ટેસ્ટ-ટ્યુબ બેબી અને તેની ફાઈટર મમ્મીની કહાની!

આજે લગ્ન પછીના ૧૩ વર્ષે મારી મોટી બહેનને ત્યાં દિકરીનો જન્મ થયો છે!
એ ટેસ્ટ-ટ્યુબ બેબી છે.મારી મોટી બહેન Sangita Thummar મારા માટે એક ગુરુ જેવી સ્ત્રી જ નથી, પરંતુ એક રીયલ લાઈફ ફાયટર છે. પોતાની લાઈફને હસી-ખુશીથી જીવે. કોઈ ફરિયાદ નહી. કોઈની નિંદા નહી. નાના બાળકો પણ એના દોસ્તો અને આખા એપાર્ટમેન્ટના ડોશીઓ પણ! એની બહેનપણીઓનો પણ પાર નહી! ખુબ હસે. ખુબ ભર્યું ભર્યું જીવે. એના ઘરે મહેમાનોની રોજની ૩-૪ ની એવરેજ આવે! ખબર નહી કેમ પણ દરેક માણસને એની પાસે આવીને જાણે ભરપુર શાંતિ અને સુરક્ષા લાગે!

કુદરત પોતાના નિયમ મુજબ ડાહ્યા માણસોની પરીક્ષા વધુ લેતો હોય છે. તેણે મોટી બહેનની પરીક્ષા પણ ખુબ લીધી. કારણ? કારણકે કદાચ એને પણ મારી બહેનાની સંજોગો સામે લડત આપવાની તાકાતમાં ભરોસો હશે. 🙂

લગ્નના ચાર વર્ષ પછી બહેનને પહેલું મિસકેરીજ થયું. આઠ મહિનાનું બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. એ સમયે અમારું ફેમીલી અને બહેનનું સાસરાનું ફેમીલી બધા જ ભાંગી પડેલા. આઠ-આઠ મહિના પછી પેટમાં પુરતું પોષણ ન મળવાને કારણે જયારે બહાર લઇ લેવું પડે ત્યારે એને પેટમાં પોષનારી માં ને શું અનુભૂતિ થતી હશે?

બહેન બે દિવસ રડતી રહી, પરંતુ ત્રીજે દિવસથી એ ફરી એજ ભરી-ભરી લાઈફ જીવવા લાગીં. ઉલટાનું એવું થયું કે એના ઘરે જેટલા માણસો ખરખરે આવે એમને સમજાવે અને છાના રાખે! હિંમત આપે!
એ દિવસોમાં હું પણ હોસ્ટેલથી બહેન ને લેટર લખતો. હિંમત રાખવા કહેતો. બહેન મારો પત્ર વાંચીને ખુબ હસતી. બધાને વંચાવે! કહેતી જાય કે ‘મારો ભાઈ છે, ખુબ સમજેલો છે!’ 😀

બીજા બે વર્ષ ફરી બહેનને બીજું મિસકેરીજ થયું. એ બાળક હજુ તો ચાર મહિનાનું જ હતું. ડોક્ટર્સનું કહેવાનું હતું કે પેટમાં કોઈ નળી બ્લોક થવાને લીધે બાળકને પુરતું પોષણ મળતું નથી. બહેન સિવાય બાકી બધા ફરી-ફરી ભાંગી પડ્યા. બહેન ફરી સાજી થઈને પોતાની રંગીલી લાઈફ જીવવામાં વ્યસ્ત થઇ ગઈ.

ખબર છે સામાન્ય માણસનો સૌથી મોટો દુશ્મન કોણ છે? : “સમાજ”.

હા…બહેન અને જીજાજી ત્રીસ વર્ષના થયા ત્યાં સુધી કોઈ ઉપાધિમાં ન હતા. બંને મોજથી એકબીજાનો ખભો બનીને જીવતા. પણ સમાજ આવ્યો!
બહેન ને બીજી બાઈઓ પૂછશે: “તમારે હજુ કઈ નાનું નથી?” “તો તમારી શું ઉંમર થઇ બહેન?”
મારા બા-બાપુજીને સગાઓના ફોન આવશે: “સંગીતાને કઈ તકલીફ છે?” “બધા રિપોર્ટ બરાબર છે ને?”

સમાજ…સમાજ…સમાજ..મને આ સમાજ સામે એટલો ગુસ્સો છે કે જો એ કોઈ માણસ સ્વરૂપે મારી સામે આવે તો એને નગ્ન કરીને આખા ગામમાં ફેરવું. 😦

બહેન ખુબ ચિંતામાં રહેતી. એને તો બધા જાણે! ડોશીઓ પણ પૂછે અને બહેનપણીઓ પણ! એ શું જવાબ આપે! સમાજ સામે સારા-સારા માણસો હારી જાય.
હું ફોન કરીને એને કહ્યા કરું કે આ બાળકની ઝંખનાઓ જ પડતી મુકે. કાન બંધ રાખે. સમાજ સામે ન જુએ. લોકો શું કહે છે એ ન વિચારે.

…પણ એક સમયે એમના માટે બાળકનો જન્મ એક ખુશી નહી પરંતુ ઝંખના ભર્યું, આશાઓ ભરેલું સપનું બની ગયું. એક આશા કે બાળક થાય તો આ સમાજ ચુપ થાય.
હું આ વિચારોનો સખ્ત વિરોધી હતો પણ શું કરું? ગામના મોઢે હું કે બહેન કે જીજુ ગરણી બાંધી શકીએ એમ ન હતા. મેં બહેનને ખુબ પત્રો લખ્યા, પણ ‘સમાજ’ની આશાઓ સામે મારા શબ્દો હારી ગયા.

એક દિવસ બહેન નો ફોન આવ્યો. “જીતું…અને ટેસ્ટ-ટ્યુબ બેબી કરવાનું વિચારીએ છીએ. ડોક્ટર કહે છે કે મારા કેસમાં એ શક્ય છે અને સફળ પણ થઇ શકે”
હું તો ખુબ ખુશ થયો. બધા ખુબ ખુશ થયા. પણ સમાજ? ના… સવાલો ચાલુ હતા. મારી બહેન અને જીજાજીની ઉંમર ૩૩ વર્ષ થઇ છે.

છેવટે બહેને તેત્રીસ વર્ષે ટેસ્ટ-ટ્યુબ કરાવ્યું.
આજે દિકરીનો જન્મ થયો છે. હું મામો બન્યો છું. ખુબ ખુશી છે.
જોકે બાળક ને આઠ મહિના પછી પેટમાં પોષણ ઓછું થતા ડોકટરે સિઝેરિયન કરીને ઓપરેશનથી પ્રસુતિ કરેલી છે. દિકરી હજુ તો Incubator માં છે (પેટીમાં છે) પરંતુ એની તબિયત સારી છે. હજુ એકાદ મહિનો તેને પેટીમાં જ પોષણ મળશે.
મારી રીયલ લાઈફ ફાઈટર બહેનની તબિયત પણ સારી છે. એ ખુશ છે.

વિચારો…સમાજ અને આપણી સમજ બીજા માણસોને કેટલા હેરાન કરે છે! લોકો એકબીજા પર પોતાના જજમેન્ટ થોપી દેવામાં વિચારતા નથી. આતો સારું છે કે બહેન આટલી સમજેલી છે. બીજી હજારો સ્ત્રીઓનું શું થતું હશે?

હું ક્યારેય દોરા-ધાગામાં માનતો નથી પરંતુ બહેન માટે મેં પણ મારા ઘરથી 158 કિલોમીટર દુર સારંગપુર હનુમાનજી સુધી ચાલીને જવાની માનતા કરેલી છે. 🙂 આ રાખડીનું ઋણ નથી. બસ… આ ફાઈટર માટેની ફાઈટ છે. 🙂

મારી ભાણકી અને બહેનની સારી તબિયત માટે ઈશ્વરને પાર્થના સહ…

-બહેનનો ભાઈ. 🙂

14310379_1167832603276311_949132669444157852_o