Introduction of my Debut Novel.

મને આ કહાની લખવા માટેનું કઠણ કાળજું આપનારા

મારા સાક્ષાત પરમાત્મા સમાન સર્જનહાર એવા મારા

માતા-પિતા ને અર્પણ…

               પ્રસ્તાવના

હું આ દુનિયા માં જન્મી ને સડતા- ગંધાતા માણસોને જોઈ રહ્યો છું. એમના જીવન માત્ર અમુક સારી બનેલી ઘટનાઓ ની યાદો નો ઉકરડો બની ને રહી જતા હોય એવું મને લાગે છે. આ લોકો ચંદ્રકાંત બક્ષી કહે છે તેમ દિલ ફાડી ને જીવી શકતા નથી. પોતાના જીવન નો મોટો ભાગ જ્યારે આપણે કામ કરવા માં વિતાવીએ છીએ ત્યારે આ બધી ફ્લોપ જિંદગીઓ તેઓ જે કામ કરે છે તેને ધીક્કારવામાં અને બળતરા કરી કરી ને દિવસ પસાર કરવામાં મશગુલ રહે છે. તેઓ આવા બોગસ કામની પાછળ બગાડેલા કલાકો અને દિવસો ની સાર્થકતા દર મહિનાને અંતે મળતા પગાર ની નોટો માં જુએ છે. આ બધા માણસો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેતા ટોળા માં જન્મીને ટોળા માં ભરાઈ રહેલા નપુંસક ઘેટાઓ છે. જ્યારે તેમની કહાની પૂછો તો તે પાંચ વાક્યો માં ખતમ થઇ જાય છે. તેમને જ્યારે તેમને ખબર નથી એવી ફ્લોપ-લાઈફ નું કારણ પૂછો ત્યારે છાતી ફુલાવીને કહે છે કે ‘સમાજ માં રહેવું હોય તો આવું બધું કરવું પડે…સમાજ ની નજરો માં નીચે પડી જઈએ…તમે બધા મોટા થશો એટલે ઠેકાણે આવી જશો.’

એક યુવાન માટે આવા જવાબો સામે ગળા માંથી એક જ અવાજ નીકળવો જોઈએ: થું…..!

આ પબ્લિક એ  નથી સમજતી કે જે સમાજની નજરો માં સારા દેખાવાની અને સૌને ખુશ રાખવાની તેઓ કોશિશ કરી રહ્યા છે તે સમાજ આંધળો છે…અને બહેરો પણ. કારણ કે એ આખો સમાજ તમારા જેવા બોગસ બહેરા થી જ તો બન્યો છે! તે માત્ર તમને સુંઘે છે, અને તમારી સફળતા ની સુગંધ પારખીને બળતરા અને તમારી નિષ્ફળતાની વાસથી ખીલખીલાટ કરવા ટેવાયેલો છે. હું જ્યાં-જ્યાં નજર કરું છું ત્યાં આવા ડરપોક મળે છે. બધા નથી હોતા પણ મેજોરીટી એમની જ છે. આ બધા જ તો વળી અડધા સળગેલા લાકડાની જેમ ધુમાડીયા બનીને સમાજનો માનસિક વિકાસ અટકાવી બેસે છે. આ લોકોની વાસી જીંદગી જ તેમને માટે તેમના ખુદ ના સર્જેલું સત્ય છે, એટલે આ બધા આવનારી પેઢીઓને- જનરેશનને એ માર્ગે દોરતા જાય છે. આ ગંધાતી પબ્લિક શોપિંગ કરવા જતા હોય તેમ છોકરી જોવા જાય છે, કૃત્રિમ પ્રેમ જગાડે છે, પરણી ને સ્થિર થાય છે, સંતાનોમાં છોકરો થાય ત્યારે પ્રોડક્શન અટકાવે છે, થોડા સારા કામ થાય તો ઠીક બાકી ‘કમાવામાં’ જ બધું જાય છે. અને આ બધું જ જોઇને મારું હૃદય દુભાય છે!

સનાતન સત્ય કઈંક બીજું હશે પણ આ મારું સત્ય નથી જ. આ માણસો ને હું ધિક્કારું છુ. તેમના દિમાગ તેમને ન ગમતા યંત્ર-વત કામો કરવામાં કાલ્પનિક રીતે સુખી થઇ રહ્યા છે. તેમના માટે સુખ એટલે સાંજે થાકીને ઘરે આવ્યા પછી જમીને સુઈ જવું અને રજાના દિવસોની રાહ જોવી. રજા મળ્યે કમાયેલા રૂપિયા ઉડાડીને બનતી મોજ કરી લેવી. પ્રેમ-પેશન-પરિવર્તન કશુજ નહિ! તમે વળી એક્સક્યુઝ આપો છો કે અમે કુટુંબ ને નિભાવ્યું છે! એતો જનાબ જંગલ નુ કુતરું પણ કરે છે. હા…તમે કર્યું તે રીતે કઈ ખોટું નથી પરંતુ જે અંદરની- ખુદની નાગાઈ છે તેનેતો તમે લાઈફ-ટાઈમ છુપાવી જ છે. પોતાને ગમતું કામ કરવામાં ક્યારેક નિષ્ફળ થઈને ક્યારેક રસ્તે રજળવું પડે તો સમાજ માં નાક કપાવાનું નુકસાન દેખાય છે. ક્યારેક અલગ રસ્તો અનુસરીને ભાગ્યમાં ભૂખ્યા રહેવાનું આવેતો જિંદગીની ખુવારી દેખાય છે.

મારે એવી માનવજાત જોવી છે જે સરહદો તોડીને પ્રેમ કરે, જે રીવાજો તોડીને આગળ વધે, જે સંઘર્ષ-સાહસ ને ચાહે અને છાતી ઠોકી ને કહે કે ‘હું મારું ગમતું કામ કરીને પરિવાર ને ખવરાવું છું. હારું છું, પડું છું, પણ મારા આદર્શો ને લાકડી બનાવીને જ વારંવાર ઉભો થાવ છું.’ એવા માણસો કે જે પોતાના છેલ્લા શ્વાસ લેતી વખતે જ્યારે પોતાની મસળીને જીવેલી જિંદગીને યાદ કરે ત્યારે અફસોસ નાં કરવા જોઈએ. જેમને પોતાના જીવેલા સુખ કરતા ઘસારાનો- દુખ નો વધુ રોમાંચ હોવો જોઈએ. જેને પોતાની છેલ્લી વિતાવેલી મીનીટનો પણ સારા ઉપયોગનો હિસાબ હોવો જોઈએ.જેઓ ખુશ હોય ગમે તે ભોગે!

હું જોઉં છું આવું જીવતા મહાન લોકોને, પરંતુ તેઓ મારી આંગળીનાં કાપાઓ ની અંદર ગણાય જાય છે. આવું જીવી ગયેલા પણ ઘણા છે પણ મારે આખો જમાનો જોવો છે! મને દિવસે દેખાતો સમાજ અને રાત્રે સપનામાં દેખાતો સમાજ અલગ છે. મારે પેલા સપનાઓમાં જીવવું છે. હું જીવીને દેખાડીશ. મારા પાત્રો એવું જીવી ને દેખાડશે. મારા પાત્રો કોઈ ફ્લોપ-બોગસ માણસો નથી પણ રીવાજો તોડીને આગળ આવેલા, ઘણા ભૂંસાઈ ગયેલા મારા સપના ના કિરદાર છે.

હું બાવીસ વરસનો એક યુવાન (સાચા અર્થમાં યુવાન!) અને બળવાખોર લેખક છું. હજુ જેને માટે પોતાના સપનામાં દેખાતો સમાજ રચવાનું બાકી છે. મારું સ્વપ્ન ગાંડું છે એ મને ખબર છે…પણ તોયે એ તમને કહી શકું એટલી હિમ્મત છે ખરી! મારી આ કહાની આપણા આવા સમાજ નું પ્રતિબિંબ છે. હા. હું આ પાત્રો નું પ્રતિબિંબ છું. મારા લખેલા આ બધા જ શબ્દો એ અત્યારના સમય નું પ્રતિબિંબ છે. મેં લખેલી ગાળો પણ અત્યારે બોલાતી ગાળો છે. અને મને આ બધું મારા રીડર દોસ્ત ને વંચાવી ને કોઈ માનસિક નુકસાન કરતો હોઉં એવું લાગતું નથી. મેં મારો લેખક ધર્મ નિભાવ્યો છે. વાચક પોતે પોતાનો ધર્મ નિભાવે તેની અપેક્ષા રાખું છુ. જો યોગ્ય ના લાગે તો મારી આ બુક શાંતિથી મૂકી દેવી, યા તો બાળી નાખવી, યા તો ટીશ્યુ પેપર ની જેમ વાપરી લેવી. છેવટે વાંચક નો ધર્મ એક જ છે: પૈસા વસુલ કરવા.

જય લિટરેચર…!!!

લી. જીતેશ દોંગા.

Advertisements

4 thoughts on “Introduction of my Debut Novel.

  1. very impressively written . Looking forward to your debut novel . I feel that, somewhere in the sky , your dream-society and my dream-society coincide, merge into each-other. I have the same dream about a new society , where people believe in – ” Utsav aamaar jaati, Anand aamaar gotra… ” I hope to see those rebellious young bloods as characters of your novel . Be honest to yourself, and write what you feel , not what others would like to read . Wish you all the best . (Y)

    Liked by 1 person

  2. Looking forward to your book Jitesh! I read about it on Vaibhav’s fb page..I wrote thr & writing here too..I will buy you book 🙂 All the best!

    Liked by 1 person

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s