છ દોસ્ત – ચાર વર્ષ – એક સફર…

આ વાત છે ૨૦૧૩ની. ૨૩ વર્ષની ઉંમરની. એન્જીનિયરિંગ પૂરું કરીને જગ જીતવા નીકળેલા. એક જનૂન હતું. શ્વાસોમાં એક ગજબની હિંમત હતી, અને ખુમારી હતી. દુનિયા બદલવાની ખેવના હતી. જુવાનીનો જોશ તો જુઓ: ૧) કોલેજમાં કોઈ કેમ્પસ આવ્યું ન હતું. ૨) મંદી હતી. ૩) ઈલેક્ટ્રીકલમાં રસ ન હતો, અને કોઈ નોકરી આપે તેમ ન હતું.

છતાં…હું આખા ગામને કહેતો હતો કે – હું કોઈની નોકરીનો મોહતાજ નથી. ધંધો કરવો છે.

આ વાત છે એ ધંધાની. છ એન્જીનિયરના એક પરાક્રમની. કોલેજ પૂરી કરીને તરત જ કોઈ નોકરી શોધ્યા વિના હું નીકળ્યો અમદાવાદ. ત્યાં અમે છ એન્જીનિયરે એક IT કંપની ચાલુ કરેલી. નામ: carodoc.com (carodoc – એ care of doctor નું ટૂંકું ફોર્મ) પાંચ નિરમા યુની.ના એન્જીનિયર, અને છઠ્ઠો હું – ચાંગા યુનીવર્સીટીનો ઈલેક્ટ્રીકલ એન્જીનિયર. અમે બધા જ ૧૯૯૧માં જન્મેલા નમૂનાઓ.

૧) કુશાગ્ર રાદડિયા (ગોંડલનું પાણી. રાજકોટમાં અમે બંને સાયન્સમાં સાથે હતા. ગુજરાતમાં એ દસમો હતો. નિરમા યુનીવર્સીટીમાં ITએન્જીનિયર)

૨) મન જાની (ભાવનગરનો ભામણ. હું એને અમદાવાદમાં જઈને પહેલીવાર મળ્યો. (નિરમાની અંદર કોમ્યુટર એન્જીનિયર)

૩) કપિલ જિંદાલ (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. નિરમાની અંદર કોમ્પ્યુટર)

૪) દેવિન્દર મહેશ્વરી (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. કપિલને નિરમા કોલેજમાં એડમીશન લેવા આવતી સમયે ટ્રેનમાં મળેલો. નિરમાની અંદર કોમ્પ્યુટર)

૫) વિરલ ઠક્કર (પાક્કો અમદાવાદી ખોપરી. નિરમામાં કોમ્યુટર એન્જીનિયર.)

હું ગામડેથી અમદાવાદ ગયો ત્યારે કુશાગ્રને એકલાને ઓળખતો હતો. એ મારો બારમાં ધોરણથી જીગરી દોસ્ત હતો. બાકીના બધા જ કુશાગ્રના દોસ્ત. વિરલ ઠક્કર સિવાય બધા જ થલતેજ સર્કલ પાસે એક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહે.

આ હતું ૨૦૧૩. એ પણ ઉનાળો. અમદાવાદની કાતિલ ગરમી. હું અમદાવાદ તો ગયો પરંતુ આ બધા સાથે સેટ ના થયો. એ બધા ખુબ જ હોંશિયાર. Geek. Nerd. જે કહો તે. આખો દિવસ લેપટોપની સામે બેઠા રહે. મેગી ખાઈને દિવસ કાઢી નાખે. સતત કશુંક કરતા રહે. એમની એ રૂમ એજ ઓફીસ.

આ બધા વચ્ચે મારો એક સ્વાર્થ હતો. મેં કુશાગ્રને કહેલું કે હું માર્કેટિંગ સારું કરી શકું છું એટલે Carodoc.com માં હું સેલ્સ ડીપાર્ટમેન્ટ સંભાળી લઈશ. કુશાગ્ર મારો જીગરી હોવાથી ના તો ન પાડી શક્યો પરંતુ હું અલગ માણસ હતો. મારું સપનું લેખક બનવાનું હતું અને રોજે રાત્રે હું વિશ્વમાનવ લખતો હતો. મારો સ્વાર્થ એ હતો કે આવી રીતે કંપનીમાં સેટલ થઇ જાઉં તો આખી જીંદગી રૂપિયાની ઉપાધી નીકળી જાય અને હું આરામથી લખ્યા કરું!

મારા અમદાવાદ ગયા પહેલા જ Carodoc.com ના પાયા નંખાય ગયા હતા. આ પાંચ નિરમાના એન્જીનિયરો એ મળીને એ રૂમમાં બેસીને દિવસ-રાત એક કરીને એક સોફ્ટવેર ડેવલપ કરેલું હતું જે અમારે ડોક્ટર્સને વેંચવાનું હતું. સોફ્ટવેરમાં ડોક્ટર બધું જ કરી શકે. ઓનલાઈન અપોઈન્ટમેન્ટ થાય. દર્દીના બધા જ રિપોર્ટ સચવાય. દવાઓનું લીસ્ટ બનાવીને ડાયરેકટ મેડીકલને ટ્રાન્સફર થાય. એવું બધું. ૬૦૦૦ રૂપિયામાં આ સોફ્ટવેર ડોક્ટર્સને વેંચવાનું હતું.

દોસ્તો…જરૂરી નથી કે માણસો સ્માર્ટ હોય એટલે કંપની ચાલે. ઘણીવાર ટેલેન્ટ હોવા છતાં સમય યોગ્ય ન હોય અને કંપની ભાંગી પડે. આઈડિયા ક્યારેય મરતો હોતો નથી. આપણા પ્રયત્નો ખૂટી પડતા હોય છે. વિચાર તો અજર-અમર છે.

અમદાવાદના ૫૦૦૦ ડોક્ટર્સને રુબરુ મળીને અમે સોફ્ટવેર વેંચવાની શરૂઆત કરેલી. થોડા ડોક્ટર્સને મળ્યા ત્યાં ખબર પડતી ગઈ કે ખુબ ઓછા ડોક્ટર્સ એમના ડેસ્ક પર લેપટોપ કે કમ્પ્યુટર વાપરે છે! જેટલા વાપરે છે એ બહાર હોલમાં કેટલા પેશન્ટ બેઠા છે જે જોવા લગાવેલા CCTV કેમેરાના આઉટપુટ તરીકે જ વાપરે છે. હવે? શું કરવું? થોડા સોફ્ટવેર વેચાયા. પરતું સમયની પહેલા આ પ્રોડક્ટ આવી ગઈ હશે એવું લાગ્યું.

નજર સામે નિષ્ફળતા દેખાવા લાગી. કુશાગ્રએ મને કહ્યું કે હું કોઈ નોકરી શોધી લઉં કારણકે કંપની ચાલે કે નહી એનો ભરોસો નહી. બધાએ એમના હજારો કલાક આ વેબસાઈટ અને સોફ્ટવેર બનાવવા પાછળ નાખ્યા હતા. સમય યોગ્ય ન હતો. IT કંપની ઉભી કરવા શહેર યોગ્ય ન હતું. ઘણીવાર માણસો હારે એવા નથીં હોતા ત્યારે કુદરત હરાવતી હોય છે. જે છ યુવાનોએ ખુમારી ભરેલી દોડ ચાલુ કરેલી એમાં કુદરતે નાનકડી ઠેસ મારી. કેમ? કારણકે અમને બધાને સાચા રસ્તાઓ શોધવાના બાકી હતા.

થલતેજ ચોકડીની નજીકનો એ રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું. અમે હિમાલયા મોલની સામે જતી એક કોલોનીમાં PG માં રહેવા ગયા. અરેરે…એ અંધારી કોટડી. લાઈટ ન આવે. સવારના એક કલાક સિવાય પાણી ન આવે. મને નોકરી ન મળે. બધાએ પોત-પોતાના બધા રૂપિયા કંપનીમાં ખર્ચી નાખેલા. બધા જ બેરોજગાર.

…અને અચાનક કુશાગ્રના પપ્પાનું એક અકસ્માતમાં દેહાંત થયું. કુશાગ્રને ખુબ આઘાત લાગ્યો. અમે કુશાગ્રને તેનો બધો જ સામાન લઈને ગોંડલ મોકલી દીધો. તેના પરિવારને તેની જરૂર હતી.

Carodoc.comને એક નાનકડી કંપનીને વેચી દેવામાં આવી.

સમય સૌથી મોટો કાતિલ હોય છે. સમય આવે એટલે ઘણા ભરમ તૂટી જતા હોય છે. તમારા ખુમારી-ગર્વ ચુપ થઇ જતા હોય છે. હવા નીકળી જતી હોય છે. સમય એવો આવ્યો કે રોજે મેક-ડી નું 25 રૂપિયાનું બર્ગર ખાઈને દિવસ કાઢવા લાગ્યા. ખરી કસોટી ચાલુ થઇ હતી.

આ ઉપર કહી એ વાત  મહિનાના ગાળામાં બની હતી. કુશાગ્ર ગોંડલ જતો રહેલો. એ વધુ ડીસ્ટર્બ હતો એટલે કોઈના ફોન ઉઠાવતો નહીં. અહીં અમદાવાદમાં હું બાકીના બધા સાથે દોસ્ત બની ગયેલો.

આ બધામાં મારી પરિસ્થિતિ વધુ ખરાબ હતી. મેં કોલસેન્ટરમાં પાર્ટ-ટાઈમ નોકરી ચાલુ કરેલી. (ફુલ-ટાઈમ એટલે ન કરી કારણકે હજુ મને એ જ ભ્રમ હતો કે બાકીનો દિવસ વિશ્વમાનવ લખીશ. પબ્લીશ કરીશ. ફેમસ થઇશ. રૂપિયા કમાઈશ. મંઝીલ દૂર નથી!) ધીમે-ધીમે ખબર પાડવા લાગી કે પુસ્તક લખતા તો વર્ષ જતું રહેશે. ખિસ્સા ખાલી હોય ત્યારે ક્રિએટીવીટી મરી જતી હોય છે. ચારે બાજુ નોકરીના વલખાં મારવાનું શરુ કર્યું. વધુ એક્પિરીયન્સ દેખાડવા ફેઇક રિઝ્યુમ બનાવીને બે-ત્રણ કોલસેન્ટર બદલ્યા. પરંતુ એ નોકરી માથાનો દુખાવો હતી.

“તને છ હજાર આપીને તારી કંપની તારી રોજની જીંદગીના 12 કલાક ખરીદી રહી છે.” આવું મન જાની કહેતો.

આ મન જાની ખુબ જ અદ્ભુત વ્યક્તિત્વ હતું. એ આખો દિવસ રૂમ પર જ હોય. કુદરતી રીતે તેની પાસે એટલું શક્તિશાળી મગજ હતું કે એની જીંદગીને જોનારા દંગ રહી જાય! હા… નવોદયમાં ભણેલો આ માણસ સ્કુલથી જ આખી લાઈબ્રેરી વાંચી નાખતો. આ આગળનું વાક્ય લખ્યું એમાં જરાપણ અતિશયોક્તિ નથી. મનનું સપનું હતું કે એને લાઈબ્રેરિયન બનવું છે. અમે એને કહેતા કે તું માણસ નથી. કારણકે એની પુસ્તકો વાંચવાની સ્પીડ એટલી હતી કે એ ૧૦૦૦ પેજનું પુસ્તક ૩ કલાકમાં વાંચી નાખતો હતો! એણે એટલા પુસ્તક વાંચેલા કે તેની સાથે લાઈફના કોઈ પણ ક્ષેત્રમાં આર્ગ્યુમેન્ટ કરવી એટલે હારી જવાની ખાતરી સાથે કરવી. એ ખુબ ઓછું બોલે. કોઈને બોલાવે નહીં. અંધારી રૂમમાં એકલો પડ્યો રહે. લેપટોપ 24 કલાક ચાલુ. એને દુનિયાની કશી જ પડી ન હતી. તે મારી સાથે એટલે વાતો કરતો કારણકે હું એની સામે બેસીને જ બુક લખતો. હું ૧૦ મિનીટ બાથરૂમ ગયો હોય એમાં એ બુકના ૮૦ પેજ વાંચી લે!

મન ભણવામાં પણ એમ હતો. એક્ઝામના એક કલાક પહેલા કોલેજ પર જઈને કોઈ વાંચતું હોય ત્યાં બાજુમાં બેસીને વાંચી લે. પૂરું! 8 CGPA. નિરમા યુનીવર્સીટીમાં ઘણી કંપની આવેલી, પરંતુ Carodoc.com ના સ્થાપકોને Samsung જેવી કંપનીમાં નોકરી મળતી હતી છતાં કોઈએ ન લીધેલી. મનનો ઇન્ટરવ્યુ પણ જોરદાર હતો. એ નાઈટડ્રેસ પહેરીને Wipro ના ઇન્ટરવ્યુંમાં ગયેલો! ઇન્ટરવ્યુંઅર હજુ ગણિતનો કોઈ સવાલ પૂરો કરે એ પહેલા એ જવાબ આપી દેતો હતો. Wipro ના એ લોકો એટલા મૂંઝાયેલા હતા કે એમણે મનને જોબ-ઓફર તો કરી પણ છેલ્લે પૂછી લીધું કે અમારી પેનલ માંથી કોઈએ તને અગાઉથી જવાબ કહ્યા તો નથી ને!

મન પાસેથી એ દિવસોમાં ખુબ શીખ્યો. અમે બંનેને ‘અતિશય’ ફિલ્મો જોઈ. પુસ્તકો વાંચ્યા. ટોરેન્ટ હેંગ થઇ જાય એટલા ફિલ્મો જોયા. બેરોજગારીમાં હું હતો. મન પાસે Wiproની ઓફર હતી જ્યાં જવાને હજુ છ મહિના બાકી હતા. તેને લાઈબ્રેરિયન બનવું હતું!

“તમે જેવા માણસો સાથે દિવસના અમુક કલાક પસાર કરો છો તેવા જ બની જતા હોઉં છો.” એવું ક્યાંક વાંચેલું. મનમાં સમજાઈ ગયું કે ચિક્કાર વાંચનારને જેટલો ભવિષ્યમાં ફાયદો છે એટલો કોઈને નથીં. બીજા બે દોસ્તો કપિલ અને દેવિન્દર પણ એવા જ! રાજસ્થાનના આ બંને દોસ્તોએ કોલેજમાં એક ટેક-બ્લોગ ચાલુ કરેલો: Beebom.com

એ બ્લોગમાં એ બંને નવા-નવા ટેકનોલોજીના રીવ્યુ લખતા. ઈન્ટરનેટના ટ્રેન્ડ મુજબ 10 things to know… એ થીમ પર ટેક્નીકલ બ્લોગિંગ કરતા હતા. કપિલ-દેવિન્દર પાક્કા દોસ્તો હતા. હંમેશા સાથે. Carodoc નિષ્ફળ ગઈ એટલે Beebom બ્લોગને એમણે ફરી ચાલુ કર્યો જેથી એમાં એડ આપીને રૂપિયા મળે. એમનું આ પેશન જ ન હતું. સપનું હતું કે Beebom એક એવું પ્લેટફોર્મ બને જેને ઇન્ટરનેટ પર ટેક્નીકલ નોલેજ માટેનો સૌથી ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે. એ બંને રાત-દિવસ એ અંધારી રૂમમાં બેસીને બ્લોગિંગ કર્યા કરે.

કપિલ ખુબ ઓછું બોલે. તેના સપનાઓ ખુબ ઊંચા હતા. દેશની સૌથી બેસ્ટ ટેક-કંપની બનાવવાના! હા. એ મને ગાઈડ કરતો કે મારે કઈ રીતે વિશ્વમાનવનું માર્કેટિંગ કરવું જોઈએ. હું એને મારા સપના કહેતો. પેલી અંધારી PG માં અમારું મન ન લાગે ત્યારે વસ્ત્રાપુર લેઈક પર જઈને હું, મન, કપિલ અને દેવિન્દર જગ આખાની વાતો કરતા. એ વાતોમાં જેટલું નોલેજ શેરીંગ થતું એટલું મેં મારા જીવનમાં પછી ક્યારેય નથી મેળવ્યું. Quora, Reddit, Dark web, stumbleUpon એ બધું શું છે એ એમ વાતો માંથી જાણ્યું અને પછી રાતો જાગીને આ બધી સાઈટ્સ પર ખુબ વાંચ્યું.

હજુ સુધી કોઈ મને સફળતા-નિષ્ફળતાનું કશું પણ પૂછે તો એ જ કહું કે ‘તમારાથી વધુ સ્માર્ટ-સારા-અને સપનાઓ જોનારા માણસોને દોસ્ત બનાવો. એમનાથી ઘેરાયેલા રહો. પછી જુઓ.’

અમારા બધામાં અમુક ફીચર્સ કોમન હતા: ૧) બધા ખુબ ઓછું બોલીએ. ૨) ઇન્ટરનેટને જ્ઞાનના સોર્સ તરીકે વાપરવાના અમે ચાહકો, પરંતુ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના વિરોધી. (હજુ પણ મારા સિવાય કોઈ વધુ પડતું ફેસબુક/વોટ્સએપ વાપરતું નથી.) ૩) દરેકના અલગ-અલગ સપનો. માપ વિનાના સપનાઓ. ૪) બેરોજગાર.

એ નવરાશના સમયમાં અમે એ છ મહિનામાં એટલું શીખ્યા કે એ એવરેજથી હજુ પણ લર્નિંગ નથી થતું.

ખેર…સમય સમયનું કામ કરે.

કપિલ અને દેવિન્દરે થોડાંક રૂપિયા ભેગા કરીને સંદેશ પ્રેસની બાજુમાં નાનકડી ઓફીસ લીધી. એમનો બ્લોગ ધીમી-ધારે ખુબ સારું કામ કરી રહ્યો હતો. એ બંને આખો દિવસ ઓફીસ જતા રહેતા હતા. અંધારી રૂમ પર હું અને મન બંને આખો દિવસ લેપટોપમાં નવલકથાઓ વાંચ્યા કરતા. બપોરે બર્ગર ખાઈ લેતા. સાંજે મેગી. હું રાત્રે કોલસેન્ટરમાં જતો. સવારે આવતો.  બપોર સુધી સુતો. ફરી મનની બાજુમાં બેસીને વાંચવાનું ચાલુ!

મન જાનીને Wipro માંથી કોલ આવ્યો. જલદી જવાનું થયું. એ બેંગ્લોર જતો રહ્યો.

હવે દિવસે અંધારી રૂમમાં હું એકલો રહ્યો. બેરોજગાર તો ખરો જ. સૌથી ખરાબ દિવસો. કપિલ-દેવિન્દર મોડી રાત સુધી ઓફીસથી ન આવે. આખો દિવસ કોરી ખાતી એકલતામાં પુસ્તકોનો સાથ રહ્યો. હું મેમનગર ગુરુકુળમાં બપોરે જમવા જવા લાગ્યો.

બે મહિના પછી પ્લાઝ્મા નામની ઈલેક્ટ્રીકલ ફર્નેસ બનાવતી કંપનીમાં છ હજારના પગાર પર સર્વિસ એન્જીનિયરનું કામ મળ્યું. ગાંડો ગામ રખડીને ફરી ઈલેક્ટ્રીકલની નોકરીમાં આવ્યો!

એ જ અરસામાં કપિલ-દેવિન્દરે નક્કી કર્યું કે એ બંને દિલ્હીમાં Beebom.com ને ચાલુ કરશે, કારણકે અમદાવાદમાં IT કંપનીનો ગ્રોથ ખુબ ધીમો થાય છે. થેલા પેક કરીને એ બંને પણ જતા રહ્યા. કપિલ રોજે દિલ્હીથી ફોન કરતો. અમદાવાદ છોડી દેવા કહેતો. હવે તો PG ના ભાડાં ભરવામાં પગાર જવા લાગ્યો.

છેવટે મને પણ વડોદરામાં Absolute insurance surveyors નામની કંપનીમાં સર્વેયરનું કામ મળ્યું. હું વડોદરા જતો રહ્યો. પગાર સારો હતો. ૨૦૦૦૦.

અમદાવાદથી એટલે હજુ પણ બીક લાગે છે. છ એન્જીનિયરે સાથે મળીને જોયેલ સપનું ત્યાં તૂટ્યું. બેરોજગારી જોઈ. એક-પછી-એક બધા અલગ થતા ગયા. પોતપોતાના રસ્તે આગળ નીકળવા લાગ્યા. એકલા-એકલા દરેકની સફર શરુ થઇ.

મરીઝનું એક વાક્ય છે: ‘કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે!’ એવું જ થયું. અમારી ઓટ હતી, પણ અમે મહેનત ઓછી નહોતી કરી.

૧) કુશાગ્ર રાદડિયા ગોંડલ ગયો પછી તેને સાપરમાં એક ફોર્જિંગ કંપનીમાં ૧૦૦૦૦ના પગાર પર બે વર્ષ નોકરી ચાલુ કરી. (કોલેજમાં કુશાગ્રએ નિરમાની ૮ લાખના પેકેજની સેમસંગની ઓફર ફગાવેલી.) બે વર્ષ સુધી એ એટલે અમારા ફોન ન ઊંચકતો કારણકે ફેમેલીને સપોર્ટ કરવા લીધેલી એ નોકરીમાં એ IT ને કે તેના ડીઝાઇનને લગતા પેશનનું કશું જ કામ ન કરતો હતો. એક વર્ષ પછી તેણે જાતે Induction forging ની કંપની ચાલુ કરી! યસ…એની શીખવાની ધગશ એવી હતી કે એ કોઈ પણ ક્ષેત્રમાં કિંગ બની શકે. કંપનીનું નામ પણ પોતાના પપ્પાના નામ પરથી રાખ્યું: માધવ ફોર્જિંગ.

આજે ૨૦૧૭માં, માત્ર દોઢ વર્ષમાં એની કંપની ધોમધોકાર ચાલે છે. એનું ડીઝાઇનર તરીકેનું પેશન એ એમાં વાપરે છે. હું હમણાં જ તેની કંપની પર ગયો, અને ભૂતકાળ યાદ કરીને અમે બંને ચુપચાપ બેઠા રહ્યા.

૨) મન જાની ! : એ હજુ એટલા જ પુસ્તકો વાંચે છે. બેંગ્લોર Wipro માં હતો. હાલ Synopsys માં રીસર્ચ કરે છે. હું પણ હાલ બેંગ્લોર જ છું. પણ અમે બંને હજુ મળ્યા નથી. એ હવે એટલો ફકીર થઇ ગયો છે કે કોઈના ફોન-મેસેજ જવાબ ન આપે. Coding માં એ એશિયા લેવલ પર ઘણા ઇનામો લઇ આવ્યો છે. વાંચવા અને ફિલ્મોમાં હવે એ વૈશ્વિક સાહિત્યના એ આયામ પર છે જ્યાં ખુબ ઓછા માણસો હોય છે. (ફ્રેંચ સાહિત્ય વાંચવા માટે તેણે Openculture.com પરથી ફ્રેંચ શીખી લીધેલી!) હજુ એ લાઈબ્રેરિયન નથી બન્યો.

૩) કપિલ જિંદાલ અને દેવિન્દર મહેશ્વરી: Beebom.com હાલ વર્ષના ૫ કરોડનું ટર્ન-ઓવર કરનારી ત્રીસ એમ્પ્લોયી ધરાવતી કંપની છે. એમને કેટલાયે ફંડીંગ મળતા હોવા છતાં ક્યારેય નથી લીધા. એમના સપનાઓ અલગ છે. ઇન્ટરનેશનલ માર્કેટ પર એમનું ધ્યાન છે. સફળતા ચિકાર છે, પરંતુ હજુ બંને એવાને એવા જ છે. હમણાં હું દિલ્હી ગયેલો ત્યારે એમના વૈભવી ફ્લેટ પર રોકાયેલો.

૪) વિરલ ઠક્કર : આખા લેખમાં વિરલની વાત એટલે ના કરી કારણકે તેનું ઘર જ અમદાવાદમાં હતું એટલે એની લાઈફ વિષે વધુ જાણવા ન મળ્યું. હાલ એ Houston Univerity માં માસ્ટર ડીગ્રી કરે છે. એનું પ્રિય વાક્ય Stay hungry, stay foolish હજુ એની ફેસબુક પર છે.

૫) હું.. : આપની નજર સામે જ! બાર-તેર નોકરીઓ કરી. વિશ્વમાનવ પબ્લીશ થઇ. બીજી બુક નોર્થપોલ પણ આવી. મેં જે સપનાઓ જોયેલા એ થોડા-ઘણા સાકાર થયા છે. વાંચકોનો પ્રેમ મળ્યો છે. હજુ તો કેટલાયે કામ કરવાના છે.

આ છ એન્જીનિયર હાલ અલગ-અલગ ખુણાઓમાં ખુશ છે. Carodoc નું ફેસબુક પેજ હજુ એમ જ છે. વેબસાઈટ બંધ છે. હવે અમારા બધાની પોતપોતાની વેબસાઈટ છે.

અને હા…મહેનત જારી હે. એમ જ. અવિરત. જોઈએ.

હા…આને સંઘર્ષ નહી કહું. સંઘર્ષ થોડું નેગેટીવ લાગે છે. ‘મહેનત‘ યોગ્ય શબ્દ છે. 🙂

40 thoughts on “છ દોસ્ત – ચાર વર્ષ – એક સફર…

 1. વાહ ખુબ સરસ આપણા લેખ વાંચવા મા રસ પડ્યો આ ફરહા મરીજે ઇશ્કી મર્દ જિંદાલ દિલ થી દિલ હરવુ થયુ સાહિબ આપણો આભારી 🙏

  Liked by 2 people

 2. વ્હોટસઅપ માં એક ફોરવર્ડ મેસેજ ફરે છે..

  જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય, બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે.

  #એકદમ બંધ બેસતું 👌

  Liked by 1 person

 3. જિતેશભાઈ ,
  અત્યાર ની આ નવા જમાના ને તમે શીખવ્યું છે કે જીવન કેમ જીવાય..બધી સુખ -સગવડો ની ચાદર ઓઢેલા ઓ ને હજી ઠંડી નથી લાગી એટલે એમને ખબર નથી પડતી કે મેહનત કોને કહેવાય..પણ તમારા વિચારો અમારા જેવા ની ચાદર ને ધીમે ધીમે ઉતારી રહ્યા છે…એટલે બીજું તો કઈ નઈ પણ તમારો ખૂબ જ આભાર.કે જિંદગી કેમ જીવાય…🙏

  Liked by 3 people

 4. just got a job somewhere in Gujarat…today is my first day at that city…I was feeling lonely and as a surprise I got to read your this blog..inspired somewhat by this blog…that I should not feel alone…success comes with price…

  Liked by 1 person

 5. સલામ છે તમારી મહેનત અને દોસ્તી ને…!! ખુબ મજા આવી આ કહાની વાંચી ને..!! જોરદાર..!!

  Liked by 1 person

 6. Intersting and stagal life and thank for frist sarambhada’s frist internatonal writers congrates
  Dilip bajaria
  Navi mumbai

  Liked by 1 person

 7. Normally loko ne koi ni pan sari athava celebrity type ni life joi ne thay ke bas life to avuj hov joiye. ..ane a loko keva lucky chhe???!!!!!Pan aena pachhalni mahenat, sharm koi ne dekhato nathi. .dekhava magta nathi….
  Salute all of you.sapana Joya. .mahenat kari sakar karvani disha ma agal vadhi rahya chho…vadhi gaya…..sakhat parish aram no koi vikalp nathi ae tame yuvano ae sabit karyu ane ajana yuvano ma kai hir nathi ae khotu sabit Kari batavyu. ..

  Liked by 1 person

 8. Failure is not when you fail ,failure is when you say no to start again…
  One should not give up on his/her dream… passionately follow it…be ready for the criticism…
  And lastly,i want to say that whatever happens is for the good reason and whatever does not happen is for very good reason.

  Khub j saras jeetesh bhai👍 Avi j ek succes story apne sambhlavis…. Atre etle nay kem k struggle chalu che haji…☺

  Liked by 1 person

 9. પ્રેરણા મળે છે મળે છે અમો જેવા કિશોરાવસ્થામાં પાંગરતા નવયુવાનોને.. વિકટ પરિસ્થિતિ અને તેના આયામો તરફ પોઝિટિવ નજરીયો કેળવવાની દષ્ટિ મળે છે તમારા લેખના સાનિધ્યથી..આમ જ લખતા રહો.

  આભાર.

  Liked by 2 people

 10. Khub j mast saras excellent story…
  Is tarah se aapne tay ki manjile
  Gir pade gir kar uthe uth kar chale…
  👌👍👌😊

  Liked by 1 person

 11. વેરી ઈન્સ્પીરેશનલ….
  આપની સ્ટોરી માં ના કેટલાક વાક્યો / વાતો મે મારા ટીન એજ પુત્ર ( જે હાલમાં 12 સાઈન્સ B ઞ્રુપમાં અભ્યાસ કરે છે ) ને ફોરવર્ડ કરી છે….
  ખુબ ફરો… સફળતા પ્રાપ્ત કરો… અને અનુભવો શેર કરતા રહો – લખતા રહો…..
  ~ રાકેશ ભડિયાદ્રા
  માધવ બુક સ્ટોલ , ભાવનગર.

  Liked by 1 person

 12. હંમેશા ની જેમ જ તમારી આ સ્ટોરી પણ મસ્ત, વાહ મજા આવી ગઈ વાંચી ને ,
  શરૂઆત માં હંમેશ ની જેમ જ ઇમોશનલ કરી ગઈ ને અંત ફરી થી જોશ અપાવી ગઈ

  Liked by 1 person

 13. વાહ સુ સ્ટોરી છે જિતેશ ભાઈ……..
  મારી સ્ટોરી થોડીક તમારા ગ્રુપ થી મળતી આવે છે…….

  હું પણ એક વર્ષ પહેલાં અમદાવાદ ગયેલો ….
  Mca કરવા …….

  પણ મને અમદાવાદ અનુકૂળ ના થયું…….

  અત્યારે રાજકોટ માં એક કંપની માં ટ્રેનિંગ વેબ ડિઝાઇનિંગ ની લઇ રહયો છું……..

  અને હા સપનું છે ફેમસ થવા નું……..

  અને એવું પ્લેટફોર્મ જોઈ એ છે જ્યાં લોકો મારી પણ સ્ટૉરી સાંભળે…….

  Liked by 1 person

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s