એક ‘મફતની’ નવલકથા પાછળની આત્મકથા…

મારા વ્હાલા વાચક…
“નોર્થ પોલ”ને આટલો બધો પ્રતિસાદ મળ્યો એ માટે હું આપ બધાનો ખુબ આભારી છું. ફેસબુક પર જે રિવ્યુઝ દેખાઈ રહ્યા છે એ આ વંટોળનો 10% હિસ્સો જ છે. મારા પર્સનલ મેસેજમાં એટલા મેસેજ મળી રહ્યા છે કે સાંજ પડ્યે મોબાઈલ હેંગ થઇ જાય. 🙂 
આવા પ્રેમની જ તો જરૂર અને ઝંખના હોય છે કોઈ પણ લેખકને.
પરંતુ ઘણા વડીલોએ, દોસ્તોએ મારી પાસેથી એક જવાબ માંગ્યો: ‘તે આવી નવલકથાને ફ્રીમાં કેમ આપી દીધી?’
મેં બધાને જવાબ આપ્યો જ છે. નવલકથાની  પ્રસ્તાવનાનું થોડું રિપીટ લાગે છતાં ઘણુબધું ઉમેરીને અહીં હું ફરી વિસ્તારથી લખી રહ્યો છું:

“જ્યારથી જગતભરનું સાહિત્ય વાંચવાની શરૂઆત કરી ત્યારથી મારી અંદર એક આશાની કુંપળ ફૂટેલી. બીજી ભાષાઓમાં લેખકોનું પુસ્તક બહાર પડે ત્યારે એકસાથે હજારો નકલ પબ્લીશ થાય. લેખકો પાસે પુસ્તક સાઈન કરાવવા પડાપડી થાય. લેખકો પ્રેમ ખાતર રાતો જાગીને સાઈન કરે. જો સારું પુસ્તક હોય તો લાખો વાચકો એને ખરીદે અને વાંચે. દરેક લેખકની જેમ ચિરાયું ઈચ્છા એ હતી કે ‘લોકો મારા કામને વાંચે’. કામની કદર કે ટીકાઓ થાય. પણ કશુંક તો થાય.
…અને મેં એ લેખકોને જોઇને એક સપનું જોઈ નાખ્યું કે એક દિવસ મારી ગુજરાતી ભાષામાં પણ આવું થશે. મારી નવલકથામાં તાકાત હશે તો લાખો માણસો મને વાંચશે. બસ…
મેં ભૂલ કરી? ના.
સપનાઓ જોવાં ગૂનો છે? ના.
આવા હવા ભરેલા સપનાઓ જોવા એક ગુજરાતી લેખકની ઔકાત નથી? ના.
બસ…તો પછી આવું મારી ભાષામાં કેમ નહીં? કેમ પ્રાદેશિક ભાષાના લેખકની વર્ષોની મહેનત અમુક હજાર વાચક સુધી પણ નથી પહોંચતી?

મારા યારો…
ગુજરાતી ભાષાને ચાહીને તેમાં જ આગળ વધવા માંગતા એક યુવાન લેખક તરીકે ખુબ બળતરાઓ ભોગવવી પડતી હોય છે. લેખકોને એક હજાર નવલકથા છાપવામાં અને વેચવામાં પબ્લિશર કંપનીઓના પગની ધૂળ બની જવું પડતું હોય છે.છતાં માંડ કરીને રોયલ્ટી પેઠે અમુક હજાર રૂપિયા મળતા હોય છે. (એટલે જ તો લેખકો આજકાલ કોલમિસ્ટ કે વક્તા બની જવું યોગ્ય ગણે, અને નવલકથા લખીને જીવવા માંગતા લેખક ઈજ્જતની નોકરી શોધીને પોતાનું કામ ચાલુ રાખે.)

હું શું કરું? જે યુવાને લખવાની શરૂઆત કરી ત્યારે જ સપનાઓ જોયેલા હતા કે કોઈ દિવસ જો મારી વાર્તામાં તાકાત હશે તો ગુજરાતભરમાં લાખો માણસો વાર્તા વાંચશે, વિચારશે, કે વખોડી-ફાડીને ફેંકી દેશે એ સપનું વાસ્તવમાં ફેરવાતાં દેખાયું જ નહીં.

સપનાઓને મારી નાખું? ચુપ થઈને વર્ષો સુધી કોઈ સાહિત્ય એકેડેમીના એવોર્ડની રાહ જોતો રહું? શું કરું? આ નવલકથા લખ્યા પછી એક દિવસ એમ જ એક વિચાર આવ્યો: “ગુજરાતી વાચકોના હાથમાં આ કામને ઈ-બૂક તરીકે મફતમાં આપી કસોટી પર મૂકી દેવાનો. દરેકને એક વિનંતી કે જો વાર્તા ગમે, સ્પર્શે, ધ્રુજાવે, રડાવે, મોજ કરાવે કે જીવતા કરી મુકે. અને જો લાગે કે લેખકે મહેનત કરી છે તો અને તો જ મને રૂપિયા આપે એવી હાંકલ કરવાનો.”

મેં આ નવલકથા બે વર્ષ સુધી સતત લખી હતી. મફતનું જ્યારે મળે ત્યારે માણસોનો સ્વભાવ મને ખબર છે. કદાચ હાથમાં રહેલી વાસ્તવિક નવલકથા અને ઈ-બૂક વાંચવાના આનંદ તફાવત પણ મને ખબર છે. છતાં આ મહેનત આજે આપના હાથમાં મૂકી રહ્યો છું તે પાછળ બસ એક જ સપનું હતું-છે-અને રહેશે કે : ‘જો મારા સર્જનમાં તાકાત હોય, જો આ વાર્તા વાંચવા પાછળ વિતાવેલા કલાકો સાર્થકતાપૂર્ણ જીવાયેલા હોય એવો અનુભવ થાય. જો તમને લાગે કે આ લેખકને કશુંક આપવું જોઈએ તો અને તો જ મને પેમેન્ટ આપજો.’

બસ…આટલી સાદી વાત છે. “ગમે તો રૂપિયા આપો. મોજ પડે એટલા આપો. ન ગમે તો ન આપો. હું માંગીશ નહી.” આજે એ સપનાનાં ભાગરૂપે આ નવલકથા તમારા મોબાઇલ કે લેપટોપમાં હોય એવી આશા છે.

કોઈ માણસને આ નવલકથા હું મફતમાં આપી રહ્યો છું એ પાછળ મારી પ્રસિદ્ધિની ભૂખ લાગે, કે મોહ-દેખાડો લાગે, પરંતુ જ્યારે મારા આત્માએ આ જગત સામે મૂકી દેવા કહ્યું ત્યારે મારા માટે એ ક્રાંતિ હતી. હા…મારા માટે આ ક્રાંતિ છે જે મારે ગુજરાતી સાહિત્યમાં લાવવી છે. એ આવે કે ન આવે એતો ક્રાંતિની પણ પોતાની નિયતિ હશે. આ સફળ જશે તો કેટલાયે થનગનતા યુવાનો માટે માઈલસ્ટોન બની જશે. મારી કુદરતે તો મને આ સપનું દેખાડ્યું છે. અને આ કુદરત બધું જ જાણે છે દોસ્ત.
જો આ બધું દેખાડો હશે તો બધું જ સરેઆમ નગ્ન બનીને ઉભું રહેશે. રહેવું જોઈએ. આ હાર્ડ કોપી ન લાવીને આ મુર્ખ પગલું હોય, અને વિશ્વભરમાં કોઈએ આવી મુર્ખામી ન કરી હોય તો મેં કરી છે. નિષ્ફળતા મંજૂર છે હજારવાર. સપનાઓનું જીવાડ્યા વિના મારી નાખવું મંજૂર નથી.

મારા આ ‘ફ્રી’ બૂક આપવાના વિચારનો વિરોધ પણ થયો. મેં સહર્ષ એ સ્વીકાર્યું. કેમ? કારણકે મારી છાતીમાં જે સપનાઓએ ઉડાન ભરી છે એ એમને ન દેખાય. મારી આંખોમાં જે આશાના રંગો છે એ એમને લોજીકલ માર્કેટિંગ કીમિયો લાગે. કોઈ મારી આ વાતને Jio ની ફ્રી સ્કીમ સાથે સરખાવે, તો કોઈ સાહિત્યની અને હાર્ડકોપીની વેલ્યુ ઘટાડનાર માણસમાં મને ખપાવી દે.
પરંતુ…
અને કોઈ કેમ આને મફતની નવલકથા કહે? ‘ફ્રી’ શબ્દ વાપરું છું એટલે? 

‘ફ્રી’ શબ્દથી એનું મૂલ્ય ઘટાડવાનો મારો આશય જ નથી. વાચક તેના જીવનના દસ-બાર કલાક આ સર્જનને વાંચવામાં કાઢે એ મહત્વના નથી? સાહેબ…મારા ખેડૂત બાપુજીએ જ્યારે આ વિચાર સાંભળેલો ત્યારે એક વાક્યમાં જ જવાબ આપેલો જે આજે હું એક છેલ્લા જવાબ તરીકે આપી રહ્યો છું: “દીકરા…જ્યારે આપણે ખેડૂતો ધરતી માતા ઉપર ભરોસો રાખીને પ્રેમથી ખેતરમાં એમ જ અનાજ વેરી આવીએને તો પણ આ ધરતી તેને આપોઆપ ઉગાડી દેતી હોય છે. ખબર છે કેમ? કારણકે તેને અનાજ ફેંકનારા એ ધરતીપુત્રની દાનતની ખબર હોય છે. એને પણ પ્રેમ મહેસૂસ થતો હોય છે. એટલે તારી ધરતી આ વાચકો છે. એમના હાથમાં આ નવલકથા ભલે મૂકી દે. પરંતુ તારા મનમાં રહેલા આશયને ચોખ્ખો રાખજે. તારી ધરતી તને પણ જવાબ દેશે.”

યારો…મારી ધરતી એ મને જવાબ દીધો છે. નવલકથા ખુબ વંચાઈ રહી છે. હા…પેમેન્ટ તો માત્ર 1% માણસોએ કર્યું હોય એવું ભાસે છે, પરંતુ હું વધુ કમાવાની આશાએ લેખક નથી બન્યો. આ જીવન છે મારું. હું જે નોકરી કરું છું એમાંથી પણ પગાર મળે જ છે. પણ હા…એક હાંકલ ફરી કરીશ: આ નવલકથા વાંચો. માણો. તમને લાગે કે આ વાર્તાના પાત્રોએ તમને વિચારતા કરી દીધા, ધ્રુજાવી-રડાવી દીધા, કે હસતા કરી દીધા તો આને વધુ માણસો સુધી પહોંચાડવાનો તમારો ધરમ નીભાવજો. મને રૂપિયો પણ નહીં આપો તો ચાલશે, પરંતુ મેં જોયેલા લાખો ગુજરાતીઓ સુધી આ વાર્તાને પહોંચાડવાના મારા સપનામાં ભાગીદાર તો બનજો.
આ પુસ્તકને વોટ્સએપ થકી તમારા ગ્રુપમાં, પરિવારમાં કે દોસ્તોમાં શેર કરવા પ્રયત્ન કરશો તો વધું સારું. કોઈને ન કહેશો કે આનો સર્જક કેવો છે, કોણ છે, મેં ક્યાંય નથી લખ્યું. મારું સપનું મારી જાતને નહીં, પણ આ સર્જનને લાખો સુધી પહોંચાડવાનું છે. કોઈને ન કહેશો કે તેઓ વાંચીને મને રૂપિયા આપે. એ એમના આત્મા ઉપર છોડી દો.

પરંતુ એજ આજીજી કરીશ કે – જો સારું લાગે તો અને તો જ આ બીજા માણસો સાથે શેર કરજો. બાકી તમારા મોબાઈલ કે લેપટોપ માંથી ડીલીટ મારી દેજો. બસ.
અહીં મારે જેટલી તીવ્રતાથી તમને કહેવાનું હતું એ કહેવાય ગયું છે. આ મારા બાળકને સાહિત્યના જગતમાં આજે ઉડવા માટે મુક્ત કરું છું. આની પાછળ કોઈ માર્કેટિંગ હું નથી કરતો. આ માણસોની વાર્તા છે. માણસો કરશે.
જેવું પડશે એવું દેવાશે. ક્રાંતિ થશે અથવા ફજેતો. મને બંને મંજૂર છે.

જય સરસ્વતી. જય સાહિત્ય. જય સત્ય.
જીતેશ દોંગા… ”

નવલકથા ડાઉનલોડ કરવા અને મને પેમેન્ટ કરવા એક જ વેબસાઈટ પર બધું જ છે: jiteshdonga.com
(જેમને પીડીએફ ફોર્મેટમાં વાંચવું ન ફાવે તેઓ Pratilipiઓપ્શનનો ઉપયોગ કરી શકે. તેમાં અક્ષરો મોટા કરી શકાશે.)
નોંધ: જો આ સપનું પરિપૂર્ણ થશે તો આ નવલકથા પ્રિન્ટમાં લાવવાનો પ્રયાસ કરીશ. કદાચ.

IMG-20170228-WA0020.jpg

Advertisements

6 thoughts on “એક ‘મફતની’ નવલકથા પાછળની આત્મકથા…

 1. હવે સમજાય છે નોર્થ પોળ નો પેલો મહારાષ્ટ્ર માં ચાર રસ્તા પર નાગો બની ગુજરાતીમાં ભાસણ આપતો ગોપાલ તો આવોજ હોય, દોસ્ત એમનેમ નાગા થોડા થવાય છે. ચીલાચાલુ થી કંઈક હટકે કરશો તો કુછ તો લોગ કહેંગે …. વેલ ડન જીતેશ…

  Liked by 1 person

 2. Dear Jitesh,

  I was read your novel vishwamanav its good and heart touching story,
  In between story I m very disappointed and I used bad word for you, for sorry than perfect finished climax of story.

  Like

 3. Excellent book Mr Jitesh.
  North pole is Very very heart touching story. I have completed it in just 2 days. I have cried many times during reading of this book. Touched by the characters of mira, id & gopal. Great work by the author.

  Like

 4. I am very appricited for reading your story..and i very like u this story start to end well being….thank u sir

  Like

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s