અત્યારે હું આ ભાડાની રૂમની બારી પાસે બેઠો છું. મારી આંખો વાદળો ભર્યું કાળું આકાશ પથરાયેલું જોઈ રહી છે. થોડે દુર એક જુના મકાનની દીવાલ પર ઉગી નીકળેલા વડલા પર સુગરી પોતાનો માળો બનાવી રહી છે. જીવન ખાલી-ખાલી લાગી રહ્યું છે. કેમ? ગઈ કાલે મને જોબ માંથી ફાયર કરી દીધો. અત્યારે મને એકલા-એકલા હસવું આવી રહ્યું છે!
યુવાની. ભૂલો ભરેલી. ખબર છે…યુવાની એ ઉંમરની સ્થિતિ નથી, પણ માણસના જીવવાનો અંદાજ છે. યુવાન બળવાખોર હોવો જોઈએ, અને મધ જેવો મીઠો પણ! સમય આવ્યે તે લડવૈયો ઉભો થવો જોઈએ, અને કોઈવાર એક સ્ત્રીની જેમ હીબકા ભરીને રડી શકવો જોઈએ. થોડે મોટેથી રડી શકવો જોઈએ. યુવાન મોજીલો, રંગીલો, ખંતીલો હોવો જોઈએ. તે મહેનત કરે ત્યારે તે મહેનતનો પણ નશો ચડવો જોઈએ. તે જયારે પ્રેમ કરે ત્યારે સામાન્ય જીવનના નિયમો, જ્ઞાતિઓની સરહદો, રીવાજોના રજવાડાને તોડીને પ્રેમમાં પડવો જોઈએ. સમાજ સામે શાંત બળવો એટલે યુવાન. જુના રીવાજો, જૂની શિખામણો, જુના રસ્તાઓ અને જુના સફળતાના મોડેલોને દાટી દઈને એ પોતાની રીતે ક્રિયેટીવ, ઇનોવેટીવ રસ્તાઓ પેદા કરવો જોઈએ.
અત્યારે મારી સામે વાદળો ભર્યું આકાશ છે. થાય છે કે યુવાનીને આ ચોમાસાના વાદળો જેવો ભીનો ગડગડાટ હોવો જોઈએ, અને ઉનાળાના આભ જેવો સન્નાટો પણ. યુવાન આ વાદળોની જેમ આકાર બદલતો હોવો જોઈએ. વાદળોની જેમ તે ગરજતો, વરસતો, ભાગતો, બદલાતો, અને પરિવર્તનને પ્રેમ કરતો હોવો જોઈએ.
ખેર…મારી આંખો સામે અત્યારે પેલો સુગરીનો માળો ભાંગી ગયો. નીચે પડી ગયો. હવે તે પક્ષી નવો માળો ગુંથવા લાગ્યું છે. તે પક્ષી ફરી નવા ગીત ગાઈ રહ્યું છે. શીખી ગયું છે જીવનનો ઉત્સવ મનાવતા. યુવાન જીવનનો ઉત્સવ મનાવી શકવો જોઈએ. ગમે તે ભોગે. ગમે તે ભોગે તે આ સુગરીની જેમ શીખતો હોવો જોઈએ, અને નાની-નાની નિષ્ફળતાઓનો તેને આનંદ હોવો જોઈએ. આ સુગરીની જેમ યુવાન પેશનથી જીવવો જોઈએ. યુવાનને ખબર હોવી જોઈએ કે જે રીતે તે પોતાનો દિવસ પસાર કરશે એજ રીતે તે પોતાની જીંદગી પસાર કરી નાખવાનો છે. એ આખા દિવસમાં એટલું શીખે, જાણે, સમજે…કે સાંજે તેની પાસે એકસેલન્સ હોય. સફળતા પગમાં પડી હોય. યુવાનને સફળતાની તો ઠીક, પણ શીખવાની પડી હોય. પોતાને ગમતું કામ કરીને એ કામનો નશો પોતાની રગ-રગમાં ભરવાની ધૂન ચડી હોય. જો યુવાનને પોતાનું ગમતું કામ ખબર ન હોય તો તેને શોધતા આવડવું જોઈએ.
યુવાનને ખબર હોવી જોઈએ કે પોતાના હૃદયને ગમતી વસ્તુ-કામ શોધવાનો એક જ ઉપાય છે- હજાર કામ કરવા. દરેક કામ પુરા ખંત-ઊંડાણ-પરફેક્શનથી કરવું. ખુશ રહીને કરવું. દરેક કામમાં ઊંડે ઉતરતા તેને કોઈ કામનું ઊંડાણ એટલું ગમી જશે કે તે કામને તે પોતાના હૃદયના ઊંડાણમાં સંઘરીને મોજથી જીવતો થઇ જશે. ખેર…ગમતા કામની ખબર ન પડે તો પણ યુવાન ખુશ હોવો જોઈએ. ગમે તે ભોગે.
તમને ખબર છે…હજુ ત્રણ વરસ પહેલા જ હું ફ્રસ્ટ્રેટ-નિરાશ-રડતો યુવાન હતો. હા, યુવાન વારે-વારે નિરાશ થવો જોઈએ. પોતાની નિરાશાનો ખૂની પણ તે પોતે જ હોવો જોઈએ. ત્રણ વરસ પહેલા મને મારા દિલના અવાજને અનુસરતા આવડતું ન હતું. અંદર કશુંક કરવાની તમન્ના-સ્પાર્ક હતો, પણ દિશા ન હતી. મેં નવા-નવા કામ શરુ કર્યા. કોલેજના ટેક-ફેસ્ટ, કલ્ચરલ-ફેસ્ટમાં ભાગ લીધો. મ્યુઝીક, પેઈન્ટીંગ, ડાન્સિંગ, સ્ટેજ પર્ફોર્મન્સ બધું કર્યું. સ્પોર્ટ્સ, બુક્સ, અને મુવીઝ ઘસી માર્યા. ખુબ રખડ્યો. ન ગમતું છતાં મારા એન્જીનીયરીંગમાં ઊંડું નોલેજ મેળવ્યું. લાઈબ્રેરી જૂની કરી નાખી. નવા સવાલો, નવા જવાબો શોધ્યા. સાલું…ક્યાંયે મજા ન આવી! ફાઈનલી એક દિવસ સવારે હોસ્ટલની બાલ્કનીમાં બેસીને લખવા બેઠો. તેમાં જીવન દેખાયું. હૃદયમાં સ્પાર્ક થયો અને અંદરથી મૂંગો અવાજ આવ્યો- ‘આ કામ જોરદાર છે. મજા પડી ગઈ!’ બસ…દિલનો અવાજ સાંભળ્યો! જીવનનો નવો રસ્તો દેખાયો. યુવાન જીવન શોધતો ફરવો જોઈએ. એ માટે મરણીયા પ્રયત્નો કરતો હોવો જોઈએ. નાની-નાની સ્વીટ નિષ્ફળતાઓ ચાખતો હોવો જોઈએ. યુવાનનું પેટ ઠંડુ, અને છાતી ગરમ હોવા જોઈએ. અને હા…એ ગરમ છાતી અંદર એક હુંફાળું, મસ્તીખોર, ફ્લર્ટ કરી શકે એવી દિલ હોવું જોઈએ!
હા. કેમ નહી? યુવાન ફ્લર્ટ કરતો હોવો જોઈએ. બુઢા થઈને લાઈન મારવી થોડી શરમજનક દેખાશે! પ્રેમ કરતો બુઢો સારો દેખાય, પણ લાઈન મારતો બુઢો ખરાબ. પોતાનું ગમતું કામ શોધવામાં તેને દિલનો અવાજ ખબર ન હોય તો પણ ગમતી છોકરી/છોકરો શોધવામાં ખબર હોવી જોઈએ. પ્રેમની બાબતમાં યુવાની ફૂંકી-ફૂંકીને જીવનારી ન હોવી જોઈએ. યુવાની ફરી-ફરીને પ્રેમ કરી શકવી જોઈએ. યુવાનીને ખબર હોવી જોઈએ કે ઘણીવાર સમય આવ્યે પ્રેમ મરી જતો હોય છે, કારણકે તે ફરીથી જન્મી શકે. દોસ્તી અને ડાર્લિંગ મેં કહ્યું તેમ પેલા વાદળો જેવા જ રહેવાના.
ખેર…એક દિલની વાત કહું? યુવાનમાં બુદ્ધ અને રોમિયો બંને હોવા જોઈએ. યુવાનમાં ભગતસિંહ અને ગાંધી સાથે જીવવા જોઈએ. યુવાનમાં ચાણક્ય અને સરદાર પીગળેલા હોવા જોઈએ. તેની અંદર મધર-ટેરેસા અને હિટલર સમાયેલા હોવા જોઈએ. કવિ અંકિત ત્રિવેદી કહે છે તેમ યુવાનના રુંવાડે રામ અને શ્વાસમાં શ્યામ હોવા જોઈએ!
સામે વરસાદ ચાલુ થઇ ગયો. અરેરે…પેલી સુગરીનો બીજો અધુરો માળો પણ પડી ગયો! એ હારી નથી લાગતી. કદાચ યુવાન હશે. એ રડી રહી હોય એવું લાગે છે. ખેર…એ યુવાન છે…હારવું, રડવું, પડવું, ભાંગવું, પ્રેમ, આંસુ, મુસ્કાન, નિષ્ફળતા, ખુશીઓ, સંઘર્ષ, ઉડાન, મસ્તી, નિરાશા, દુઃખ, સપનાઓ, વાસ્તવ, બળવો, બળાપો, થું…આ બધું જ યુવાનીની ડેફિનેશન આપે છે. ગઈ કાલે હું હારી ગયો. મારે હવે આ પક્ષીની જેમ ફરી માળો બાંધવો પડશે. વધુ મજબુત. વધુ યુવાન.
Just amazing..classic definition of Youth.For me its just like beyond imagination of person’s in depth skills and mind set and heart and thinking power and all..and combination of all these things makes a person into meaningful human being actually which can live life more meaningful , happily and without any kind of fear(freedom for shaping his own life style)…
LikeLike