અને ૨૦૧૭ પણ આથમવા આવ્યું ! બેશક જે માણસો વિશ્વભરની માહિતી-સમાચાર-ઘટનાઓ પોતાના નાનકડા મગજમાં ભરતા હોય તેઓ છેલ્લા અમુક વર્ષોથી પૃથ્વી જે રીતે જીવી રહી છે, માણસ-વર્ષો-અને સમય જે રીતે ભાગી રહ્યા છે તેનાથી પુરા ખુશ અને રોમાંચક નહીં જ હોય. કેટકેટલું બની રહ્યું છે ! વર્ષ-પછી-વર્ષ વિશ્વ વધુને વધુ ઘટનાપ્રચુર, અંધાધુંધી ભર્યું,, અને ન સમજાય તેવું લાગતું હશે. ક્યાંક આપણા હૃદયના ખૂણે થતું હશે કે કેમ આ એકવીસમી સદીમાં જનમ્યાં? કાશ વીસમી સદીનું ગામડાંનું શાંત-સૌમ્ય-અને કુદરતી જીવન મળ્યું હોત ! કાશ જગતભરમાં શું ચાલે છે તેનું જ્ઞાન આપણા નાનકડા મગજમાં આવ્યું જ ન હોત.
ઉપર-ઉપરથી જોઈએ તો પીડા થાય. આ પીડા ત્રણ બહારથી અંદર જતા સ્તરોમાં છે:
૧) મહાસતાઓના મહામુર્ખ નેતાઓ, મિસાઈલ્સ છોડવાના ખતરાઓ, રેફ્યુજી અને લાચારી ભર્યું માઈગ્રેશન, જાતિવાદ, સ્ત્રી-પુરુષના સમાનતાના બળવાઓ, આતંક અને હિંસાના દ્રશ્યો, ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવાઓ આ બધું સામે દેખાય.
૨) કરોડો માણસોના કર્મોથી શહેરોની પ્રદુષિત હવા, ટ્રાફિક, નાસીપાસ શિક્ષણ, અણધાર્યા વાતાવરણ, અને કુદરતનું ખોરવાઈ જતું જીવન સામે દેખાય.
૩) મૂળભૂત માનવીય પ્રકૃતિના બદલાવ ! જેનો વધારે ડર લાગે. ટેક્નોલોજી માણસને ભરખી જતી દેખાય. મોબાઈલ-ઈન્ટરનેટ-સોશિયલ એપ્લીકેશન્સની અંદર સામાન્ય માણસ ખૂંપી ગયેલો લાગે. કોઈ કોઈનું નથી એવો અહેસાસ. દરેક પોતાની સ્વતંત્ર દુનિયામાં નીચું ઘાલીને પડ્યું છે અને સંવેદના-શૂન્ય બનેલું લાગે. મોબાઈલમાં સતત જીવ્યા કરતા વિડીયોઝ-મેસેજીસ-બીજા લોકોની જિંદગીના દૃશ્યો અંદર-અંદર દરેકને કોરી ખાય, એકલું લાગે, વિચિત્રતા અનુભવાય.
ખુબ થયું. એકવીસમી સદી જો આવી જ હોય તો આમાં કેમ ખુશ રહેવું? વીસમી સદીના માણસોની જેમ પાછા જીવવું? કે ટેક્નોલોજીનો સામુહિક બહિષ્કાર કરવો? શું થશે આ વંટોળ જેવી દેખાતી સ્થિતિનું? કેમ માણસ સાચી દિશામાં જઈ રહ્યો છે? શું ચાલી રહ્યું છે? આમાં શું સમજવું?
જોકે આ લખનાર આ જગત જે રીતે જીવી રહ્યું છે તેનાથી ખુબ ખુશ છે ! આશાવાદી છે. મૂર્ખતા લાગેને? છતાંય હું ખુશ છું કે દુનિયામાં આટલું બધું થઇ રહ્યું છે ! કેમ? એવો સમય જ્યાં બાળકો સામે કોઈ જોઈ નથી રહ્યું, વાતાવરણ-કુદરત-રાજકારણ-અને માણસના એથિક્સ બગડી રહ્યા છે ત્યાં તમે કેમ વર્ષના અંત પર ખુશ થઇ શકો? અહીં રહ્યા અમુક એંગલ, થોડી અલગ નજર જે આપણે બધા જોઈ નથી રહ્યા. મારા આ બધા પોઈન્ટ્સથી તમે સહમત નહીં થાઓ, પરંતુ આ પણ એક નજરીયો છે:
૧ )એક વાત સત્ય છે કે દર સો માણસમાંથી પાંચ ખરાબ હોય છે. મતલબ કે પાંચ ટકા માણસ ખરાબ-ભ્રષ્ટ-દુષ્ટ-અને કોઈના કન્ટ્રોલમાં હોતા નથી. એ દરેક આંતક ફેલાવે, બળવો કરે, રાડો નાખો, ખોટા કામ કરે, અને જગતના બાકીના માણસો તેને રોકી ન શકે. તેમને ચોક્કસપણે દબાવી શકો, રોકી શકો, જેલમાં નાખો, બદલાવવા પ્રયત્ન કરો, પરંતુ બગાડ માનવમનમાં હોય છે, લોહી કાળું હોય છે, તેને કેમ બદલવું? જો સો માંથી પાંચ આવા હોય, તો એ મુજબ હજારે પચાસ બગડેલા હશે. એક કરોડ માણસ માંથી પાંચ લાખ ! અને જો ૧૩૦ કરોડના આ મહાસમાજ ભારતની વાત કરો તો ૬-૭ કરોડ માણસ આવું દાજેલા ઘાણવા જેવું છે. અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ૭૦-૮૦ કરોડ! જ્યારે કોઈને કોઈ ઘટનામાં આ કોઈને કોઈ માણસ ઇન્વોલ્વ હોય તો એ ઘટનામાં સામાન્ય-સારો-ભલોભોળો-ચોખ્ખો માણસ દુઃખી જ થાય. નિરાશા જ હાથ લાગે. આ 5% રેશિયો માનવજાતના જન્મથી છે. જો ન હોત તો ધર્મગ્રંથો, જીવવાના નિયમો, સારપની વાર્તાઓ, ઈશ્વર, ધર્મ, એથિક્સ, મોરલ, વેલ્યું કશું જ ના બન્યું હોત ! જીસસ ક્રોસ પર ન જાત, સીતા ધરતીમાં ન જાત, કૃષ્ણ કુરુક્ષેત્ર ન બનાવત, કે યાદવાસ્થળી ઉભી કરત. ઓશો જેવા વિચારકોને મારવામાં ન આવત. તો હવે શું?
૨ ) છેલ્લા દસ વર્ષોમાં માણસના મગજમાં ઘુસતી-ઘુસાડવામાં આવતી માહિતી જેટલી તીવ્રતાથી વધી છે તેની આડઅસર કોઈ એક પેઢીએ ભોગવવાની જ હતી. પ્રસુતિ પહેલાની પીડા. સૌથી ધીમી ઉત્ક્રાંતિ માણસની સમજણની થતી હોય છે. આપણે મોબાઈલમાં નીચું ઘાલીને જે સમાચારો-વિડીયોઝ-ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છીએ એ બધું જ વર્ષોથી બનતું જ હતું. સાતસો કરોડથી વધુ માણસોની માનવજાત ક્યારેય ઘટનાઓથી ઓછી ન હતી. ખુબ થતું હતું. અત્યારે જે દેખાય છે તેના કરતા હજારો ગણી પીડાદાયક-ખરાબ-અને અસહ્ય ઘટનાઓ છેલ્લા સો વર્ષમાં બની છે. છેલ્લા હજાર વર્ષના ઈતિહાસનું સેમ્પલ લો તો ખબર પડે કે આ માનવજાત ક્યારેય શાંત બેઠી જ નથી. તો અચાનક આપણે કેમ પીડાયા? કારણકે “આપણને ખબર પડી !” યસ. આ એક વાક્યમાં આપણી દરેક ટેક્નોલોજી (મોબાઈલ-સોશિયલ મીડિયા-ઈન્ટરનેટ)નો સાર આવી ગયો. તમને જે તમારા સ્ક્રીનમાં દેખાયું, વંચાયું એ પહેલા દરેક માણસ સામે ન હતું. તમારી સામે પેલા 5% માણસની દરેક પ્રવૃત્તિ સ્ક્રીનમાં દેખાઈ. પીડા થઇ. જગત આખું એક બની રહ્યું છે આ ટેક્નોલોજી થકી. દુનિયા મુઠ્ઠીમાં છે. તો એ સ્ક્રીનમાંથી સારું-ખરાબ દરેક માહિતી તમારા મનમાં જવાની. પીડા થવાની.
૩ ) ડેટા. આ ડેટા એવી માયાજાળ છે જે છેલ્લા વીસ વર્ષોમાં જ આપણી સામે વધું આવવા લાગ્યો. તમે ડેટા જુઓ, આંકડાઓ જુઓ, ટકાવારી જુઓ, અને એ આંકડા માનવમનમાં પહેલા લોજીક પેદા કરે અને પછી લાગણી પેદા કરે. ખુબ જ ખોટો ડેટા તમારી સામે ઠલવાઈ રહ્યો છે. એક સર્વે કહે છે કે વોટ્સએપમાં આવતી 75% માહિતી, આંકડાઓ, ફોટોગ્રાફ્સ ખોટા અને એડિટ કરેલા હોય છે, સામે 40% વિડીઓ પણ કટ-પેસ્ટ-એડિટ થયેલા હોય છે. તમે જે ડેટા કન્ઝ્યુમ કરો છો એ કદાચ પેલા નવરા-સડેલા દિમાગ વાળા માણસો બનાવીને વહેતો કરી રહ્યા છે. આ બધામાં શું રાખવું અને શું ન રાખવું એ નહીં સમજો તો જગતને જોઇને પીડા થશે જ. ધ ગ્રેટ ચેન્જમેકર મીડિયા (ન્યુઝચેનલ્સ, ન્યુઝપેપર્સ) અત્યારે જે ડેટા-માહિતી તમને દેખાડી રહ્યું છે તે મોટા ભાગે બદલાયેલી-ખોટી-કે મેન્યુપ્યુલેટ થયેલી હોય છે. આનો રસ્તો શું? મીડિયા જેટલો દેખાડે છે એટલો જાતિવાદ નથી, એટલો કોમવાદ નથી આ જગતમાં ! ઉલટો સુધારો થયો છે. કોઈ એકજ કિસ્સાને ફરી-ફરીને પચાસ વાર દેખાડવામાં આવી રહ્યો છે. એક ઘટનાને સત્ય માંથી ફિક્શનમાં ફેરવવામાં આવે છે. ડેટા ! ડેટા બદલાવો અને રાજ કરો. તો આમાં આપણે શું કરીએ? યાતો વિરોધ, યા સંપૂર્ણ બહિષ્કાર, યા એક મહા-હથિયાર “કોમનસેન્સ”. ઘઉં માંથી કાંકરા વીણીને ફેંકી દો એ રીતે નબળું-ખોટું-ખરાબ ન્યુઝચેનલ હોય કે છાપું…એને ફેંકી શકો, વિરોધ કરી શકો, અથવા કોમનસેન્સ વાપરીને જેટલું લેવું છે એટલું લઈને આગળ વધો. ચોઈસ ઈઝ યોર્સ.
૪ ) ઈન્ટરનેટ થકી દરેક માણસ પોતાની અંદરના લાગણીઓ-આવેશ-ભાવ અને મુર્ખામીને લોકો સામે મુકવા લાગ્યો. તમે માનો કે ન માનો પરંતુ તમારા કી-બોર્ડથી લખાયેલો એક-એક શબ્દ, આઈ રિપીટ ‘એક-એક શબ્દ’ આ જગતને અસર કરી રહ્યો છે. તમે તમારું જે મંતવ્ય કે વિચાર મુકો એ ભલે ક્ષણિક લાઈક્સ કે વાહવાહી માટે મૂકતા હો, ગુસ્સો-આવેગ કે ‘બધા કશુંક કરે છે અને હું રહી ગયો’ એ ભાવને શમાવવા મૂકતા હો, પરંતુ એ હજારો-લાખોને અસર કરે છે. વિશ્વ આખું જ્યારે આટલું નજીકથી કનેક્ટેડ હોય ત્યારે એ વિચાર/પોસ્ટ/વિડીયો એની તીવ્રતા મુજબ ઈન્ટરનેટના દરિયે સફર કરે અને આખા વિશ્વને અસર કરે છે. આ દરેક ડેટા તમારું મગજ પચાવે છે, નવી જન્મતી પેઢી વધુ ડેટા પચાવવા માટે અપડેટ અને સક્ષમ થઈને જ જન્મે છે (આ ઉત્ક્રાંતિનો નિયમ છે. એવું પણ બની શકે કે ભવિષ્યના બાળકો નીચી ડોક વાળા જન્મે જેના લીધે મોબાઈલ કે કોઈ ડીવાઈસમાં જોવા તેમના ગળાનાં હાડકાને દુઃખાવો ન થાય) એટલે જગતમાં ચાલતી દરેક ઘટના તમને ક્ષણેક્ષણ થોડાથોડા (માઈક્રોલેવલ પર) બદલાવ્યા કરે. માનવજાત ‘નેવર બિફોર’ રેટથી બદલાઈ રહી છે.
૫ ) “માનો કે ન માનો પરંતુ સારપ વધી છે. હા…દુનિયા સારી બની રહી છે, સંવેદનશીલ બની રહી છે, ઊંડી બની રહી છે, અને સત્ય-પૂર્ણ બની રહી છે.” આ વાક્ય સમજવા માટે એક એંગલ સમજવો પડશે કે માણસની ક્રિએટિવીટી, આર્ટ, અને સાયન્સ ત્રણેય ખુબ નાજુક અને ઊંડા બની રહ્યા છે. ટેક્નોલોજીએ વચ્ચેના દરેક માધ્યમ તોડીને આર્ટ અને આર્ટીસ્ટને જગત સામે મૂકી દીધા છે. વાર્તાઓ ઊંડી બની છે. આર્ટીસ્ટનો પ્રોડક્શન રેટ ખુબ વધ્યો છે. આર્ટીસ્ટ કમાતો થયો છે. તમારા કામમાં સત્ય-પ્રમાણિકતા-ઝનૂન-અને પારદર્શકતા હોય તો તેને દેશ,ભાષા, કે જૂની સિસ્ટમના સીમાડાઓ નડતા નથી. કશુંક મુકો અને સામે જનમેદની પોતાનું મંતવ્ય આપે છે. સારું સંગીત, પુસ્તક, સ્પોર્ટ, કે કોઈ પણ સર્જન પોંખાય છે. જગત તમારી જિંદગીને જોઈ રહ્યું છે. તો…તો…તો…આ બધા સાથે તમને ગંદકી પણ જોવા મળવાની જ ! એ જાતિવાદ પર ચાલતું ગરવા ગુજરાતનું ઇલેક્શન હોય કે ટ્રમ્પનું અંધેરું સામ્રાજ્ય. એમ ન માનસો કે આ બધું દેખાય છે એટલે દુનિયા જાતિવાદી અને રંગભેદી બની ગઈ છે. ના. સારા માણસ અંતે વિજયી બને છે. ઉપર કહ્યું એમ સામાન્ય માણસ એક મહાભયાનક હથિયાર ચલાવે છે: ‘કોમનસેન્સ’. આ એક હથિયારથી જગત તરી જશે, અથવા નહીં ચાલે તો ડૂબી જશે. એકવીસમી સદીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ જન્મી રહ્યું હોય, સ્પેસ એકસ્પ્લોરેશન થઇ રહ્યું હોય કે ખંધુ રાજકારણ ખેલાઈ રહ્યું હોય…જ્યાં-જ્યાં માણસ કોમનસેન્સ વાપરીને આગળ વધશે ત્યાં-ત્યાં કોઈ પણ ટેક્નોલોજી-વિચાર કે કોઈ વાદ અસર નહીં કરે. દુનિયા સારી અને બેટર જ બનશે. જો એ સામાન્ય બુદ્ધિને અભેરાઈ પર રાખી તો બધું ભરખી જશે. પરંતુ એવું નહીં થાય. કારણ? કારણકે 95 % માણસો સામાન્ય-બુદ્ધિ વાપરીને પોતાનો અંતિમ નિર્ણય લે છે.
૬) એક અભૂતપૂર્વ યુવા પેઢી જન્મી ચુકી છે યારો. જે વૈશ્વિક છે. જેમને જ્ઞાતિ-જાતિ-રંગ-ભેદ-ઊંચ-નીચ કોઈની પડી નથી. અમને ધર્મની પડી નથી કે અલગ-અલગ ઉભા કરાયેલ ઈશ્વરની પણ નહીં. હા…આ લખનારો એમાંનો એક છે એનું તેને ગર્વ છે. તેઓ કશું જ જોયા વિના પ્રેમ કરે છે. નફરત ખુબ ઓછી છે, અને જરૂરી હોય ત્યાં જ છે. આશાવાદી છે. જગતભરનું મ્યુઝિક સાંભળે છે, વૈશ્વિક સાહિત્ય વાંચે છે, ખૂણા વિનાની આ ધરતીના દરેક ખૂણે શું ચાલે છે એ સમજે છે અને આશાવાદી છે, ખુશ છે કે વિશ્વ જુના રીવાજો તોડે છે. તેઓ પોતાના શબ્દો-કામ-વિચારોને સમજીને જગત સામે મુકે છે. સારા નાગરિક છે. કચરો ફેલાવતા નથી, અન્ન બગાડતા નથી, જરૂરી હોય એટલું જ ટ્રાન્સપોર્ટ ઉભું કરે છે. એમની નજર જ્યાં છે એ ભવિષ્ય સોલાર કાર લાવી રહ્યું છે, સ્પેસમાં જઈ રહ્યું છે, સારા આઈડિયાને બિઝનેસ અને વર્કપ્લેસમાં વાપરી રહ્યું છે, નબળાને મદદ કરે છે, ભૂખ્યાને ખવડાવે છે, આંધળા કે વૃદ્ધને હાથ આપે છે, અને મોજમાં છે વ્હાલા…મોજમાં છે, એ વોટીંગ કરવા જાય ત્યાં પણ જ્ઞાત-જાત-કોમ-પક્ષ નહીં, સારું કામ કોણ કરશે એ વિચારીને મત આપે છે. આ બધા જ ભવિષ્યના લીડર છે. દુનિયા સારી બનશે, છે, આ લોકો થકી…
૭) ઘણી ડરવા લાયક સ્થિતિઓ પણ છે જે ટેક્નોલોજી સાથે આવી છે પરંતુ એમાં ટેક્નોલોજીનો વાંક નથી. લાગણીઓ તકલાદી બન્યા કરે, મન ચંચળ બન્યા કરે, ગમતું કામ ન ખબર હોય એ નિરાશામાં રહ્યા કરે, એકલતા પીડા આપે, ડીપ્રેશનનો રોગ થાય. કશુંક સંવેદનશીલ દેખાય તો ભડકી જાય, અને ખુબ એવું સતત દેખાયા કરે તો સંવેદનાઓ બુઠ્ઠી થઇ જાય, પ્રતિકાર કરે જ નહી! ઘણા માણસો જાતને રોકી શકતા નથી, પીડાય છે, અને શું ચાલી રહ્યું છે એ સમજાય નહીં. એમનો કોઈ ઈલાજ નથી. ક્ષણિક છે. સમય આવ્યે એ બધું જ એક ફિલોસોફીકલ આકાર લઇ લે છે, જેનું કશું જ ન થાય. માણસ સતત વાંચતો રહેવો જોઈએ, મગજ-મન ખુલ્લા રાખે, અને આશાવાદી રહે તો કોઈ પણ શિખામણની જરૂર ન પડે. અંતે એક અંતિમ સત્ય છે કે તમારી નબળી લાગણીઓ જ્યાંથી જન્મી ત્યાંજ એના મોતનો ઈલાજ હોય છે. Ask yourself. બાહર તું કીતના ખોજે, અંદર તું હે સમાયા. તમારા દરેક સવાલનો જવાબ તમારી અંદર છે. તમે બહારના વિશ્વને નબળું ન કહેશો. બહાર તો બધું સારું જ થવાનું છે. બ્રમ્હાંડમાં તરી રહેલા આ નાનકડા બિંદુ જેવા ઘરતી-ગ્રહ પર ૨૦૧૮નું વર્ષ આવી રહ્યું છે. અને ખુશ થાઓ…કારણકે તમારી પાસે આ ક્ષણ જ છે. અને આ ક્ષણે વિશ્વ જેવું છે એવું પહેલા ક્યારેય ન હતું, અને ક્યારેય નહીં હોય. જીવી લો. 🙂
મૂળ વાત છે કે એક સર્વાંગી નજરથી જગતને જોવામાં આવે. કોઈ એક રંગથી દુનિયાને જોઈએ તો એતો ફિક્કી જ લાગે. દરેક રંગ જુઓ, પરખો, અને જ્યાં લાગે કે બોલવું પડશે ત્યાં બોલો, જ્યાં છાતી પહોળી કરીને ઉભું થવું પડે ત્યાં ઉભા થાઓ, જ્યાં મદદ કરવી પડે, રાડ નાખીને પણ સારપને જીતાડવા માટે મથવું પડે ત્યાં મથો. ૨૦૧૮ આવી રહ્યું છે અને હેમિંગવે કહેતા એમ – “દુનિયા એટલી બધી ખુબસુરત છે કે એને વધુ સુંદર બનાવવા માટે લડવું જ રહ્યું. કશુંક કરવું જ રહ્યું”. :
Worth reading it.. 👌👍
LikeLike
Nice explain today reality.
LikeLike
Thought povoking. Loved it.
LikeLike
Keep it up
LikeLike
2018ને આ નજરથી જોયું. ઘણું સારું લાગ્યું. નવું લાગ્યું ને સુખદ લાગ્યું. આપનો આભાર દોસ્ત.
LikeLike