સ્મોકિંગ…

સ્મોકિંગ…

વર્ષો પહેલા આપણા બાપ-દાદાઓ અને રાજા મહારાજાઓ હુક્કાના શોખીન હતા. એમણે દરબારો ભરી-ભરીને ખુબ પીધા. ઉધરસ ખાઈ-ખાઈને દમના રોગોમાં મર્યા. પછીની પેઢી થોડી વધુ ઉત્ક્રાંતિ પામી! બીડી અને તમાકુ આવ્યા. બે ભાઈ અને ચાર ભાઈની ઝૂડીઓમાં એ બધાએ ગામના પાદરમાં પંચાતો કરી. મર્યા. છેલ્લા દસ-પંદર વર્ષમાં વધુ ઉત્ક્રાંતિ થઇ. તમાકુથી હાથ બગડતા, એટલે માવા-ગુટકા આવ્યા. ચારેબાજુ ગલ્લાઓ અને ઈમારતોના ખુણાઓ બગાડ્યા. મરશે બધા.
પરંતુ છેલ્લે આવી છે આપણી મોર્ડન પેઢી. સોફિસ્ટિકેટેડ યુવાનો! સિગારેટ વાળા.

એક તો આ શહેરોનો ધૂમાડો ઓછો શ્વાસમાં આવતો હોય એમ ઉપરથી વધુ ‘કૂલ’ દેખાવા આપણી પેઢીમાં આ સિગારેટે દાટ વાળ્યો. અહીં બેંગ્લોરમાં કોઈ પણ રસ્તાના ખૂણા પર હાથમાં ચા-સુટ્ટા લઈને ઉભેલા ‘પૂર્ણ ભણેલા’ અબુધ યુવાનોની ખોટ જ નથી. યુવાનોથી ભર્યું આ શહેર એ હદે વકર્યું છે કે આજથી દોઢ વર્ષ પહેલા આ બધાથી ‘પ્રેરિત’ થઈને મેં સિગારેટ ચાલુ કરેલી. રોજની એક!

મને સો ટકા ખાતરી છે કે ભવિષ્યના બાળકો આ વ્યસનને ઔર ઉંચાઈ પર લઇ જશે. કોઈને ખબર પણ ન પડે અને ડાયરેક્ટ ઇન્જેક્શનથી કે નાકથી લઇ શકાય એવા ડ્રગ્સ આપણું ભવિષ્યનું ‘કૂલ’ ફેક્ટર હશે. વિદેશો કે પંજાબ જેવા વિસ્તારોમાં આ બધું ભરડો લઇ ચુક્યું છે. (આ સેંકડો વર્ષની ઉત્ક્રાંતિમાં પાછો દારુ/લઠ્ઠા કે મોર્ડન બીયર/વ્હીસ્કી તો સમાંતરે ચાલતા જ આવ્યા છે. એવરગ્રીન!)

વાર્તા હવે ચાલુ થાય છે.
ચંદ્રકાન્ત બક્ષી એ લખેલું: “માણસે વ્યસનો યુવાનીમાં કરી લેવા જોઈએ કે જેના લીધે બુઢાપામાં છોડી શકાય!”
તબલો…
બક્ષી જેટલા આ વાક્યમાં સાચા છે એથી વધુ ખોટા છે. બક્ષી એમની સિગારેટ છોડી શક્યા હશે, સામાન્ય ‘કૂલ’ માણસનું કામ નહી. હા…આ વ્યસનો છોડવા લગભગ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એટલા અઘરા હોય છે. જે સમાજ બન્યો છે જ એકબીજાનું અનુસરણ કરીને જીવવાના પાયા પર એ સમાજમાં તમારી આજુબાજુના માણસોને જોઇને તમને કશું ખોટું થઇ રહ્યું છે એવું લાગે જ નહી. ઘેટાંની જાત. બીજાને ફોલો કરે એટલે કરે.

…થયું એવું કે એક દોસ્તના કહેવાથી સવારમાં છ વાગ્યામાં ચા સાથે સિગારેટ પીવાનું શરુ કર્યું. કારણ હતું: વહેલા ઉઠીને લખવાનું હોય એટલે ઊંઘ ન આવે એ માટે! બોલો. આ કારણે શરુ થયેલી સિગારેટ રોજની એકને બદલે બે થઇ, પછી ત્રણ થઇ. (ત્રણથી વધ્યો નહી.) (લેખક કે આર્ટીસ્ટ હોવાથી કિક લાગે માટે કૈક લેવું પડે એનો વહેમ બધા આર્ટીસ્ટને બરબાદ કરે છે.)

દિમાગ ફરી ગયું?- સિગારેટ. જોબથી કંટાળ્યા- સિગારેટ. ખુશ છો?-સિગારેટ.
એક માઈલ્ડ 14ની આવે. રોજના 42 રૂપિયા એમાં જાય. પીનારાં ને ન દેખાય.

…અને પછી તો વાસ્તવ તો ઠીક, પરંતુ ફિલ્મોમાં કોઈ પાત્રને સિગારેટ ફૂંકતો જુઓ એટલે સપોર્ટ મળે! લત લાગી. જ્યારે લત લાગી ત્યારે ખબર પડી કે આ ‘કૂલ’નથી. બધો ભ્રેમ છે! સિગારેટ પીતા-પીતા પણ જીવ જ બળે તમારો. છોડવાનું મન થાય. ‘આજે છેલ્લી ‘એવો વિચાર જ આવે. પણ ફરી ચાલુ. રોજના હજાર સંકલ્પ કરો. મનોબળ ખૂટે. રસ્તામાં દૂકાન આવે એટલે મન નાં પાડતું હોય છતાં પાકીટ ખેંચાઈને બહાર આવે. ક્યારેક છૂટા ન હોય તો પેકેટ લેવાય જાય!

ધીમે-ધીમે ઉધરસ ચાલુ થઇ. મોઢામાં વાસ રહે, દાંત પીળા રહે. શ્વાસ ધીમા છે માલૂમ પડ્યું. હાડકાં દુ:ખે. ભૂખ ઓછી લાગે. ફાંદ વધી હોય એવું લાગે. કબજિયાત હોય તો સિગારેટ ઈલાજ લાગે. માથું ભારે લાગે. છતાં… આ છોડવાની પ્રતિજ્ઞાઓ લેવાતી રહી. તૂટતી રહી.
મે નોર્થપોલ નવલકથામાં પણ પાત્રોને મસ્તીથી પીવડાવી છે. એમને મોજમાં દેખાડ્યા છે. (આશા છે કે એમને જોઇને કોઈ વાંચક અનુસરણ ન કરે. એ માત્ર સિમ્બોલ છે આપણી પેઢીને અને સમયને દેખાડવાનો.)

દોસ્તો…આ વડીલો જેવું ભાષણ નથી. સિગારેટ સંપૂર્ણ છોડી દીધી છે. ચાલુ થવાનો કોઈ ડર નથી. આ નાગું સત્ય છે. સિગારેટ કે ગાંજો ‘કૂલ’ નથી. જગતના ‘એવરેજ’ માણસોના આ કામ છે. જે ‘અનુયાયીઓ’ બનશે. ગુરુ નહી. એવરેજ રહેશે. હજુ મોડું નથી થયું. આ બધા મનના ખેલ છે. બાહ્ય જગત મૂરખ છે. બધા કરે છે એટલે મોજ ખાતર પણ પોતાની જાતને મૂરખ ન બનાવવું. જો લત લાગી તો તમારું ‘સબ કોન્શિયસ’ મન ડીમાન્ડ કરતુ જ રહેશે. મનોબળ ખૂટશે. આ બધું conscience ના ખેલ છે. જેમ કોઈ ક્રિમીનલને અપરાધ કરતી વખતે થઇ જાય, અને પાછળથી પસ્તાવો થાય એવું છે.

મેં મૂકી દીધી છે ઘણા સમયથી. ત્રેવડ હોય તો તમે પણ મૂકી દેજો વ્હાલા. This ain’t that Cool. You are the biggest fool. Believe me.