આજે સિલ્વર જ્યુબિલી છે. મારે અને ઈન્ટરનેટના જન્મને પચીસ પુરા થયા. 9133 દિવસ થયા!
પાછું વળીને જોઉં છું અને અહેસાસ થાય છે કે સમય ઊડી રહ્યો છે.
આજથી પચીસ વર્ષ પહેલા સવારના સાત વાગ્યે હું જન્મેલો. આજે સવારે સાત વાગ્યે બા-બાપુજીનો ફોન આવ્યો. મને આશીર્વાદ આપ્યા.
*
અત્યારે મારી રૂમમાં હું એકલો છું. ચારે તરફ અંધકાર છે. હું બેડમાં બેસીને આંખો બંધ કરું છું. આંખોની અંદર મારો ભવ્ય ભૂતકાળ કોઈ ફિલ્મની જેમ દોડવા લાગે છે. અંદરથી ભૂતકાળના દૃશ્યો એક પછી એક પેદા થાય છે. માં-બાપ, જુના દોસ્તો, જુના શહેરો, ગામની જૂની ગલીઓ સામે ઉભી થઇ રહી છે. મારી અંદરનો અવાજ એ ફિલ્મની પાછળ કશુંક બોલી રહ્યો છે.
જીતેશ દોંગા…તું ખુશ છે?
હા…હું ખુશ છું. એક પણ પસ્તાવાની ક્ષણ જીવ્યો નથી. જે કરવું હતું એ કર્યું છે. અંદરના અવાજના આધારે છાતી ખુલ્લી રાખીને, પાંખો ફેલાવીને મન પડે એમ ઉડ્યો છું. જેટલું જીવ્યો છું એમાં ક્યાંય વધુ વિચાર્યું નથી. બેફામ જીવ્યો છું. 🙂
જુના બેરોજગારીના દૃશ્યો સામે આવે છે. રૂપિયા વિના અમદાવાદના રસ્તાઓ પર એકલા-એકલા રડેલો એ દેખાય છે. એકલતા-બેરોજગારીની ક્ષણો ઉભરી આવે છે. પણ હું હાર્યો નથી. કાળુભાઈ દોંગાનો દીકરો થાકે ખરો પણ હારે નહી એવું મારા બાપુજી કહેતા. હું નથી હાર્યો. એક-એક નબળાઈને પકડી-પકડીને મારી નાખી છે. પડ્યો-ભાંગ્યો પણ ઉભો થયો છું. મોટા સપનાઓ જોયા છે. એ સપનાઓ પાછળ રાત-દિવસ એક કર્યા છે અને આંખોના ડોળા બહાર નીકળી જાય એવી મહેનતની જીદમાં પણ મોજમાં રહ્યો છું. કાળા દિવસોમાં પણ હસતા-હસતા જીંદગીમાં રંગો ભર્યા છે. 🙂
આ ક્ષણે આવતા ખુશીના આંસુ એમ જ નથી આવ્યા. આંસુ પણ કમાયો છું.
મનમાં અવાજો પેદા થાય છે કે તું તો ખુશ છે, પણ આ દુનિયા માટે શું કર્યું છે?
હું કોણ છું આ જગતને બદલનારો? હા…મારે જગતને જેવું જોવું છે એવી મારી જાતને બનાવી છે. ખોટું સહન કર્યું નથી અને ક્યાંય ખોટું થતું હોય તો ચુપ રહ્યો નથી. સાચું બોલ્યે રાખ્યો છું અને બોલતો રહીશ. સાચા માણસ બનવું ખુબ સહેલું લાગ્યું છે. ક્યાંય કચરો ફેંક્યો નથી. ક્યારેય સિગ્નલ તોડ્યા નથી. કોઈ ભૂખ્યાને ગાળ દઈને ભગાડ્યો નથી. કોઈ નબળાને માર્યું નથી. કોઈની નિંદા કરી નથી. કોઈની ખુશામત કરી નથી. કોઈની પીઠ પાછળ વાત નથી કરી અને મારાથી મોટી ઉંમરના વોચમેનને પણ આદરથી બોલાવ્યા છે. બસ…કોઈ ભૂલચૂક થઇ હોય તો પણ એનો ભારોભાર પસ્તાવો કર્યો છે. ક્યારેય નાત-જાત કે ઊંચ-નીચ જોઈ નથી. જ્ઞાનના આધારે દરેકને જોયા છે અને જેનામાં જ્ઞાન ન દેખાયું એની મજાક નથી કરી. મારે માટે આ બદલાવ છે. જાતનો બદલાવ. 🙂
આજે પચીસ પુરા થયા છે. હવે કદાચ બીજા વીસ નીકળશે. મને મોત જલ્દી આવતું હોય એવું લાગે છે. મારી એક દિલોજાન દોસ્તને કહી દીધું છે કે જે દિવસે હું મરું એ દિવસે મારા શરીરને મારા ગામના સ્મશાનમાં લઇ જજો અને સ્મશાનની પાછળના ભાગમાં નદી નજીક એક કબર બનાવીને મને દાટી દેજો. બાળતા નહી. લાકડા બગાડવા નથી. મારી કબર પર એક પથ્થર મુકીને એના પર એક જ વાક્ય લખજો: “He was the greatest writer on mother earth” 🙂 ના…આ હવા નથી. બસ…સપનું છે. ખતરનાક સપનું છે અને પૂરું ન થાય એ જ ભલું છે, જોકે હું પૂરું કરવા મથતો રહીશ. આવા સપનાઓ પુરા કરવા બસ મારે અંતરના અવાજને અનુસરતા રહીને લખતા રહેવાનું છે. પણ જેને કહું એ હસી પડે છે, એટલે હું આ મારા પરિચયમાં જ આ વાક્ય દરેકને કહી દઉં છું: Hi, I am Jitesh Donga, The greatest writer on mother earth! સામે વાળો હસી પડે છે. મને મોજ ચડે છે. 🙂
જેમ જલ્દીથી મરવાનો છું એ અહેસાસ થાય છે એમ બાથ ભરીને જીવી લેવાનું મન થાય છે. એકલો રખડવા નીકળી જાઉં છું. રાક્ષસની જેમ હસું છું. બાથરૂમમાં નાચું છું. રસ્તા પર મોટે-મોટેથી ગીતો ગાઉં છું. મારી બા ની તબિયત ખરાબ રહે છે. તેની ચિંતામાં એકલો-એકલો રડી લઉં છું. ભરપુર રડી લઉં છું. કાળી મહેનત કરવા જાતને કહ્યા કરું છું. સફળતા તો આવશે અને જશે, પરંતુ લખવામાં મને મોજ ચડે છે. લખતા-લખતા હું ગાંડો થઇ જવા માંગું છું. હું મોજ માટે સ્વાર્થી માણસ બની ગયો છું. લાઈફને થોડા વર્ષ બાકી રહ્યા હોય એમ કમ્પ્રેસ કરીને દરેક મોમેન્ટ જીવું છું. બસ… એમ જ…જીવાઈ જાય છે.
આ ધરતી પર હું પચીસ વર્ષ જુનો થયો છું. શક્ય હોય એટલું પ્રમાણિક રહીને જીવ્યો છું અને ખરા અર્થમાં વિશ્વ-માનવ બનવા પ્રયત્નો કર્યા છે. કેમ? કેમકે અંતે હું અહિયાં કશું જ નથી. કાર્લ સાગન કહે છે એમ: તમે પુરા બ્રહ્મમાં રેતીના કણ જેવા છો. એવું કણ જે કશું જ નથી પણ ઘણુંબધું છે!
*
આંખો ખોલું છું. ભૂતકાળની ફિલ્મ કટ થઇ જાય છે. ચહેરા પર મુસ્કાન આવે છે. આજે પચીસ પુરા થઇ ગયા છે.
ફરી આંખો બંધ કરી દઉં છું. મારી ભવિષ્યની જાતને વિચારવા પ્રયત્ન કરું છું. કશું જ દેખાતું નથી. દેખાવું પણ ન જોઈએ.
લેપટોપ લઈને આ લખવા બેસું છું.
બધા જ બર્થડે વિશ કરનારાઓને સલામ. આઈ લવ યુ ટુ … 😉
(મારી ટાઈમ-લાઈન અને મેસેજીસમાં આજે ખુબ બધી વિશ છે. જો દરેકના જવાબ ન આપી શકું તો મોટો માણસ બની ગયો છે એમ સમજીને માફ કરજો. 😉 બધાનો દિલની આભાર 😀 )
Aeeee 14 diwas pachhi Happy Birthday..
Janam diwas ni khub khub vadhi..
LikeLike
Dear sir…
Tame tamari jindgi Pasi kabar lakhva mate nu vakya(sentence) Sha mate English ma lakhavo so…..
LikeLike