દેખાડીને મારી અંદર રહેલાં અર્ધજાગૃત – ઉદાસ – નોકરીના બોજથી દબાયેલાં – ભટકેલા જીવનને તોડવા લાગી પિત્ઝાનાં ટૂકડાની જેમ. ઓવનમાં રાખેલાં પિત્ઝામાં જેમ ચીઝ ઓગળે એમ મારી અંદર કશુંક ઓગળ્યું જે મને ફરી જીવતું જાગતું કરી રહ્યું હતું.અમે તો કેટકેટલી વાતો કરી શું કહું? ત્રણ દિવસને અંતે બધાં છૂટા પડી રહ્યા હતા ત્યારે મારી પિત્ઝા પાર્ટનરને અલવિદા કહેવાનો સમય આવ્યો. મેં એની બાજુમાં જઈને કહ્યું-
“પિત્ઝા પાર્ટનર…આઈ વીલ મિસ યું”
એ હસી પડી. મને કહે – “તું તો જો…હજુ તો આપણે જીમી’સ ચીઝ પીઝા ખોલવાનું છે.”
“તારું સપનું શું છે?” મેં એને પૂછ્યું.
“તું પહેલા બોલ. તારું સપનું શું છે?” એણે મને પૂછ્યું.
“મારે પંખીડું બનવું છે, અને આખી દુનિયા ઉપર ઉડવું છે. હવે તું કહે – તારું સપનું?” મેં પૂછ્યું.
“અમ્મ્મ…મારે લાઈફને એન્જોય કરવી છે. બસ” એ બોલી. એ શબ્દો સાંભળીને શરીરમાં લખલખું પસાર થઇ ગયું. સાત વર્ષની છોકરીના એ સીધાસાદા શબ્દો હું જીવનભર નહીં ભૂલું. જીવ્યાં કરીશ.
અમે બંનેએ ટચલી આંગળી ભેગી કરીને ફ્રેન્ડશીપ કરી. થોડીવાર એક બેંચ પર અમે બંને નિરાંતે બેઠાં. મારે એની સાથે મારો ફોટો લેવો હતો પરંતુ ન લીધો કારણકે અમુક યાદો માત્ર દિલમાં સંઘરી રાખવાની હતી. કેમેરાની લાયકાત અમારી યાદો પાસે ટૂંકી હતી. છેલ્લે જતી વખતે મેં એને અલવિદા કર્યું. ઉપર આકાશ સામું જોઇને મેં કુદરતને કહ્યું –
“એ કૂદરત…જો આ જન્મે મને દીકરી આપે તો મિશીકા જેવી ભરપુર આપજે.”
***
મિશીકાની મમ્મીનું નામ છે મૃગા. મિશીકા સાથે મૃગા દરિયે રમતી હોય ત્યારે એ ચિત્ર જોઇને ધરતી સિવાય સ્વર્ગ બીજે ક્યાંય નહીં હોય એવું લાગે. મેં આ એવી મમ્મી જોઈ જેવી અન્ય કોઈ નથી જોઈ. મિશીકા જેવાં દરેક બાળક જન્મથી હોય છે. પરંતુ દરેક બાળકને મૃગા જેવી મા નથી હોતી. દરેક બાળક મિશીકા જેવું જ જીંદગીથી ભરપુર હોય છે, પણ ફર્ક એટલો કે માબાપ જે બાળકને સતત રોકે-ટોકે-ડરાવે-ધમકાવે અને એની ચારેતરફ જે સરહદો પેદા કરી દેતાં હોય છે એ બાળકો જીવવાનું ભૂલી જતાં હોય છે. આવું ‘માબાપ-પણું’ મૃગાએ નથી કર્યું. એ એની દીકરીનું દૂરથી બધું જ ધ્યાન રાખે છે પરંતુ ડગલે-પગલે રોકતી નથી. સ્વતંત્રતા મૃગા અને મૃગાની મિશીકામાં ભરપુર ભરી છે. કાશ…આજકાલના બાળક પ્રત્યે માબાપની ‘અતિરેક’ ભરી જાગૃતતા, કાળજીઓ, રોકટોક ઓછું થાય અને મૃગાબેન જેવાં વિચારો સૌને મળે.
(મા-દીકરીનો ફોટો)

અમે છુટા પડ્યા એના અમુક દિવસો બાદ મિશીકા એ દોરેલો ઉડતો પિત્ઝા!

ખુબજ સુંદર ❤️
LikeLike