SAMSUNG RV509
આ છે મારો પહેલો જીવનસાથી.
આજકાલ દિવાળીના દિવસોમાં માણસો ચોપડા-પૂજન કરતા હોય છે, પણ હવે નવી પેઢીને ચોપડા જેવું કઈ હોતું નથી એટલે થયું આજે આ લેપટોપ-પૂજન કરી લઈએ. પણ પૂજા થાય એ પહેલા આ મારી આઠ વર્ષ જૂની મહેબૂબાની નાનકડી કહાની કહી દઉં.
આ રહી અમારી લવ-સ્ટોરી:
આજથી બરાબર આઠ વર્ષ પહેલા લાભ-પાંચમના દિવસે હું મારા બાપુજી પાસેથી ૪૦૦૦૦ રૂપિયા ખિસ્સામાં લઈને અમરેલી ગયો હતો. એ ઉંમરમાં લેપટોપ વિષે કશી પણ ખબર પડતી ન હતી. એક નાનકડી દુકાનમાં ગયેલો. અઢાર વર્ષના છોકરડાને જોઇને દુકાનના માલિકે પૂછ્યું: ‘શું જોઈએ છે?’
મેં કહ્યું- ‘લેપટોપ!’
પેલાએ મને ઉપરથી નીચે સ્કેન કરી લીધો અને પૂછ્યું: ‘રૂપિયા લાવ્યો છે?’
મેં કહ્યું- ‘હાસ્તો…પુરા ચાલીસ હજાર છે’
પેલાએ મને ત્યાં પડેલા લેપટોપ્સ માંથી ગમે એ પસંદ કરી લેવા કહ્યું અને મેં બધા લેપટોપ નિરાતે જોયા. પછી માલિક પાસે જઈને કહ્યું- ‘તમારી ઉપર મને પૂરો ભરોસો છે, જે સૌથી સારું અને મારા બજેટમાં હોય એ લેપટોપ આપી દો’
એ સાહેબ તો ભાવવિભોર થઇ ગયા. મને એમણે આપ્યું આ લેપટોપ. એ સમયે સેમસંગ લેપટોપ માર્કેટમાં નવા હતા. ૩૨,૫૦૦ માં એમણે મને ડુપ્લિકેટ WINDOWS 7 અને બીજા માઈક્રોસોફ્ટના પ્રોગ્રામ નાખીને લેપટોપ ચાલુ કરી આપ્યું. બસ…એ દિવસ અને આજનો દિવસ…આ લેપટોપ અને મારી પ્રેમ કહાની ચાલતી જ રહી.
એન્જીનીયરીંગના વર્ષોમાં આ લેપટોપના સ્ક્રીન પર હજારો મુવીઝ જોયા. કેટલાયે ગીતો વગાડ્યા. મોડી રાત્રે સ્પીકર લગાવીને દોસ્તો સાથે કેટલીયે પોર્ન વિડિયોઝ અને અમેરિકન ટીવી-સીરીઝ જોતા. કોલેજના કેટલાયે પ્રોજેક્ટ્સ અને .PPT આના પર બનાવ્યા. આ મહેબુબાએ તો Torrent ની ફાઈલ્સ આખી રાતો ડાઉનલોડ કરી છે.
આની અંદર અમુક રેકોર્ડ બ્રેકીંગ વસ્તુઓ છે:
૧) ૧૧૦૦૦ ઈ-બુક્સ! (જેમાંથી કોલેજ લાઈફમાં મેં ૫૬૦ જેટલી બુક્સ વાંચેલી. અઠવાડિયાની બે બુક્સ વાંચવાની એવરેજ આવતી.)
૨) imdb.com ની Top-250 ફિલ્મ્સ! (જે બધી જ જોઈ નાખવાનો નિર્ણય કરેલો. હમણાં બે મહિના પહેલા એ મિશન પૂરું થયું.)
૩) જગતની સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ! લગભગ ૭૦ જેટલી.
પણ આતો વાત થઇ અમારા સારા દિવસોની. આ મશીને મારી સાથે ખરાબ દિવસોમાં પણ એટલો જ સાથ નિભાવ્યો છે. બેરોજગારીના દિવસોમાં આના પર રીઝ્યુંમ તૈયાર થયા. નોકરી કરતા કરતા રોજે રાત્રે નવલકથા લખવાનું શરુ થયું. આ લેપટોપના કી-બોર્ડ અને બેટરીએ મને ક્યારેય દગો નથી આપ્યો. હજુ બેટરી એક કલાક ચાલે છે, અને અઢી લાખ શબ્દોની પહેલી નોવેલ ‘વિશ્વમાનવ’ આના પર ચાર વાર લખાઈ હતી. કેટલાયે લેખો લખ્યા છે, કેટલાયે ફેસબુક અને બ્લોગ પોસ્ટ લખ્યા છે.
ટ્રેનમાં, બસમાં, વરસાદમાં અને ઠંડીમાં લખ્યું છે અને આ લેપટોપ બધું જ સહન કરતુ રહ્યું છે. આણે આંસુ પણ એટલા જ જોયા છે. વિશ્વમાનવ લખતી વખતે કોઈ ઈમોશનલ સીન લખતો હોઉં અને રડી પડું એ બધા જ આંસુ આ લેપટોપના કી-બોર્ડ પર જ પડ્યા છે! એક Plasma Induction નામની કંપનીમાં સર્વિસ એન્જીનીયરનું કામ કરતો ત્યારે ત્યાંથી મોડી રાત્રે અગિયાર વાગ્યે છૂટો થતો. ખુબ શારીરિક કામ હતું. મારા PG પર આવીને રાત્રે બાર વાગ્યા સુધીમાં ખાવાનું અને ન્હાવાનું પૂરું કરીને હું રાત્રે બાર વાગ્યે નવલકથા લખવા બેસતો. રાત્રે બારથી બે વાગ્યા સુધી લખતો રહેતો. અને દિવસ આખાનો એટલો થાક હોય કે રાત્રે બે વાગ્યે લખતા-લખતા જ શરીર બંધ થઇ જતું અને ઊંઘ આવી જતી. પણ મારી આ મહેબુબા સવાર સુધી મારા ખોળામાં જ જાગતી રહેતી. ભૂલથી ધારો કે P ઉપર આંગળી રહી ગઈ હોય તો સવાર સુધી PPPPPPPP…છપાતું રહેતું! સવારે બધું ડીલીટ કરીને ફરી નોકરી પર…
ટાઈપ કરી-કરીને ટચ-પેડની બંને બાજુ કાળા ડાઘ તમને ફોટો માં પણ દેખાશે. આંસુ કદાચ નહી દેખાય. આ વર્ષે કંપનીએ નવું લેપટોપ આપ્યું છે છતાં બીજી નવલકથા આના પર જ પૂરી થવાની છે. હમણાં થોડા સમય પહેલા સ્પીકર ફાટી ગયા છે. કદાચ મારો આ પહેલો પ્રેમ થોડો જર્જરિત થયો છે.
…પણ સાહેબ…મજા છે. અમારા બંનેના કેટલાયે સિક્રેટ આમાં લોક કરેલા ફોલ્ડરમાં પડ્યા છે. આમાં સપનાઓ લખાયેલા પડ્યા છે. આમાં ભૂતકાળ ડિલીટ થઇ શકે છે અને ભવિષ્ય લખી શકાય છે. આજે લાભ-પાંચમના દિવસે ફરી આ મશીનને શત-શત વંદન. મારો સાથ નિભાવવા બદલ સ્ક્રીન પર વ્હાલી ચુમ્મી.
થેંક યુ…
Update after 10 days of above post:
આ લેપટોપ પર કોની નજર લાગેલી? 😀
માંડીને વાત કરું.
ગઈ કાલે દિવસે મારું આ લેપટોપ મારા બેંગ્લોરના ઘર માંથી ચોરી થઇ ગયું 🙂 હું દિવસ આખો ઓફીસ પર હતો. સાંજે ઘરે પહોંચ્યો અને બેડ પર જોયું તો લેપટોપ નહી! ડુપ્લીકેટ ચાવી લઈને ઘરમાં કોઈ ઘૂસેલું, પરંતુ એને લેપટોપ સિવાય કશું ચોરવા ન મળ્યું.
😛બિચારો ચોર ચાર્જર પણ લેતો નથી ગયો.
😀
હકીકતમાં કાલે હું મારી આવનારી બીજી નવલકથાનું છેલ્લું પેજ લખી રહ્યો હતો. 🙂 આ પ્રોજેક્ટ પર છેલ્લા અઢી વર્ષથી કામ ચાલે છે. ગઈ કાલે દિવસે તો એટલી ખુશી હતી કે ઓફીસ પરથી વહેલો ઘરે જતો રહ્યો.
…પણ ઘરે ગયો અને આઘાત! 😀
ખેર…ખુશીની વાત એ છે કે મેં ગઈ કાલે સવારે જ પહેલી અને બીજી નોવેલનું કામ અલગ ડ્રાઈવમાં લઇ લીધેલું…જો એ કામ ગયું હોત તો હાર્ટએટેક આવી જ જાત. 😛
બાકી આ લેખમાં મેન્શન કર્યું છે એ બધું જ ગયું!
RIP my first love.