ઓહ…હા. મને ખબર છે તમને શું વિચાર આવ્યો. મારી પાસે તેમના એકલા ના ખુબ જ ઓછા ફોટો છે, અને તે બધા ફોટોમાં સૌથી બેસ્ટ આ ઉપરનો ફોટો જ છે. તેઓને એક અન-ક્યુરેબલ બીમારી છે: જ્યારે કોઈ ફોટો ક્લિક કરવાનું કહે ત્યારે તેઓ હસી શકતા જ નથી. હું તેમનો ફોટો પાડતી વખતે ગમે તેમ હસાવું તોયે…જ્યારે મારી આંગળી બટન પર મુકાય અને લાઈટ થાય એટલી વારમાં તેઓની સ્માઈલ જતી રહે છે. તેમણે મને એકવાર પર્સનલી કહેલું આનું રહસ્ય: જીતું…હું ખુબ જાડી છું એટલે દાત કાઢી શકતી નથી. મને ફોટો પડાવતા જ શરમ થાય છે!
બા.
શી ઈઝ માય મધર.
હા.
હું તેમને મમ્મી નહિ પરંતુ ‘બા’ કહું છું. નાનો હતો ત્યારે તો ‘બડી’ કહીને ગળે વળગી જતો, અને ‘બડી’ ની ફાંદમાં ફૂંક મારીની ભોપું વગાડતો. હવે બધા મને કહે છે કે તું મોટો થઇ ગયો છે. વેલ…ભોપું તો હજુ વગાડું છું! અને પાછો ક્યારેય તેમને ‘તું’ કહી જ શકતો નથી. બાળપણથી તેમણે હાથે નાખેલું મીઠું મને એમને ‘તમે’ કહેડાવવા મજબુર કરી દે છે.
આજે તો મધર્સ ડે છે…મેં તરત જ મારા એક જ ચોપડી ભણેલા બા ને ફોન કર્યો: “બા…જય શ્રી ક્રષ્ણ”
બા: જય શ્રી ક્રષ્ણ. કેમ આજે સવાર- સવારમાં? (એમને હું રોજે સાંજે ફોન કરું છું. જો સાંજ સિવાય મારો ફોન જાય તો તેમને ઉચકતા પહેલા મારી ઉપાધી ચાલુ થઇ જાય છે!)
હું: બસ એમ જ . આજે મધર્સ ડે છે એટલે કીધું લે બા પાસેથી આશીર્વાદ લઇ લઉં. (વાંચનારની જાણ ખાતર- હું ત્રીજા ધોરણથી શરુ કરીને અત્યાર સુધી જ્યારે પણ સ્કુલ જાઉં કે ઘર બહાર જાઉં એટલે મારા બા-બાપુજીને અંગુઠો સ્પર્શીને જ જતો! અને હમણાં સુધી જ્યારે બાનો જમણો પગ દુઃખતો ત્યારે હું ડાબા પગનો અંગુઠો જ સ્પર્શતો. મને થતું કે જમણા પગને સ્પર્શીશ તો બા ના તે પગ માંથી જે આશીર્વાદ મળશે એને લીધે તેમની પગ ની શક્તિ ઓછી થઇ જશે અને વધુ દુખશે!! )
બા: ઠેક…જે હોય એ…સારું સારું…સુખી થાઓ…ખુબ જ ભણો…અને સો વરસ જીવો.
બસ…આ શબ્દો મેં મારી લાઈફના કેટલાયે વર્ષોથી તેમને રોજે પગે લાગીને સાંભળ્યા છે. દરેક વખતે મને કોઈ અજાણી શક્તિ માથે હાથ ફેરવતી હોય તેવો અનુભવ થયો છે. બા ના આશીર્વાદ લઈને મારો માઈન્ડ સેટ જ બદલાઈ જાય! સ્કુલમાં ક્યારેય બીજો નંબર ન આવ્યો એનું એક કારણ બા ના આશીર્વાદ જ હતા!
પછી તો ફોન પર અમારી રૂટીન સરખા પ્રશ્નો વાળી વાતો ચાલુ થઇ જાય: બા શું કરો છો? બા પગ દુખે છે? બા શેરીમાં બધા શું કરે છે? મારા બાપુજી ગામમાં ગયા છે? બા..બેનુંના શું સમાચાર છે? તમે ખાવામાં ધ્યાન રાખજો હો. તમે પાતળા થાવામાં ક્યાંક પાછા લોહીના ટકા ઘટાડી ડદેતા નહિ. ફ્રુટ ખાજો. વગેરે…વગેરે.
બસ…આવી રોજે સરખી વાતો. આજકાલ જો કે બા મને “જોણ” ચાલુ કરવાનું ખુબ જ કહે છે. કહે છે કે: હવે તારું બાવીસમું વરસ પણ પૂરું થયું. તું ખાલી ક્યાંક સગાઇ કરી લે લગન નહી કરતો બસ? હવે મને અને તારા બાપુજીને એમ થાય છે કે ક્યાંક વેવાઈ બનાવીને એમને ઘરે પણ જઈએ ને. અમને પણ હવે તો બધા પૂછે છે કે જીતું ની ઉમર નીકળી જાશે તો ગામમાં બીજા છોકરાઓની જેમ એકલો રખડશે.
અને હું ‘જોણ’ ની વાત આવે એટલે ગાંડો થાવ છું. બા…હજુ વાર છે. મારી બુક પૂરી થાવા દો. છોકરીઓની લાઈન લાગશે. બા…મારે કોઈ ભણેલ છોકરી જોઈએ છે. હજુ અત્યાર માં નહિ. (તેમને કેમ કહું કે…બા…તમારા છોકરાને આ એરેન્જ મેરેજની સિસ્ટમમાં જ પ્રોબ્લેમ છે. એનાથી મોટો પ્રોબ્લેમ એ છે કે મને લવ પણ ક્યાય થતો નથી! મને બા…કોઈ છોકરી ગમતી જ નથી. અને આ લેખકનું ભુત ભરાયા પછી તો ખાસ રીતે એમ થાય છે કે- બીજા બધાને લવ ની શિખામણ દેવા વાળા આ રાઈટર એરેન્જ મેરેજ કરશે? એટલે બા…હું તમને નાં પાડું છું.)
જો કે મને ખબર છે આ મારું નાટક લાંબુ ચાલવાનું નથી. લગ્ન તો કરવા જ પડશે. મને લવ નહિ જ થવાનો! થશે તો અને એમાં પણ જો બીજી કાસ્ટ ની છોકરી સાથે થશે તો ચેતન ભગત ની જેમ અમારા બે ફેમેલી વચ્ચે લવ ક્રિયેટ કરતા જ અમે બંને બુઢા થઇ જવાના!!
એની વે…ઓવર ટુ મધર્સ ડે.
હું આમ તો ભગવાન વિષે કન્ફયુઝ આદમી છું, અને એમને મારા બા ના કમરના અને પગના દુખાવા સિવાય વધુ યાદ પણ કરતો નથી. એમની સાથે મારે મારા માં-બાપ વિષે એક ફિક્સ કોન્ટ્રાક્ટ છે. માનતા. એ હું નહિ કહું. પણ ખુબ જ મોટી અને વિચિત્ર માનતા માની છે મારા બા-બાપુજી માટે! હજુ ગયા વરસે જ સાળંગપુર વાળા હનુમાનજી સાથે મારા બા ની કમર દુખતી મટી જાય એ માટે ડીલ કરેલી. બોસ…મટી ગઈ! હું ૧૪૮ કિલોમીટર ચાલીને ગયેલો. (હવે વિચારો જો માત્ર મારા બા વિષે દોઢસો કિલોમીટર ચાલવાની ડીલ હોય…તો બા-બાપુજી ભેગા થાય ત્યારે કેવડી હશે ?)
મારા બા ને સાજા કરી દેનારું કોઈ તત્વ છે. જેને હું કુદરત કહું છું. જેના વિષે મારે કહેવું નથી. જે કોઈ સાજુ થઇ રહ્યું છે એને હું મારા ભગવાન કહું છુ. વધુ બીજું કઈ કહેવું નથી!!
જે હોય તે…અત્યારે હું જે લખવા બેઠો હતો એ લખી શક્યો જ નહિ:
“બા…મને ખબર છે તમે એક ચોપડી ભણ્યા છો એટલે મારો બ્લોગ તો નહિ જ ખોલી શકો. આ શબ્દો તો મારી લાગણીઓ બનીને આ ઈન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જવાના છે. હું આમેય મધર્સ ડે પર સારો દીકરો છું એવું જાહેર પણ કરવા માંગતો નથી, કે લેખક છું એટલે જુના લેખકોની જેમ ‘બા’ જેવો ખાસ શબ્દ વાપરીને લોકોને ઈમોશનલ કરવા પણ માગતો નથી. પણ મારે થોડી વસ્તુઓ તમે સાંભળો નહિ તેમ કહેવી છે. મને પડી નથી કે આ બધું વાંચીને લોકો શું વિચારે…છતાં હું તમને આ બધું કહી દઉં છું: બા…હેપી મધર્સ ડે. આવા દિવસો દિવાળીની જેમ ઉજવવા જોઈએ. દીકરાઓએ બેન્ડ વાજા વગાડીને માં ના ઋણ ઉતારવા નાચવું જોઈએ. પબ્લિક ખોટું કહે છે કે મા નું ઋણ ચૂકવાય જ નહિ. કેમ ના ચૂકવાય? માં ને જીવતા જ એવું ક્યારેય અનુભવ ન થાય કે મારા દીકરાએ મારા માટે કઈ કર્યું જ નથી એટલે માં બીજી જ ક્ષણે બધું ઋણ માફ કરી દેતી હોય છે. અને મને તો તમારા ઋણનો ભાર જ ખુબ ગમે છે બા… કેમ ઉતારું?”
૧) કમર નો દુખાવો…કારણ કે સમાજની નજરમાં ચાર દીકરી આવી છતાં દીકરો ન હતો. પહેલો દીકરો જન્મતા સાથે જ ગુજરી ગયેલો. હવે જ્યાં સુધી હું ન આવ્યો ત્યાં સુધી બા ને ગામના મોઢા બંધ કરવા માટે મોટી બહેનોને જન્મ આપવો જ રહ્યો! (આ કડવું સત્ય છે. આપણી બુદ્ધિ વગરની સોસાયટી કેટલીયે સ્ત્રીઓને જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી પ્રોડક્શન બંધ કરવાની આણ આપી દે છે. એ ગુસ્સામાં જ મેં નક્કી કરેલું છે કે- દીકરી હોય કે દીકરા…માત્ર બે. જય ગોપાલ)
૨) પગ નો દુખાવો…સાત આઠ કિલોમીટર દુર ખેતરે રોજે ભાત દેવા જવાનું. પાંચ બાળકો સાચવવાના. ઉપરથી એક વીઘામાં પથરાયેલું ઘર સંભાળવાનું. હવે કઈ? વુમન એમ્પાવરમેન્ટ? રાહુલ ગાંધીને જ ખબર હશે. મારા બા ને નહી.
૩) હિમોગ્લોબીન કમી: શું કરો…આખા ચાર- ચાર મહિનાના એક ટાણા કરવાના!! ઉપરથી ચાર સાસરે ગયેલી છોકરીઓ ની ઉપાધી. વળી એમાં એક વરસમાં છ-સાત નોકરી ફેરવી ચુકેલા અને હવે તો છોકરી જોવાની નાં પાડતા છોકરાની ઉપાધી. એમાયે હજુ બીપી ઓછું રાખવા ખાવામાં કઈ જ નહિ! મને તો આજકલ બા રોજે પૂછે છે કે નોકરી ફેરવી નથી નાખીને? ફટાફટ બુક છાપી નાખ એટલે છોકરી જોતા થઈએ. અને હું બુક કમ્પ્લીટ થઇ ગયેલી બુક હજુ પબ્લીશ કરવાની છે એમ કહીને છટકી જાવ છું (જો કે બુક સાચેજ પૂરી થઇ ગઈ છે. હવે એકવાર એક મહિનો તો વેઇટ કરો. પ્લીઝ )
૪) સો કિલો આસપાસ વજન: જીવન ભર દવાઓ પીઈ-પીઈને થયું છે. બસ. અને આજકાલ મને કહે છે કે હું વજન ઓછું કરવા પાછા એકટાણા કરવાની છું. મેં પૂછ્યું કેમ હવે? તો કહે છે કે નવી વહુને પોખવામાં ફોટામાં સારા આવે એટલે!! (વહુ શબ્દ સાંભળીને મારું બીપી વધે છે!
૫) હા તો? : તો એ જ કે આટલું બધું કરનાર વ્યક્તિના દિવસો ઉજવવા તો ઠીક…તેમની રોજે પૂજા થવી જોઈએ. એ જ તો ભગવાન છે. ક્યાં શોધીશું બીજા ભગવાનને? ચલો…ચાલો…આવું બધું વાંચીને હસતા પહેલા તમારા ‘બા’ ને ફોન લગાવો અને આશીર્વાદ માગીલો. બોસ…સાચું કહું છું…આવતા જન્મમાં શું બનવું છે એમ માગવાનું ભગવાન કહે તો હું તો તેમનો કાઠલો ઝાલીને કહી દઉં: એ ગોડ…આ ઉપર ફોટામાં દેખાય છે એના પેટમાંથી જ જન્મ થાય એવી સો વરસની ક્લોઝ લુપનું પ્રોગ્રામિંગ સેટ કરી દે. નહિ તો મારે માટે ભગવાનનું બીજું સ્વરૂપ એક ફોન-કોલ જ દુર બેઠું હશે. હેપી મધર્સ ડે…
mane mara Bhabhu yaad avi gaya.. e aam j photo padavati vakhte ya to gambhir thay jay.. ya to sav nichu joi jay..hehe 🙂
LikeLiked by 1 person
🙂
LikeLike
🙂
LikeLiked by 1 person
Mind blowing. koi na antar na shabdo utarya hoy ne te vanchavani, nahi anubhavava ni maja j adbhut hoy chhe.
LikeLike
Sir tamne vanchi ne kevu feel thay khabar che? AA jitesh sir ne nathi vanchta….aa amari andar no j awaj che jene sundar maja na shabdo na vastr aapni taraf thi madela che…jyare aa article vanchyo tyare evuj feel thayu k darek santan maa mate aaj lagni rakhto hase…😃
LikeLike