અહીં લખેલી કાળી અંધારી વાત દરેક માનવીના માનસપટમાં નોખી હશે.

જે માણસ મારા દોસ્ત કૃણાલ અને એકતાને નજીકથી જાણતો નથી એમનાં માટે આ માત્ર ગોજારી અણધારી દુઃખદ ઘટના છે.

જે એમનાં દોસ્ત છે એ સૌ અત્યંત દુઃખી અને ચૂપ છે. કૃણાલ-એકતાનો આ એક દોસ્ત રડતી આંખે અને પીડાયેલા આત્માને નીચોવીને અહીં કશુંક લખી શકી રહ્યો છે.

પરંતુ જે પુરુષ ભરયુવાનીમાં અણધાર્યો ચાલ્યો ગયો એની પત્ની એકતા માટે આ ગોજારો આઘાત વર્ષો સુધી ન જનારું, દિવસ-રાત ચાલનારું કાળું ગોજારું સપનું છે. એ ચુપ છે. રડી નથી શકી રહી. આંસુ નીકળતાં નથી. ગળેથી અવાજ બંધ થઇ ગયો છે. એની નજર સામે સાહેબજીનો ફોટો છે જેને જોઇને એમનાં ન હોવાની કાળમીંઢ હકીકતનો હજુ સ્વીકાર નથી થઇ શક્યો. એનાં અસ્તિત્વમાં ભેંકાર સન્નાટો પ્રસરી ગયો છે જેને કોઈ ‘સમય’ સાજો નહીં કરી શકે.

દિવસે બેસણા પુરા થયા છે પછી એક રૂમ-રસોડા વાળા એ ઘરમાં એક એવી સ્ત્રી રોજે એકલી વધે છે જેનાં ખોળામાં અગિયાર મહિનાનો તસ્મૈ દીકરો છે જેને એ હાલરડું ગાય છે. એ સ્ત્રીના હાથમાં ચાર હજારના પગારની બાળમંદિરની નોકરી હતી જેમાંથી એણે દીકરાને સાચવવા વરસ પહેલાં જ રજા લઇ લીધેલી. આ ઘરમાં ચારેકોર એનાં ભરથાર, એનાં જીવ, એનાં સર્વસ્વ અસ્તિત્વ એવાં કૃણાલની યાદો સ્થિરતાથી બેઠી છે. જ્યાં-જ્યાં નજર કરે ત્યાં સાહેબજીના ચહેરાં આ છોકરીને આજીવન હળવું હસી પણ ન શકે એવો રોગ દઈ ચુક્યા છે.

એ જ ઘરમાં ખૂણે એકતાની બહેનપણી જેવી મા હોય છે. એકતા એને સાસુમા નથી કહેતી. માત્ર મા. એ માએ તો પતિ અને દીકરા બંનેને બાળ ઉંમરમાં ખોયા છે. એક મા માટે પોતાના સંતાનની નનામી જોયાથી મોટું મૃત્યુ ખુદનું પણ નથી હોતું. ત્યાં એ ઉંમરની ઓથે બેઠેલ સ્ત્રીમાં ખુદના અંતની રાહ નથી હોતી. ખુદનો અંત થઇ ગયો. જે વધ્યું એ માત્ર ખોખલું ખોળિયું છે.

*

કૃણાલ નાનકડાં પગારમાં હીરા ઘસતો, પરંતુ એ માણસ અનોખો હીરો હતો. કૃણાલ જ્યારે સાવ નાનો હતો ત્યારે પપ્પાનું અવસાન થઇ ગયેલું. માએ પેટે પાટા બાંધીને મોટો કરેલો. જે માણસે બાળપણમાં જ ઘરમાં અંધારા જોઈ લીધેલા એ માણસે નક્કી કરીને રાખેલું કે એ ખુદ રોશની બનશે. એ વધું ભણ્યો નહીં. મા પર ભાર ન બને એટલે હીરા ઘસવાનું ચાલુ કરી દીધેલું. જેમ-તેમ આર્થિક ગાડું ચાલતું. મોટી ઉંમર સુધી લગ્ન ન થયા કારણ કે જગત તો રૂપિયા-સંપતિ પહેલાં જુએને! હીરા ઘસતો માણસ પોતે કોહિનૂર હોય એ કોને દેખાય? એ મારો દોસ્ત બન્યા પછી એનાં ઘરે હું કેટલીયે વાર ગયો. પ્રેમતત્વના પાયે જે પરિવાર બન્યો હોય એમાં મોટા બંગલા ગાડીઓની જરૂર નથી હોતી સાહેબ. આ સાહેબજીનું ઘર સ્વર્ગથી ઉતરતું ન હતું. કેવો અનોખો સત્કાર! એવો માણસ જે તમને ગમે ત્યાં હો લેવા આવી જાય અને એને મળો એટલે એની આંખો જોઇને તરત જ ભેંટી પડવાનું મન થાય. જીંદગીને એણે ઉત્સવની જેમ ઉજવેલી. માને શ્રવણની જેમ સાચવી. એકતાને પોતાનું સર્વસ્વ આપી દીધેલું. પોતે કપડા ન લેતો. પોતે બહાર હોટલમાં ખાવા ન જતો. પોતે નોકરીમાં એકપણ દિવસની રજા ન રાખતો, પણ ખુદની જરૂરિયાતોથી પર થઈને જીવનારો આ પ્રેમ-જોગીડો જતો રહ્યો. સોશિયલ મીડિયા પર એ એકતાના રસોઈ પ્રયોગો કહે કે કોઈ હળવી રમૂજ…એ સૌના પાયામાં એક એવો મરદ હોય જે અંધારા ઓલાવનારો હોય. એ હાસ્યને અને આનંદને ચાહે કારણ કે અંધારાઓ ઓગાળવા એની જાતમાં હોય.

એકતા જ્યારે એનાં જીવનમાં આવેલી ત્યારે એ પણ મોટી ઉંમરની હતી. અલગ જ્ઞાતિ હતી. એનો સુરતનું પિયર પણ નાનકડાં લગ્ન કરાવી શકે એવું હતું. હું બંનેને અલગ-અલગ રીતે મારા દોસ્ત તરીકે જાણતો. એકવાર મેં બંનેને કહેલું કે મારી ઈચ્છા છે કે એ બંને મળે, અને એકબીજાને પસંદ આવે તો જ્ઞાતિ-સમાજ જોયાં વિના લગ્ન કરી લે. મેં એમનું મળવાનું વડોદરામાં ગોઠવ્યું. એ બંને મળ્યાં. મળીને બંને મને મળવા આવ્યાં. બસ…એ કપલને મેં ભેગું જોયું અને એમની આંખોમાં જે એકબીજાને પ્રેમ કરવાની જે જીજીવિષા જોઈ. એ ઉર્જાને કોઈ શબ્દો નથી. મેં તરત જ એકતાના પપ્પા અને ભાઈ સાથે વાતો કરી અમે અમુક મહિનામાં તો નાનકડાં ગાયત્રી લગ્ન પણ ગોઠવી લીધા.

લગ્નના બીજા દિવસે એકતાએ મને અમસ્તા જ કોલ કરેલો. હું એમનાં લગ્નમાં વચ્ચે હતો છતાં બેંગ્લોરથી અમદાવાદ ગયેલો નહીં એટલે ફરિયાદ કરતી હતી. ફોન મુકતા પહેલાં મેં છેલ્લે કહેલું કે – ‘એકતું…મને ખબર છે કે છોકરી સાસરે જાય અને અજાણ્યું ઘર હોય, પરંતુ કૃણાલને અને એનાં મમ્મીને પાંચ વર્ષ આપ. તું પ્રેમ આપીશ એટલે આપોઆપ તમને સૌને એકબીજાથી પ્રેમ થઇ જશે’

એકતા-કૃણાલે એકબીજાને ભરપૂર પ્રેમ આપ્યો. અનપેક્ષિત. એકધારો. અવિરતપણે. એમનું જીવન જોઇને હું શીખતો. કેટલાંયે લોકોને ઉદાહરણ આપતો. આવા પ્રેમીઓ આ ધરતી ઉપર રેર હોય છે. હજાર માણસે એક-બે હોય છે.

કૃણાલના ગયા પછી ગઈકાલે એકતાને હિંમત કરીને કોલ કર્યો. એ પ્રયત્ન કરીને મને એટલું પૂછી શકી કે  – ‘જીતું…મેં પાંચ વર્ષમાં પચાસ વર્ષનો પ્રેમ કર્યો, પણ હવે શું કરું?’

એકતા…વ્હાલી દોસ્ત. મારી પાસે આંસુ સિવાય જવાબમાં કશું જ નથી દોસ્ત. કશું જ નથી. તારો પ્રેમ અજરામર રહે. તારા બાળકમાં એ જીવતો રહે. તારી ઉર્જા બનીને કૃણાલ તારી સાથે જીવનભર રહે…બધુ જ મારી ઝંખનાઓમાં છે. મને સતત થાય છે કે સમય તને સાજી કરશે. થાય છે કે દીકરામાં જીવ પરોવીને તું જીવતર ચલાવી લઈશ. પણ…તું દોસ્ત મને એવો સવાલ આપી રહી છે જેનાં કોઈ જવાબ નથી.

*

બે પ્રેમાળ હંસલામાંથી એક હંસલો ઉડી ગયો અને પાછળનું આખું માનસરોવર સુકાઈ ગયું છે. આ લખાણ કોઈને પીડિત કરવા કે દયા જગાવવા નથી લખ્યું પણ મારા દુઃખની વાચા ફૂટી છે. શું કરું. જે વ્યક્તિ એ જીવતર રેડીને પ્રેમ કર્યો એ પાછળ વધેલી સ્ત્રી હવે મને કહે છે કે – મને મારા સાહેબજી સતત દેખાય છે, સંભળાય છે. એની સુગંધ-યાદ-અવાજ એટલા તીવ્ર છે કે મારા ઊંઘ-ભૂખ-અવાજ ક્યાંક જતાં રહ્યા છે અને જે વધ્યું છે એ માત્ર સાહેબજી. હું ક્યારેય ઉભી નહીં થઇ શકું. હવે કુદરતના કર્મના નિયમોમાં વિશ્વાસ રાખી નહીં શકું. હું સૌને કહીશ કે ‘પ્રેમ કરજો, પણ મેં કરેલો એટલો બધો નહીં કરતાં. કારણ કે જ્યારે એ માણસ જાય છે પછી કશું જ વધતું નથી. કશું જ નહી. જીવન નહીં. મોત પણ નહીં’

બસ…હવે આટલું લખતાં આ લેખકની આંખે પણ થાક્યા છે. બસ આ કુદરતને એટલું કહીશ કે બાપ…મારી દોસ્તને સાચવી લેજે.

*

કૃણાલના ગયા પછી ઘરની આર્થિક સ્થિતિ ખુબ કપરી હોવાની. એકતા જ્યારે થોડી સાજી થશે ત્યારે અમે દોસ્ત લોકો એને માટે સારી નોકરી શોધી આપીશું, પરંતુ હાલ અમુક વર્ષ માટે, દીકરા અને માના આર્થિક સપોર્ટ માટે હું કોઈ પણ ખચકાટ વિના અહીં પહેલ કરવા માગું છે કે જો તમે પહોંચી શકો તો મદદ કરજો. એની પરવાનગી મેં માગી છે. એનાં પરિવારની પરવાનગી માંગી છે. માણસની ખોટ તો ક્યારેય નહીં પુરાય, પણ આર્થિક ટેકો હશે તો કડવા સમયમાં કામ આવશે. કૃણાલ-એકતાના દીકરા તસ્મૈનું ભણતર હમણાં ત્રણ-ચાર વર્ષમાં ચાલુ થશે, અને તમારું યોગદાન એમાં જશે. મંદિરની તકતીઓ કે દીવાલો બનવામાં લાગે કે દાન હોય. અહીં જે મેં માંગ્યું છે એ દાન ન ગણવું. બસ મારી દોસ્તનું બાકીનું આર્થિક જીવન ટકી રહે એનો સહયોગ છે.

Phonepe & Paytm થકી આ નંબર છે: 99743 49570

એકતાનું બેંક અકાઉન્ટ:

Account: Mrs. Darji Ekta Krunal

Account number: 11302413000598

IFSC: PUNB0113010

Branch: Punjab National Bank, Naroda

A love letter to my best અદૃશ્ય friend!

જો હું મરણ-પથારીએ હોઉં. બોલી શકવાની તાકાત હોય. આસપાસ મારા પરિવારના બધા જ વહાલાં માણસો હોય. મારી સાથે લોહીથી જોડાયેલાં બધાં જ મારા પલંગ ફરતે ઉભા હોય અને છેલ્લે પૂછવામાં આવે કે – “તારે એવું કોઈ માણસ ખરું કે જેને મળવાનું મન હોય?”

…તો એવાં સમયે પહેલું નામ એક જ આવે – “તેજસભાઈને જોવાં છે.”

યસ…એક એવો જીગરજાન યાર જેને મેં આઠ વર્ષની દોસ્તીમાં હજુ સુધી ક્યારેય જોયો નથી! અમે રૂબરૂ મળ્યાં જ નથી. માત્ર ફોન પર સેંકડો કલાકો સુધી વાતો કરી છે. મેં માત્ર એને ઈમેજીન કરેલો છે જે તેજસભાઈ, મારી જીગરી, મારો ભેરું કેવો દેખાતો હશે.

અમારી વાર્તા માંડીને કરું.

તેજસ દવે નામ છે એનું. વર્ષ 2014 હશે. મને વોટ્સએપમાં મારી નવલકથા ‘વિશ્વમાનવ’ વિષે એક રીવ્યું આવ્યો. એ રીવ્યુંના શબ્દો વાંચીને થયું કે કૃતિને આટલી ઊંડી સમજી શકનારું આ કોણ હશે? અમે વોટ્સએપ પર વાત ચાલુ કરી. મેં ફોન કર્યો. એક કલાક વાત ચાલી.

બે દિવસ ગયા. મેં ફરી ફોન કર્યો. ફરી અમે મારા પાત્રોના જીવન અને એમનાં મનોવિજ્ઞાન વિષે કલાકો વાતો કરી. હું જે શબ્દોમાં કહી નહોતો શક્યો એ બધું જ એ માણસ સમજી શકતો હતો. કોઈ અજીબ જાદુ હતો એમનાં અવાજમાં. એમની સમજણમાં ગજબ ઊંડાણ હતું. એમનાં વર્લ્ડવ્યુંમાં જાણે એટલું બધું ભર્યું હતું કે એ બીજીવાર કરેલો ફોન મુક્યો અને ખબર પડી ગઈ કે – આ માણસ જીંદગીભર ભેગો રહેશે.

ફરી ફોન કર્યો ત્યારે મેં પૂછ્યું – “દોસ્ત…તમે છો કોણ? તમારા નામ સિવાય કશુંક કહેશો?”

તો એ કહે – “તું મને શોધીશ ઇન્ટરનેટ પર શોધીશ તો નહીં મળું. એકવીસમી સદીમાં પણ મારો ફોટો ક્યાંય નહીં દેખાય. હું બસ તારો એક એવો દોસ્ત છું જે માત્ર અવાજોથી જોડાયેલો રહેશે. હું અને તું લગભગ ક્યારેય મળશું નહીં. હું તારી બાજુમાંથી ઘણીવાર નીકળ્યો છું, પણ હું તને ક્યારેય ઉભો રાખીને કહીશ નહીં કે હું તેજસ છું. તું કેટલીયે વાર મને અમદાવાદમાં દેખાયો છે. મેં તને જોયો છે. છતાં, તું મને ક્યારેય જોઇશ નહીં.”

એ સમયે તો એ વાત સાંભળીને હસવું આવેલું. એમનાં કામ વિશે પૂછ્યું તો ખબર પડી કે ‘ઈસરો’માં સાયન્ટીસ્ટ છે! એક વૈજ્ઞાનિક! અમેરિકાની MIT (મેસેચ્યુસેટ) જોડે કામ કરેલું છે! ઈસરોના મિશનોમાં અગ્રેસર કામ કરનારો માણસ. મારા કરતાં ઉંમરમાં સાત-આઠ વર્ષ મોટો. જ્ઞાન કે વાંચનમાં સીતેર-એંશી વર્ષ મોટો. જીંદગીને જીવવાની એની રીત એવી કે એના વિચારોમાં એ મારા કરતાં (અને જગત કરતાં) જાણે સાતસો-આઠસો વર્ષ મોટો!

અમારી વાતો ફોન પર ચાલ્યા કરી. આઠ-દસ દિવસ થાય અને અમે બંનેમાંથી કોઈ એક કોલ કરી જ દે. ફોનમાં ‘Reader Tejas Dave Isro’ લખેલું આવે અને ચહેરાં પર ગજબ ખુશી થાય. રાત્રે બાર વાગ્યે ફોન આવ્યો હોય તો અઢી-ત્રણ વાગ્યે ફોન મૂકીએ. એમનાં ચહેરાંને હું ઈમેજીન કરું. એમનું ઘર કે નોકરી કેવાં હશે એ હું ઈમેજીન કરું. અમારી વાતોનો સ્પેક્ટ્રમ એવો વિશાળ કે ક્યારેક મારી બા વિષે શરુ થયેલી વાતો યુનિવર્સની વિશાળતાને સમજતા-સમજતાં પૂરી થાય. અમારી વાતોમાં ધીમે-ધીમે આવ્યાં : સાયન્સ. સ્પેસ. યુનિવર્સ. પરિવાર. સાહિત્ય. સિનેમા. વિચારકો. વાચનયાત્રા. મારાં રખડવાના અનુભવો. અમારા જીંદગી જીવવા ઝનૂન. મારા સપનાઓ. મારી ફરિયાદો.  

ધીમે-ધીમે બે ત્રણ વર્ષની અમારી એ દોસ્તી પછી ખબર પડી કે – મારા આ જીગરી યારને ક્યારેય જીવનની કોઈ જ ફરિયાદ નથી! એણે ક્યારેય મારી પાસે કોઈ તકલીફ શેર નથી કરી! (આજે અમારી દોસ્તના સાત વર્ષને અંતે પણ હજુ સુધી મેં ક્યારેય તેજસભાઈ તરફથી કોઈ જીવન પ્રત્યે કોઈ ફરિયાદ સાંભળી નથી). એવું માણસ જેણે પરિવારને પૂર્ણપ્રેમ કર્યો છે. એણે લવમેરેજ કરેલાં. પતિ-પત્ની લગ્નના વર્ષો પછી પણ ઘણીવાર આખી રાતો જાગીને એકબીજા સાથે વાતો કરતાં હોય એવો સહજ પ્રેમ. એમને વાતોવાતોમાં સવાર પડી જાય ત્યારે ખબર પડે કે સવાર થઇ ગઈ! એ માણસે પરિવારને એટલો પ્રેમ કર્યો છે કે મેં ૨૦૨૧માં એમની દીકરી અને દીકરા સાથે વાતો કરેલી ત્યારે એ છોકરાઓના વિચારો જોઇને ખબર પડી કે આ માબાપ તો આખો પેરન્ટીન્ગનો માસ્ટરક્લાસ છે.

આ Invisible દોસ્ત સાથે દોસ્તીના ચાર-પાંચ વર્ષ થયા અને અમે એકબીજાને ઘણાં સમજી ગયા. ઘણીવાર રાત્રે ફોન આવે અને હું ફોન લઈને હસતો ઉભો થાઉં એટલે કલ્પિતાને ખબર પડી જાય કે તેજસભાઈનો ફોન આવ્યો હશે. કલ્પિતા કહે – “સવાર થાય ત્યાં સુધીમાં પાછો આવી જઈશ?”

…અને થાય પણ એવું! મોડે સુધી વાતો કરતાં કરતાં એટલું બધું શીખવા મળ્યું હોય કે રાત્રે સુવા જાઉં તો ચહેરાં પર જાણે અજીબ નિરાંત અને ખુશી હોય. મારો દોસ્ત. મારો ગુરુ. મારો પિતાતુલ્ય ભેરું. એ વ્યક્તિ જેણે મને ‘પ્રેમ શું છે’ એ વિષે એક શબ્દ પણ કહ્યો નથી છતાં, એનાં જીવન-કવનને જોઇને પ્રેમતત્વને મેં પામ્યું. એણે ‘મને બાળક કેમ ઉછેરવું’ એ વિષે ક્યારેય કશું કહ્યું નથી છતાં મને ખબર છે કે મારે સંતાન થશે ત્યારે એને કેમ ઉછેરીશ. એ માણસ મારા ડીપ્રેશનની દવા હતો.

‘ધ રામબાઈ’ નવલકથા પૂરી થયેલી અને લોન્ચ થઇ રહી હતી ત્યારે હું ડીપ્રેશનમાં હતો. મને ખબર ન હતી કે મારું એ પુસ્તક દુનિયાને ગમશે. દિમાગ પર ડીપ્રેશન હતું. એ રાત્રે મેં તેજસ દવેને ફોન કર્યો. મને કહે –

“તું અગાશી પર જા.” હું અગાશી પર ગયો. અંધારામાં ઉભો રહ્યો.

“હવે તું ઉપર જો” એમણે કહ્યું. મેં ઉપર જોયું. તારલાઓ ભરેલું આકાશ તગતગી રહ્યું હતું.

“એ આકાશ સામું થોડીવાર જોઇ લે” એમણે કહ્યું. મેં પાંચ મિનીટ સુધી એ આકાશ તરફ જોયું. પછી ધીમેથી તેજસભાઈ એટલું બોલ્યા કે –

“ભાઈ…તું એ અનંત આભ છે. તું બ્રમ્હાંડ છે. તારે ઉભું નથી રહેવાનું. તું સતત વિસ્તરતી જાત છે. તારે સરહદ સીમાડાં નથી મારા દોસ્ત. તું એક કહાની કહીને એનાં પરફોર્મન્સને જોવાં ઉભો રહીશ? તું ઉભો રહીશ? તારે તો ચમકવાનું છે. તારે ચાંદાની જેમ ઉધાર રોશની નહીં મળે પડે. તું તારી ભ્રમણકક્ષા બદલી નાખ. તારી ખુદનું ગુરુત્વ બળ વાપરીને જતો રહે નવી ભ્રમણકક્ષામાં. તારે આવનારી કહાની માટે વિસ્તારવાનું છે મારા આકાશ! તારે જૂનાને જોઇને બેસવાનું નથી.”

બસ…એ શબ્દો આવ્યાં અને અમારી અનુભૂતિઓ જોડાઈ ગઈ. તેજસ દવે મારી ભ્રમણકક્ષા બદલી શકનારો દોસ્ત.

*

તેજસભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે પૂર્ણ રીતે ક્ષણને જીવી શકનારો રેર માણસ છે. એને ભવિષ્યની કોઈ ઉપાધી નથી. ભૂતકાળનો કોઈ રંજ નથી. એ વર્તમાનમાં જીવતો એક અંત:જાગૃત માણસ છે. અમારી વાતો ક્યારેય એવી ઉંચાઈ પર જતી રહે જ્યાં અંતિમ શિખર “મૌન” હોય. અમે ચૂપ થઇ જઈએ. આ લખું છું ત્યારે એક મજાની વાત યાદ આવે છે. તે દિવસે તેજસભાઈ ફોન પર કહેતાં હતાં :

“હું ઘણીવાર ફૂટપાઠ પર ચાલતો હોઉં, અને તરત જ ઉભો રહી જાઉં. હું અનુભૂતિ કરી શકું કે ‘ક્ષણ’ મારી અંદરથી પસાર થઇ રહી છે. હું જાગૃત હોઉં. મારી અંદરથી એક બીજો માણસ બહાર નીકળે જે મારી જીંદગીને એ રીતે નિહાળી શકે છે કે ઘણીવાર હું ઉભો રહું. મારી સંવેદનાઓ એટલી જાગૃત હોય કે હું મારા શરીરના રોમરોમમાં જોઈ શકતો હોય અને બહારના આખા યુનિવર્સને જોઈ શકતો હોય. એ સમયે હું એક વર્તમાનની ક્ષણને બાજુમાંથી પસાર થવા દઉં. હું એ ક્ષણને જીવતો નથી. હું એની બાજુમાંથી નીકળું છું. એ મારી બાજુમાંથી નીકળે છે. હું એની સામે હસું છું. મારું અસ્તિત્વ અને એ ક્ષણ એક જ છે, છતાં ક્યારેય મારી અંદરનો બીજો માણસ બધું જ થંભાવીને આખા અસ્તિત્વથી અલગ થઈને એને સાક્ષીભાવે જુએ છે. હસે છે. ક્ષણને પંપાળે છે. એને પકડીને મારી અંદર જોડી દે છે. હું ફરી ચાલવા લાગુ છું. ફરી વર્તમાનને જીવતો થઇ જાઉં છું. ચાલતાં- ચાલતાં હસી પડું છું.”

અમારી બંનેની અસ્તિત્વને સમજવાની ખોજ અને અનુભૂતિઓ ઘણીવાર એવી હોય કે કોઈ નજીકના માણસનું મૃત્યુ થયું હોય તો અમારી અંદરથી પસાર થતી દુઃખની ક્ષણને પણ સાક્ષીભાવે જોઈ શકીએ. દુઃખના અસ્તિત્વને ભેંટી શકીએ.

મેં અને તેજસભાઈએ દોસ્તીના સાતેક વર્ષ પછી એવી કેટલીયે વિચારધારાઓ પર શોધખોળ કરી હશે કે જેમાં વિશ્વના કેટલાંયે મૂલ્યવાન કોન્સેપ્ટ અમારે માટે નકામાં છે! હા…અમે એવાં ભેરું છીએ જેને માટે સફળતાની વ્યાખ્યાઓ ખૂબ અલગ છે. અમે બંનેને પ્રસિદ્ધિઓ નથી જોઈતી. એટલું કમાઈએ છીએ કે વધું પૈસો નથી જોઈતો. એટલું અનુભવ્યું છે કે આનંદ માટે અમારે બહારની લાંબી જાત્રાઓની જરૂર નથી. એટલું મીઠું જીવતાં શીખ્યા છીએ કે ટાગોરની કવિતાની અંદર આવતી ‘સ્વતંત્રતા’ અમારી અંદર ક્ષણેક્ષણ જીવ્યા કરે છે. અને ક્યારેય જો પાટા પરથી ગાડી ઉતરી જાય ત્યારે મારી પાસે તેજસ દવે એક ફોનકોલ જેટલા જ દૂર છે. હું હેઠો પડું ત્યારે કાંડું પકડીને બચાવી લેનારો અદૃશ્ય દોસ્ત છે.  

*

‘વર્તમાન’માં જીવવાની અમારી વાતોવાતોમાં અમે એકદિવસ કોઈ અજીબ ડિસ્કશન પર પહોંચ્યા હતાં. હ્યુમન માઈન્ડ, ઇન્ટલએકચ્યુઅલ બીયિંગ, એલિયન્સ, ટાઈમ, કોસમોસની વાતો ચાલતી હતી. અમે એક કોન્સેપ્ટ પર આવ્યાં કે –

“આપણે ક્યાંથી આવ્યાં એ આપણને ખબર નથી. આપણે મૃત્યુ પછી ક્યાં જવાના એ ખબર નથી. આપણે માની કોખેથી બહાર નીકળીને પહેલીવાર શ્વાસ લીધો ત્યાંથી લઈને છેલ્લાં શ્વાસ સુધી જ ‘આપણે’ છીએ. એમાં પણ ભૂતકાળ જતો રહ્યો છે. ભવિષ્યની ખબર નથી. માત્ર વર્તમાન છે! આ ‘જીવની ક્ષણ’ જ માત્ર અત્યારે ચાલી રહી છે. આ ક્ષણ જ સત્ય છે. આ ક્ષણે આપણે જે કશું પણ છીએ એ ‘થોડી જ ક્ષણો પહેલાં’ આપણે કરેલી ‘માઈક્રો ચોઈસીસ’નો સરવાળો છે. આપણે જો Aware હોઈએ તો આપણને ખબર હોય છે કે આપણે અત્યારે આપણે જે કશું પણ કરી રહ્યા છીએ એ દરેક કર્મની ગતી શું હશે. આપણે સંપૂર્ણપણે ચૈતન્યથી અને ચેતાતંત્રથી જાગૃત હોઈએ તો આપણે અનુભવી શકીશું કે વર્તમાનની દરેક ચોઈસ, દરેક ક્રિયા, દરેક વિચારની પાછળ હજુ જસ્ટ અમુક સેકન્ડ પહેલાં શું ચોઈસ કરી, શું ક્રિયા કરી, કેવો વિચાર કર્યો એ બધું જ નક્કી કરે છે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. આખું કોસમોસ માત્ર એનાં વર્તમાનની પહેલાંની અમુક ક્ષણોની ચોઈસનો સરવાળો છે. આ વર્તમાનની ક્ષણ એટલે t = 0. વર્તમાનની દરેક ક્રિયાનું મૂળત: કર્મ એટલે t માં જીવાયેલું જીવન. ( ).

(આ પોસ્ટમાં જે ફોટો છે એમાં ઉપર કહ્યું એ દોર્યું છે. પ્લસ મેં તેજસભાઈને દોર્યા છે)

*

તેજસભાઈ સાથે આટલાં વર્ષ પછી હજુ મેં જોયાં નથી. મારે હવે જોવાં નથી. કારણ એ છે કે મારા ઈમેજીનેશનમાં તેજસ દવે છે, અને એ વ્યક્તિ એટલો રીયલ છે કે રીયલ માણસને જોવાનું હવે મન નથી. મારા ઈમેજીશનનો તેજસ દવે પાતળો છે. વાળમાં એક તરફ પાથી પાડે છે. શર્ટીંગ કરે છે. પરિવાર સાથે ધાબા ઉપર બેઠાબેઠા રોજે રાત્રે આકાશને જુએ છે. પોતાના બાળકોને સેંકડો વાર્તાઓ કહે છે. પોતાની પત્નીને ચિક્કાર પ્રેમ કરે છે. પોતાના માબાપને જીવથી વધું વ્હાલ કરે છે. એ લાખોપતિ માણસ છે. એનાં મકાનની આકાશી પર સ્વિમિંગ પુલ છે. છતાં એને એ ભૌતિક સુખનું તસુભાર પણ અભિમાન નથી. એ યુનિવર્સનું બાળ છે. એ આ દેશના મહત્વના મિશનોમાં ક્યાંકને ક્યાંક પાયામાં છે. એ જ્યાં પણ  છે એ વર્તમાનમાં જીવી રહ્યો છે. આનંદ એનો સ્વભાવ છે. એ પોતે ઉત્સવ છે.    

*

મારા લગ્નમાં ઘોડીએ ચડતો હતો ત્યારે મારા બધા જીગરી યારો મારી આસપાસ હતાં. તેજસ દવે ન હતો. મને ભારે યાદ આવેલો. એને જોવા મેં આકાશ તરફ જોયું. એ મારી સાથે જ હતો.

Jimmy’s Cheese Pizza

આ ધરતી પર અત્યારે સાતસો કરોડ માણસ જીવે છે. સામાન્ય માણસ પોતાના જીવનકાળમાં અમુક હજાર માણસના સંપર્કમાં આવે છે. ખુબ ઓછાં માણસ એવાં મળતાં હોય છે જે ખરેખર જીવી જાણતાં હોય. હજાર માણસે એક એવું વિરલ જીવ ભટકાય જેને જીવતાં જોઇને લાગે કે – દોસ્ત, આ એકલું માણસ જ દિલ ફાડીને પ્રચંડ જીવે છે, અને બાકી બધાં તો આ ધરતી પર માત્ર ટાઈમપાસ કરે છે.

હમણાં થોડાં દિવસ પહેલાં અરબી સમુદ્રના કાંઠે-કાંઠે ચાલવાનું થયું. બે દિવસનો દરિયાઈ ટ્રેક. અમે ત્રીસ માણસો હતાં. સૌથી અજાણ અને પરમ શાંત એવાં એકાંતભર્યા એ દરિયાને કાંઠે નિજાનંદ માટે ચાલવાનું નક્કી થયેલું. અમે સૌ એ દરિયે વહેલી સવારે ચાલીએ. ધ્યાનમાં બેસીએ. દરિયાની રેતીમાં સુતા-સુતાં એનાં ઘુઘવાટા સાંભળીએ. સૌ એકલાં અલગ-અલગ ચાલે. આ અવિસ્મરણીય કોસ્ટલ ટ્રેક વિશે આટલું જ કહેવું છે કારણકે અમુક અનુભવો અને અમુક જગ્યાઓ વણખુલ્યાં રહે એજ યોગ્ય.

…પણ આ ત્રીસ માણસોમાંથી એક એવું માણસ હતું જેને જોઇને મને એમ થયું કે – દોસ્ત, આ બાળ છોકરી જ જીવે છે, અને હું તો માત્ર અહીં આ જમીન પર ટાઈમપાસ કરું છું.

મિશીકા નામ હતું એ સાત વર્ષની છોકરીનું. એની મમ્મી સાથે આવેલી. મા-દીકરી બંનેને જોઇને એમ થાય કે આ બંનેના જીવન જોઇને પણ જો સમાજમાં અન્ય માબાપ અમુક શીખ લે તો કેવી અદ્ભુત પેઢી તૈયાર થાય!

મિશીકાને દરિયાકાંઠે એકલાં-એકલાં રમતી જોઇને મને મનમાં ઊંડે-ઊંડે થયેલું કે હું કેટલાં બધાં આવરણો પહેરીને જીવું છું. જો તો ખરા આ નાનકડી છોકરી કેવું અજાણ્યું અનોખું જીવે છે! ફોર્સ ઓફ લાઈફ હતી એ. દરિયાકાંઠે ખાડા કરે. રેતીમાં આળોટે. પંખીડાઓને આકાશમાં જોઇને એમની સાથે વાતો કરે. દરિયાનું મોજું આવે એટલે દોડીને એની પાસે જાય અને હસતી-હસતી પાણીને ભેંટી લેવા મથ્યા કરે. શબ્દો વિનાનાં ગીતો ગાતી પોતાની અલ્લડ ફકીરીનું જોમ ભરી એ કાંઠે દોડ્યા કરે. શંખલા-છીપલાં વીણે. કાંઠે પડેલાં મરેલાં કરચલાને હાથમાં લઈને એને ધ્યાનથી જોતી હોય. એની અંદર એવું અતુલ્ય – ઊંડું – સંવેદના અને લાગણીઓથી છલકાતું જીવન ભર્યું હતું જે મારી અંદર પણ હતું. બસ ફર્ક એ હતો કે એ જીવતી હતી, અને મારી આસપાસ આવરણો હજાર હતાં અને જીવન અર્ધજીવિત.

અમારી દોસ્તી થઇ પિત્ઝાની વાતોને લઈને. હું એક ભાઈ સાથે બારડોલીમાં ખૂલેલાં એક પીઝા રેસ્ટોરન્ટની વાત કરતો હતો અને એ મારી બાજુમાં આવીને બોલી કે — મને પણ પિત્ઝા ખુબ ભાવે.

બસ…અમે બંને પિત્ઝાના ચાહકો ભેગાં થયાં અને અમારી કલાકો સુધી ચાલેલી વાતોને લીધે એણે મને ‘માય પિત્ઝા પાર્ટનર’ એવું નામ આપી દીધું. અમે બંનેએ અમારી કલ્પનાઓમાં એવાં-એવાં પિત્ઝા બનાવ્યાં કે યાર શું લખું! વાતો ચાલુ થયેલી ડોમિનોઝના ડબલ ચીઝ પિત્ઝા અને લા’પીનોઝના સેવન ચીઝથી, અમારે મોઢામાં પાણી વછૂટતા હતાં. અમે બંને એ નક્કી કર્યું કે મિશીકા પોતાના પિગીબેંક (ગલ્લાં) માંથી મને ચારસો રૂપિયાનું પોતાનું સેવિંગ્સ આપશે, અને હું મારી સેલેરી આપીશ અને અમે બંને “Jimmi’s cheese pizza” નામનું પીઝા પાર્લર ખોલશું. (‘જીમી’ નામમાં ‘જી’ ફોર જીતેશ, અને ‘મી’ ફોર મિશીકા!)

…અને પછી તો શું કહેવું…

મેં દરિયાની રેતીમાં પિત્ઝાની એક સ્લાઈઝ દોરી. એમાં ટોપીંગ્સ દોર્યા. મિશીકા દોડતી આવી અને શંખલાઓ નાખીને એ સ્લાઈસ ઉપર ચીઝ પાથર્યું. ગોળ છીપલાંના ટોપીંગ્સ નાખ્યાં. અમે બંને એ પિત્ઝા સામું જોઇને ઉભાં રહ્યાં. પછી ધીમેથી આ નાનકડી બાળકીએ પીઝાને ઊંચકવાની એક્ટિંગ કરીને એક ટૂકડો ખાધો. પોતાના હોઠ પરનું ઈમેજીન કરેલું ચીઝ જીભથી ચાંટી લીધું. મને પિત્ઝા આપ્યો.મેં એક બટકું ખાધું. પછી મેં એને સ્લાઈસ પાછી આપી. એ સ્લાઈસ એણે દરિયા ઉપર ફેંકી અને મને કહે –

“પિત્ઝા પાર્ટનર…હવે તું વિચાર કે આ આખો દરિયો એક પિત્ઝા છે”

મેં વિચાર્યું. અમે બંને દરિયા સામું જોઇને એને અમારાં પિત્ઝાની જેમ જોઈ રહ્યાં. ચીઝ બર્સ્ટ ફ્લફી પિત્ઝા. પછી મિશીકા મને કહે –

“પાછળ પવન ચક્કી છે, એની એક બ્લેડ લઇ આવ”

મેં પાછળ દરિયાથી દૂર મોટી પવનચક્કી જોઈ. મારો હાથ લંબાવીને એક બ્લેડ તોડવાની એક્ટિંગ કરી.

“પિત્ઝા પાર્ટનર…ચલ હવે આ દરિયાના પિત્ઝાની મોટી સ્લાઈસ કર”

મેં પવનચક્કીની બ્લેડને ચપ્પું બનાવીને પિત્ઝાની સ્લાસ કરી.

“ચલ…હવે તું પંખી બનીજા અને પિત્ઝા પર ઉડતાં-ઉડતાં તું ઓરેગાનો છાંટ..” એ બોલી. મેં મારા હાથ ફેલાવ્યા. મનથી ઉડ્યો. દરિયાની સાઈઝના પિત્ઝા ઉપર ઉડતાં-ઉડતાં મેં મારી પાંખોમાંથી ઓરેગાનો છાંટ્યો!

અમારી દોસ્તી જામતી ગઈ અને મારી અંદર કશુંક થીજેલું-ઠરેલું તૂટતું ગયું. એક સાત વર્ષની છોકરી પોતાના જીવતરના ઝમીરને દેખાડીને મારી અંદર રહેલાં અર્ધજાગૃત – ઉદાસ – નોકરીના બોજથી દબાયેલાં – ભટકેલા જીવનને તોડવા લાગી પિત્ઝાનાં ટૂકડાની જેમ. ઓવનમાં રાખેલાં પિત્ઝામાં જેમ ચીઝ ઓગળે એમ મારી અંદર કશુંક ઓગળ્યું જે મને ફરી જીવતું જાગતું કરી રહ્યું હતું.અમે તો કેટકેટલી વાતો કરી શું કહું? ત્રણ દિવસને અંતે બધાં છૂટા પડી રહ્યા હતા ત્યારે મારી પિત્ઝા પાર્ટનરને અલવિદા કહેવાનો સમય આવ્યો. મેં એની બાજુમાં જઈને કહ્યું-

“પિત્ઝા પાર્ટનર…આઈ વીલ મિસ યું”

એ હસી પડી. મને કહે – “તું તો જો…હજુ તો આપણે જીમી’સ ચીઝ પીઝા ખોલવાનું છે.”

“તારું સપનું શું છે?” મેં એને પૂછ્યું.

“તું પહેલા બોલ. તારું સપનું શું છે?” એણે મને પૂછ્યું.

“મારે પંખીડું બનવું છે, અને આખી દુનિયા ઉપર ઉડવું છે. હવે તું કહે – તારું સપનું?” મેં પૂછ્યું.

“અમ્મ્મ…મારે લાઈફને એન્જોય કરવી છે. બસ” એ બોલી. એ શબ્દો સાંભળીને શરીરમાં લખલખું પસાર થઇ ગયું. સાત વર્ષની છોકરીના એ સીધાસાદા શબ્દો હું જીવનભર નહીં ભૂલું. જીવ્યાં કરીશ.

અમે બંનેએ ટચલી આંગળી ભેગી કરીને ફ્રેન્ડશીપ કરી. થોડીવાર એક બેંચ પર અમે બંને નિરાંતે બેઠાં. મારે એની સાથે મારો ફોટો લેવો હતો પરંતુ ન લીધો કારણકે અમુક યાદો માત્ર દિલમાં સંઘરી રાખવાની હતી. કેમેરાની લાયકાત અમારી યાદો પાસે ટૂંકી હતી. છેલ્લે જતી વખતે મેં એને અલવિદા કર્યું. ઉપર આકાશ સામું જોઇને મેં કુદરતને કહ્યું –

“એ કૂદરત…જો આ જન્મે મને દીકરી આપે તો મિશીકા જેવી ભરપુર આપજે.”

***

મિશીકાની મમ્મીનું નામ છે મૃગા. મિશીકા સાથે મૃગા દરિયે રમતી હોય ત્યારે એ ચિત્ર જોઇને ધરતી સિવાય સ્વર્ગ બીજે ક્યાંય નહીં હોય એવું લાગે. મેં આ એવી મમ્મી જોઈ જેવી અન્ય કોઈ નથી જોઈ. મિશીકા જેવાં દરેક બાળક જન્મથી હોય છે. પરંતુ દરેક બાળકને મૃગા જેવી મા નથી હોતી. દરેક બાળક મિશીકા જેવું જ જીંદગીથી ભરપુર હોય છે, પણ ફર્ક એટલો કે માબાપ જે બાળકને સતત રોકે-ટોકે-ડરાવે-ધમકાવે અને એની ચારેતરફ જે સરહદો પેદા કરી દેતાં હોય છે એ બાળકો જીવવાનું ભૂલી જતાં હોય છે. આવું ‘માબાપ-પણું’ મૃગાએ નથી કર્યું. એ એની દીકરીનું દૂરથી બધું જ ધ્યાન રાખે છે પરંતુ ડગલે-પગલે રોકતી નથી. સ્વતંત્રતા મૃગા અને મૃગાની મિશીકામાં ભરપુર ભરી છે. કાશ…આજકાલના બાળક પ્રત્યે માબાપની ‘અતિરેક’ ભરી જાગૃતતા, કાળજીઓ, રોકટોક ઓછું થાય અને મૃગાબેન જેવાં વિચારો સૌને મળે.

(મા-દીકરીનો ફોટો)

અમે છુટા પડ્યા એના અમુક દિવસો બાદ મિશીકા એ દોરેલો ઉડતો પિત્ઝા! 

Thank you Doctor!

ઘણાં પ્રેગનન્સી કોમ્પલીકેશન, અને છ મહિનાનાં હોસ્પિટલાઈઝેશન પછી ગયાં મહીને મારાં મોટાં બહેનને દીકરાનો જન્મ થયો. હું મામા બન્યો. મારા બહેન છ મહિનાં હોસ્પિટલમાં રહ્યા એ દરમિયાન એમનાં ગાયનેક ડોક્ટર સ્વાતી ભીમાણીએ જે અતુલ્ય સપોર્ટ કર્યો, બહેનની સારવાર માટે અડધી રાત્રે પણ દોડ્યા, ઉજાગરા કર્યા. ખડે પગે છ મહિના સુધી પોતે સગી મોટી બહેન હોય એમ સારવાર કરી.

આવા સારા વ્યક્તિત્વને સલામ કરવાં મેં અને મારી બહેને મળીને આ નીચે મુકેલો પત્ર લખ્યો. કાચમાં ફ્રેમ કર્યો :


ડીયર ડોક્ટર,

કોસમોસમાં ફરતી આ નાનકડી ધરતી પર જ્યારે-જ્યારે કોઈ ખુબ સામાન્ય છતાં મહાનત્તમ માણસ મળી જાય ત્યારે-ત્યારે અમને થયાં કરે કે ચાલોને એ માણસને મળી લઈએ. એમની પાસે જઈને ઝૂકીને ધીમેથી કહી દઈએ કે એ દોસ્ત… In the world full of crooks and fakeness, thank you for being greatly extraordinarily good human. Thank you for making our life little more beautiful. તમારી સારપ બદલ અમારી સલામ.

સ્વાતીબેન,

નોલેજ હોવાં છતાં ભોળપણ હોય, સમયનો અભાવ હોવાં છતાં દરેક માણસ સાથે ઊંડી ધીરજ હોય, મનમાં સેંકડો ઉપાધીઓ હોવાં છતાં અન્ય માણસ સાથે શાંત-સૌમ્ય હોય, મીઠી ઊંઘની વૈભવતા હોય છતાં એક ફોન પર દોડીને મદદે ફરજ અદા કરવાનું કર્તવ્ય કવચ પહેર્યું હોય એવાં ડોકટર ખુબ જૂજ હોય છે. તમે એ ડોક્ટર છો જે આ લખીને આપવાં માટે પ્રેરણાં છો.

અમારું બાળક ક્યારેક અમને પૂછશે કે – “મમ્મી, સુપરહીરો કેવાં હોય?”

…તો અમે તમારી હોસ્પિટલ પાસે એને લઈને આવીશું અને કહીશું કે – “બેટા, આમ તો સુપરહીરો અસામાન્ય માણસ હોય જેમની પાસે અમાનવીય સુપરપાવર હોય, પણ છતાં તને કદાચ એવું માનવામાં ન આવે તો તને રીયલ-લાઈફ સુપરહીરો બતાવીએ. ત્યાં પેલી હોસ્પિટલ અંદર એક લેડી ડોકટર રહે છે. એ સુપરહીરો છે. તેઓ સફેદ એપ્રોન પહેરે છે. સારી રીતે વાત કરે છે. દર્દીને હમદર્દી બનીને સારવાર કરે છે. તમે એ હોસ્પિટલ અંદર જાઓ તો તમારું મન શાંત થાય છે. સુકૂન મળે છે. એ તમારાં બધાં જ ઈશ્યુ કે રોગ દૂર નથી કરી શકતાં, પરંતુ તેઓ પોતાના આત્માના ઊંડાણથી જીવનના કલાકો નીચોવીને શિદ્દતથી પોતાનું કર્મ અને ડ્યુટી નિભાવે છે. એ અમારા માટે સુપરહીરો છે.”

Thank you for giving birth to our Superhero Dr. Swati Bhimani. We will remember your goodness for the lifetime and more.

લી. પાયલ અને ઉમેશ (અને તમારાથી સારવાર પામેલાં દરેક માણસ તરફથી જે કદાચ તમને આભાર કહી ન શક્યા હોય). Thanks from our baby too!


આ ઉપરનો પત્ર છપાવીને એની ફોટો-ફ્રેમ કરીને મારા બહેન અને જીજાજી ડોક્ટરને આપવાં ગયાં. ડો.સ્વાતીને ખુબ ગમ્યું. છતાં એટલાં ડાઉન-ટુ-અર્થ માણસ કે તેઓ આ છબી જોઇને કહે : “આ તો મારી ડ્યુટી છે” 🙌🙏

Note: Hospital name: Vanya Hospital, Baroda

A small story of Pradeep – 2

સોક્રેટીસ ગ્રીક શહેરમાં રહેતાં. એકવાર એમનાં એક ચાહક દોસ્ત પરાણે શહેરના માર્કેટમાં લઇ ગયાં. ચારેબાજુ ઠેકઠેકાણે નજર કરો ત્યાં બધું જ મળતું હતું. દરેક લકઝરીયસ વસ્તું ત્યાં મળતી હતી. સોક્રેટીસ ત્યાં પોતાના દોસ્ત સાથે કલાકો સુધી ટહેલતાં રહ્યાં. એમનો દોસ્ત રાહ જોતો હતો કે કદાચ સોક્રેટીસ આ બધી જ ભવ્યતા જોઇને કોઈ એકાદ વસ્તું તરફ ખેંચાશે. આ દોસ્ત એમને ગમતી વસ્તું ગિફ્ટ આપવાં માંગતો હતો.

“તમારે કશું જોઈતું નથી અહીંથી?” પેલાં દોસ્તે છેલ્લે થાકીને પૂછ્યું.


“અહીં કેટલું બધું છે જે મારે ક્યારેય જોઈતું જ નથી.” સોક્રેટીસ બોલ્યાં!


સાવ સાદું-સીધું વિચિત્ર લાગતું આ વાક્ય ખુબ ઊંડું છે. આ વાક્ય છે મૂળભૂત સ્વતંત્રતા. સતત નવુંનવું, વૈભવી, મોટું અને હદ બહારનું બધું સામાન્ય માણસ ઝંખ્યા કરતો હોય છે. પરંતુ ઉંચો માણસ એ જેને પોતાની પાયાની જરૂરિયાતોને બાદ કરતાં આ જગત પાસેથી કશું જ જોઈતું નથી.

મારા દોસ્ત પ્રદીપની વાત મેં અમુક દિવસો પહેલાં કરેલી. મોટેભાગે એવું બનતું હોય છે કે જ્યારે કોઈ ઈમ્પેક્ટ કે રીઝલ્ટની આશા વિના કશુંક લખીએ, કરીએ, કે જીવીએ ત્યારે આપોઆપ સત્વપૂર્ણ હોય એને પ્રતિસાદ સારો મળતો હોય.


પ્રદીપભાઈની વાત ઘણી ફેલાઈ. ન્યુઝમાં આવી. મને શરૂઆતના ત્રણ-ચાર દિવસમાં સેંકડો મેસેજ અને ફોન આવ્યાં કે પ્રદીપભાઈનો સંપર્ક કરાવો.પ્રદીપની લોન ભરવા ઉત્સુક પચાસથી વધું લોકો. આઠ-દસ NGO એમને લાઈફટાઈમ ચાલે એટલું ફંડ આપી શકે તેમ હતાં. વિદેશમાં રહેલી ત્રણ સંસ્થાઓએ અમેરિકન ડોલરમાં ઘણી મોટી રકમ ભેગી પણ કરી લીધેલી. રાજકોટની એક પ્રખ્યાત સ્કૂલ પ્રદીપને લાઈબ્રેરીયન તરીકે ઉંચો પગાર અને મકાન પર આપવાં માંગતી હતી. જેટલાં પુસ્તકપ્રેમીઓએ વાત વાંચી એમાંથી ઘણાં પ્રદીપ પાસે રૂબરૂ જઈને પુસ્તકો આપવાં ગયા. સુરતના બે ઉદ્યોતપતિએ કહેલું કે તેઓ પ્રદીપને પોતાની દુકાનો નિ:શુલ્ક આપવાં માગે છે. મારા ગામનાં નજીકમાં રહેતાં એક કડીયાકામ કરતાં વ્યક્તિએ મને કહ્યું કે – હું પ્રદીપભાઈને મારા ખર્ચે એક સારી ઓરડી બનાવી દઉં!


આવી અઢળક મદદ જોઇને મને થયું કે હું પ્રદીપભાઈને કહું તો ખરો. મેં ફોન કર્યો અને બધી જ સહાય વિશે વિસ્તારથી કહ્યું. મેં બધું જ કહ્યું પછી પ્રદીપ એક જ વાક્ય બોલ્યો :


“યહા કીતના સારા મુજે મીલ રહા હૈ…જો મુજે કભી નહીં ચાહીએ.”


પ્રદીપભાઈ સંત નથી. એમનો આશ્રમ નથી. પોતાની ઘણી જરૂરિયાતો હોય છે. એમને ડેફીનેટલી કમાવું છે. છતાં એમને દાન/સહાય કે દયા-ભાવ ભરી નજરથી આનંદ નથી. મેં એમને કહ્યું કે – “દોસ્ત, આવું બધું ફરી ક્યારેય નહીં મળે. આ ફૂટપાથની દુકાનથી કશું નહીં વળે. એટલીસ્ટ રાજકોટની લાઈબ્રેરિયનની નોકરી તો લઇ લો.”


મારા અમુક સવાલો પછી એમણે એક જવાબ આપ્યો જે હું અહીં ગુજરાતીમાં લખી દઉં છું:


“જીતેશભાઈ, રોજે રાત્રે અગિયાર વાગ્યે આ ફૂટપાથની દુકાન છોડીને હું ઘરે નીકળું છું, પણ હું ઘરે પહોંચું છું રાત્રે એક વાગ્યે. એ બે કલાક હું ક્યાં જાઉં છું ખબર છે? મારા પર નિર્ભર અને મારા કરતાં વધું જરૂરિયાતવાળા બાર માણસો છે જેની સારસંભાળ હું રાખું છું. ક્યારેક એમની ભૂખ સંતોષવા માટે મારે અન્ન લઈને જવાનું હોય છે. હું રાત્રે ન જમું તો એનું કારણ એ હોય કે મારે બીજા મારા માણસોને જમાડવામાં દિવસની કમાણી જતી રહી હોય. જીતેશભાઈ, હું મહેનત કરું છું. પણ મારી નજર માત્ર મારી જાત પર નથી. હું અહીંથી રાજકોટ જતો રહું અને લાઈબ્રેરીયન પણ બની જાઉં. હું ખુશ થઈશ. મારો પગાર, મકાન બધું મળી જશે. પણ એ માણસોનું શું જેમને મળવા હું રાત્રે જાઉં તો એમનો દિવસ ઉગે છે? મારે એવી મદદ શી કામની જે મને મોટો કરી દે? એવો હું શા કામનો જે કોઈને મોટા કર્યા વિના આગળ જતો રહું?”


હું ચુપ રહ્યો. ઘણી ક્ષણો સુધી ચુપ. પછી મેં પૂછ્યું:


“ખબર નહીં આવી જીવવાની રીત તમે કેમ હાંસિલ કરી દોસ્ત, પણ મને જે ફોન-મેસેજ મળતાં હોય એ સૌને શું જવાબ આપું?”


પ્રદીપભાઈએ બહુ મજાની વાત કરી. – “હું સત્તર વર્ષથી વાંચું છું. રોજે રાત્રે એક વાગ્યે ઘરે પહોંચું પછી વહેલી સવાર સુધી વાંચું. તમે મને મદદ કરવાં માંગતા હો, તો જ્યાં તમે મારા વિશે લખતાં હો ત્યાં એક વાત મારી તરફથી કહી દેજો કે – કોઈએ મને મદદ કરવી હોય તો તેઓ જાતે ગમે ત્યાંથી સારા પુસ્તકો ખરીદીને વાંચે. તમે વાંચશો તો અંદરથી બદલાઈ જશો અને કદાચ મારી જેમ વર્ષો સુધી વાંચશો તો તમારી નજર પોતાની જરૂરિયાતો અને ફરિયાદો ઉપર ઓછી રહેશે.”


આ છે સૌથી ઉંચી આઝાદી. પોતાની જાતની જરૂરિયાતોમાંથી પાયાની જરૂરને કાઢતાં બાકી જ્યાં-જ્યાં નજર ફરે ત્યાં-ત્યાં બધું જોઇને અંદરથી એક જ જવાબ મળે કે : “અહીં કેટલું બધું છે જેની મારે જરૂર જ નથી!”


મારે પ્રદીપભાઈને મહાનતાના શિખર પર બેસાડવા નથી. કોઈ મોટીવેશનથી પ્રચુર વાતો કરીને સૌની અંદર કોઈ લાગણીઓ ઉભી નથી કરવી. મારે કહેવું છે કે આ વાતમાંથી જે સત્વ હોય તે લઇ લો. જે સમજાય તે તમારું. 📖

A small story of Pradeep…

પ્રદીપ નામ છે એનું.દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન.


પ્રદીપ.રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)


આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.


આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.


હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”


વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે.


ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.


વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.


…પણ એ ભાઈ…આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.


વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!
હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)


એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.
લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.


આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.


…પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ…મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”


આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.


જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.


હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”
***

આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?
વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

10,593 દિવસો જીવી ગયેલાં જીતુભાઈ!

મારે ધરતી પર આજે 10,593 દિવસો પુરા. 29 વર્ષ પુરા. છોકરો ત્રીસીમાં આવી ગયો! આજે થયું સ્વને નિજ આનંદ માટે અમુક વાતો કરું. એટલે આ રહ્યા અમુક જીવાયેલા જીવનમાંથી તારવેલા વિચારો. પોતાને કહેલી વાતો.

પોતાને સ્વ-આનંદ માટે કહેલી અમુક વાતો :

To Dear Jitubhai.😘


૧) યુનિવર્સની પ્રચંડતાને જો ઈમેજીન કરીને રોજે જીવ્યાં કરીશ તો તારું આત્મ સમજી જશે કે અહીં આ ગ્રાન્ડ ડીઝાઈનમાં કશું જ મેટર નથી કરતું! સૌ જીવ આ અકળ બ્રહ્મમાં જન્મે છે, થોડુંક જીવે છે, અને મરી જાય છે. આ બ્રહમિક સત્ય સ્વીકારીને તારે એટલું સમજી જવું જોઈએ કે તું માત્ર અહીં એકલો છે. તારો કાળ/અવધિ/એક્સપાયરી ડેટ તને ખબર નથી. એટલે તારા જીવતાં-જીવતાં રોજે રોજે દરેક પળે તને જે મળ્યું છે એ જ પરમ સત્ય છે. તને શ્વાસ મળ્યા છે. ચેતના મળી છે. ચેતાતંત્ર ચાલે છે. તારા મગજના ન્યુરોન્સ ઉછળે છે. ધેટ્સ ઓલ. આ ક્ષણમાં તું જીવે છે એ જ માત્ર અજર-અમર-પરમ સત્ય છે અને એલા એય…આ ક્ષણ જીવી લે. એક એક ક્ષણ મળી છે એનું આતમજ્ઞાન કાળજે ભરીને તારે જેમ જીવવું હોય એમ પળ-પળ જીવ. અહીં કોઈ નિયમો નથી કેમ જીવવું. કોઈ પૂછતું નથી. તારા મર્યા પછી કોઈ યાદ રાખતું નથી. તારાથી આ અબજો જીવોથી ભરેલી દુનિયાને કશો ફર્ક પડતો નથી. તારા સારા કર્મો નાનકડી છબી રાખીને જશે એ ખરું, પણ એનાં માટે ઝાઝું ઝંખવું નહીં. મર્યા પછી તને યાદ રાખવાની પણ જગતની એક મર્યાદા હોય છે. એટલે બહેતર એ છે કે જીવ. સરખો જીવ. મોમેન્ટમાં જીવ. યથા ઇચ્છસી તથા કુરું. Universe does not care who you are.


૨) તારું સક્સેસ, દુઃખ, પૈસો, માન-મોભો આ બધું તો છેલ્લાં બે લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામેલાં અને વાંદરા કરતાં માત્ર બે ટકા વધું વિકસેલું મગજ ધરાવતાં બે-પગાં જીવોના મગજની પેદાશ છે, અને એ પણ છેલ્લાં પચાસ હજાર વર્ષથી આવી છે. બાકી તો આ બે-પગો જીવ પણ આની આ જ ધરતી ઉપર ચાર પગે ચાલતો અને માથા ભરાવીને બીજા પ્રાણીઓ સાથે ઝઘડતો. એટલે ઝાઝું લાંબુ થયું નથી સકસેસ, આર્થિક વિકાસ, સ્ટેટસ આ બધી માનવમગજ પેદાશોને. હવે તું આ ગેમમાં છે તો તારે જેમ કરવું હોય એમ. પણ to be honest, ગમે તેટલાં સિધ્ધ થાઓ, પ્રસિદ્ધ થાઓ…અમુક બે-પગા જીવો સિવાય બાકીના આખા યુનિવર્સને ઘંટો પણ ફર્ક પડતો નથી. એટલે તારા ન્યુરોન્સ જેમ હાંકે એમ હાલ્ય એ વાનર. તારી ફકીરી. તારી અમીરી. તારી યશગાથા. It’s all your DNA.


૩) એક અકળ વાત એ છે કે તારું DNA જે સ્પર્મમાંથી બન્યું (તારા બાપુ), તારું શરીર જે બીજા શરીરમાં રહીને મોટું થયું છે (તારી મા), અને તારા જેવાં જ અન્ય બે-પગા જીવે તને ઉછેર્યો એ તારો પરિવાર છે. જો એ બધાં જીવ ન હોત તો તું ન હોત. એમની સાથે જેટલો આનંદથી, પ્રતિક્ષણ જીવી શકે એના જેવો ઊંડો અને ઉંચો જીવન-એક્સપીરીયન્સ બીજો એક પણ નહી હોય. શાંત, પ્રેમીલું, સુખી અને પડખે ઉભો રહેતો પરિવાર દુનિયાની મોસ્ટ અન્ડરરેટેડ એન્ટીટી છે. પરિવારને સાચવવામાં સમય-ઉર્જા-રૂપિયો બધું જ વહેતું કરવું. પ્રેમ આ યુનિવર્સનું પાંચમું ડાયમેન્શન છે. પરિવાર એનો વેક્ટર. તું મરે ત્યારે તારી નનામીને કંધો આપનારાંઓને જીવતેજીવ તે પુષ્કળ ચાહ્યા હોવા જોઈએ.


૪) વરસાદ આવે તો નાહી લે. ટાઢ પડે તો ઓઢી લે. તડકો પડે તો સ્વીકારી લે. સુખ, દુઃખ, અને એની વચ્ચેની સામાન્ય રીતે રોજે-રોજે પસાર થતી જીંદગીના આવા જ રંગ હોય છે. સામાન્ય રીતે આખી જિંદગીનો 1 – 10 ટકા ભાગ દુઃખ આવે જ. આખી જીંદગીનો 1 – 10 ટકા ભાગ સુખ આવે. બાકીનો 80 ટકા ભાગ સામાન્ય જીંદગી પર્પઝલેસ નીકળે. અખિલ બ્રહ્મમાં આ બધું અલગ-અલગ રીતે દરેકના ખિસ્સામાં વહેંચાયેલું છે. આ ગ્રાન્ડ ડીઝાઈન તો કદાચ ક્યારેય ન સમજાય, પરંતુ એટલું સમજી શકે કે સુખ દુઃખ અને વચ્ચેની નોર્મલ જીંદગી આવ્યા કરે તો ઘણીવાર વધું ત્રાંસુ-બાંગું થયા વિના જીવી શકાય.


૫) “Up to you” આ વાક્ય પણ ભારે અન્ડર રેટેડ છે! જંગલમાં એક વૃક્ષની ડાળ પર એક કીડી ચાલતી હોય અને બીજી સામે મળે. પહેલી કીડી બીજીને પૂછે કે કઈ બાજુ ચાલવાનું છે? બીજી કીડી કહે – Its up to you. મતલબ એ તારા પર છે. આ વાહીયાત ઉદાહરણ છે પણ તારે જ્યારે-જ્યારે કન્ફયુઝન થાય આ વાત યાદ રાખવા જેવી છે કે “બધું તમારા ઉપર છે ભાઈ”. કેમ જીવવું, કેવું જીવવું, ક્યાં જીવવું, આમ કરું કે તેમ કરું? અલ્યાં ભાઈ…રસ્તો તારો. સફર તારી. શું પૂછ્યા કરવાનું? Its up to you. બાકી કોઈ પણ ફીલોસીફી શીખ્યા ન કરવાની હોય. જાત રસ્તે, સ્વ-અનુભવે જિંદાબાદ.


૬) તારો સ્વભાવ છે કે તું દિલધડક જીવે. પ્રચંડ. તને અજાણ્યાં સ્થળોમાં રખડવું, બાથરૂમમાં નાચવું, સંડાસમાં ગાવું, મેળે જાવું, ખડખડાટ હસવું અને ભારેખમ રડવું બહુ જ ગમે. તો એ રીતે જ કરવું. આ જગતમાં બે વૃક્ષના પાંદડા સરખાં નથી હોતા. બે માછલાં કે બે કરોળિયા સરખાં નથી હોતા. કોઈ પણ જીવ એવો નથી કે એના DNA થી માંડીને એના શરીર સાવ સરખાં હોય. એક-એક કણમાં વિવિધતા ભરી છે! એક એક જીવ કેટલો યુનિક છે. રેતીના બે કણ પણ આખી ધરતીમાં સરખાં નથી! તો પછી તારા જીવવાના રસ્તા, નિયમો (જો નિયમ જેવું હોય તો) કે તારી ફિલોસોફી કેમ બીજા જેવી હોય? You are so much unique! તારા જેવું અન્ય કોઈ હતું નહીં, હશે નહીં! યું આર ન ભૂતો ન ભવિષ્યતિ. તો હે જીતુંભાઈ…વર્તમાનમાં જે પળ છે એ પળે તારા અંદરના અણુઓના ડ્રાઈવિંગ પર વિશ્વાસ રાખીને અનંતકાળ સુધી તારે તારા સ્વભાવને ચાહીને જીવવું.


૭) છતાં, તું ક્યારેય કોઈના રસ્તાનો કાંકરો ન બને એ ધ્યાન રાખજે. આમ જીવવામાં સ્વાર્થી બનીને પોતાના માટે જ જીવી ન નાખતો. ઘસાજે. કોઈના આંસુ લુંછજે. કોઈને બેઠો કરજે. કોઈની આંગળી પકડીને પાર ઉતારજે. તારી આંખમાં કણું પડ્યું હોય પણ કોઈ આંખ વિનાનો બાજુમાંથી નીકળે તો પહેલા એને મદદ કર પછી તારી આંખ સાફ કર. તું બન ઓલિયાનો અવતાર, ઉતાર જીંદગીઓ પાર.

૮) પ્રેમ…ઈશ્ક…જ્યારે પૂરી શિદ્દત થી કરીશ તો એ ખુબ ઉંચી ઈબાદત થઇ જશે. એટલે જો કરવો હોય તો ગાંડોઘેલો થઈને કરી લેવો આ ઈશ્ક. જો પામી ગયો તો તને દરેક જીવિત-મૃત તત્વના એક-એક અણુ વચ્ચે કયું બળ છે એની અનુભૂતિ થશે. જે ચાખી ગયો તો ખબર પડી જશે કે અહીં જીવવાનો અરથ શું છે. જો ઈશ્કની ધૂન સમજી ગયો તો તું જ મહાન ગાયક, તું જ મહાન વાદ્ય, તું જ અખિલ વિશ્વનું સંગીત. તું જ યુનિવર્સ.
Yours faithfully – Jitubhai. 😘

અન્નની ત્રણ કેટેગરી!

અમારે પરિવાર મોટો. પરિવારના વહેવાર પણ ખુબ મોટાં. મોટાં વહેવારને લીધે જેટલી સંખ્યામાં સારા પ્રસંગોની અંદર જવું પડે, એટલી જ સંખ્યામાં ખરાબ પ્રસંગોમાં (બેસણું, પાણીઢોળ, મોટી બીમારી કે અકસ્માતોમાં ખબર કાઢવા) પણ જવું પડે.
 
નાનપણથી જેટલાં પણ સગાસંબધી કે પછી દૂર-દૂરના ઓળખીતાં અથવા જાણીતાં માણસોનું મૃત્યુ થાય ત્યારે અમારાં ઘરે પરિવારમાં એમની વાતો થતી જ હોય. નાનપણથી લગભગ સો જેટલાં મૃત્યુને લઇને જો એમનાં મૃત્યુના કારણને અલગ-અલગ બકેટમાં નાખીએ તો ખબર પડે કે હાર્ટએટેક, એકસીડન્ટ, કે વ્યસનની આડઅસરના રોગ સૌથી મોખરે હોય.
 
સો લોકોના મૃત્યુમાં સમજો કે ચાલીસ જેવાં મૃત્યુ હાર્ટએટેકથી થયા હશે. (આ સચોટ આંકડો નથી. સચોટની નજીકનું અનુમાન છે). આ હાર્ટએટેકના દર્દીઓની પ્રોફાઈલ અને ભૂતકાળ જોઈએ ત્યારે મોટાભાગના કેસમાં અમુક વસ્તુઓ કોમન મળે. એમાં સૌથી મોખરે બે પેટર્ન દેખાય છે :
૧) ખાવા-પીવામાં બેદરકારી/અતિરેક
૨) બેઠાડું સ્થિર જીવન
 
મેં નાનપણથી એમની ખાવાપીવાની પેટર્નમાં રસ લઈને ઘણી પૂછપરછ કરેલી છે, અને અમૂક કોમન તારણો દેખાયા છે. જેમકે હાર્ટએટેકના દર્દીઓમાં ખુબ તેલવાળું, તીખું, એકધારું ખાવાવાળાની સંખ્યા મોટી જોયેલી છે. કોલેસ્ટ્રોલ બધાં કેસમાં કોમન છે. ખાવામાં પ્રોસેસ્ડ ફૂડ ખુબ વધું છે. ચાઇનીઝ, પંજાબી ફૂડ, ચીઝ, પનીર, મેંદો, રેસ્ટોરન્ટની વિઝીટ્સ વધું હોય એવાં દર્દી વધું જોયાં છે. સતત પ્રોસેસ થયેલાં તેલમાં તળેલી વાનગીઓ, મીઠાઈ વધું પડતી ખાવી એ કોમન ફેક્ટર છે એટેકની પ્રોફાઈલમાં.
 
અનુભવે એ સમજાયું છે કે એટેકના ભોગ બનેલાં માણસોમાં જેટલું બેઠાડું સ્થિર જીવન જવાબદાર છે એનાંથી વધું જવાબદાર એમનો ખોરાક અને એમાં જતું પ્રોસેસ્ડ ફૂડ છે. એટલે મને પ્રોસેસ ફૂડને અલગ-અલગ કેટેગરીમાં જોડવાનું કામ વર્ષોથી ફાવી ગયું છે. આજે એ વાત કરવી છે કે ખાવામાં કઈ ત્રણ કેટેગરી હોય છે અને એની સ્વાસ્થ્ય ઉપર અસર કેવી હોય છે.
 
આ ત્રણ કેટેગરી કદાચ સાયન્સમાં કોઈએ રીસર્ચ કરેલી હશે જ, પરંતુ મારું જાતે કરેલું રીસર્ચ ઉપર કહ્યું એમ સો જેટલાં એટેકના દર્દીઓની ખાવાની રીતોની પૂછપરછ પરથી જ છે. અગેઇન, આ કોમન જ્ઞાન છે, પરંતુ અહીં એટલે કહી રહ્યો છું કારણકે મેં રસ દાખવીને દરેક પ્રોફાઈલનો અભ્યાસ કરેલો છે.
 
હવે સીધી મૂળ વાત પર જ આવીએ કે આ પ્રોસેસ કરેલાં ખોરાકમાં કઈ-કઈ ત્રણ ટાઈપની પ્રોસેસ હોય છે, અને કેવો ખોરાક ખાવો જોઈએ.
(પ્રોસેસના નામ જાતે આપેલાં છે)
 
૧) ઝીરો પ્રોસેસ : મતલબ એવો ખોરાક કે જે મશીનમાં પીસાયો નથી. તેલમાં તળાયો નથી. કાચો છે, અથવા એકવાર બાફેલો કે શેકેલો છે. જેમકે કાચાં શાકભાજી, તાજા ફળો, ગાય-ભેંસના પ્યોર દૂધ, શેકેલાં મકાઈ-ચણા-શીંગ, ખેતરમાં કે ગાયભેંસ પાસે જઈને સીધાં જ ખાવા-પીવામાં લેવાતી દરેક વસ્તુ. આમાં નોર્મલ રાઈસ, દહીં, બાફેલાં ઘઉં,ચણા, મગ, ખજૂર, મુખવાસ વગેરે પણ આવે. જેટલી વસ્તુઓ તમે યાદ કરી શકો કે જે કુદરત પાસેથી સીધી લીધી છે અને પેટમાં નાખી શકાય એવી. આ ઝીરો પ્રોસેસનું ફૂડ એટલે વૈદિકકાળનું ફૂડ. ઋષિમુની, બાવા, અને વર્ષો સુધી કુદરત વચ્ચે રહીને જીવન અને પેટ રળતાં ખેડૂત, ભરવાડ, મજૂર લોકોનું ફૂડ. ઝીરો પ્રોસેસનું ખાવાનું મોટાભાગે મોર્ડન માનવી ઇગ્નોર કરે છે. નથી ખાતો. એમને એમાં મોજ નથી આવતી. કૂલ નથી. જીભને ગમતું નથી. પણ આ ફૂડ ખાવા માટે જ સજીવ સૃષ્ટિ ઘડાયેલી છે. પ્રાણીઓમાં કોલેસ્ટ્રોલ નહીંવત હોવાનું કારણ કુદરતે આપેલું સીધું ખાય છે અને ખાટલાંમાં કે એસીમાં પડ્યા નથી રહેતાં એ છે. (ચોખ્ખી હવા પણ ઝીરો પ્રોસેસનું ફૂડ છે. એસી-કૂલરની હવા પ્રોસેસ કરેલી હવા છે.)
 
૨) ફર્સ્ટ પ્રોસેસ : એકવાર જે વસ્તુ મશીનમાં પીસી નાખો એ બધું. ઘઉં-ચણા-ચોખાનો લોટ, માખણ, ઘાંચીનું તેલ, બરફ, જીરું, ચટણી, મસાલા વગેરે એકવાર મશીનમાં ભરડાઈ ગયેલી વસ્તુઓ. આ બધું શરીરને રેગ્યુલર માત્રામાં વધું નુકસાન ન કરે, પણ સતત અને સખત સપ્લાયથી અમુક કેસમાં તકલીફ પડે. ખાસ તો ફર્સ્ટ પ્રોસેસના ખોરાક સાથે બેઠાડું જીવન મિક્સ કરો એટલે અંતે બીપી-કોલેસ્ટ્રોલ કે મેદસ્વીપણું આવે જ. છતાં, ફર્સ્ટ પ્રોસેસનો ખોરાક રોજે ખાઈએ તો પણ ચાલે. અતિની ગતિ ન કરીએ ત્યાં સુધી. (આમાં એસીની હવા પણ આવી ગઈ)
 
૩) સેકન્ડ પ્રોસેસ: આ કેટેગરી ખતરનાક છે. જે કુદરતી વસ્તુ એક કરતાં વધું વાર મશીનમાં જાય, ઊંચા તાપમાને ગરમ થાય કે તળવામાં આવે એ બધું જ ખુબ ખરાબ. ચીઝ (ચાર-પાંચ પ્રોસેસ પછી બને). તેલ (ત્રણ-ચાર પ્રોસેસ પછી બને), મેંદો (અતિશય બારીક લોટ), ખાંડ (છ પ્રોસેસ પછી બને) અને આ બધાં ચીઝ, તેલ, ખાંડ, મેંદો ને મિક્સ કરીને જેટલી પણ આઈટમ બને એ બધું જ જીભને ભાવે પણ શરીરને નવું લાગે! જીભ મોજમાં અને શરીર પચાવવા માટે લોડ સહન ન કરી શકે એટલે અવનવાં એસિડ અને કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે. પિત્ઝા, બ્રેડ, ભજીયાં, મન્ચુરિયન, નુડલ્સ, મીઠાઈઓ, પનીર, કોલ્ડ ડ્રીંક્સ, સોફટ ડ્રીંક્સ, ફ્રીજમાં થીજવેલી દરેક આઈટમ, જ્યુસ પણ આવી ગયા. (મિક્સરમાં ખાંડ નાખીને જે ફ્રુટ જ્યુસ બને એ ચાર પ્રોસેસ થઇ. ખાંડ પોતે પ્રોસેસ્ડ, ઉપરથી એને મિક્સરમાં નાખવાની).
 
કશું પણ ખાતા હો ત્યારે જો તમે ઈમેજીન કરી શકો કે આ “કેટલી પ્રોસેસમાંથી પસાર થયેલું અન્ન છે?” અને એ મુજબ કોમનસેન્સ વાપરીને માત્ર ઝીરો અને ફર્સ્ટ પ્રોસેસનું અન્ન ખાઓ અને બાકીનું બધું જ ઓછું કે સાવ બંધ કરી નાખો તો શરીર પોતે દરેક રોગ સામે જાતે લડી લે. શરીરને લડવા માટે દવાઓના ડોઝની જરૂર ન પડે.
ટૂંકમાં કુદરતે આપેલું જ શરીરને આપવું. માણસે જાતે હોંશિયારી દાખવીને સ્વાદ માટે બનાવેલું બધું અતિરેકમાં તો નુકસાન જ કરે. જ્યાં માણસનો હાથ ફરી જાય એ બધું જીભને ભાવે અને પેટને લ્હાવે ( લ્હાવે મતલબ સિસકારા બોલાવે.)
 
હાર્ટએટેક, મેદસ્વીપણું, કોલેસ્ટ્રોલની પ્રોફાઈલમાં આ સેકન્ડ પ્રોસેસના અન્ન વધુ જોવા મળે છે. ગુજરાત, અમેરિકા કે યુરોપમાં કોરોનાની મોર્ટાલીટી ઉંચી છે એનું કારણ મને ક્યાંક આ જીભને પસંદ બ્રેડ, ચીઝ ખાવાનું અતિરેકમાં ચાલે છે એટલે લાગે છે. ઇવન પ્રેગનન્સીમાં જેટલી તકલીફો હાલના સમયમાં સ્ત્રીઓને પડે છે એમાં ઘણાં કેસમાં ખોટી ફૂડ-પેટર્ન અને લાઈફ-સ્ટાઈલ છે. હું ખોટો હોઈ શકું પરંતુ આ પર્સનલ તારણ છે. જૂની પેઢીઓ ઝીરો પ્રોસેસનું અન્ન ખાતા અને ઉપરથી ખુબ કામ કરતાં. એ જ ઉપાય. 😊

ધ રામબાઈની સફરે નીકળતાં પહેલાં…

વ્હાલાં વાચકોને…
તમને ‘ધ રામબાઈ’ આવતા શુક્રવારે કુરિયર થશે. આજે થયું કે તમે વાર્તા વાંચો એ પહેલાં અમુક ભલામણ કરી દઈએ:
1) નવલકથામાં 337 પેજ છે! પણ ગભરાશો નહીં. વાર્તા ખુબ લાંબી નથી, માત્ર પેજ વધું છે. વિસ્તારે સમજાવું : ધ રામબાઈની અંદર ટોટલ 70 ચિત્રો છે. આ ચિત્રો ઘણી જગ્યા રોકે. બીજું કે વાર્તા ટોટલ 88 નાનકડાં ચેપ્ટરમાં વહેંચાયેલી છે. દરેક ચેપ્ટર પૂરું થાય પછી પાછળ કોરી જગ્યા પડી રહે. નવું ચેપ્ટર નવા પેજ પર હોય. આવા બધાં ફેક્ટરને લીધે આખી નવલકથા જે માત્ર 80000 શબ્દોની છે એ જાડી લાગે. (આની સાપેક્ષે વિશ્વમાનવ 1,08,000 શબ્દો, અને નોર્થપોલ 96000 શબ્દોની છે)
2) સામાન્ય રીતે માનવ-સહજ સ્વભાવ મુજબ આપણે સાયકોલોજીકલી ઘડાયેલાં છીએ કે ‘જ્યારે આપણે કશુંક સમાપ્ત કરીએ’ ત્યારે તમારી એ યાત્રા કે અનુભવ વિષે બીજાને શેર કરવાનું મન થાય. શેરિંગ એક સાહજિક જરૂરિયાત છે.
‘ધ રામબાઈ’ વાંચો પછી તમને કેવી લાગી એ સૌને જરૂરથી કહેજો, પરંતુ કોઈ સ્પોઈલર વિના. 🙂 આ નવલકથાની વાર્તાવસ્તુ બે વાક્યમાં કહી શકાય એટલી નાજુક છે. એટલે જો તમે વાર્તાનો અર્ક સીધો શેર કરી નાખો તો એનાથી બીજા વાંચનારાની મજા બગડી જાય. વાર્તા ખુલે નહીં એ રીતે કહેવી હોય તો બેસ્ટ ઉપાય એ કે ‘વાર્તા શું છે’ એ કહ્યા વિના કહેવું કે આ વાંચજો, અથવા આ ન વાંચતા.
3) ‘ધ રામબાઈ’ એક સત્ય-વાર્તા છે. યાત્રા છે. ધટના છે. તમે જે વાંચવા જઈ રહ્યા છો એ બધું જ આ વિશ્વમાં એકવાર બનેલું છે. જીવાયેલું છે. નવલકથાના અંતમાં “Epilogue : વાર્તા પાછળની વાર્તા” નામના વિભાગમાં વાસ્તવિક ઘટના- પાત્રો- સ્થળો વિષે બધું જ લખ્યું છે. અમુક વાસ્તવિક ફોટો મૂક્યાં છે. છતાં, આપને આગ્રહ કરીશ કે પહેલાં આખી નવલકથા વાંચી લેવી. નવલકથાને અંતે ‘સમાપ્ત’ શબ્દ પછી જે કશું પણ લખેલું છે એ બધું જ Spoilers ગણવું. અગાઉથી ન વાંચવું.
4) જો શક્ય હોય તો તમે જ્યાં કુદરતને ભાળતા હોય એવી જગ્યાએ બેસીને એકાંતમાં વાંચજો. મેં પણ વાદળાં, વૃક્ષો, અને સુરજના સાનિધ્યમાં મારા ઘરની બાલ્કનીમાં બેસીને સંપૂર્ણ એકાંતમાં આ વાર્તા ઓલ્મોસ્ટ ત્રણ વર્ષ સુધી લખેલી છે. આ ઊંડાણથી વાંચવાની અને ધીમે-ધીમે જીવવાની વાર્તા છે. શક્ય હોય તો વાંચતી સમયે ઇન્ટરનેટ કે મોબાઈલને દૂર રાખજો.
5) મારી અગાઉની નવલકથાના વાંચકો માટે : ‘ધ રામબાઈ’માં ‘વિશ્વમાનવ’ની જનુની બળવાખોરી નથી કે ‘નોર્થપોલ’ જેવી અથાક આત્મખોજ નથી. અહીં આપણી સૌની સફર, ઉડાન, અને મંજિલ અલગ છે. અહીં આપણું સૌનું આકાશ અલગ છે. ‘ધ રામબાઈ’ ના અણુ-પરમાણું નોખાં છે. આ પોતે જ આખું યુનિવર્સ છે.
6) નવલકથા લખતી વખતે હું હંમેશા Instrumental music સાંભળું. વાંસળી, પિયાનો, ગીટાર વગેરે. આ મ્યુઝીકના મહાસાગરમાંથી મને અમુક એવાં મોતી મળ્યા છે જેને આ નવલકથા વાંચતી વખતે તમે સાંભળશો તો પાત્રોની જીંદગીને એક અલગ ઊંડાણ અને ઉંચાઈથી અનુભવી શકશો. જો વાંચવાનું અને મ્યુઝીક સાંભળવાનું (છતાં ઈન્ટરનેટથી દૂર રહેવાનું) તમને કોઠે પડે તો નવલકથાના દરેક ભાગની આગળ એક QR Code આપેલો છે. એને સ્કેન કરીને સાંભળી શકાશે. આર્ટિસ્ટ મુજબ Ludovico Einaudi, Estas Tonne, અને Hans Zimmer આ ત્રણના મ્યુઝીક જ અહીં લેવાયા છે.
બસ…તો પછી ચાલો ઉપડીએ ‘ધ રામબાઈ’ની સફરે… 🙂
નોંધ : નવલકથા ઈ-બુકમાં હમણાં નહીં આવે. આ પુસ્તકને હાથમાં લઈને વાંચવાની જ મજા આવશે. તમારે ખરીદી કરવા માટે વોટ્સએપ નંબર: 9409057509 પર તમારું નામ, સરનામું વગેરે આપવાનાં રહેશે. કિંમત 199/- છે. કોઈ બીજા ચાર્જ નથી.