ટોઇલેટ.
ગુજરાતીમાં સંડાસ.
મારી પ્રિય જગ્યા!
એમાં પણ ઇન્ડિયન બેઠું ટોઇલેટ… અહાહા…ત્યાં જે ફોર્સથી ત્યાગ કરી શકો એ ફોર્સ તમને વેસ્ટર્નની અંદર ક્યારેય ન મળે. 😛
અને ઇન્ડિયન બેઠા ટોઇલેટ કરતા પણ પાવરફૂલ છે: કુદરતના સાનિધ્યમાં થતો ત્યાગ! ખમ્મા ખમ્મા…મેં અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ એકએક વાર આ આનંદ માણેલ છે: ૧) ખેતરમાં ૨) ઘરની પાછળ ઉથરેટી હતી ત્યાં અને ૩) નદી કિનારે 😀 😉
સૌથી શ્રેષ્ઠ નદી કિનારો હોય છે….કારણકે પાણી ત્યાં પુષ્કળ હોય છે. મારે પુષ્કળ પાણી જોઈએ. એ સિવાય મજા ન આવે. 🙂
પણ ટોઇલેટ કોઈની પ્રિય જગ્યા કઈ રીતે હોઈ શકે? 🙂
હા…એક કારણ એ પણ છે કે ટોઇલેટ જઈને જયારે બહાર નીકળું ત્યારે મને જગતનું એક સનાતન સત્ય સમજાય છે કે : ” આ જગતમાં ત્યાગમા જેવી મજા છે એવી સંઘરવામાં નથી. ”
પણ એ સિવાય ઘણા બધા કારણ છે. સૌથી મોટું: સંડાસમાં મને ક્રિએટીવ વિચારો આવે છે. સાચે. હું એન્જીનીયરીંગ હોસ્ટેલમાં હતો ત્યારે મારી હોસ્ટેલના ટોઇલેટમાં અંતર-સ્ફૂરણા થઇ હતી અને સતત પોણા કલાક સુધી હું બેઠો રહ્યો હતો. આખી નોવેલનો આઈડિયા મને સંડાસમાં આવેલો. એ જ રીતે હાલ જે બીજી નોવેલ લખી રહ્યો છું તેનો આઈડિયા પણ મને વડોદરા મારી રૂમના ટોઇલેટમાં આવેલો. મેં બે વરસમાં ટોટલ બાર નોકરી કરી છે, પણ દરેક નોકરી છોડવાનો વિચાર મને ટોઇલેટમાં આવ્યો છે! નવી નોકરી કેમ શોધવી એ પ્લાનિંગ પણ ત્યાં.
હોસ્ટેલમાં હતો ત્યારે તો વિચારોનો એવો સખત ધોધ આવતો કે હું ટોઇલેટમાં ડાયરી લઈને જ જતો!
થોડી ઉત્ક્રાંતિ થઇ પછી ડાયરી બંધ કરી અને ફોન લેતો જતો. ફોનમાં રેકોર્ડર રાખું અને બહાર કોઈને સંભળાઈ નહી એ રીતે જેટલા પણ વિચારો આવે એને મુદાસર રેકોર્ડ કરી લઉં. મેં ભૂતકાળમાં કરેલા વિચારોના રેકોર્ડીંગના નામ પણ Shitty ideas -1 , Shitty ideas -2 એવા આપેલા!
હા…એ ટોઇલેટ જાણીતું હોવું જોઈએ. અજાણ્યા ટોઇલેટમાં મને કોઈ ક્રિએટીવ વિચાર ન આવે. બસ સ્ટેન્ડ કે રેલ્વે કે મ્યુનિસિપલના ટોઇલેટમાં તો મને પાણી ખતમ થવાનો અને બહાર હાથ ધોવા સાબુ હશે કે નહી એ બે વસ્તુનો ખુબ જ ડર લાગે.
જોકે આજકાલ હું ગમે તે અજાણી જગ્યાએ જાઉં પહેલા ટોઇલેટની ચોખ્ખાઈ જોઈ લઉં અને કોઈને ખબર ન પડે એમ ટોઇલેટમાં જઈને બે-ત્રણ વસ્તુ ચેક કરી લઉં :
૧) પાણી સતત આવવું જોઈએ.
૨) પિચકારી હોય તો એમાં પ્રેશર હોવું જોઈએ
૩) ખૂણામાં ગરોળી ના હોવી જોઈએ. 😛
જો આ ત્રણ માંથી એક ક્રાઈટેરીયા પૂરો ન થતો હોય તો આપડે ત્યાં વધુ રોકાવાનું નહી, અને રોકાવું પડે તો વધુ ખાવું નહી!
ટોઇલેટના ખૂણામાં રહેલી ગરોળીની મને એટલી બીક લાગે કે મારા ગામડે મારા બા કે બાપુજી જ્યાં સુધી સાવરણી લઈને ગરોળી કાઢી ના આપે ત્યાં સુધી આ બંદો છી રોકી રાખે! અથવા ઇન વર્સ્ટ કેસ…પાડોશીને ત્યાં જઈ આવે!
જોકે ટોઇલેટ સાથેની મારી દોસ્તી એટલી જામી છે કે આવું લખતા પણ શરમાતો નથી. તમને પણ કહી દઉં: જીવનના કોઈ પણ નિર્ણયમાં બધાને પૂછ-પૂછ નહી કરવાનું. સવારમાં સંડાસ જવાનું. કોઠો ખાલી થવા દેવાનો. ઉપર છત તરફ જોવાનું, અને જે કઈ પણ વિચાર આવે એને અમલમાં મૂકી દેવાનો. કારણ? કારણકે કોઠા માંથી જે સુઝે એને ‘કોઠાસૂઝ’ કહેવાય. ઈંગ્લીશ માં Intuition! માંહલો ખાલી થયા પછી જે વાત નીકળે એ પેટની વાત કહેવાય. અને પેટમાં છુપાયેલી વાત ખોટી ના હોય!
અને છેલ્લીવાત: કાલે સંડાસમાં જઈને તમે પાકું મને યાદ કરશો.
તસ્વીર: મારા બેંગ્લોરના ઘરનું ટોઇલેટ. સાચું ‘મુક્તિ-ધામ’
Same here..
Sau thi best !dea mane pan toilet ma besi ne j aave chhe..
Ane ae !dea apply kari ne success pan thayo chhu. 😀
LikeLike