આ દુનિયાને બદલી શકાય છે.

સવારે રિક્ષામાંથી ઊતર્યો અને ઈયર-ફોન્સ ભરાવ્યા . પ્લેલિસ્ટ શફલ મોડ પર મૂકીને મારી મસ્તીમાં ચાલતો જતો હતો . સવારનો સમય હતો એટલે રોડની એકબાજુ 30-40 જેટલા લોકો ટોળે વળીને ઊભા હતા . એમના દીદાર અને અધીરાઈ જોઈને લાગતું હતું કે બધા મજૂર-વર્ગના છે , અને એમને કામ પર લઈ જવા આવતા છકડા કે એવા કોઈ વાહનની રાહ જોઈને ઊભા છે .

હું બધાંના ચહેરા જોઈ રહ્યો હતો, એમની જિંદગી કેવી હશે એની કલ્પના કરતો હતો . જે વાતો કરતા હતા એ બધાંના દાંત લાલાશ પડતા હતા , કેટલાક ત્યારે પણ ગલોફામાં ભરીને માવો કે મસાલો ચાવતા જ હતા . હું એમની બાજુમાંથી જ પસાર થયો , રોડ પર ઠેકઠેકાણે તાજી કે આગલા દિવસોની પાન-મસાલાની પિચકારીઓ દેખાતી હતી . કેટલો સરસ રોડ છે , એકદમ ચકચકાટ ! એને આ લોકોએ પિચકારીઓ મારી-મારીને રોડ ઓરિજનલ કયા કલરનો હતો એ જ ના ઓળખાય એવો બનાવી દીધો છે . મનમાં દેશની સંપત્તિનો દેશના જ નાસમજ લોકો કેવો કચરો કરી નાખે છે એનો અફસોસ થયો, અને વિચારો ચાલુ થયા :” કાશ આ લોકો થોડું ભણેલા હોત , તો એ આવું ના કરત . જે દેશની ચોથા ભાગની વસ્તી અશિક્ષિત છે , ત્યાં ગમ્મે એટલી સારી વસ્તુ બનાવીને આપો , એનો દુરુપયોગ થવાનો જ . આ લોકોને એવું તો શિખવાડવામાં જ નથી આવ્યું કે ભાઈ આ દેશની એટલે કે આપણાં સૌની સંપત્તિ છે , એને આ રીતે બગાડાય નહીં . જ્યાં સાંજે રોટલા-ભેગા થવાશે કે નહીં એ જ પ્રાણ-પ્રશ્ન હોય ત્યાં દેશ ને દેશભક્તિ ને રાષ્ટ્રીય સંપત્તિ ને એવું બધું શું સમજે એ લોકો ? કોણ સમજાવે ? કાશ એ થોડા શિક્ષિત હોત !”

બરાબર એ જ સમયે મારી વિચાર-શૃંખલાને તોડતી એક કાર પસાર થઈ . રાષ્ટ્રીય સંપત્તિ ગઈ તેલ પીવા , આ વ્યક્તિગત સંપત્તિ તો જો બૉસ !! શું લાગે યાર …!! મનોમન જ અડસટ્ટો વાગી ગ્યો કે આરામથી 30-40 લાખની તો હશે જ ! પવનને ચીરતી એ નીકળી અને હું તાત્કાલિક મોહી પડ્યો . કાર જસ્ટ થોડેક જ આગળ ગઈ હશે, અચાનક ઝડપથી એનો લેફ્ટ સાઇડનો ડોર થોડોક ઓપન થયો , એક માથું જરીક બહાર નીકળીને નમ્યું અને પચ્ચ કરીને પિચકારી મારી … ચાલુ ગાડીએ , રોડ પર જ !! મારા રૂંવે-રૂંવે આગ લાગેલી , હાથમાં રહેલો મોબાઈલ એના માથા પર છૂટ્ટો મારવાનું મન થઈ ગયું . પણ એક ગમાર ગધેડા માટે મારો મોંઘેરો ફોન થોડો બગાડાય ?

સળગતા દિમાગ સાથે એ જ એકદમ તાજજી પિચકારીની બાજુમાંથી પસાર થયો . રોડ પર એક લાલ-ચટ્ટાક ડાઘ પડી ગયેલો . પેલી હારબંધ પિચકારીઓની સરખામણીમાં મને આ એક ” શિક્ષિત પિચકારી ” વધુ વસમી લાગતી હતી . અજાણતાં જ મારી નજર પાછી વળી , પેલા ટોળા બાજુ , અને મન બોલી પડ્યું : ” એમાં તમારી કોઈ ભૂલ નથી ! ”

*

મારા ફેસબુક વૈભવ અમીને આ પોસ્ટ મુકેલી. છેલ્લી લીટી ફરી વાંચો: ” એમાં તમારી કોઈ ભૂલ નથી ! ”

મતલબ: આખા દેશનો કેટલાયે વર્ષોનો ઘાણવો દાજેલો છે!

એની વે. સોલ્યુશન છે. આપણા દેશના,આખા વિશ્વના, અરે….આખી માનવજાતના દરેક પ્રોબ્લેમનું એક મસ્ત મજાનું, સાવ સહેલું સોલ્યુશન છે. એ સોલ્યુશન આજકાલ આપણે યુવાનોએ વાંચ્યા-જાણ્યા-સમજ્યા-પચાવ્યા વગર વખોડી-હસી નાખેલો બંદો આપી ગયો હતો. એ સોલ્યુશન કહું એ પહેલા બીજી સાચી ઘટના કહી દઉં:

હું મારી બાઈક લઈને વડોદરા ટ્રાફિકમાં જઈ રહ્યો હતો. મારી થોડે આગળ સાઠેક વરસનો માણસ બાઈક લઈને જઈ રહ્યો હતો. અચાનક તેને બિચારાને ચક્કર આવ્યા હશે, તેણે બાઈકનો કંટ્રોલ ગુમાવ્યો અને તે નીચે પડ્યો. તેને વધુ વાગ્યું નહી, પણ તેના હાથ-પગ ડામર સાથે ઘસાવાથી લોહી નીકળવા માંડ્યા. મેં મારી ગાડી ધીમી કરીને જોયું. કોઈ ઉભું ના રહ્યું. સૌ કોઈ ઉભા રહેવાનો વિચાર કરતા હતા, પરંતુ ખચકાઈને લીવર આપી દેતા હતા. મેં બાઈક રસ્તાની સાઈડમાં ઉભી રાખી, અને બાજુમાં દોડી ગયો. કાકાને બેઠા કર્યા. તેમના હાથ પર મારો રૂમાલ બાંધી દીધો. તરત જ મારી બાજુમાં એક બહેન સ્કુટી ઉભી રાખીને મને મદદ કરવા લાગ્યા. બે જ મિનીટમાં બીજી દસ બાઈક ઉભી રહી અને સૌ કોઈ મદદ કરવા લાગ્યા. એમ્યુલન્સ આવી. હું એમ્બ્યુલન્સમાં પેલા કાકા સાથે બેઠો. કાકાને હોસ્પીટલમાં સારવાર કરાવી હું પાંચ કલાક પછી મારી બાઈક લેવા રોડ પર આવ્યો. થોડા દિવસ પછી એ કાકાએ મને ચા પીવા બોલાવ્યો. અમે દોસ્ત બન્યા. મારી વાતો હંમેશા મોટી-મોટી અને દુનિયા બદલવાની હોય છે. એવી જ એક વાત પછી કાકાએ મને કહ્યું: તું આ લોકોને-દુનિયાને ક્યારેય બદલી નથી શકવાનો જીતું-બેટા!

હું મુસ્કુરાયો એમની સામે.

એમને પ્રૂફ જોઈતું હતું. મેં કહ્યું: ખબર છે અંકલ…તે દિવસે તમને મદદ માટે હું ઉભો રહ્યો, પછી માત્ર બે જ મિનીટમાં બીજા દસ લોકો દોડી આવેલા? ખરેખર તો તમારી હાલત જોનારા દરેકની અંદર દયાભાવ હતો, મદદની ખેવના હતી, પણ તમને ખબર છે મેં શું કર્યું? હું ઉભો રહ્યો. મારી અંદર પડેલા લાગણીના સમુદ્રમાં જે મોજું ઉદભવ્યું એ બીજા લોકોની અંદરના રણકાર કરતા મોટું હતું. બસ મેં દુનિયા ત્યારે જ બદલી નાખી…જયારે હું બદલાવ બન્યો, દુનિયા બદલી ગઈ. હું મદદ બન્યો, દુનિયા મદદ માટે આવી ગઈ. હું તમારી પીડાને રૂમાલ બાંધવા લાગ્યો, દુનિયા મને પોતાનો રૂમાલ આપવા લાગી. અંકલ…તે દિવસે હું ઉભો ના રહ્યો હોત તો દુનિયા અલગ હોત. તમારું લોહી થોડું વધારે નીકળ્યું હોત. બીજું કોઈ જરૂર ઉભું રહ્યું હોત, પણ અત્યારે થોડા માણસોની અંદર પડેલા લાગણીના મોજાઓને વધુ ઉછાળવાનું આત્મ-ગૌરવ મને મળ્યું છે. અંકલ ભલે તમે ના માનો…પણ હું આ વાત તમને કહું છું ત્યારે પણ હું દુનિયા બદલું છું. અને આ ક્ષણે હું દુનિયાને છાતી ઠોકીને કહી શકું છું કે- દોસ્ત…ફર્ક પડે છે. આ દુનિયાને તમારાથી બદલી શકાય છે. જખ મારીને દુનિયાને બદલવું પડે છે. બસ તમારા હૃદયમાં ખેવના હોવી જોઈએ. નાનકડો સારો બદલાવ લાવવાની ખેવના. અંકલ મેં તે દિવસે પેલા દસ માણસોને બીજાઓને મદદ કરતા કરી દીધા છે. ખબર છે?

*

તમને ખબર છે…મારા એ શબ્દોએ એ માણસને બદલેલો. મને એ બદલાવ આજકાલ તેને મળીને દેખાય છે. મારા શબ્દો વાંચીને તમારા વાંચકોના હૃદયમાં રહેલા લાગણીના સમુદ્રને પણ મેં ઉછાળ્યો છે. થોડો બદલ્યો છે. મેં એકવાર કહેલું, ફરી કહું: અબજો વર્ષોથી અવિરત ચાલતી આ પૃથ્વીને તારા મરવાથી કશો ફરક પડવાનો નથી, પરંતુ તારા જીવવાથી ફરક પડે છે. તારા જીવવાના અંદાજથી ચોક્કસ તું કેટલાયે જીવનને અસર કરતો જઈશ. એટલે તારા દરેક લખણ-સત્કાર્ય-ભ્રષ્ટાચાર-કૌભાંડ-કોશિશો અને શબ્દો આ વિશ્વને થોડું બદલાવતા જતા હોય છે.

અને હા…પેલો મહાત્મા…આપણો જ ગાંધી…કહેતો કે Be the change you want to see in the world! ખુબ સાચો છે.

નવરો પડીશ એટલે ગાંધીએ આપેલી આ ચાવી વાપરતા શીખવતો જઈશ.

એક હિન્ટ આપું?

મારી દોસ્ત કહે છે તેમ- આપણા દેશમાં પાદીને ને પણ તમે મોટેથી એક્સક્યુઝમી બોલો…તો બીજે દિવસે બીજા દસ માણસો પાદીને એક્સક્યુઝમી બોલવા લાગે!! 🙂

મને પટાવવી આટલી અઘરી કેમ છે?

હેલ્લો…

હું ઇન્ડીયન ગર્લ છું. પબ્લિક કહે છે કે મને પટાવવી અઘરી છે.

પબ્લિક ખોટી છે. હું કહું છું કે- મને ઇન્ડીયામાં પટાવવી અઘરી છે! કારણ આપું?

ધારો કે હું એક મુસ્લિમ છોકરી છું. તો પછી મને પટાવવી ભૂલી જ જવી.

ધારો કે હું હિંદુ છોકરી છું. તો મને પટાવ્યા પછી પસ્તાવાનો વારો આવશે.

જો હું જૈન છું, તો મારા નખરા જ તમને કંટાળો આપી દેશે.

મોટા ભાગના બુધેશકુમારો ધર્મ જોઇને પ્રેમ કરવા જાય છે, અને પછી ફરિયાદ કરવા બેસે છે. પ્રેમને અને ધર્મને ભેગા કરીને જ તો આ બધા બુધેશકુમારોએ ગામના ગામ સળગાવ્યા છે.

પરંતુ ધારો કે હું એક મોર્ડન ગર્લ છું. ભણેલી છું. સ્માર્ટ-સેક્સી-માલ-ફટકો છું. મારી પાછળ ઘણા ફિદા છે. હું કોલેજ માં છું. મારે બે-ત્રણ વાર લવ થયો છે. તુટ્યો છે. મારે બીજા બે ક્રશ છે. લફરા નથી. મારા સંબધોમાં જરૂર પૂરતા સાથે રહેવાના ઢોંગ નથી. ઓવરઓલ હું ઓપન માઈન્ડેડ છું. બધા છોકરાઓ સાથે વાત કરું છું. જો મને કોઈ ન ગમે, ચાળા કરે, પજાવે તો જરૂર પડ્યે ગાળ કે થપ્પડ પણ આપી દઉં છું. હું મારા ફ્યુચર હસબન્ડ માટે ‘પરફેક્ટ વહુ’ નામનું મટીરીયલ બનવા પાછળ મારી જાતને પડીકું બનાવીને રાખતી નથી. મને લગ્ન પહેલા મારી વર્જીનીટી તોડવામાં પણ કોઈ વાંધો નથી. લગ્ન પહેલા પ્રેમ-સેક્સ કરવામાં મને કોઈ ભૂલ દેખાતી નથી. હું ગુજરાતી છોકરીઓની જેમ બોગસ પવિત્રતાથી ગંધાતી નથી. હું મારા લેપટોપમાં કે મોબાઈલમાં પોર્ન જોઉં છું. હસ્ત-મૈથુન કરું છું. (ગુજરાતી પૂર્તિઓ વાંચીને મોટા થયેલા યુવાનોને હસ્ત-મૈથુન શું છે તેની ખબર જ હોય છે.) મારી મસ્તીમાં-ખુશ રહીને-સાચી રીતે હું જીવું છું.

હવે તમને ફિલ થશે કે : હું પટાવવા લાયક છોકરી છું. (અને તમને એમ પણ ફિલ થશે કે: હું પ્રેમ કરવા લાયક કે સાથે જીવન પસાર કરવા લાયક છોકરી નથી. સાચું કહ્યું ને?)

તમને હું ખુબ સારી રીતે ઓળખતી નથી છતાં તમે મોકલેલી ફેસબુક રીક્વેસ્ટ હું એક્સેપ્ટ કરી લઉં છું.(કારણકે મને લાગે છે કે ફેસબુક બેટર કનેક્ટ માટે છે. સમજ્યા?) હું મારું સપનાનું જીવન જીવું છું. જેમાં હું ધર્મ-જ્ઞાતિ-કુટુંબ જોઇને છોકરો પસંદ કરતી નથી. મને છોકરા સમોવડી બનીને સ્વતંત્ર રીતે જીવવામાં જ પ્રેમની યોગ્યતા દેખાય છે.

સાચું કહું છું- દરેક છોકરી પહેલા તો મારા જેવી જ હોય છે. મેં ઉપર કહ્યા તેવા યોગ્ય વિચારો ધરાવતી હોય છે. આજે આવા સાચા-સ્વતંત્ર વિચારો ધરાવતી લાખો છોકરીઓ આપણા દેશની બહાર છે. આપણા દેશમાં પણ મારા જેવી લાખો છોકરીઓ છે.

પરંતુ હવે વિલનની એન્ટ્રી થાય છે. અમારા છોકરીઓના પર્સનલ જીવનમાં કે પ્રેમમાં વિલન આખો દેશ હોય છે. ( એટલે જ તો કહું છું કે મને ઇન્ડીયામાં પટાવવી અઘરી છે!) મેં કહ્યો તેવો મારો જીવવાનો અંદાજ સૌને ખુંચે છે. મારી લાઈફ-સ્ટાઈલથી ક્યારેય મારા જેવું ન જીવી શકેલા સમાજની, વડીલોની, મને ન પટાવી શકેલા માણસોની, અને મારા જેવી બની ન શકતી બીજી છોકરીઓની જલી ઉઠે છે. સૌ કોઈ મને નીચી પાડવા મથે છે.

છોકરાઓ માનવા લાગે છે કે હું તો ઇઝીલી-અવેલેબલ વપરાઈ ગયેલો માલ છું. ધીમે-ધીમે તેઓ મારી કિંમત ઓછી કરી નાખે છે. મને માત્ર લાઈન મારવા પુરતી મર્યાદિત રાખે છે. મારી ફેસબુક પોસ્ટ પર ગમે તેવી કમેન્ટ્સ આવી શકે છે. જયારે છોકરાઓના ગ્રુપ્સમાં મારી વાત નીકળે ત્યારે મારી ગણતરી સૌથી નીચા લેવલના ‘ચાલુ’ માલમાં થાય છે.

પછી વડીલો આવે છે. એમની તો આખી જમાત છે જે મારા જેવી છોકરીઓમાં દેશની સંસ્કૃતિની બદનામી જુએ છે. મારા ટૂંકા જીન્સ અને શોર્ટ્સ એમને સંસ્કારોની પનોતી લાગે છે, અને રેપનું આમંત્રણ લાગે છે. (હું સાચું કહું છું, ગુગલ ને પૂછી લેજો. આપણા દેશમાં સૌથી વધુ બળાત્કાર-રેપની ઘટનાઓ શોર્ટ્સ પહેરેલી છોકરીઓ કરતા ઘાઘરા-ચોલી-સાડી પહેરેલી, સંસ્કારી, મૂંગા મોઢે જીવતી આદર્શ પત્ની બનીને રહેતી સ્ત્રીઓ ઉપર વધુ થયા છે. વધુ કડવું કહું તો…આ આદર્શ પત્નીઓ પોતાના પતિના રોજના રાત્રીના સંતોષનું મૂંગું-ચુપ સાધન બની રહી ગયેલી છે.) એની વે…પછી જયારે મારા લગ્નનો ટાઈમ આવે ત્યારે આ બધા વડીલો મારા ભૂતકાળનું એનાલીસીસ કરવા બેસે છે. જયારે મારા કુટુંબની તપાસ થાય કે મારી ફ્રેન્ડ્સને મારી લાઈફનું સ્કેન રીઝલ્ટ માંગવામાં આવે તો મારાથી જલતી એ બધી એમ કહી દે છે કે: એની સાથે સગાઇ નહી કરતા, એણે ત્રણ-ચાર લફરા હતા. આજકાલ ફેસબુક પ્રોફાઈલ જોઇને લગ્નનું આગળ વધારતા છોકરાઓને હું પ્રેમ કરવા લાયક ન દેખાઈ. લગ્ન કરવાની વાત જ દુર રહી. લો…બોલો…મારી લાઈફની લાગી ગઈ.

હવે હું શું કરું? સ્વતંત્ર રીતે, સાચી રીતે, મારા હકનું જીવીને, મારા આસપાસના સડી ગયેલા સ્ત્રીઓના સમાજ માટે આદર્શ ઉદાહરણ બનીને જીવવામાં મારી લાઈફની કુરબાની થઇ ગઈ. હવે હું શું કરીશ? હવે હું બીજી છોકરીઓને સલાહ આપવા લાગીશ: ફેસબુક પર છોકરાઓની રીક્વેસ્ટ નહી લેવાની. પ્રોફાઈલ છુપી રાખવાની. ઘરે ખબર ન પડે એમ જ લવ કરવાનો. આપણી જાતિમાં જ જવાનું. ટૂંકા કપડા નહી. સૌની નજરમાં સારું દેખાવાનું. પોર્ન નહી જોવાનું. મારા જેવી ભૂલ નહી કરવાની! (પરંતુ આમાં મારી ભૂલ જ ક્યાં છે?)

બસ…આ સાઈકલ ચાલુ રહેવાનું. મારું ઉદાહરણ જોઇને બીજી કોઈ છોકરી આસાનીથી પટવાની નથી. તેને બેડ પર લેવાનું તો ભૂલી જ જવું. એ પોતાના કુદરતી આવેગોને દબાવીને જીવ્યા કરશે. પોતાની સ્વતંત્રતાનો ભોગ આપીને મૂંગી જીવ્યા કરશે. દેશમાં આવતા પરિવર્તનને ધીમું પાડી દેશે. દેશ ફરી કહેશે કે: ઇન્ડીયન છોકરી પટાવવી અઘરી છે! ના. તમારે લીધે ઇન્ડીયામાં છોકરી પટાવવી અઘરી છે. વાંક કોનો? મારો? થું…

વાંક છે તમારો. યુવાનો-વડીલો-બાયલી છોકરીઓ. સૌનો. આખા દેશનો. અને ખાસ તો મારા આ શબ્દો વાંચી ન શકતા અબુધોનો જે અડધા સળગેલા લાકડાની જેમ મારા જેવી છોકરીઓથી બળી-બળીને સંસ્કૃતિ બળી રહી છે તેવા ખોટા ધુમાડા કાઢ્યા કરે છે.

જે દેશના મહાન ભૂતકાળે કામસૂત્ર કે ખજુરાહો આપ્યા આપ્યા એ દેશની છોકરીઓએ આબરૂ જવાના ડરથી પોર્ન નથી જોયું! (બહેન…આપણા દેશમાં સેક્સ એજ્યુકેશન છોકરાઓ સહોત સૌ કોઈ પોર્ન માંથી જ લે છે. સેક્સ શીખવા માટે કામસૂત્ર વાંચવા બેસશો?) મારી વર્જીનીટી લગ્ન પહેલા કેમ ન તૂટે? આ બાબતમાં પુરુષોની માપદંડ શું? મને શી ખાતરી કે મારી સુહાગરાતે મળનારો માણસ વર્જિન છે? જો પુરુષોમાં વર્જીનીટી જાણી ન શકાતી હોય તો અમને લોહી નીકળે તેની રાહ જોવાની? અમારે સ્પોર્ટ્સ-સ્પેસ કે બિઝનેસમાં જવાના કામ કેમ નહી કરવાના? લગ્ન પછી તમને પૂછીને જોબ કરવાની? મારા છોકરાઓ સાથે સંબધો માટે આટલો હોબાળો કેમ/ પ્રેમ કરું છું, લફરા નહી. હું ભાગીશ નહી. તમે જયારે સંસ્કૃતિનું નામ લો છો ત્યારે હસવું આવે છે. મને ખાતરી છે કે રામાયણ, મહાભારત કે કુરાન પુરુષોએ જ લખી હશે અને છતાયે ભૂલથી રાધા, રૂક્ષ્મણી, સુભદ્રા, કુંતી, સીતાને મારા જેવી લગ્નેતર-જીવનભર સ્વતંત્ર બનાવી બેઠા છે! અને પછી આ બધી સ્ત્રીઓને પૂજતા આ દેશમાં મારા જેવી પર આંગળી ઉઠશે. જો હું હારી જઈશ તો બીજી બધી ઉગતી છોકરીઓ મૂંગું જીવી લેશે. જો હું હાર નહી માનું તો મને એક સાઈડ કરીને લોકો મને એકલી કરી દેશે. વાંક કોનો? મારો? થું…

========

હજુ ઘણું કહેવું છે મારે…વેઇટ કરજો. આ ગમ્યું? તો શેર કરજો મારો અવાજ…

#DaughterofIndia

Where to purchase my Novels?

મારી નવલકથાઓ ઘરબેઠાં મેળવવાં માટે – 9409057509 આ નંબર પર વોટ્સએપ કે ફોન કરીને તમે તમારું સરનામું અને નવલકથાની સંખ્યા મોકલશો એટલે નવલકથા આપને ત્યાં મોકલી દેવામાં આવશે.

આ ઉપરાંત આપની નજીકના કોઇપણ બુકસ્ટોરમાં કે ઓનલાઈન (લેખક કે નવલકથાનું નામ ગૂગલ સર્ચ કરીને) પણ આપ અલગ-અલગ પ્લેટફોર્મ પરથી પણ ઓર્ડર કરી શકો.

બુક “નોર્થપોલ” અહી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને લેખક દ્વારા કરેલી Signed Copy મેળવી શકો છો:

Buy on Amazon

Buy on Bookpratha

Buy on Gujarati Bookshelf

Read Kindle Edition

બુક “વિશ્વ-માનવ” અહી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને લેખક દ્વારા કરેલી Signed Copy મેળવી શકો છો:

Buy on Amazon

Buy on Bookpratha

Buy on Gujarati Bookshelf

Rate the book on Goodreads

Read Kindle Edition

તમને કેમ કહું બા? કે તમારા સિવાય મેં ભગવાન જોયા જ નથી.

મારા બા

ઓહ…હા. મને ખબર છે તમને શું વિચાર આવ્યો. મારી પાસે તેમના એકલા ના ખુબ જ ઓછા ફોટો છે, અને તે બધા ફોટોમાં સૌથી બેસ્ટ આ ઉપરનો ફોટો જ છે. તેઓને એક અન-ક્યુરેબલ બીમારી છે: જ્યારે કોઈ ફોટો ક્લિક કરવાનું કહે ત્યારે તેઓ હસી શકતા જ નથી. હું તેમનો ફોટો પાડતી વખતે ગમે તેમ હસાવું તોયે…જ્યારે મારી આંગળી બટન પર મુકાય અને લાઈટ થાય એટલી વારમાં તેઓની સ્માઈલ જતી રહે છે. તેમણે મને એકવાર પર્સનલી કહેલું આનું રહસ્ય: જીતું…હું ખુબ જાડી છું એટલે દાત કાઢી શકતી નથી. મને ફોટો પડાવતા જ શરમ થાય છે!

બા.

શી ઈઝ માય મધર.

હા.

હું તેમને મમ્મી નહિ પરંતુ ‘બા’ કહું છું. નાનો હતો ત્યારે તો ‘બડી’ કહીને ગળે વળગી જતો, અને ‘બડી’ ની ફાંદમાં ફૂંક મારીની ભોપું વગાડતો. હવે બધા મને કહે છે કે તું મોટો થઇ ગયો છે. વેલ…ભોપું તો હજુ વગાડું છું! અને પાછો ક્યારેય તેમને ‘તું’ કહી જ શકતો નથી. બાળપણથી તેમણે હાથે નાખેલું મીઠું મને એમને ‘તમે’ કહેડાવવા મજબુર કરી દે છે.

આજે તો મધર્સ ડે છે…મેં તરત જ મારા એક જ ચોપડી ભણેલા બા ને ફોન કર્યો: “બા…જય શ્રી ક્રષ્ણ”

બા: જય શ્રી ક્રષ્ણ. કેમ આજે સવાર- સવારમાં? (એમને હું રોજે સાંજે ફોન કરું છું.  જો સાંજ સિવાય મારો ફોન જાય તો તેમને ઉચકતા પહેલા મારી ઉપાધી ચાલુ થઇ જાય છે!)

હું: બસ એમ જ . આજે મધર્સ ડે છે એટલે કીધું લે બા પાસેથી આશીર્વાદ લઇ લઉં. (વાંચનારની જાણ ખાતર- હું ત્રીજા ધોરણથી શરુ કરીને અત્યાર સુધી જ્યારે પણ સ્કુલ જાઉં કે ઘર બહાર જાઉં એટલે મારા બા-બાપુજીને અંગુઠો સ્પર્શીને જ જતો! અને હમણાં સુધી જ્યારે બાનો જમણો પગ દુઃખતો ત્યારે હું ડાબા પગનો અંગુઠો જ સ્પર્શતો. મને થતું કે જમણા પગને સ્પર્શીશ તો બા ના તે પગ માંથી જે આશીર્વાદ મળશે એને લીધે તેમની પગ ની શક્તિ ઓછી થઇ જશે અને વધુ દુખશે!! )

બા: ઠેક…જે હોય એ…સારું સારું…સુખી થાઓ…ખુબ જ ભણો…અને સો વરસ જીવો.

બસ…આ શબ્દો મેં મારી લાઈફના કેટલાયે વર્ષોથી તેમને રોજે પગે લાગીને સાંભળ્યા છે. દરેક વખતે મને કોઈ અજાણી શક્તિ માથે હાથ ફેરવતી હોય તેવો અનુભવ થયો છે. બા ના આશીર્વાદ લઈને મારો માઈન્ડ સેટ જ બદલાઈ જાય! સ્કુલમાં ક્યારેય બીજો નંબર ન આવ્યો એનું એક કારણ બા ના આશીર્વાદ જ હતા! 

પછી તો ફોન પર અમારી રૂટીન સરખા પ્રશ્નો વાળી વાતો ચાલુ થઇ જાય: બા શું કરો છો? બા પગ દુખે છે? બા શેરીમાં બધા શું કરે છે? મારા બાપુજી ગામમાં ગયા છે? બા..બેનુંના શું સમાચાર છે? તમે ખાવામાં ધ્યાન રાખજો હો. તમે પાતળા થાવામાં ક્યાંક પાછા લોહીના ટકા ઘટાડી ડદેતા નહિ. ફ્રુટ ખાજો. વગેરે…વગેરે.

બસ…આવી રોજે સરખી વાતો. આજકાલ જો કે બા મને “જોણ” ચાલુ કરવાનું ખુબ જ કહે છે. કહે છે કે: હવે તારું બાવીસમું વરસ પણ પૂરું થયું. તું ખાલી ક્યાંક સગાઇ કરી લે લગન નહી કરતો બસ? હવે મને અને તારા બાપુજીને એમ થાય છે કે ક્યાંક વેવાઈ બનાવીને એમને ઘરે પણ જઈએ ને. અમને પણ હવે તો બધા પૂછે છે કે જીતું ની ઉમર નીકળી જાશે તો ગામમાં બીજા છોકરાઓની જેમ એકલો રખડશે.

અને હું ‘જોણ’ ની વાત આવે એટલે ગાંડો થાવ છું. બા…હજુ વાર છે. મારી બુક પૂરી થાવા દો. છોકરીઓની લાઈન લાગશે. બા…મારે કોઈ ભણેલ છોકરી જોઈએ છે. હજુ અત્યાર માં નહિ. (તેમને કેમ કહું કે…બા…તમારા છોકરાને આ એરેન્જ મેરેજની સિસ્ટમમાં જ પ્રોબ્લેમ છે. એનાથી મોટો પ્રોબ્લેમ એ છે કે મને લવ પણ ક્યાય થતો નથી! મને બા…કોઈ છોકરી ગમતી જ નથી.  અને આ લેખકનું ભુત ભરાયા પછી તો ખાસ રીતે એમ થાય છે કે- બીજા બધાને લવ ની શિખામણ દેવા વાળા આ રાઈટર એરેન્જ મેરેજ કરશે? એટલે બા…હું તમને નાં પાડું છું.)

જો કે મને ખબર છે આ મારું નાટક લાંબુ ચાલવાનું નથી. લગ્ન તો કરવા જ પડશે. મને લવ નહિ જ થવાનો! થશે તો અને એમાં પણ જો બીજી કાસ્ટ ની છોકરી સાથે થશે તો ચેતન ભગત ની જેમ અમારા બે ફેમેલી વચ્ચે લવ ક્રિયેટ કરતા જ અમે બંને બુઢા થઇ જવાના!!

એની વે…ઓવર ટુ મધર્સ ડે.

હું આમ તો ભગવાન વિષે કન્ફયુઝ આદમી છું, અને એમને મારા બા ના કમરના અને પગના દુખાવા સિવાય વધુ યાદ પણ કરતો નથી. એમની સાથે મારે મારા માં-બાપ વિષે એક ફિક્સ કોન્ટ્રાક્ટ છે. માનતા. એ હું નહિ કહું. પણ ખુબ જ મોટી અને વિચિત્ર માનતા માની છે મારા બા-બાપુજી માટે! હજુ ગયા વરસે જ સાળંગપુર વાળા હનુમાનજી સાથે મારા બા ની કમર દુખતી મટી જાય એ માટે ડીલ કરેલી. બોસ…મટી ગઈ! હું ૧૪૮ કિલોમીટર ચાલીને ગયેલો. (હવે વિચારો જો માત્ર મારા બા વિષે દોઢસો કિલોમીટર ચાલવાની ડીલ હોય…તો બા-બાપુજી ભેગા થાય ત્યારે કેવડી હશે ?)

મારા બા ને સાજા કરી દેનારું કોઈ તત્વ છે. જેને હું કુદરત કહું છું. જેના વિષે મારે કહેવું નથી. જે કોઈ સાજુ થઇ રહ્યું છે એને હું મારા ભગવાન કહું છુ. વધુ બીજું કઈ કહેવું નથી!!

જે હોય તે…અત્યારે હું જે લખવા બેઠો હતો એ લખી શક્યો જ નહિ:

“બા…મને ખબર છે તમે એક ચોપડી ભણ્યા છો એટલે મારો બ્લોગ તો નહિ જ ખોલી શકો. આ શબ્દો તો મારી લાગણીઓ બનીને આ ઈન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જવાના છે. હું આમેય મધર્સ ડે પર સારો દીકરો છું એવું જાહેર પણ કરવા માંગતો નથી, કે લેખક છું એટલે જુના લેખકોની જેમ ‘બા’ જેવો  ખાસ શબ્દ વાપરીને લોકોને ઈમોશનલ કરવા પણ માગતો નથી. પણ મારે થોડી વસ્તુઓ તમે સાંભળો નહિ તેમ કહેવી છે. મને પડી નથી કે આ બધું વાંચીને લોકો શું વિચારે…છતાં હું તમને આ બધું કહી દઉં છું: બા…હેપી મધર્સ ડે. આવા દિવસો દિવાળીની જેમ ઉજવવા જોઈએ. દીકરાઓએ બેન્ડ વાજા વગાડીને માં ના ઋણ ઉતારવા નાચવું જોઈએ. પબ્લિક ખોટું કહે છે કે મા નું  ઋણ ચૂકવાય જ નહિ. કેમ ના ચૂકવાય? માં ને જીવતા જ એવું ક્યારેય અનુભવ ન થાય કે મારા દીકરાએ મારા માટે કઈ કર્યું જ નથી એટલે માં બીજી જ ક્ષણે બધું ઋણ માફ કરી દેતી હોય છે. અને મને તો તમારા ઋણનો ભાર જ ખુબ ગમે છે બા… કેમ ઉતારું?”

૧) કમર નો દુખાવો…કારણ કે સમાજની નજરમાં ચાર દીકરી આવી છતાં દીકરો ન હતો. પહેલો દીકરો જન્મતા સાથે જ ગુજરી ગયેલો. હવે જ્યાં સુધી હું ન આવ્યો ત્યાં સુધી બા ને ગામના મોઢા બંધ કરવા માટે મોટી બહેનોને જન્મ આપવો જ રહ્યો! (આ કડવું સત્ય છે. આપણી બુદ્ધિ વગરની સોસાયટી કેટલીયે સ્ત્રીઓને જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી પ્રોડક્શન બંધ કરવાની આણ આપી દે છે. એ ગુસ્સામાં જ મેં નક્કી કરેલું છે કે- દીકરી હોય કે દીકરા…માત્ર બે. જય ગોપાલ)

૨) પગ નો દુખાવો…સાત આઠ કિલોમીટર દુર ખેતરે રોજે ભાત દેવા જવાનું. પાંચ બાળકો સાચવવાના. ઉપરથી એક વીઘામાં પથરાયેલું ઘર સંભાળવાનું. હવે કઈ? વુમન એમ્પાવરમેન્ટ? રાહુલ ગાંધીને જ ખબર હશે. મારા બા ને નહી.

૩) હિમોગ્લોબીન કમી: શું કરો…આખા ચાર- ચાર મહિનાના એક ટાણા કરવાના!! ઉપરથી ચાર સાસરે ગયેલી છોકરીઓ ની ઉપાધી. વળી એમાં એક વરસમાં છ-સાત નોકરી ફેરવી ચુકેલા અને હવે તો છોકરી જોવાની નાં પાડતા છોકરાની ઉપાધી. એમાયે હજુ બીપી ઓછું રાખવા ખાવામાં કઈ જ નહિ! મને તો આજકલ બા રોજે પૂછે છે કે નોકરી ફેરવી નથી નાખીને? ફટાફટ બુક છાપી નાખ એટલે છોકરી જોતા થઈએ. અને હું બુક કમ્પ્લીટ થઇ ગયેલી બુક હજુ પબ્લીશ કરવાની છે એમ કહીને છટકી જાવ છું (જો કે બુક સાચેજ પૂરી થઇ ગઈ છે. હવે એકવાર એક મહિનો તો વેઇટ કરો. પ્લીઝ )

૪) સો કિલો આસપાસ વજન: જીવન ભર દવાઓ પીઈ-પીઈને થયું છે. બસ. અને આજકાલ મને કહે છે કે હું વજન ઓછું કરવા પાછા એકટાણા કરવાની છું. મેં પૂછ્યું કેમ હવે? તો કહે છે કે નવી વહુને પોખવામાં ફોટામાં સારા આવે એટલે!! (વહુ શબ્દ સાંભળીને મારું બીપી વધે છે!

૫) હા તો? : તો એ જ કે આટલું બધું કરનાર વ્યક્તિના દિવસો ઉજવવા તો ઠીક…તેમની રોજે પૂજા થવી જોઈએ. એ જ તો ભગવાન છે. ક્યાં શોધીશું બીજા ભગવાનને? ચલો…ચાલો…આવું બધું વાંચીને હસતા પહેલા તમારા ‘બા’ ને ફોન લગાવો અને આશીર્વાદ માગીલો. બોસ…સાચું કહું છું…આવતા જન્મમાં શું બનવું છે એમ માગવાનું ભગવાન કહે તો હું તો તેમનો કાઠલો ઝાલીને કહી દઉં: એ ગોડ…આ ઉપર ફોટામાં દેખાય છે એના પેટમાંથી જ જન્મ થાય એવી સો વરસની ક્લોઝ લુપનું પ્રોગ્રામિંગ સેટ કરી દે. નહિ તો મારે માટે ભગવાનનું બીજું સ્વરૂપ એક ફોન-કોલ જ દુર બેઠું હશે.   હેપી મધર્સ ડે…

એક જ ફોટામાં તેમને હસવું આવેલું. તમને અજાણતા પાડેલો ફોટો!!!