માબાપની એક વાત

Image

“તું જ તારો ભાગ્ય વિધાતા છે. હું અને તારા બાપુજી માત્ર તારી યાત્રા ના પુરક છીએ, કારણ કે છેવટે તો તારી અમૂલ્ય જીંદગી નો ઘડવૈયો તું ખુદજ છે. તું જેવા મનુષ્યનું સર્જન કરવા માંગે છે તે માટે મંડી પડ, કારણ કે એજ આપણા સૌના જીવન નું અંતિમ ધ્યેય છે. અને હા દીકરા, એક વસ્તુ યાદ રાખજે; તું જે વિચારે છે એજ તું છે, એજ તું બનીશ, અને એજ અમારા સૌના જીવનની સાર્થકતા છે. અમે તો માત્ર માં-બાપ તરીકે તારા માટે પ્રેમ ના પુરક છીએ, માટે તારે અમારા સપનાઓ મુજબ નહિ પણ તારા સપનાઓ મુજબ જીવતર નું ઘડતર કરવાનું છે. બેટા…મારું મન તો કહે છે કે- તું જે બનીશ તેના થી જ અમે ખુશ થાશું.”
ગઈ કાલે મારા બા એ જયારે ફોન પર આ વાત કરી ત્યારે તેમના આ દીકરા ની આંખમાં માબાપ પ્રત્યેના અખૂટ પ્રેમ, ગર્વ ને જુસ્સા ભર્યું આંસુ સરી પડ્યું. તેમની લાગણીઓ ને મેં મારા શબ્દો માં મૂકી છે .મારા માબાપ એકેય ચોપડી નથી ભણ્યા, પરંતુ એમની ભલમનસાઈ, મોટાઈ, અને તેમના સંતાનોના જીવન પ્રત્યે નું અમુલ્ય ભણતર અમને આખા પરિવાર ને ઘણું શીખવે છે.  તેઓએ ક્યારેય મારા પર પોતાના સ્વપ્ના ઓનો ભાર નાખ્યો કે નથી મને પોતાની ઈચ્છાઓ ની કોટડી માં ગોંધી રાખ્યો.

મારા બાપુજી ને વાંચતા- લખતા આવડે છે પણ પર બા ને તો હમણાં જ મેં સહી કરતા શીખવ્યું. પરંતુ ઈશ્વરે તેમને બંને ને પોતાનો આત્માનો અવાજ આપ્યો છે. મારી ચાર મોટી બહેન અને હું સૌ સાયન્સ ભણેલા ડોક્ટર- એન્જીનીયર છીએ. એમની મૂંગી મહાનતા ને અહી પોકારવા બેસું તો જીવન આખું ટુકું પડે. તેઓએ હર હંમેશ પાછળ થી હોંકારો આપ્યો છે અને અમને સૌને ત્રાડ પડતા શીખવ્યું છે. તેઓ અમારા જીવન રૂપી બગીચાના માળી પણ છે અને સંસ્કાર રૂપી ફૂલો ને સુગંધ આપનાર સર્જનહાર પણ..

આવું બધું લખવા માટે મન દોડી આવ્યું કારણ કે આજે જ બા કેહતા હતા; “તારું પસ્મિત (તેમને પ્લેસમેન્ટ બોલતા નથી આવડતું) થઇ જાય એટલે કેજે; મારું જીવંતિકા માનું વ્રત છે ને તારા બાપુજી ને બે ચાર માનતા પણ છે. તારા બાપુજીને તો આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે.”…હું તો કશું જ બોલી ના શક્યો. મારી બા આમેય મારા માટે લાખો પથ્થર પૂજ્યા છે.  હું તો એજ ઇચ્છું છું કે તેમને જીવનભર પરમ પરમાત્મા ની જેમ પુજતો રહું. તેમણે મારી ભીની ગોદડી થી માંડી ને ભીની આંખ પણ લુંછી છે.

આમ તો કોઈ મુર્ખ જ તેના માબાપ વિશે લખવા બેસે, કારણ કે કેટલું લખવું? પણ હું તે મુર્ખામી કરવામાં ગર્વ અનુભવું છું. હું તો કહું છું કે જયારે એ દીવો ઓલવાય જાય ત્યારે તેમના ફોટા સામે બેસીને આંસુ પાડવા કરતા અત્યારે હૃદય થી ભેટી લેજો, તેમના પ્રેમ રૂપી દરિયામાં તમારા જીવન ની ખળ ખળ વેહતી નદી ને સમાવી દેજો. તેમની જીવન ભર ની માનતાઓ નો ભગવાન જવાબ આપે કે ના આપે, પણ દીકરા તરીકે આપણે તો તેમની ઈચ્છાઓ ને સાકાર કરવી જ રહી. મને તો તેમાં જીંદગી ની સાર્થકતા દેખાય છે…તમારું શું કેહવું છે?