વ્હાલાં વાચકોને…
તમને ‘ધ રામબાઈ’ આવતા શુક્રવારે કુરિયર થશે. આજે થયું કે તમે વાર્તા વાંચો એ પહેલાં અમુક ભલામણ કરી દઈએ:
1) નવલકથામાં 337 પેજ છે! પણ ગભરાશો નહીં. વાર્તા ખુબ લાંબી નથી, માત્ર પેજ વધું છે. વિસ્તારે સમજાવું : ધ રામબાઈની અંદર ટોટલ 70 ચિત્રો છે. આ ચિત્રો ઘણી જગ્યા રોકે. બીજું કે વાર્તા ટોટલ 88 નાનકડાં ચેપ્ટરમાં વહેંચાયેલી છે. દરેક ચેપ્ટર પૂરું થાય પછી પાછળ કોરી જગ્યા પડી રહે. નવું ચેપ્ટર નવા પેજ પર હોય. આવા બધાં ફેક્ટરને લીધે આખી નવલકથા જે માત્ર 80000 શબ્દોની છે એ જાડી લાગે. (આની સાપેક્ષે વિશ્વમાનવ 1,08,000 શબ્દો, અને નોર્થપોલ 96000 શબ્દોની છે)
2) સામાન્ય રીતે માનવ-સહજ સ્વભાવ મુજબ આપણે સાયકોલોજીકલી ઘડાયેલાં છીએ કે ‘જ્યારે આપણે કશુંક સમાપ્ત કરીએ’ ત્યારે તમારી એ યાત્રા કે અનુભવ વિષે બીજાને શેર કરવાનું મન થાય. શેરિંગ એક સાહજિક જરૂરિયાત છે.
‘ધ રામબાઈ’ વાંચો પછી તમને કેવી લાગી એ સૌને જરૂરથી કહેજો, પરંતુ કોઈ સ્પોઈલર વિના.
આ નવલકથાની વાર્તાવસ્તુ બે વાક્યમાં કહી શકાય એટલી નાજુક છે. એટલે જો તમે વાર્તાનો અર્ક સીધો શેર કરી નાખો તો એનાથી બીજા વાંચનારાની મજા બગડી જાય. વાર્તા ખુલે નહીં એ રીતે કહેવી હોય તો બેસ્ટ ઉપાય એ કે ‘વાર્તા શું છે’ એ કહ્યા વિના કહેવું કે આ વાંચજો, અથવા આ ન વાંચતા.

3) ‘ધ રામબાઈ’ એક સત્ય-વાર્તા છે. યાત્રા છે. ધટના છે. તમે જે વાંચવા જઈ રહ્યા છો એ બધું જ આ વિશ્વમાં એકવાર બનેલું છે. જીવાયેલું છે. નવલકથાના અંતમાં “Epilogue : વાર્તા પાછળની વાર્તા” નામના વિભાગમાં વાસ્તવિક ઘટના- પાત્રો- સ્થળો વિષે બધું જ લખ્યું છે. અમુક વાસ્તવિક ફોટો મૂક્યાં છે. છતાં, આપને આગ્રહ કરીશ કે પહેલાં આખી નવલકથા વાંચી લેવી. નવલકથાને અંતે ‘સમાપ્ત’ શબ્દ પછી જે કશું પણ લખેલું છે એ બધું જ Spoilers ગણવું. અગાઉથી ન વાંચવું.
4) જો શક્ય હોય તો તમે જ્યાં કુદરતને ભાળતા હોય એવી જગ્યાએ બેસીને એકાંતમાં વાંચજો. મેં પણ વાદળાં, વૃક્ષો, અને સુરજના સાનિધ્યમાં મારા ઘરની બાલ્કનીમાં બેસીને સંપૂર્ણ એકાંતમાં આ વાર્તા ઓલ્મોસ્ટ ત્રણ વર્ષ સુધી લખેલી છે. આ ઊંડાણથી વાંચવાની અને ધીમે-ધીમે જીવવાની વાર્તા છે. શક્ય હોય તો વાંચતી સમયે ઇન્ટરનેટ કે મોબાઈલને દૂર રાખજો.
5) મારી અગાઉની નવલકથાના વાંચકો માટે : ‘ધ રામબાઈ’માં ‘વિશ્વમાનવ’ની જનુની બળવાખોરી નથી કે ‘નોર્થપોલ’ જેવી અથાક આત્મખોજ નથી. અહીં આપણી સૌની સફર, ઉડાન, અને મંજિલ અલગ છે. અહીં આપણું સૌનું આકાશ અલગ છે. ‘ધ રામબાઈ’ ના અણુ-પરમાણું નોખાં છે. આ પોતે જ આખું યુનિવર્સ છે.
6) નવલકથા લખતી વખતે હું હંમેશા Instrumental music સાંભળું. વાંસળી, પિયાનો, ગીટાર વગેરે. આ મ્યુઝીકના મહાસાગરમાંથી મને અમુક એવાં મોતી મળ્યા છે જેને આ નવલકથા વાંચતી વખતે તમે સાંભળશો તો પાત્રોની જીંદગીને એક અલગ ઊંડાણ અને ઉંચાઈથી અનુભવી શકશો. જો વાંચવાનું અને મ્યુઝીક સાંભળવાનું (છતાં ઈન્ટરનેટથી દૂર રહેવાનું) તમને કોઠે પડે તો નવલકથાના દરેક ભાગની આગળ એક QR Code આપેલો છે. એને સ્કેન કરીને સાંભળી શકાશે. આર્ટિસ્ટ મુજબ Ludovico Einaudi, Estas Tonne, અને Hans Zimmer આ ત્રણના મ્યુઝીક જ અહીં લેવાયા છે.
બસ…તો પછી ચાલો ઉપડીએ ‘ધ રામબાઈ’ની સફરે… 

નોંધ : નવલકથા ઈ-બુકમાં હમણાં નહીં આવે. આ પુસ્તકને હાથમાં લઈને વાંચવાની જ મજા આવશે. તમારે ખરીદી કરવા માટે વોટ્સએપ નંબર: 9409057509 પર તમારું નામ, સરનામું વગેરે આપવાનાં રહેશે. કિંમત 199/- છે. કોઈ બીજા ચાર્જ નથી.
Bhai bhai… Have to talab or vadhi gai vanchvani..
LikeLike
વાહહહ 👌👌👌👌,
LikeLike