હેલ્લો…
મને ઓળખી? હું ખુશી.
ના ઓળખી? અરે !
પેલી ખુશી. ‘આનંદ’ ની બહેન. ‘જીવન’ભાઈની દિકરી. ‘દુઃખ’ અંકલની દુશ્મન અને ‘મોજ’ની દોસ્ત.
હું હતીને તમારી પાસે! તમારા જન્મથી માંડીને કેટલા વર્ષ તમારી સાથે રહી. કેમ ભૂલી ગયા? તમે નાના હતા ત્યારે હું-મોજ-આનંદ અમે બધા તમારી પાસે અમે આવતા. તમારી સાથે જ તો રહેતા ! નથી યાદ? આપણે તમારા બાળપણમાં, સ્કુલમાં, અરે કોલેજમાં પણ સાથે હતા દોસ્ત…! કેમ ભૂલી જાઓ છો. તમારી તો કોલેજ પૂરી થઇ અને અમારાથી દૂર જ ભાગવા લાગ્યાને ! કોલેજ પછી નોકરી કરતા હતા ત્યારે પણ આપણે ક્યારેક તો મળતા જ! તો આ લગ્ન પછી કેમ તમે અને હું મળ્યા જ નથી એવું લાગે છે? દુઃખ અંકલ તમને વળગી ગયા હોય એવું લાગે છે. હા…એ કાકો તો ખીજડાના મામા જેવો છે. એની નજીક જાઓ એટલે વળગી જ જાય. પણ હું તમને બાંધતી નથી હો. તમે મારી નજીક આવતા, પરંતુ તમે જાતે જ દૂર ગયા છો. હું આજે એટલે આવી છું, તમને શીખવવા માટે.
તો તમે, આ વાંચનારા, હા તમને બધાને કહું છું કે કેમ તમે બાળપણ છોડીને જેમ-જેમ મોટા થઇ રહ્યા છો એમ હું દૂર થતી જાઉં છું. સાંભળો.
એક બાવીસ વર્ષની ખુબ ડાહી છોકરી હોતી રમીલા. રાજકોટ નજીક એક ગામમાં રહેતી. એક દિવસ સાંજે ઘરે એના પપ્પાએ કહ્યું: તારા લગ્ન માટે છોકરાવાળા જોવા આવવાના છે. રમીલા તો શું બોલે? જાણે એના પગ નીચેથી જમીન ફાટી પડી. શું થશે જિંદગીનું? બીજા દિવસે તો ઘરે કાકો આવ્યો, મામો આવ્યો, પાડોશી આવ્યો, અને અંબોડાવાળી મંથરા જેવી ડોશીઓ આવી. અચાનક જે માણસો તેને પરિવાર લાગતા એ બધા એની સામે ઉભા રહી ગયા! કેવો છોકરો ગમશે? કેટલું ભણેલો? નોકરી કે ધંધો? તારો બાયોડેટા ક્યાં? તારે લગ્ન પછી નોકરી કરવી છે? જો સાસરાવાળા પૂછે તો ના જ પાડજે. હાથ પર વેક્સ કરાવ. આ આઇબ્રો તો જો. સરખો પાવડર લગાડજે. છોકરો આમ પૂછે તો પેલો જવાબ દેજે. પેલું પૂછે તો આ જવાબ દેજે. એની સામે ખુબ હસતી નહી.
રમીલાએ બે છોકરાને ના પાડી ત્યાંતો બધા સગાઓના ફોન આવ્યા ! બેટા…તારા બાપુ માથેથી લગ્નનો ભાર દૂર કર. છોકરાને હા પાડી દેજે હો. આ જવાબદારી સરખી નિભાવ. આ સોગિયું ડાચું સરખું કર. ઉંચાઈ આટલી કેજે. વજન આટલું કેજે. ફાંદ ઓછી કર. ડાયેટિંગ ચાલુ કર.
ત્રીજો છોકરો જોવા આવ્યો. ધ્રુજતા હાથે ચા દેવા ગઈ. સાડી પહેરવી પડી. છોકરા સાથે રૂમમાં ગઈ. તમારું નામ? કેટલા ભાઈ-બહેન? શોખ? ઘરકામ આવડે છે? નોકરી કરશો?
ઓહ માય ગોડ…એક બાવીસ વર્ષની સીધીસાદી છોકરી અને એની ‘ખુશી’ ત્યાં જ હોમાઈ ગઈ.
કોઈએ પૂછ્યું નહી કે રમીલા તારા મનમાં શું ચાલે છે. એ સાંભળો…એના મનમાં ખુશીનું ખૂન થઇ રહ્યું છે. છોકરાએ એક ફોન લઇ દીધો. રોજે છોકરાના ફોન આવ્યા. પ્રેમ ઉત્પન્ન કરવામાં આવ્યો. એટલો ઉત્પન્ન કર્યો કે લગ્ન સુધી તો ચાલે જ. એક દિવસ અચાનક સગાઇ, કંકુપગલા, લગ્ન આવ્યા. બાપુજીએ આખા ગામનું ખાધું છે તો હવે બધાને ખવડાવવું પડે એ નાતે લાખો ખર્ચ્યા. બાએ આખા ગામની છાબમાં ઘરેણાં જોયા છે તો આપણે પણ કરવા પડે એમ સમજીને બીજા લાખો ખર્ચ્યા. રમીલા બા-બાપુજીને કશુંક કહેવા માગતી હતી પણ ત્યાંતો ઢોલ વાગ્યા. ઘોડા ઉપર આવ્યો એ. ખાટલે ઘોડા ખેલાવ્યા. ફટાકડાના અવાજ અને કચરો કર્યા. માથું ફરી જાય એવા ડીજે વગાડ્યા. કન્યા પધરાવો સાવધાન! (ના…જીંદગી પધરાવો સાવધાન…!) મંડપમાં ચારેબાજુ બંદૂક લઈને ઉભા હોય કેમેરા વાળા પોઝ માંગવા લાગ્યા. ફોટા સારા આવે એટલે ગોરબાપાએ પણ વિધી ટૂંકાવી. દોડધામ. ફેરા. બધા રોયા. દુઃખ ઓછા અને દેખાડા વધુ થયા. અને એક બાવીસ વર્ષની રમીલા એક પચીસ વર્ષના રમેશને અર્પણ થઇ. હવે શું? હવે રમીલાને સુહાગરાત હતી. સુહાગને ખુશ કર. પછી સાસુને, પછી આખા ઘરને ખુશ કર. એ ઘરને શું કામ? ત્યાં પણ કાકી, મામો, ડોશીયું છે. એ દરેકને ખુશ કર…ઓહ માય ગોડ. આમાં ખુશી ક્યાંથી રહે આ રમીલા પાસે?
અને એવું જ થયું આ પચીસ વર્ષના રમેશને. કોલેજ છોડીને હજુ માંડ દસ હજારની નોકરીએ લાગ્યો અને દુનિયા આવી પોતાની દુનિયાદારી લઈને. ક્યારે લાડવા ખવડાવવા છે બેટા? (એ તમે મરો ત્યારે ખવડાવવા છે સડેલાઓ. ખાવા છે?) જીંદગી અચાનક અરેન્જ મેરેજની ખોટી ઉભી કરેલી સીસ્ટમમાં ફસાઈ.
રમેશ રમીલાને જોવા ગયો, રૂમમાં ઇન્ટરવ્યું થયો. રમેશને લાંબો સમય બેસીને છોકરીને દોસ્તની જેમ નિખાલસતાથી બધું કહેવું હતું. પણ બારણે ટકોરા પડ્યા ! દસ મિનીટમાં નક્કી કરવું પડ્યું કે છોકરી કેવી છે ! રમેશને અરેન્જ મેરેજથી વાંધો ન હતો. વાંધો હતો જે રીતે દસ મિનીટના ઇન્ટરવ્યું પછી લાઈફ-પાર્ટનર પસંદ કરી લેવાના બોગસ રીવાજ પર. વાંધો હતો કે કોઈ તેને સાંભળતું જ ન હતું. એના સપના, અપેક્ષા, આશા બધું લગ્નના લાડવાની વાતો અને આવનારી જવાબદારીઓ વચ્ચે દટાઈ ગયું હતું. એ થાક્યો. જે થયું એ થવા દીધું. ખાધું-પીધું- અને રાજ કર્યું. લગ્ન થઇ ગયા. રમેશ અને રમીલા કોઈ શહેરમાં એકલા રૂમ રાખીને રહેવા લાગ્યા. દુનિયાએ મોઢું ફેરવી લીધું. હવે કોઈ પૂછતું ન હતું કે શું ચાલે છે, બધું બરાબર છે કે નહી. બે માણસની જીંદગીને મારી મચડીને ભેગી કરી દીધી અને દુનિયાના લોકો પોતે આ ખેલમાં ફસાયેલા હતા એટલે રમેશ-રમીલા પણ ફસાઈ ગયા એમ સમજીને ખુશ થયા. બે વર્ષ પછી એ બધા ફરી પાછા આવશે. ‘છોકરા ક્યારે અને કેટલા કરવા છે?’ એ સવાલ લઈને…
ડીયર વડીલો…આમ તો તમે કશું જ વાંચતા હોતા નથી, પરંતુ જો આ વાંચી રહ્યા હોય તો આજે સાંભળી લો. આ ઉપર કહી એ રમીલા-રમેશ તમે પણ હતા. સમાજના મોટાભાગના માણસો હતા. બધાએ આવું જ કર્યું અને હવે તમારી પાસે બધું જ છે. હું નથી. હા…ખુશી નથી. જે છે એ ફેઇક છે. તકલાદી છે. સાચી નથી. એટલે આજે હું ડંકાની ચોટ પર, કડવા શબ્દોમાં અમુક ટૂંકી વિનંતી કરું છું. પ્લીઝ સમજજો. પ્લીઝ. પગે લાગુ. પ્લીઝ. સાંભળો:
આદરણીય સંસ્કારી વડીલ… (કાકા-મામા-ફૂવા, દાદા, પપ્પા, બા, માસી, પડોશી, સમાજ અને ગામ આખું…)
માનવજાત જ્યારે આદિમાનવ હતી ત્યારથી સ્ત્રી-પુરુષ ભેગા રહે છે. જરૂરી છે. આ લગ્ન તો તમારી છેલ્લા હજાર વર્ષની પેદાશ છે. વર્ષો પહેલા લગ્ન ખુબ સહજ હતા. વર્ષો જતા તેને જવાબદારી બનાવી દીધી, અને હવે જરૂરિયાત ! ચાલો ઠીક છે, વાંધો નહી, ભવિષ્યની પેઢીઓ આમેય તમારું તબલો પણ માનવાની નથી, અને મનમાની કરીને પોતાની લાઈફ-પાર્ટનર શોધવાની છે. તમને પૂછશે પણ નહી. સારું છે.
…પણ હાલમાં સમાજમાં વડીલોની એક આખી જમાત ઉભી થઇ છે જે માતેલા સાંઢની જેમ ઘૂરાયા મારે છે પોતાના દીકરા કે દિકરીના લગ્ન માટે. એમને ખબર છે કે તેઓ સરેઆમ બે યુવાન હૈયાઓના અવાજની કતલ કરી રહ્યા છે. બધું જ ખબર છે. આ રમીલા અને રમેશના મનમાં જે ચાલે છે એ બધું જ એના વડીલોને ખબર જ છે. બસ કોઈને સાંભળવું નથી. શું જાય છે? વડીલ…શું જાય છે તમારું? મહિનામાં એકવાર તમારી દિકરીને બાજુમાં બેસાડીને પુછજો કે બેટા શું ચાલે છે? ( આમેય સમાજ ખુબ ફરિયાદ કરતો હોય છે ને કે દીકરા-દીકરી ભાગી જાય છે. એનું કારણ એ જ હોય છે કે એમને ક્યારેય તમે સાંભળ્યા જ નથી હોતા. એમની લાગણી વ્યક્ત થાય ત્યાં જ દબાવી દીધી હોય છે.) એકવાર એને પૂછો કે કઈ ઉંમરે લગ્ન કરવા છે. કેવો છોકરો જોઈએ છે. સમજાવો. વાત કરો. એને સાંભળો. સમજો. દિકરીના બાપ તરીકે જે લાગણીઓના ઈમોશનલ ગાણા ગાઓ છો તેની જગ્યાએ લોજીક લગાડીને વિચારો કે દિકરીના લગ્ન ઓછામાં ઓછા ચોવીસ વર્ષ પછી જ કરાય. ગામની બીજી છોકરીઓ ક્યારે પરણે છે એ ના જોવાય. એ તમારી દીકરી છે, ગામની નહીં.
લગ્ન માટે છોકરો જોવા આવે તો કહેવાય કે છોકરા-છોકરીને એકાદ કલાક ભેગા બેસીને વાત કરવા દો. એ સમયમાં તમે વેવાઈ સાથે રાજકારણ ખોલોને. દીકરો-દીકરી નિર્ણય ના લઇ શકે તો સમય આપો. નંબર એકચેન્જ કરીને પાછળથી પણ થોડો સમય વાતો કરવા દો. શક્ય હોય તો રૂબરૂ મળવા દો. ( છોકરાઓની લાઈન લગાડી દઈશ એવા ફાંકા મારવા કરતા શાંતિથી અમુક ચૂંટેલા છોકરાઓ સાથે સરખી વાત કરવા દો.) સમય તો આપો. જીંદગી આખીનો સવાલ છે. એમને સાંભળો. છોકરો બાપનો ધંધો સંભાળે છે કે હજુ ભણે છે તોયે સંબંધ કરી દેવા છે ! કેમ? દિકરીને હોમવાની આટલી ઉતાવળ? આ યુવાન પેઢીને તો સમજો. કાલે ઉઠીને ખરાબ પાત્ર ભટકાઈ ગયું તો જીંદગીભર કોસશે. સાસરેથી પાછી કદાચ નહીં આવે પણ તમને મનમાં કોસશે. બસ…સહજતાથી, શાંતિથી, ભલે બે-ત્રણ વર્ષ નીકળી જાય, પરંતુ સમજી-વિચારીને દિકરીને જાતે એક પુરુષ પસંદ કરવા દો. કદાચ બે-ત્રણ વર્ષ સતત ના પાડે તો દીકરીને છાતીએ વળગાડીને સાંભળો. તમારા મનનો ભાર કહો. સમજી જશે.
વેક્સ-આઇબ્રો-સાડી-અને ચા સરખા રાખવામાં એકવીસ વર્ષની છોકરી બધું ન કરી શકે વડીલ. તમારા જમાના અલગ હતા. હવે અલગ છે. છોકરો કે છોકરી પરણાવવાનો વિચાર પણ એમના ચોવીસ વર્ષ પછી જ કરવો.
સાહેબ…
આજકાલ ખુબ સંભળાય છે કે સગાઇઓ ખુબ તૂટે છે. છોકરીઓ ખુબ પાછી આવે છે. મોર્ડન પેઢીને સમજાતું નથી કે સાથે કેમ રહેવું !
ના…ભૂલ કરો છો. આ ભણકારા છે આવનારા બદલાવના. હજુ તો વધુ સંબંધો તૂટશે, છૂટાછેડા થશે, અને વડીલો બધા દંગ રહી જશે. ખબર છે કેમ? એક બદલાવ આવી રહ્યો છે. દરેકને ‘ખુશી’ જોઈએ છે, મારી જરૂર છે દરેકને. હું છું તો જીંદગી-મોજ-આનંદ છે. જે પાર્ટનરમાં તેને ખુશી નથી દેખાતી તેને છોડી દે છે. આને તમે વડીલ રોકી નહી શકો. નહીં જ રોકી શકો. રડવું હોય તો રડો. થશે જ. એમની ખુશીઓ તમે જ દબાવવાની ચાલુ કરી હતી એના લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારથી. ક્યારે એને સાંભળ્યા? એક સ્પ્રિંગ ઉપર પથ્થર મૂકી રાખો, અને અચાનક પથ્થર હટાવી દો તો એ સ્પ્રિંગ ઉછળવાની જ છે. લગ્ન, રીતરીવાજ, સમાજની અપેક્ષાઓ એક પથ્થર બનીને આવે છે. પછી કહો છો કે અમને બુઢાપામાં સાચવનાર કોઈ નથી. ક્યાંથી હોય? (લગ્ન પછી અલગ થવું જરાયે સારું નથી. માણસ ભાંગી-તૂટી જતું હોય છે, પણ એ કપલને તમે તો ફરમાનો જ સંભળાવ્યા છે. ( છોકરી જો, ફેરાં ફર, છોકરા કર, નોકરી સરખી કર. – આ બધાને ફરમાન કહેવાય.) તેમને ક્યારેય પ્રેમની ખાટીમીઠી સમજાવી છે? ના. તમે પોતે જ નથી જાણ્યા કદાચ.
વડીલો એક સહજ-સરળ સંવાદ તમે નથી સાધતા દીકરા-દિકરી સાથે. એને છાતીએ વળગાડ્યા છે ક્યારેય? એને ખભે હાથ મુકીને બેસ્ટ-ફ્રેન્ડની જેમ રહીને સમજાવ્યા છે કે કઈ રીતે લગ્ન એક ઉત્સવ છે. કહો એને. કહો કે સમાજ ગયો તેલ લેવા…તને કોઈ ગમતું હોય તો કહે. જો એ કહે તો કહો એને કે તમે શું વિચારો છો એ બાબતે. છોકરાને મળો. કશું જ જાણ્યા વગર ‘મારી દીકરી કેમ કોઈને પ્રેમ કરે? આ સંબંધ નહીં જ થાય’ એવો વિચાર થોપી ન દેશો. એને ગળે ઉતરે એમ સમજાવો. વાત કરો. જે સત્ય હોય એ સ્વીકારો.
રહી વાત અરેન્જ મેરેજની…તો દુનિયા આખી જાણે છે કે નવી પેઢી તકલાદી બની છે, સંબંધોનું ઊંડાણ સમજતી નથી. પરંતુ તમે એ પેઢીને આદર્શ બનીને દેખાડ્યું? વડીલ…તમને કહું છું. તમે તમારી પત્ની કે કુટુંબને પૂર્ણ હૃદયથી ચાહીને લગ્ન નામના સંબંધને તમારા સંતાનની નજરમાં ચમકાવ્યો ? જો તમે જ ઘરમાં પત્ની સાથે દિવસમાં બે વાર ઝઘડો છો, કે પછી તમારી પત્ની આખા ગામ આખાની નિંદા-કૂથલી કર્યા કરે છે, જો તમે બંનેએ જ મા-બાપ તરીકે સંતાન સામે સરખું જીવ્યું નથી તો શા માટે અભરખા જુઓ છો કે નવી પેઢી લગ્નને અને જીવનને સમજે? હે? કેમ? તમારી જીંદગીની ચડતી-પડતીમાં ક્યાંય પ્રેમ દેખાતો ન હોય તો તમારા કે પાડોશીના સંતાનને કોની સાથે પ્રેમ થયો કે એ સંતાન લગ્ન પછી કેવું જીવે છે એના બણગા ન ફુંકવા. બદલાવ લાવવો હોય તો બદલાવ બનો. ફરી બોલી જાઉં: ‘બદલાવ લાવવો હોય તો બદલાવ બનો.’
હવે વાત લગ્નની. જે માણસો કહેતા હોય કે ‘તમે ગમે મોટા લગ્ન કરો પરંતુ ગામ તો કહેશે જ દાળ મોળી હતી’ એનો એજ માણસ પોતાના સંતાનના લગ્નમાં એજ ભપકો કરશે! જે બાપ બીડી પીતો હોય એ સંતાનને શીખવે છે કે રૂપિયા કમાઈને ક્યાં નાખવા. ગટરમાં નાખો ગટરમાં.
મૂળ વાત એ છે કે લગ્ન તો ભવ્ય સંસ્થા છે. બે અજાણ્યા માણસો ભેગા થાય છે. સાથે રહેવાનાં છે. બધું સહજતાથી થતું હશે તો પ્રેમ-તત્વ જન્મશે અને એ કપલ ખુબ ખુશ હશે. તમને ખુશ કરશે. ક્યાંક આ લગ્ન નામની ભવ્ય સંસ્થામાં ફેરફાર કરીએ. માત્ર વાતો નહી, તમારી છાતીમાં બદલાવ લાવો. મારી રમીલા કે રમેશ વાંઢા રહી જશે એમ ડરવા કરતા એમની થોડી મેચ્યોર ઉંમર થાય ત્યારે બાજુમાં બેસાડીને જીંદગી કેવી ચાલે છે એ પૂછો. સાંભળો. બાયોડેટા તો ઠીક, પણ મળ્યા પછી એકબીજા સાથે ફોન કે મેસેજમાં થોડો સમય વાત કરે એવું સમજાવો. દીકરા-દીકરીની ખુશી જ્યાં હોય ત્યાં નક્કી કરો. જો બંને પક્ષમાંથી એક પક્ષ પણ સામાન્ય હોય તો સાદાઈથી લગ્ન કરો, અને દીકરાના ઘર તરફથી જ કરિયાવર લેવાના જુના રીવાજ બંધ કરો.
વડીલ…ક્યારેય નવા પરણેલા કપલ સામે બેસીને પોતાની જિંદગીની ભૂલો અને સારપ કહેજો. સત્ય કહેજો. પોતાની મહાનતાના બણગા નહીં ફૂંકવા. કબુલ કરજો કે તમે વડીલ નથી, દોસ્ત છો, અને પોતાની જીંદગીમાં કેવી-કેવી ભૂલો કરી છે, શું શીખ્યા છો, કઈ રીતે ભાંગી ગયેલા, અને ક્યારે તમે એકબીજાને ખભો આપેલો. કેવી મહાન છે આ પ્રેમભરી જીંદગી. લગ્ન તો આનું પહેલું પગથીયું છે. આ ભાર તો કહેવા પુરતો છે. આ ઉત્સવ છે. એને સહજતાથી કેમ જીવાય, સરળતાથી પ્રસંગ કેમ પાર પડાય, દેખાડા વિના સમાજ સામે કેમ એક ઉત્તમ ઉદાહરણ બની શકાય, ક્યાં રીવાજો સારા, ક્યાં રીવાજો ખરાબ, ક્યાં-કેટલા રૂપિયા નાખવા…આ બધું જ સહજતાથી થઇ શકે. દીકરા-દિકરીને સાંભળીને સમજીને થઇ શકે. સમાજ કે ગામને તડકે મુકીને બંને વેવાઈને શું કરવું છે એ મુજબ થઇ શકે.
વડીલ…એટલું કહો કે તમારા લગ્ન કેવા થયા હતા એ કોઈને યાદ છે હાલ? સમાજમાં એકપણ માણસને યાદ છે? નથી ને? બસ…આ જ રીતે તમારા સંતાનના લગ્ન કદાચ આ મોંઘવારીમાં સાદાઈથી કે કશુંક નવીન રીતે થશે તો પણ એક સમય પછી કોઈને યાદ હોતું નથી. દિકરીએ દસને બદલે વીસ છોકરા જોયા એ પણ એના લગ્ન પછી યાદ નહી રહે. મૂળ સત્ય એ છે કે સમાજ કે ગામ તમે ઉપજાવી કાઢેલ ભ્રમણાઓ છે. સમાજની યાદશક્તિ હોતી જ નથી. જો હોત તો રાજકારણીઓના કરિયર જ ના બનત.
શું જરૂર છે દેખાડા કરવાની? રૂપિયા છે તો લગ્ન પછી દીકરા કે દિકરીને સરખો ધંધો-કામ સેટ કરવામાં આપોને. શા માટે લાખો રૂપિયા તકલાદી દુનિયા સામે દેખાડો કરવા ફટાકડા-ઘરેણાં-કંકુપગલા જેવા ખોટા પ્રસંગો, મોંઘાદાટ જમણવાર- લગ્ન પછીના રિવાજોમાં નાખો છો? બધું કરાય. કંઈ વાંધો નહી, પણ આવી તીવ્રતાથી? આટલી ખોટી રીતે? બેન્ડવાજા સામે હજારો રૂપિયા ઉડાડતા માણસોને કહેવાનું મન થાય કે ભાઈ આ નીચે ધૂળમાં રમતી નોટો અને એને વીણતાં બાળકો સામે તો જો. તારા અભિમાન-ગુમાન સામેતો જો.
લગ્ન પ્રસંગ છે, અને પ્રસંગ ક્ષણિક હોય છે. એમાં શું કર્યું એ તમારા પરિવાર સિવાય કોઈને કશું જ યાદ નથી રહેવાનું. જરૂરી ખર્ચ જરૂર કરો. ખોટો ખર્ચ કેમ? સંતાનને લગ્ન પછી મદદ કરાય. તમારા સંતાન સુખી હશે તો ત્યાં હું હોઈશ.
હા…હું. ખુશી. જીંદગીની દિકરી. તમારી સૌની છું, પણ તમે જ દૂર કરો તો દુઃખ કાકો વળગશે જ. હું પ્રેમને પરણેલી છું. મારો પ્રેમ જ્યાં-જ્યાં છે ત્યાં સંકુચિત વિચાર નહી હોય. જનરેશન ગેપ નહી હોય. ત્યાં સંતાનને માબાપ સાંભળતા હશે, અને માબાપને સંતાન. જનરેશન ગેપ શબ્દ જ ખોટો છે, ગેપ એટલે જગ્યા. સંતાનના વડીલ બનીને જગ્યા મોટી કરતા જશો તો એક ખાઈ બની જશે, અને તમે અને સંતાન બંને એમાં ડૂબશો. સારો સંવાદ, હૂંફ, પ્રેમ, અને સમજણથી એકમેકને સમજશો તો જગ્યા (જનરેશન ગેપ) જેવું કશું જ નથી.
બસ…ત્યાં હું છું. આટલું બધું કહ્યું છે કશુંક તો મનમાં ઉતારજો. પ્લીઝ. આટલું સમજવામાં વડીલાઈ ના દેખાડો.
-ખુશી. ( રમેશ અને રમીલાની જૂની દોસ્ત. )